ઓખાહરણ બુક
ઓખાહરણ
બુક ઉપર ક્લિક કરો
ઓખાહરણ
પરિચય
મહાકવિ પ્રેમાનંદ કૃત ઓખાહરણની શરૂઆત ગણેશ સ્તુતિથી થાય છે અને ત્યાર પછી કુલ ૯૩ કડવામાં કથા વહેંચાયેલી છે. ઓખાહરણ એ ગુજરાતી ભાષાના આખ્યાન સાહિત્ય પ્રકારમાં ગણાય છે. આથી આ રચના પદ્ય રચના હોય છે. દરેક કડવું (પ્રકરણ) ચોક્કસ પ્રકારના રાગમાં ગાવાનું હોય છે. આખ્યાનકારો આ પ્રકારે આ આખ્યાનનું ગાન કરે છે. રાગની વિગત પણ દરેક કડવા સાથે આપેલી છે. અહીં આખ્યાનના પ્રકરણો માટે "કડવું" શબ્દ વપરાયો છે. જેનો ઉચ્ચાર "કડ઼વું" (કળવું) એમ થાય. જેની વ્યુત્પત્તિ જોતાં જણાય છે કે, મૂળ સંસ્કૃત શબ્દ "કટ" એટલે કે ’બાજુ’ પરથી; ’એક આખ્યાનનો અકેકો ભાગ; પ્રકરણ; અધ્યાય’ એમ અર્થ થાય છે. બીજી વ્યુત્પત્તિ સંસ્કૃત શબ્દ "કલાપ" મળે છે. જે પરથી તેનો અર્થ; ’એક જ રાગના કાવ્યની કેટલીક કડીઓના સમુદાય; કવિતાનું એક નાનું પ્રકરણ; એક પ્રકારનો કાવ્યપ્રબંધ’ એમ થાય છે. કડવાની બધી લીટી એક જ રાગમાં ગવાય.
કથાસાર
આ આખ્યાનનો સાર ટૂંકમાં જોઈએ તો, દૈત્યરાજ બળિ (બલિરાજા)નો પુત્ર બાણાસુર તપ વડે મહાદેવને પ્રસન્ન કરી અને બળવાન બને છે તથા મહાદેવ તેને પુત્રવત સન્માન આપે છે. બળના મદમાં બાણાસુર સર્વલોકે હાહાકાર મચાવે છે અને અંતે તેની સામે લડવા વાળું કોઈ ન રહેતા સ્વયં મહાદેવને પોતાની સાથે લડવા આહવાન કરે છે. અંતે શિવ તેને વચન આપે છે કે હું નહિ પણ મારું સંતાન તારી લડવાની ઇચ્છા પૂર્ણ કરશે. પણ ત્યાં સુધી તું રાહ જો. ત્યાર પછી ગણેશના જન્મની પ્રસિદ્ધ કથાનો અહીં સમાવેશ થયો છે. ગણેશની સાથે જ પાર્વતી દ્વારા એક પુત્રી પણ ઉત્પન્ન કરાયાની અને જ્યારે શિવ તપ કરી ઘરે આવે છે ત્યારે ગણેશ સાથેના યુદ્ધ, શિરચ્છેદ અને પુત્રીનું ડરને કારણે છૂપાઈ જવાની કથા છે. આ પુત્રી તે "ઓખા". જેને પોતાના ભાઈની વહાર કરવાને બદલે ડરપોક બની છૂપાઈ જવાની સજારૂપે પાર્વતી દ્વારા દૈત્ય વંશમાં જન્મનો શાપ મળે છે. અંતે ઓખાની કાકલૂદીથી પીગળી પાર્વતી તેને દૈત્યકુળમાં જન્મ છતાં દેવકુમાર સાથે લગ્ન થવાના અને તત્પશ્ચાત પોતાના દ્વારા તેનો સ્વીકાર થવાના આશીર્વાદ આપે છે.
આ ઓખા દૈત્યરાજ બાણાસુરને ત્યાં પુનઃજન્મ પામે છે. અને ઓખાના જન્મ સમયે આકાશવાણી દ્વારા બાણાસુરને ચેતવણી મળે છે કે, આ કન્યા દેવકુમારને પરણશે અને તે પરણશે ત્યારે જમાઈ દ્વારા તારા બળના અભિમાનનો નાશ થશે. તારા બાહુઓ છેદાશે. ઓખાને કદી પરણાવવી જ નહિ તેવા સંકલ્પ સાથે તેને પ્રધાનની કન્યા ચિત્રલેખા સાથે એકદંડિયા મહેલમાં, સઘળી રાજસી સુખ સુવિધાઓ સાથે એકાંતવાસ આપી દેવામાં આવે છે. ઓખા યુવાનીમાં આવે છે. સ્વપ્નમાં પોતાના થનાર પતિનું દર્શન કરે છે. ચિત્રલેખા, જે ચિત્રકલામાં પ્રવિણ છે, દેશદેશાંતરના રાજકુમારોના ચિત્ર બનાવી બનાવી ઓખાને બતાવે છે અને અંતે એ નક્કી થાય છે કે જે ભાવિ ભરથારના ઓખાએ સ્વપ્નમાં દર્શન કર્યા તે દ્વારિકાના રાજા શ્રી કૃષ્ણનો પૌત્ર અનિરુદ્ધ. અને પછી સખી ચિત્રલેખા દ્વારિકા નગરી માંહેથી રાજકુમાર અનિરુદ્ધનું, ઊંઘમાં પોઢેલા અનિરુદ્ધનું, અપહરણ કરે છે અને ઓખાને ઓરડે લાવે છે. ઓખા-અનિરુદ્ધના છાનામાના લગ્ન થાય છે. જાણ થતા બાણાસુર કાળઝાળ બની અનિરુદ્ધ પર ત્રાટકે છે. સંઘર્ષ પછી અનિરુદ્ધ કેદમાં પડે છે. અનિરુદ્ધની વહારે કૃષ્ણ તો પોતાના ભક્ત બાણાસુરની વહારે શિવ આવે છે. શિવ અને કૃષ્ણના યુદ્ધની કથા છે. અંતે સૌ સારાવાના થાય છે. બાણાસુરનો મદ ભાંગે છે, કૃષ્ણ શિવ વચ્ચે સૂલેહ થાય છે અને ઓખા-અનિરુદ્ધ ગૃહસંસાર માંડે છે. આ બધું કવિ પ્રેમાનંદની કાવ્યાત્મક આખ્યાન શૈલીમાં અહીં વાંચવા મળશે. અને અંતે, હરણ (અપહરણ) તો અનિરુદ્ધનું થયું છતાં કહેવાયું ઓખાહરણ !
અનુક્રમણિકા
સ્તુતિ
શ્રી ગણેશાય નમઃ
મહાકવિ પ્રેમાનંદ કૃત
ઓખાહરણ
શ્રી ગણેશજીની પ્રાર્થના
રાગ આશાવરી
એક નામ મુજને સાંભર્યું, શ્રી ગૌરીપુત્ર ગણેશ;
પાર્વતીના અંગથી ઉપન્યો, તાત તણો ઉપદેશ. (૧)
માતા જેની પાર્વતી ને, પિતા શંકરદેવ;
નવખંડમાં જેની સ્થાપના, કરે જુગ ભુતળ સેવ. (૨)
સિંદુરે શણગાર સજ્યા, ને કંઠે પુષ્પના હાર;
આયુદ્ધ ફરસી કર ધરીને, હણ્યા અસુર અપાર. (૩)
પહેલા કરમાં જળકમંડળ, બીજે મોદિક આહાર;
ત્રીજા કરમાં ફરસી સોહીએ, ચોથે રે જપમાળ. (૪)
ચાલો સહિયરો દેરે જઈએ, પૂજીએ ગણપતિરાય;
મોટા લીજે મોદિક લાડુ, લાગીએ શંભુસુતને પાય. (૫)
એવા દેવ સાચા મુનિવાચા, પૂરે મનની આશ;
બેઉ કર જોડી કહે જન વૈષ્ણવ, દાસ તણો જે દાસ. (૬)
કડવું-૧
કડવું-૧
શ્રી અંબાજીની પ્રાર્થના
આદ્યશક્તિ મા અંબા પ્રગટ્યાં, જ્યાં પવન નહિ પાણી;
સુરીનર મુનિજન સર્વ કળાણા, તું કોણે ન કળાણી. (૧)
તારું વર્ણન કેઈ પેરે કરીએ, જો મુખ રસના એક;
સહસ્ત્રફેણા શેષનાગને, મા ! તોયે ના પામ્યો શેષ. (૨)
જુજલાં રૂપ ધરે જુગદંબા, રહી નવખંડે વ્યાપી;
મહા મોટા જડમૂઢ હતા મા, તેમની દુરમત કાપી. (૩)
ભક્તિભાવ કરી ચરણે લાગું, મા આદ્યશક્તિ જાણી;
અમને સહાય કરવા તું સમરથ, નગરકોટની રાણી. (૪)
તું તારા ત્રિપુરા ને તોતળા, નિર્મળ કેશ રંગે રાતે;
બીજી શોભા શી મુખ કહીએ, રચના બની બહુ ભાતે. (૫)
હંસાવતી ને બગલામુખી, અંબીકા તું માય;
ભીડ પડે તમને સંભારું, કરજો અમારી સહાય. (૬)
મા સેવક જન તારી વિનતી કરે, ઉગારજો અંબે માય;
બ્રહ્મા આવી પાઠ કરે, વિષ્ણુ વાંસળી વાય. (૭)
શિવજી આવી ડાક વગાડે, નારદજી ગુણ ગાય;
અબીલ ગુલાલ તણા હોય ઓચ્છવ, મૃદંગના ઝણકાર. (૮)
સિંહાસન બેઠી જુગદંબા, અમૃત દૃષ્ટે જોતી;
સોળે શણગાર તેં સજ્યા મા, નાકે નિરમળ મોતી. (૯)
ખીર ખાંડ મધ શર્કરા, આરોગો અંબામાય;
અગર કપુરે તારી કરું આરતી, સેવકજન શિર નમાય. (૧૦)
તું બ્રહ્માણી તું રુદ્રાણી, તું દેવાધિદેવા;
સકલ વિશ્વમાં તું છે માતા, કરું તારી સેવા. (૧૧)
માના શરણ થયા પ્રતિપાલ, પહોંચી મનની આશ;
કુશળક્ષેમ રાખજો મા સર્વને, એમ કહે ત્રિપુરાદાસ રે. (૧૨)
કડવું-૨
કડવું ૨જું
શુકદેવજી ઓખાહરણની કથા કહે છે
રાગ કોદરો
હું તો શ્રી પુરુષોત્તમ શિર નામું, હું તો સકળ પદારથ પામું;
વામું વામું રે, દુઃખ સકળ કુળીવર તણાં રે.
રાગ ઢાળ
દુઃખ સકળ વામું કુળીવરના, સુણતાં પાતક જાય;
ઓખાહરણ જે સાંભળે, મહારોગ થકી મૂકાય. (૧)
તાવ, તરીઓ એકાંતરીઓ, ન ચઢે તેની કાય;
ભૂતનો ભણકારો તેને, ન આવે સ્વપ્નામાંય. (૨)
પરીક્ષિત પૂછે કહોને શુકજી, ઓખાનો મહિમાય;
કોણ રીતે થયો, ઓખા અનિરુદ્ધનો વિવાય. (૩)
પ્રથમથી તે નવમે સુધી, કહ્યા મને નવ સ્કંધ;
હવે દશમની કહો કથા, જેમ ઉપજે આનંદ. (૪)
હરિએ વૃંદાવનમાં લીલા કીધી, વાયો મધુરો વંસ;
પ્રથમ મારી પુતના ને, પછી પછાડ્યો કંસ. (૫)
પછી પધાર્યા દ્વારિકામાં, પરણ્યા છે બહુ રાણી;
સોળ સહસ્ત્રશત રાણી તેમાં, અષ્ટ કરી પટરાણી. (૬)
તેમાં વડાં જે રુક્ષ્મણી, પ્રદ્યુમન તેના તન;
પ્રદ્યુમનના અનિરુદ્ધિ કહિએ, કર્મ કથા પાવન. (૭)
આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા, મરીચી જેના તન;
મરીચીના સુત કશ્યપ કહીએ, હિરણ્યકશ્યપ રાજન. (૮)
વિષ્ણુભક્ત પ્રહલાદ તેને, વહાલા શ્રીભગવંત;
પ્રહલાદનો સુત વિરોચન, બળીરાય તેનો તન. (૯)
બળિતણો સુત બાણાસુર, જેનું મહારુદ્ર ચરણે મન;
એક સમે ગુરુ શુક્ર આવ્યા, ત્યારે બોલ્યો વચન. (૧૦)
અહો ગુરુજી, અહો ગુરુજી, કહોને તપમહિમાય;
શુક્ર વાણી બોલિયા, તું સાંભળને જગરાય. (૧૧)
ત્રણ લોકમાં ભોળા શંભુ, આપશે વરદાન;
મધુવનમાં જઇ તપ કરો, આરાધો શિવ ભગવાન રે. (૧૨)
કડવું-૩
કડવું ૩જું
બાણાસુરનું તપ - શિવે આપેલ વરદાન
રાગ:ઢાળ
રાય તપ કરવાને જાય રે, એ તો આવ્યો મધુવનમાંય રે;
કીધું નિમજ્જન સ્નાન રે, ધરિયું શિવજી કેરું ધ્યાન રે. (૧)
રાય બેઠો છે આસન વાળી રે, કર જમણામાં જપમાળા ઝાલી રે;
માળા ઘાલ્યા સુગ્રીએ કાન રે, તોયે આરાધે શિવ ભગવાન રે. (૨)
રુધિર માંસ સુકાઇ ગયું રે, શરીર સુકાં કાષ્ટવત થયું રે;
મહાતપીઓ કેમે નવ બોલે રે, એના તપથી ત્રિભુવન ડોલે રે. (૩)
વળતી બોલ્યા શંકરરાય રે, તમે સાંભળો ઉમિયાય રે;
એક અસુર મહાતપ સાથે રે, મારું ધ્યાન ધરીને આરાધે રે. (૪)
કોણ કહીએ જેના બાપ રે, તે તો માંડી બેઠો મહાજાપ રે;
તમે કહો તો વરદાન આપું રે, કહો તો પુત્ર કરીને થાપું રે. (૫)
વળતાં બોલ્યાં રુદ્રાણી રે, મારી વાત સુણો શૂલપાણી રે;
દૂધ પાઇને ઉછીરીએ સાપ રે, આગળ ઉપજાવે સંતાપ રે. (૬)
ભેદ ભસ્માંગદનો લહ્યો રે, વરદાન પામીને પૂંઠર થયો રે;
વરદાન રાવણને તમે આપ્યાં રે, તેણે જાનકીનાથ સંતાપ્યાં રે. (૭)
માટે શી શિખામણ દીજે રે, ભોળા રુડું ગમે તે કીજે રે;
વળતાં બોલ્યા શિવરાય રે, તમે સાંભળો ઉમિયાય રે. (૮)
સેવા કરી ચઢાવે જળ રે, તેની કાયા કરું નિરમળ રે;
સેવા કરી ચઢાવે સુગંધ રે, બુદ્ધિ કરું ધનધન રે. (૯)
જે કોઈ ચઢાવે બિલિપત્ર રે, તેને ધરાવું સોનાનું છત્ર રે;
સેવા કરી વગાડે ગાલ રે, તેને કરી નાખું ન્યાલ રે. (૧૦)
નારી પાનીએ બુદ્ધિ તમારી રે, આપતાં નવ રાખીએ વારી રે;
હું તો ભોળાનાથ કહેવાઉં રે, હવે કપટીનાથ કેમ થાઉં રે. (૧૧)
એવું કહીને ચાલ્યા ભોળાનાથ રે, મૂક્યો બાણાસુર શિર હાથ રે;
તું તો જાગ્ય બાણાસુર રાય રે, તને વરદાન આપે શિવરાય રે. (૧૨)
હું તો જાગું છું મહારાજ રે, આપો શોણિતપુરનું રાજ રે;
શિવ માગું છું વારંવાર રે, મને આપો કર હજાર રે. (૧૩)
કર એકેકો એવો કીજે રે, દસ સહસ્ત્ર હસ્તીતણું બળ દીજે રે;
અસ્તુ કહીને શિવે વર આપ્યો રે, બાણાસુરને પુત્ર કરીને સ્થાપ્યો રે. (૧૪)
કડવું-૪
કડવું ૪થું
બાણાસુર સમસ્ત સૃષ્ટિનો અધિપતિ બન્યો
રાગ : આશાવરી
વરદાન પામી વળિયો બાણાસુર, શોણિતપુરમાં જાય;
વનનાં વાસી પશુ રે પંખી, તે લાગ્યાં બ્હીવાય. (૧)
કાંઇ નવ દીઠું સાંભળ્યું, જેમ વૃક્ષ ચાલ્યું જાય;
આવીને જોવા લાગ્યા સર્વે, દીઠો બાણાસુરરાય. (૨)
નગર સમીપે ચાલી આવ્યો, બાણાસુર બળવાન;
કૌભાંડ નામે રાય તણે ઘર, પ્રગટ થયો પ્રધાન. (૩)
કોઇક દેશની કન્યા લાવી, પરણાવ્યો રાજન;
દેશ જીતવા સંચર્યો, રાય બાણાસુર બળવંત. (૪)
પાતાળે નાગલોક જીતી, ચાલ્યો તેણીવાર;
દેશદેશના નાઠા જીત્યા, કહેતાં ન આવે પાર. (૫)
સ્વર્ગે જઈને જીત્યા, સર્વે દેવ્ નાઠા જાય,
સૂરજે વળતી સાંગ આપી, બાણ તણા કરમાંય. (૬)
જીતી સુરને પાછો વળિયો, મળિયા નારદમુન;
પ્રણામ કરીને પાયે લાગ્યો, તેણે સમે રાજન. (૭)
ઓ નારદજી, ઓ નારદજી, ના થયું મારું કામ;
એકે જોધ્ધો ન મળ્યો સ્વામી, પહોંચે મનની હામ. (૮)
નારદ વાણી બોલ્યા, તું સુણ બાણાસુર રાય;
જેને તુજને હાથ આપ્યા, તે શિવશું કર સંગ્રામ. (૯)
કડવું-૫
કડવું ૫મું
બાણાસુર શિવજી સાથે યુદ્ધ કરવા ગયો
રાગ : ઢાળ
કૈલાસ પર્વત જઈ રાજાએ, ભીડી મોટી બાથ;
જળમાંહી જેમ નાવ ડોલે, એમ ડોલે ગિરિનાથ. (૧)
ટોપ કવચ ને ગદા ફરસી, કડકડાટ બહુ થાય;
એણે સમે ઉમિયાજી મનમાં, લાગ્યાં બ્હીવાય. (૨)
જઇને શંકરને ચરણે નમિયાં, અહો અહો શિવરાય;
શાને કાજે બીહો પાર્વતી, આવ્યો બાણાસુર રાય. (૩)
શોણિતપુરનું રાજ્ય આપ્યું, ઉપર કર હજાર;
વળી માગવા શું આવ્યો છે, અંધ તણો કુમાર. (૪)
સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા, તે તો સ્વામી સત્ય;
એક યોધ્ધો મુજને આપો, યુધ્ધ કરવા સમર્થ. (૫)
આવો શિવ આપણ બે વઢિયે, આપ આવ્યા મારી નજરે;
ફટ ભૂંડા તું એ શું બોલ્યો, ખોટી હઠ આ તજ રે. (૬)
કડવું-૬
કડવું ૬ઠું
શિવજીએ શાપ આપ્યો - ગણપતિ ને ઓખાની ઉત્પત્તિ
રાગ : ઢાળ
તે તો તારે વણ કહે મેં, ઉપજાવ્યો છે એક;
જે કર છેદન કરીને તારા, કરશે કટકા અનેક. (૧)
તે તો સ્વામી કેમ કહું હું જાણું, ચિંતા મુજને થાય;
લે બાણાસુર જા હું આપું, એક આ ધ્વજાય. (૨)
જ્યારે એ ભાંગી પડશે, ત્યારે કર તારા છેદાય;
રુધિર તણો વરસાદ વરસશે, તારા નગર મોઝાર. (૩)
ત્યારે તું એમ જાણજે, રીપુ ઉત્પન્ન થયો સાર;
વરદાન પામી વળિયો બાણાસુર, શોણિતપુરમાં જાય. (૪)
એક સમે મહાદેવ કહે, મારે તપ કરવાનું મન;
તેણે સમે ઉમિયાએ માંડ્યું, અતિ ઘણું રુદન. (૫)
અહો શિવજી, અહો શિવજી, જનમારો કેમ જાય;
મારે નથી એકે બાળક તો, કહો વલે શી થાય ? (૬)
મહારુદ્ર વાણી બોલિયા, લે આ મારું વરદાન;
તું એક પુત્રને એક પુત્રી, ઉપજાવજે સંતાન. (૭)
વરદાન આપી મહાદેવજી, વન તપ કરવાને જાય;
ઉમિયાજી નહાવાને બેઠાં, વિચાર્યું મનમાંય. (૮)
શિવનાં ઘર મોટાં જાણીને, રખે આવતું કોય;
બે બાળક મેલું બારણે તે, બેઠાં બેઠાં જોય. (૯)
દક્ષિણ અંગથી મેલ લઈને, અઘડ ઘડિયું રૂપ;
હાથ ચરણને ઘુંટણપાની, ટુંકું અંગ સ્વરૂપ. (૧૦)
ચતુર્ભુજને ફાંદ મોટી, દીસે પરમ વિશાળ;
શોભા તેની શું કહું, કંઠે ઘુઘરમાળ. (૧૧)
પહેલાં કરમાં જળકમંડળ, બીજે મોદિક આહાર;
ત્રીજા કરમાં ફરસી સોહિએ, ચોથે રે જપમાળ. (૧૨)
ગણેશને ઉપજાવીને, બોલ્યાં પાર્વતીમાત;
એની પાસે જોડ હોય તો, કરે તે બેઠાં વાત. (૧૩)
વામ અંગથી મેલ લઈને, ઘડી કન્યારૂપ;
શોભા તેની શી કહું, શુકદેવજી કહે સુણ ભૂપ. (૧૪)
સેંથો ટીલડી રાખડી, અંબોડી વાંકી મોડ;
કંઠ કપોળ અને કામની, તેડે મોડામોડ. (૧૫)
કોથળી ફૂલની વેલણ ડાબલી, રમતા નાના ભાત;
કંકુ પડો નાડાછડી તે, આપ્યો લઈને હાથ. (૧૬)
(વલણ)
પરિક્ષિતને શુકદેવ કહે, કુંવરી કન્યા જેહ રે;
ઘર સાચવવાને બાળકો, બે પ્રગટાવ્યાં તેહ રે. (૧૭)
કડવું-૭
કડવું ૭મું
શિવજીએ ગણપતિજીનો શિરચ્છેદ કર્યો
રાગ : ઢાળ
દેવી નાવણ કરવા બેઠાં, નારદ આવ્યા ત્યાંય;
બાળક બે જોઇને નાઠા, ગયા શિવ છે જ્યાંય. (૧)
નારદ ચાલી આવિયા, મધુવન તતખેવ;
ઓરે શિવજી ઓરે શિવજી, નફટ ભૂંડી ટેવ. (૨)
વનવગડામાં ભમતા હીંડો, માથે ઘાલો ધૂળ;
આ ધંતુરો વિજિયા ચાવો, કરમાં લ્યો ત્રિશૂળ. (૩)
તમે રે વનમાં તપ કરો, ને ઘેર ચાલ્યું ઘરસુત્ર;
તમો વિના તો ઉમિયાજીએ, ઉપજાવ્યા છે પુત્ર. (૪)
મહાદેવ ત્યાંથી પરવર્યા, કૈલાસ જોવા જાય;
ગણપતિ વાણી બોલિયા, આડી ધરી જેષ્ટિકાય. (૫)
અલ્યા જટિલ જોગી ભસ્મ અંગે, દિસંતો અદ્દભુત;
આજ્ઞા વિના અધિકાર નહિ, હોય પૃથ્વીનો જો ભૂપ. (૬)
વચન એવું સાંભળીને, કોપિયા શિવરાય;
લાતો ગડદા, પાટુ મૂકી, આવ્યા ઘરની માંય. (૭)
ગણપતિનો ગડદો પડે, બ્રહ્માંડ ભાંગી જાય;
ત્રિલોક તો ખળભળવા લાગ્યું, આ તે શું કહેવાય ? (૮)
ત્યારે શિવજી કોપિયા ને, ચડી મનમાં રીસ;
કોપ કરીને ત્રિશૂળ મેલ્યું, છેદ્યું ગણપતિનું શીષ. (૯)
માગશર વદી ચોથને દહાડે, પુત્ર માર્યો તર્ત;
તે દહાડેથી ચાલ્યું આવ્યું, ગણેશ ચોથનું વ્રત. (૧૦)
તે મસ્તક તો જઇને પડ્યું, ચંદ્રના રથમાંય;
તેથી ચતુર્થીને દિવસે, ચંદ્રપૂજન થાય. (૧૧)
એવે શિવજી ઘરમાં આવ્યા, જ્યાં ઉમિયાજી ન્હાય;
ઓખા બેઠી‘તી બારણે તે, નાસી ગઇ ઘરમાંય. (૧૨)
લવણ કોટડીમાં જઇને પેઠી, મનમાં વિચારી;
ભાઇના કકડાં કીધા માટે, મુજને નાંખશે મારી. (૧૩)
મહાદેવજી ઘરમાં ગયા ને, ઝબક્યાં ઉમિયા મન;
નેત્ર ઉઘાડી નિરખિયું, ત્યારે દીઠા પંચવદન. (૧૪)
વસ્ત્ર પહેરીને ઉમિયા કહે છે, કેમ આવ્યા મહાદેવ;
આક ભાંગ ધંતુરો ચાવો, નફટ ભૂંડી ટેવ. (૧૫)
નાહાતા ઉપર શું દોડ્યા આવો, સમજો નહિ મન માંહે;
બે બાળક મેલ્યાં બારણે, કેમ આવ્યાં મંદિર માંહે. (૧૬)
છાની રહે તું પાપણી, મેં જોયું પારખું બધું;
આટલા દહાડા સતિ જાણતો, પણ સર્વ લૂંટી ખાધું. (૧૭)
મુજ વિના તેં તો પ્રજા કીધી, એવું તારું કામ;
પારવતીજી ! તમે રાખ્યું, હિમાચળનું નામ. (૧૮)
વચન એવું સાંભળીને, ઉમિયાજીને ઊઠી જ્વાળ;
કાલે તમો કહી ગયા હતા, જે પ્રગટ કરજો બાળ. (૧૯)
ત્યારે શંકરે નીચું જોયું, મનમાં વાત વિચારી,
તારી પુત્રી તો નાસી ગઈ, તારા પુત્રને આવ્યો મારી. (૨૦)
કડવું-૮
કડવું ૮મું
ગણપતિના મૃત્યુથી ઉમિયાજીએ કરેલ વિલાપ
રાગ : સાખી
વાડી વિના ઝુરે વેલડી, વાછરું વિના ઝુરે ગાય;
બાંધવ વિના ઝુરે બેનડી, પુત્ર વિના ઝુરે માય. (૧)
ધન ધાન્ય અને પુત્ર, પુત્ર જ આગેવાન;
જે ઘેર પુત્ર ન નિપજ્યો, તેનાં સૂનાં બળે મસાણ. (૨)
પુત્ર વિના ઘર પાંજરું, વન ઊભે અગ્નિ બાળીશ;
શિવ શાથી માર્યો ગણપતિ, મારો પુત્ર ક્યાંથી પામીશ ? (૩)
(રાગ:વિલાપનો)
બોલો હો બાળા રે હો ગણપત. બોલો હો બાળા. ટેક.
ઉમિયાજી કરે છે રુદન, હો ગણપત.
શિવ શાને માર્યો મારો તન, હો ગણપત. (૧)
શિવ પુત્ર વિનાની માય. હો ગણપત.
તેને સંપત્તિ પાઘેર જાય. હો ગણપત. (૨)
શિવ પુત્ર વિનાની જેની માય, હો ગણપત
તે તરણાથી હળવી થાય, હો ગણપત. (૩)
ત્યારે શિવને આવ્યું જ્ઞાન, હો ગણપત.
મેં તો આપ્યું હતું વરદાન. હો ગણપત. (૪)
પેલા નારદિયાનું કામ, હો ગણપત.
જૂઠા બોલો છે એનું નામ, હો ગણપત. (૫)
એણે વાત કરી સર્વ જૂઠી, હો ગણપત.
હું તો તપથી આવ્યો ઊઠી, હો ગણપત. (૬)
મેં તો માર્યો તમારો તન, હો ગણપત.
આ ઊગ્યો શો ભૂંડો દન , હો ગણપત. (૭)
(રાગ:આશાવરી)
નંદી ભૃંગી મોકલ્યા તે, પહેલી પોળે જાય;
હસ્તી એક મળ્યો મારગમાં, તે શિરે કીધો ઘાય. (૧)
ગજનું મસ્તક લાવીને , ધડ ઉપર મેલ્યું નેટ;
ગડગડીને હેઠે બેઠું, આગળ નીકળ્યું પેટ. (૨)
કાળા એના કુંભસ્થળ, વરવા એના દાંત;
આગળ એને સૂંઢ મોટી, લાંબા પહોળા કાન. (૩)
દેવમાં જાશે શું પોષાશે. અપાર મુજને દુઃખ;
દેવતા સર્વે મેણાં દેશે , ધન પાર્વતીની કુખ. (૪)
ત્યારે શિવજી બોલિયા, સુણો વાત હે સતી;
સુરીનર મુનિવર પૂજશે, ગણનાયક ગણપતિ. (૫)
કડવું-૯
કડવું ૯મું
રૂપ સાથે ગુણ જરૂરી છે.
રાગ : આશાવરી
રૂપગુણને વાદ પાડ્યા, ચાલ્યા રાજદ્વાર;
ગુણને આપ્યા બેસણાં, પછી રૂપને કર્યા જુહાર. (૧)
રૂપ તો આપ્યાં શિવે નાગરાં, કોઇ જોગી અબધુત;
ચતુરાઈ દીધી જે ચારણાં, વળી કોઇ રજપુત. (૨)
પુન્ય વિના ધન કયા કામકો, ઉદક વિણ કુંભ;
એ દો વસ્તુ કછુ ન કામકી, જેમ ગુણ વિના રૂપ. (૩)
સ્વરૂપ દિયો શિવ ચાતુરી, ગુણ ન દિયો લગાર;
રૂપ તમારું પાછું લો, રૂપ ગુણ વિણ છે ભાર. (૪)
કડવું-૧૦
કડવું ૧૦મું
ગણપતિજીનો દર્શાવેલ મહિમા.
રાગ : મારુ
પંથી જ્યારે ચાલે ગામ, પહેલું લે ગણપતિનું નામ;
કથા ગ્રંથ આરંભે જેહ, પ્રથમ ગણપતિ સમરે તેહ. (૧)
સૌભાગ્યવંતી શણગાર ધરે, ગણપતિ કેરું સ્મરણ કરે;
સોની સમરે ઘડતાં ઘાટ, પંથી સમરે જાતાં વાટ. (૨)
પંચવદનના દહેરામાંય , પહેલી પૂજા ગણપતિની થાય;
એ વિના મુજને પૂજે તો, સર્વે મિથ્યા થાય. (૩)
ઉથલો—
શાને કાજે રુવે પાર્વતી, શાને લોચન ચોળે;
જેને ઘેર વિવાહવાજન હશે. ત્યાં બસશે ઘીને ગોળે રે. (૪)
કડવું-૧૧
કડવું ૧૧મું
ઉમિયાજીએ ઓખાને આપેલ શ્રાપ.
રાગ : ઢાળ
ઓખા કહી ઉમિયાએ, સાદ કર્યા બે ચાર;
ત્યારે ઓખા આવી ઊભી, નીસરીને ઓરડી બહાર. (૧)
મરાવી ભાઈને, તું તો નાસી ગઈ;
મહાદેવે ગણપતિને માર્યો, તે સુધા મને નવ કહી. (૨)
તારું અંગ ગળજો, લુણે ગળજો કાય,
દૈત્યના કુળમાં અવતરજે, એણી પેરે બોલ્યાં માય. (૩)
ઓખાબાઈ થરથર ધ્રૂજ્યા, એ તો વાત અટંક;
અપરાધ પાખે માતા મારી, આવડો શો દંડ ?. (૪)
ઉમિયા કહે મેં શાપ દીધો, તે કેમ મિથ્યા થાય
દૈત્યકુળમાં અવતરજે, દેવ વરી કોઈ જાય . (૫)
ચૈત્રના મહિનામાં બાઇ, તારો રે મહિમાય;
ઓખાહરણ જે સાંભળે, મહારોગ થકી મૂકાય. (૬)
ચૈત્રમાસના ત્રીસ દહાડા, અન્ન અલુણુ ખાય;
ત્રીસ નહિ તો વળી પાંચ દહાડા. પાછલા કહેવાય. (૭)
પાંચ દિવસ જો નવ પળે તો, ત્રણ દિવસ વિશેક;
ત્રણ દિવસ નવ થાય તો, કરવો દિવસ એક. (૮)
એ પ્રકારે વ્રત કરવું, સમગ સ્ત્રીજન;
અલવણ ખાએ ને અવની સુવે, વળી એક ઉજ્વળ અન્ન. (૯)
દેહ રક્ષણ દાન કરવું, લવણ કેરું જેહ;
પાર્વતી કહે પુત્રીને, સૌભાગ્ય ભોગવે તેહ. (૧૦)
વૈશાખ સુદી તૃતિયાને દિને, તું આવજે મુજ પાસ;
ગૌર્ય કરીને પુત્રી મારી, પૂરીશ મનની આશ. (૧૧)
શુકદેવ કહે રાજા સુણો, અહીં થયો એહ પ્રકાર;
હવે બાણાસુરની શી ગત થઈ, તેનો કહું વિસ્તાર. (૧૨)
વલણ—
કહું વિસ્તાર એનો, સુણી રાજા નિરધાર રે;
હવે બાણાસુર ત્યાં રાજ કરતો, શોણિતપુર મોઝાર રે. (૧૩)
કડવું-૧૨
કડવું ૧૨મું
બાણાસુરને ચાંડાલણીએ વાંઝિયાપણાનું ભાન કરાવ્યું.
રાગ : સામગ્રીની ચાલ
રાય બાણાસુરને બારણે, વાળવા આવી રે ચંડાળણી;
નિત્ય પડી રજ વાળીને કર્યું ઝાકઝમાળ. બાણાસુરને બારણે. (૧)
રાય મેડિયેથી હેઠો ઉતર્યો, થયો પ્રાતઃકાળ;
મુખ આગળ આડી ધરી સાવરણી તે સાર. બાણાસુર૦ (૨)
રાય બાણાસુર વળતી વદે, મનમાં પામી દુઃખ;
મુજને દેખીને કેમ ફેરવ્યું, અલી તારું રે મુખ. બાણાસુર૦. (૩)
ત્યાં ચંડાળણી વળતી વદે, સાંભળીયે રાય;
તમો ઊંચ અમો નીચ છું, મુખ કેમ દેખાડાય. બાણાસુર૦. (૪)
ત્યારે બાણાસુર વળતી વદે, સાંભળ રે ચંડાળણી;
સાચું રે બોલને કામની, કરું બે કકડાય. બાણાસુર૦. (૫)
ત્યારે ચંડાળણી; વળતી વદે, સાંભળો રાજન;
સાચું બોલું જેવો ઘટે, તેવો દેજો દંડ. બાણાસુર૦. (૬)
પ્રાતઃકાળે જોઇએ નહિ, વાંઝિયાનું વદન;
તમારે કાંઇ છોરું નથી, સાંભળો હો રાજન. બાણાસુર૦.(૭)
કડવું-૧૩
કડવું ૧૩મું
દસ પ્રકારના ચાંડાલ
રાગ : આશાવરી
ચંડાળ તો કોઇ એક નથી રાય ! દશ વિધના કહેવાય;
પહેલો ચંડાળ તેને કહીએ, નદી ઊતરી નવ નહાય. (૧)
બીજો ચંડાળ તેને કહીએ, પુત્રીનું ધન ખાય;
ત્રીજો ચંડાળ જેને કહીએ, દૂભે માતા પિતાય. (૨)
ચોથો ચંડાળ તેને કહીએ, હરે પારકી નાર;
પાંચમો ચંડાળ તેને કહીએ, પરદારા શું ખાય. (૩)
છઠ્ઠો ચંડાળ તેને કહીએ, હરે પારકું ધન;
સાતમો ચંડાળ તેને કહીએ, જેનું મેલું મન. (૪)
આઠમો ચંડાળ તેને કહીએ, કરમાયું વદન;
નવમો ચંડાળ તેને કહીએ, નહિ તનયા કે તન. (૫)
કડવું-૧૪
કડવું ૧૪મું
શિવજી બાણાસુરને તેનો ભૂતકાળ જણાવે છે
રાગ : આશાવરી
બળીઓ બાણાસુર રાય, પુત્રમાગવાને જાય;
મહાદેવજીની પાસે આવી, બેઠો તપ કરવાય. (૧)
એક હજાર હાથે તાળી પાડી, તવ રીઝ્યા શ્રી મહાદેવ;
આપો ને આપો શિવજી, પુત્ર એક તતખેવ. (૨)
ચિત્રકોપ લહિયાને તેડ્યા, કર્મ તણા જોનાર;
પૂર્વે રાજા તું તો કહાવે, વૈશ્ય તણો અવતાર. (૩)
તારા પેટે એક જ હતો, લાડકવાયો બાળ;
ભોજન કરવા તું તો બેઠો, તે સાંભળને ભુપાળ. (૪)
તુજ ભાણામાં જમવા આવ્યો, વેગે તારો બાળ;
માટી વાળા હાથ હતા, બાળકના તે વાર. (૫)
ત્યારે તુજને સંખ્યા આવી, હાંકી કાઢ્યો બાળ;
બાળક ત્યારે થરથર ધ્રુજ્યો. સાંભળને ભુપાળ. (૬)
બાળકને તો રીસ ચઢીને, નવ ગણ્યો કાંઇ તાત રે;
તુજને પુત્ર વહાલો નથી, વાંઝિયો રહેજે જન્મ સાત રે. (૭)
કડવું-૧૫
કડવું ૧૫મું
ઉમિયાજીએ પુત્રી આપી - આકાશવાણી થઈ
રાગ : ઢાળ
ઉમિયા વાણી બોલિયાં, તું સુણ બાણાસુર રાય;
તારા મનમાં જો ગમે તને, આપું એક કન્યાય. (૧)
ત્યારે બાણાસુર કહે, પુત્રી મારે કોટીક પુત્ર સમાન;
મુજને ટાળે વાંઝિયો, આપો એ વરદાન. (૨)
કોઇક દેશનો રાજા જોઇશ, રાખશે મારું નામ;
પોષ માસથી પૂરણ માસે, પુરણ થશે કામ. (૩)
વર પામી બળીઓ બાણાસુર, શોણિતપુરમાં જાય;
બાણામતીને ગર્ભ રહ્યો છે, તેનો કહું મહિમાય. (૪)
પોષ માસથી પુરણ માસે, પ્રગટ થઈ કન્યાય;
વધામણિયા પરવરિયા, રાજસભામાં જાય. (૫)
શાણા જોશી તેડિયા, તેની જન્મપત્રિકા થાય;
વિદ્યાબળે કરી ગુરુજી બોલ્યા, પોતે તેણીવાર. (૬)
પહેલી ઉમિયાજીના અંગથી, પ્રગટી છે કન્યાય;
તેને નામે રાશી જોઇને, નામ ધરો ઓખાય. (૭)
ગ્રહ વેળા શુભ લગ્નમાં, સંતાન પ્રગટી સાર;
એથી તારા હાથનો, વેગે ઉતરશે ભાર. (૮)
ત્યારે આકાશવાણી એવી થઈ, તું સાંભળને ભુપ નિરધાર;
એ પુત્રી ઇચ્છાવર વરશે, કો કારણ રૂપકુમાર. (૯)
જ્યારે પુત્રી પરણશે, વરતશે હાહાકાર;
ભાર ઉતારશે તુજ હાથનો, તુજ જામાત્ર તે વાર. (૧૦)
તે માટે તેડી પ્રધાન, એણીપેર પુછે છે રાજન;
દેવ વચન મિથ્યા નવ થાય, તે માટે કરવો શો ઉપાય ? (૧૧)
રચો માળિયા સુંદર સાર, તે માટે કરો ઉપાય;
ઓખા અને ચિત્રલેખાને, મેલો મંદિર માળિયા માંય રે. (૧૨)
કડવું-૧૬
કડવું ૧૬મું
ચિત્રલેખાની ઉત્પત્તિ કથા
રાગ : ધનાશ્રી
પરીક્ષિતે પ્રશ્ન કર્યો વિચારીજી, કેમ પ્રગટ થઇ બેઉ નારીજી;
ઓખા ને ચિત્રલેખા કેમ ધર્યાં નામજી, કેઈ વિધિએ આવ્યાં અસુરને ધામજી. (૧)
(ઢાળ)
ધામ આવ્યાં અસુરને, તેણે કામ સૌ દેવનાં કર્યાં;
મને વિસ્તારીને વર્ણવો, એ કેવી રીતે અવતર્યાં. (૧)
શુકદેવ કહે સુણ પરીક્ષિત, અભિમન્યુકુમાર;
પ્રશ્ન પૂછ્યો મને તેનો, સંદેહ ખોઉં નિરધાર. (૨)
એકવાર દેવ પાતાળે નાઠા, બાણાસુર તાપથી;
ત્યારે વરુણ કેરા જગનમાં, કન્યા પ્રગટી આપથી. (૩)
કન્યા કહે કેમ પ્રગટ કીધી, કહો અમ સરખું કામ;
ત્યારે દેવ કહે દૈત્ય દુઃખ દે છે, બાણાસુર જેનું નામ. (૪)
કન્યા કહે દુઃખ કાં ધરો, બાણાસુર આવશે પાતાળ;
એના પિતાના ચરણ પૂજવા, નિત્ય જાય છે પાતાળ. (૫)
ત્યારે મને પુત્રી કરીને સોંપજો, હું જઇશ એને ઘેર;
સાંકડી સગાઇએ સુતા થઇને, કરાવું ભુજનીપેર. (૬)
તેણે સમે પાતાળ આવ્યો, બાણાસુર રાજન,
તેને દેવે દીકરી આપી, પ્રસન્ન થઈને મન. (૭)
પ્રધાન કહે સ્વામી સાંભળીએ, આપો મુજને બાળ;
કન્યાદાન કુંવરીને દઉં તો, ઉતરે શિરની ગાળ. (૮)
ત્યારે રાજા કહે પ્રધાનને, આ પુત્રી મૂકું વન;
કાલે તેડીને તું આવજે, જાણે નહિ કો જન. (૯)
પ્રભાતે તે પ્રધાન આવ્યો, પુત્રી બેઠી જ્યાંય;
પુત્રી તો સમાધી લઇ, હરિ ધ્યાન ધરે છે ત્યાંય. (૧૦)
વાયુદ્વાર તેણે રુંધિયા, ને રુંધિયા શ્વાસોશ્વાસ;
જમણા પગના અંગૂઠા પર, ઊભી રહી ખટમાસ. (૧૧)
તે જોઈને પાછો વળ્યો, પછી પુર ભણી પ્રધાન;
ખટમાસ પૂરણ તપ થયું, ત્યારે પધાર્યા ભગવાન. (૧૨)
માગ્ય કહેતાં કન્યા કહે, મને કરો આજ્ઞા પ્રકાશ,
ભૂત-ભવિષ્ય વર્તમાન જાણું, ને ઊડી ચઢું આકાશ. (૧૩)
એટલે પ્રભુએ તેને પાંખ આપી. વર આપીને વળિયા હરિ;
પ્રધાન આવ્યો પુર વિશે, તે કૌભાંડે પુત્રી કરી. (૧૪)
વલણ-
કુંવરી થઈ પ્રધાનની, તેનું પરાક્રમ કોઈ પ્રીછે નહિ;
શુકદેવ કહે રાય સાંભળીએ ચિત્રલેખાની, ઉત્પત્તિ કહી. (૧૫)
કડવું-૧૭
કડવું ૧૭મું
ઓખા ને ચિત્રલેખા મંદિર માળિયામાં
રાગ : સાખી
ભાદરવે જે કરે હળોતરા, શત્રુ પાસે માગે શીખ;
ને ઘેર પુત્રી લાડકવાયી, તેનાં મા બાપ માગે ભીખ. (૧)
બાળે અગ્નિ બધું વન દહે, છળવડે પર્વત કોરાય;
અબળા રૂઠી જે કરે, મણિધરે નવ કરાય. (૨)
મણિધર નારી ને ઋષિકુલ, નદી નૃપ મે કમલા;
એટલા અંત ન લીજીએ, જો ઇચ્છીએ કુશળક્ષેમ; (૩)
(રાગ:ઢાળ)
નગર થકી એક જોજન, રાજાએ મહેલ રચાવ્યો સાર;
ગોખ બારી ને અટારી, તેનો કહેતાં ન આવે પાર. (૧)
મરકત મણિમોતીએ જડ્યાં, માંહે પીરોજાના પાટ;
હયશાળા ગજશાળા જે, હીંચવા હીંડોળાખાટ. (૨)
દિવસ માસ ને વરસ ગયાં, કન્યા મોટી થાય;
ચિત્રલેખા સંગે રમતાં, ઉલટ અંગ ન માય. (૩)
સવાલાખ જોદ્ધા રખવાળે, મેલ્યા છે રાજન;
એમ કહેતાં ઓખાબાઈ ને, આવ્યું છે જોબન. (૪)
તમે રાત્રે જાગો, દિવસે જાગો, નવ મીચો લોચન રે;
ઓખા કેરા માળિયામાં, રખે સંચરે પવન રે. (૫)
કડવું-૧૮
કડવું ૧૮મું
ઓખા ચિત્રલેખાને પોતાની જુવાની જણાવે છે
રાગ : સાખી
જોબનીયું વાધ્યું રે, ઓખા નાનડી રે લોલ;
મારે જોબનીયાની જાય, બેની ઘડી ઘડી રે લોલ;
તું તો સાંભળ સહિયર બેનડી રે લોલ,
મારો મૂરખ પિતા કંઈ જોતો નથી રે લોલ....(૧)
બોલી ઓખા વળતી વાણી, સાંભળ બેનડી રે લોલ;
મારો જાય કન્યાકાળ, વર જોતો નથી રે લોલ,
મારા જોબનીયા દહાડા ચાર છે રે લોલ.
નાણે રે મળશે પણ ટાણે નહિ મળે રે લોલ....(૨)
અન્ય સંસ્કરણમાં ૧૮ મું કડવું આ મુજબ છે.
શોણિતપુર પાટણ ભલું, રાય બાણાસુરનું ગામ;
ઓખા તેની પુત્રી કહીએ, કરતી ઉત્તમ કામ. (૧)
ઘડી એકમાં લાવે સોગટાં, ઘડી એકમાં પાટ;
નાના વિધની રમત રમે, ઘડી એક હીંડોળાખાટ. (૨)
ઘડી એકમાં ઢીંગલા પોતિયાં, રમતની હોડાહોડ;
હીંડોળે હીંચવાને કાજે, રેશમકેરી દોર. (૩)
ઘમઘમઘમઘમ ઘુઘરા ગાજે, ઘુઘરડીનો ઘોર,
નાનાવિધનું ગાણુંગાતાં, મધુરો નીકળે શોર. (૪)
રમે જમે આનંદ કરે, પહેલા મંગળ ગાય રે;
જોબનવંતી થઈ છે ઓખા, મંદિર માળિયા માંયરે. (૫)
કડવું-૧૯
કડવું ૧૯મું
કન્યા વિવાહનું ફળ
રાગ : આશાવરી
પાંચ વર્ષની પુત્રી, તો ગવરી રે કહેવાય;
તેને કન્યાદાન દે તો, કોટી યજ્ઞફળ થાય. (૧)
પણ પુત્રી કેરા પિતાને, સમજાવી કહો વાત,
દેવવિવાહનું ફળ જેને, વરસ થયા છે સાત. (૨)
પુત્રી કેરા પિતાને, કાંઈ કહેવરાવો રે,
ગાંધર્વ વિવાહનું ફળ, જેને વર્ષ થાયે નવ. (૩)
એમ કરતાં વળી વચમાં, આવી પડે કાંઈ વાંક,
મનુષ્યવિવાહનું ફળ જેને, અગિયારે આડો આંક. (૪)
એમ કરતાં વરસ જાય ને, બાર પૂરા થાય;
પુત્રીનું મુખ પિતા જુવે. બેસે બ્રહ્મહત્યાય રે. (૫)
કડવું-૨૦
કડવું ૨૦મું
ઓખા-ચિત્રલેખા વચ્ચે વાર્તાલાપ
રાગ : આશાવરી
ચિત્રલેખા એણીપેર બોલી, સાંભળ સહિયર વાત;
તારે કાજે નહિ પરણાવે, બાણ તારો તાત. (૧)
તારે કાજે જો પરણાવે, છેદાયે રાયના હાથ;
તારે કાજે નહિ પરણાવે, પ્રધાન મારો તાત. (૨)
તાત કેરી આજ્ઞા લઈ, આવોને ઔખાય;
વચન સાંભળ ઓખા વળતી, ત્યાંથી ચાલી જાય. (૩)
તાત આપો આજ્ઞા તો, શંભુ પૂજવા જાઉં;
બાણાસુર પ્રત્યે પુત્રીએ, એવું વચન ઉચ્ચાર્યું. (૪)
ઘેલી પુત્રી એમ ન કહીએ, બેસી રહો મંદિરમાંય;
ઘર આવે મહાદેવજી, પૂજીને લાગો પાય. (૫)
વચન સાંભળી ઓખા ચાલ્યાં, હોતે તેણીવાર:
ચિત્રલેખા સહિયર મહારી, ઉપાય કરવો સાર. (૬)
કડવું-૨૧
કડવું ૨૧મું
ઓખાનું ચિત્રાત્મક વર્ણન
રાગ : સામેરી
ઓખા તારે શ્રવણે ઝબુકે ઝાલ રે,
ઓખા તારા કુમકુમ રાતા ગાલ રે;
ઓખા તું ચાલે હંસની ચાલ રે,
ચોળીને રંગે ચુંદડી રે. (૧)
ઓખા તારે બાંયે બાજુબંધ રે,
ઓખા તારું મુખડું પુનમ ચંદ રે;
ઓખા તારે મન ઉપજ્યો આનંદ રે,
ઓખા તારે કસબી કોરે સાળુડો રે. (૨)
ઓખા તારા શોભીતા શણગાર રે,
ઓખા તારા તેજ તણો નહિ પાર રે;
ઓખા તને વર્ષ થયાં દસ-બાર રે;
ઓખા તારે પાવલે નેપુર વાજતા રે. (૩)
કડવું-૨૨
કડવું ૨૨મું
રાગ : સાખી
હાંરે બેની તારે, વિછુવા કર કંકણ મુદ્રિકા ને હાર;
એ પુરુષ વિના પહેરે પ્રેમદા, તેનો ધીક પડ્યો અવતાર. (૧)
સેંથો ટીલડી રાખડી, નયને કાજળ કુમકુમ આડ;
પુરુષ વિના કરે પ્રેમદા, તેનો ધીક પડ્યો અવતાર. (૨)
(ચોપાઈ ચાલફેર)
બાઈએ છોડી નાખ્યા હાર રે, આ તું લે તારો શણગાર રે;
હું તો નહિ પામું ભરથાર રે, નહિ ઓઢું ઘાટડી રે. (૧)
બાણાસુર મારો બાપ રે, મારા કોણ જનમનાં પાપ રે;
મુને નહિ પરણાવે આપ, નહિ જોઉં વાટડી રે. (૨)
કડવું-૨૩
કડવું ૨૩મું
ઓખાની વિરહવેદના
રાગ : તોડી
વર વરવાને યોગ્ય થઈને, પ્રગટ્યાં સ્ત્રીનાં ચેનજી;
ઓખા કહે છે ચિત્રલેખાને, વાત સાંભળ મારી બહેનજી,
સહિયર શું કીજે અનિહાંરે દાડલા કેમ લીજે મારી બેની રે,
દોષ કર્મને દીજે; અનિહાંરે કે વિષ ઘોળી ઘોળી પીજે. ટેક૦
આજ મારે ભૂંડું જોબનિયું, મદ પૂરણ મારી કાયજી;
પિતા તે પ્રીછે નહિ, મારો કુંવારો ભવ કેમ જાય રે. સહિયર. (૧)
સાસરે નિત્ય જાય ને આવે, મુજ સમાણીજી;
હું અપરાધણ હરખે પીડાણી, આંખે ભરું નિત્ય પાણી રે. સહિયર. (૨)
એ રે દુઃખે હું દુબળી, અને અન્ન ઉદક ન ભાવેજી;
આ વાસ રૂપી શૂળીએ સુતાં, નિદ્રા કઈપેરે આવે રે. સહિયર. (૩)
જળ વિનાની વેલડી ને, પાત્ર વિના જેવું અન્ન રે;
ભરથાર વિના ભામની, એ તો દોહલા કાઢે દન રે. સહિયર. (૪)
ધન્ય હશે કામનીને, જેણે કંઠે કંઠ ગ્રહી રાખ્યો જી;
હું અભાગણીએ પરણ્યા પિયુનો, અધર સુધારસ નવ ચાખ્યો રે. સહિયર. (૫)
મરજાદા માટે માણસ કરે, આંખનો અણસારોજી;
તે સુખ તો મેં સ્વપ્ને ન દીઠું, વ્યર્થ ગયો જન્મારોજી. સહિયર. (૬)
સ્વામી કેરો સંગ નહિ શ્યામાને, એથી બીજું શું નરતું જી;
હવે નવ રહી આશા પરણ્યા કેરી, મુજ જોબન જાયે ઝુરતું રે. સહિયર. (૭)
બીજી વાત રુચે નહિ, મુજને ભરથાર ભોગમાં મનજી;
આંહી પુરુષ આવે પરણું, નવ પૂછું જોશીને લગન રે. સહિયર. (૮)
વચન રસિક કહેતાં તરુણી, ભારે આવે લટકતી ચાલેજી;
પ્રેમ કટાક્ષે પિયુને બોલાવે, હૃદિયા ભીતર સાલે રે. સહિયર. (૯)
સુખ દુઃખ કર્મે કર્યું છે, હું લેવાઈ મારે પાપેજી,
બંધોગરી મારાં કર્મે કરી, શૂળીએ ચઢાવી મારા બાપે રે. સહિયર. (૧૦)
મરકલડે મુખ મધુર વચને, મરજાદા નવ આણીજી;
શાક, પાક પિયુને નવ પિરસ્યાં, આઘો પાલવ તાણી રે. સહિયર. (૧૧)
અકળ ગતિ છે ગોવિંદજીની, શું ઉપજશે બેનીજી;
ગોપાળને ગમતું થાશે, મનડું મારું રહે નહિ રે. સહિયર. (૧૨)
કડવું-૨૪
કડવું ૨૪મું
ઓખાને ચિત્રલેખાની સલાહ
રાગ :મેવાડની દેશી
ઓખાને કહે ચિત્રલેખા જો, તું તો સાંભળ બાળ સ્નેહી જો;
આપણે મોટાં મા-બાપનાં છોરું જો, કેમ કહીએ કાળું કે ગોરું જો. ૧.
બેની લાંછન લાગે કુળમાં જો, પ્રતિષ્ઠા જાય એક પળમાં જો;
અમે તો તમ પાસે ન રહીએ જો, જઈ બાણાસુરને કહીએ જો. ૨.
વાત બાણાસુર રાય જાણે જો, આપણા બેનો અંતજ આણે જો;
મને મેલી ગયો તારી પાસે જો, તારો બાપ રહ્યો વિશ્વાસે જો. ૩.
મેં તો ન થાય રક્ષણ તારું જો, તુજમાં દીસે છે અપલક્ષણ જો;
બહેની છોકરવાદ ન કીજે જો, તારા બાપ થકી તો બીહીજે જો. ૪.
તને દેખું છું મદમાતી જો, નથી પેટભરી અન્ન ખાતી જો;
તારું વચન મુને નથી ગમતું જો, જોબનિયું હશે સહુને દમતું જો. ૫.
કામ વ્યાપે સર્વ અંગે જો., બહેની રહીએ પોતાના ઢંગે જો;
તું'તો બેઠી નિહાળે પંથ જો, કારાગૃહમાં ક્યાંથી હશે કંથ જો ? ૬.
તેં તો મુનિને આંખમાં ઘાલી જો, માથે છાણાં થાપી ચાલી જો;
હું પ્રીછે કામનું કારણ જો, બહેની રાખજે હૈયામાં ધારણ જો. ૭.
તું તો જુવે લોકમાં ઓઠાં જો, વામણું ક્યાંથી પામશે કોઠાં જો;
બેની ડગલાં ન ભરીએ લાંબા જો, ઉતાવળે ન પાકે આંબા જો. ૮.
આવ્યો ચઈતર માસ એમ કરતાં જો, પછી ઓખાવ્રત આચરતાં જો;
મારી ઓખાબાઈ સલુણાં જો, નિત્ય અન્ન જમે અલુણાં જો. ૯.
દીપક બાળે ને અવરિએ સુવે જો, માત ઉમિયાને આરાધે જો,
થયું પૂરણ વ્રત એક માસે જો, કોઇ જાણે નહિ એકાંતે જો. ૧૦.
(વલણ)
આવાસ એક સ્થંભ વિષે, વ્રત કીધું ઓખાય રે;
સ્વપ્નામાં સંજોગ સ્વામીનો, ભટ પ્રેમાનંદ ગાય રે. ૧૧.
કડવું-૨૫
કડવું ૨૫મું
ગોર્યમાની પૂજા
રાગ :ઢાળ
બાઇ તું કુંવારી હું યે કુંવારી; સાંભળ સહિયર વાત;
ગોર્યમાની પૂજા કરીએ, તો પામીશું નાથ. (૧).
કોણ માસે કોણ દહાડે, ગોર્યમાની પૂજા થાય;
મને કરી આપો પૂતળાં, પૂજું મોરી માય. (૨).
ફાગણ વદ બીજના દહાડે, કરવું રે સ્થાપન;
ચૈતર સુદી ત્રીજના દહાડે, કરવું ઉત્થાપન. (૩).
ભોંય શય્યા પાથરી, સંદેસરાના ફૂલ;
પૂજી અરચી ઓખા માંગે, જે જે વસ્તુ અમૂલ્ય. (૪).
કડવું-૨૬
કડવું ૨૬મું
ગોર્યમા પાસે માંગણી
રાગ : ધોળ
ગોર્યમા! માંગુ રે, મારા બાપનાં રાજ;
માતા સદાય સોહાગણી (૧).
ગોર્યમા! માગું રે મારા ભાઇનાં રાજ;
ભાભી તે હાથ હુલાવતી. (૨).
ગોર્યમા! માગું રે મારા સસરાનાં રાજ;
સાસુને પ્રજા ઘણી. (૩).
ગોર્યમા! માગુ રે, દિયર જેઠનાં રાજ;
દેરાણી જેઠાણીનાં જોડલાં. (૪).
ગોર્યમા! માગું રે, તમારી પાસ;
અખંડ હેવાતન ઘાટડી. (૫).
ગોર્યમા! માંગું રે, હું તો વારંવાર;
ચાંલ્લો ચૂડોને રાખડી. (૬).
ગોર્યમા! માંગું રે, સરખાં સરખી જોડ;
માથે મનગમતો ધણી. (૭).
કડવું-૨૭
કડવું ૨૭મું
ઓખા ગોર્યમાને ઠપકો દે છે
રાગ : ઢાળ
એક દહાડો ચિત્રલેખાને ઊંઘ આવી સાર;
વાસી પુષ્પે કરતી પૂજા. ઓખા તો નિરધાર. ૧.
એટલે ચિત્રલેખા જાગીને જુવે તો, વાત બની વિપ્રિત;
વાસી પુષ્પ ચઢાવ્યાં દીઠાં, થઈ રહી ભયભીત. ૨.
વાસી પુષ્પે પૂજા કીધી, નહિ પામે ભરથાર;
ભરથાર જો હું નહિ પામું, તું સાંભળ મોરી માય. ૩.
આ લે તારાં પૂતળાં, મારી પૂજે છે બલાય;
ઉપર પાણી રેડીએ તો, આફુરાં ધોવાય. ૪.
ઊંચેથી પછાડીએ. ભાંગી ભૂકો ન થાય;
તું આ લે રે તારાં પૂતળાં, મારી પૂજે છે બલાય. ૫.
પંદર દહાડા પૂજા કીધી, બોલાવ્યા નહિ બોલે;
તું તો બહેની કહેતી હતી જે, નહિ ગોર્યમા તોલે. ૬.
પકવાન પેંડા મેલિયે તો, કકડો કોઇ ન ખાય;
તું આ લે તારાં પૂતળાં, મારી પૂજે છે બલાય રે. ૭.
સાખી-
શિવના લીજે વારણાં, જેને નેત્રે બળ્યો કામ;
ત્રિપુરા દૈત્યને વિદારીઓ, હું તો કેમ મેલું શિવ નામ રે. ૧.
શિવ અખંડાનંદ જેણે ગંગાધારી શીશ;
ભાગીરથ તપથી ઊઠ્યા, હું કેમ મેલું તે ઇશ. ૨.
શિવ ભોળો સુએ સમશાનમાં, ચોળે ત્યારે રાખ;
માગે ભિક્ષા વ્રત, આપે તેને લાખ. ૩.
કડવું-૨૮
કડવું ૨૮મું
ઓખા શિવજી-ઉમિયાજીની મુલાકાતે જાય છે
રાગ : ઢાળ
હિમાચળનો ભાણે જ ભાઇ, ગણપતિ મારે વીર;
મહાદેવની પૂજા કરીએ, મન રાખીને ધીર. ૧.
ખેચરી ગતમાં ઓખા ચાલ્યાં, તેનો કહું વિસ્તાર;
સ્નાન કરીને કામનીએ તો, સજ્યા સોળ શણગાર રે. ૨.
નેપુર વાજે વિંછવા ગાજે, ઝાંઝરનો ઝમકાર;
માથે દામણી ઝુમણું ને, વળી ઉર એકાવળ હાર. ૩.
જડાવ ચુડલો ઝુલતી દામણી, દામણીએ ચકલીઓ ચાર;
પગે પાવલાં નેપુર વાજે. ઘુઘરીનો ધમકાર. ૪.
વાળે વાળે મોતી પરોવ્યાં. મોતી સેરો સોળ;
દરપણ લીધું હાથમાં ને, મુખે ભરિયા તંબોળ. ૫.
પકવાન થાળ મોતીએ ભરિયો, માંહે શ્રીફળ ફોફળ પાન;
આક ધંતુરો અગથીઓ, શંખાવલિ નિરવાણ. ૬.
આકાશમાર્ગે પક્ષિણી તે, વેગે ચાલી જાય;
ઇન્દ્ર કેરું વિમાન ચાલે, એવી તે શોભાય. ૭.
મહાદેવ ને પાર્વતી બેઠા, પાસા રમતા સાર;
મહાદેવ કહે છે પાર્વતીને, ઓ આવી કોઇ નાર. ૮.
સ્વામી કાંઇ ઘેલા થયા એ, બાણ તણી કુમાર;
હવે તું એમ જાણે છે, ને કરશે અંગીકાર. ૯.
પાર્વતીએ મન વિચાર્યું, હવે તો વંઠી વાત;
મહાદેવજીને કામી જાણી, લોચને દીધો હાથ. ૧૦.
ત્રીજું લોચન ઊઘાડ્યું, શંકરને લલાટ;
પાસે આવી ઓખા દીઠી, લજ્યા પામ્યા તાત. ૧૧.
તેણે સમે ઓખા આવી, ઉમીયાને લાગી પાય;
આવડી ઉતાવળી થઈ આવી, નહિ પામે ભરથાર રે. ૧૨.
કડવું-૨૯
કડવું ૨૯મું
ઓખા ઉમિયાજીને શાપનિવારણ માટે વિનંતિ કરે છે
રાગ : સાખી
ઓખા કહે અમે પેઠાં પાણીમાં, તરવા તુંબા ગ્રહ્યાં;
હું આવી સમુદ્ર વચમાં, તુંબા ફુટી ગયાં. ૧.
ઓખા કહે છે તરસ લાગી મારા તનમાં, સરોવર તીરે હું ગઈ;
પીવા ઝબોળી પાય, મારાં ભર્યા સરોવર ગયાં સુકાઈ. ૨.
આણી જ તીરેથી અમે અળગા ન થયાં. પેલી તીરે નવ ગયાં;
કરમ તણે સંજોગ અમે, મધ્યે જળ વચ્ચે રહ્યાં. ૩.
હું તો આવી ઇશ્વર પૂજવા, સામો દીધો શાપ;
પરણ્યા પહેલા રંડાપણુ થયું, મારાં કીયા જનમનાં પાપ ? ૪.
ઉમિયા તું તો મારી માવડી, છોરૂં છે ના દીજો છેહ;
માવિત્ર તમો કેમ છૂટશો, હું તો પુત્રી તમારી તેહ. ૫.
કડવું-૩૦
કડવું ૩૦મું
ઓખા ગોર્યમાને ઠપકો દે છે.
રાગ : ઢાળ
પ્રેમે પ્રદક્ષિણા કરીને, કરજોડી ઊભી બાળ;
પારવતી કહે માગ્ય વર, હું આપું તે તત્કાળ. ૧.
ઓખા વળતું વચન બોલી. હરખશું તેણી વાર,
માતા મુજને આપીએ, મારા મનગમતો ભરથાર. ૨.
ત્રણ વાર માગ્યું ફરી ફરીને, વર આપો આ દિશ;
લાજ મૂકીને ઓખા બોલી, તવ ચઢી પાર્વતીને રીસ. ૩.
નિર્લજ થઈ તેં કામ જ કીધું, માટે દઉં છું તુજને શાપ;
જા પરણજે ત્રણ વાર તું, એમ બોલ્યાં પાર્વતી આપ. ૪.
વળી ત્રીજે કહ્યું ને તેરસે તારે, ત્રણ હજો ભરથાર:
શાપ એવો સાંભળીને, કંપી રાજકુમાર. ૫.
પુરુષને નારી ઘણેરી, તું સાંભળ મોરી માય;
નારીને તો પુરુષ બીજો, શ્રવણે ન સુણ્યો જાય. ૬.
સુંદર માધવ માસ આવશે, દ્વાદશીનો દન;
ત્યારે સ્વપ્નમાં આવી પરણશે; પ્રાણ તણો જીવન. ૭.
તું જાગ્યાં કેડે ઓળખશે, તુને કહું છું સત્ય વિવેક;
ત્રણવાર તું પરણશે, પણ વર તો એકનો એક. ૮.
વર પામી ઓખાબાઈ ચાલ્યાં, મંદિર માળિયાં સાર;
અરે બાઈ હું પરણી આવી, સુંદર ભરથાર. ૯.
એમ કરતાં ઓખાબાઇના, દિન ઉપર દિન જાય;
સુંદર માધવ માસ આવ્યો; દ્વાદશીનો દિન. ૧૦.
સુંદર સજ્યા પાથરી, શણગાર્યું ભોવન;
આજ સ્વપ્નાંતરમાં આવશે, મુજ પ્રાણ તણો જીવન. ૧૧.
સંધ્યા થઈ રવિ આથમ્યો, આથમિયો કશ્યપ તન;
હજુએ ન આવ્યો, પ્રાણ તણો જીવન. ૧૨.
પહોર રાત વહી ગઈ ને, હજુ ન આવ્યું કોય;
ઉમિયાજીએ વચન કહ્યું તે, રખે મિથ્યા હોય. ૧૩.
વા વાય ને બારી ડોલે, ખડખડાટ બહુ થાય;
ના આવ્યા ઓ આવ્યા કહીને, તુરત બેઠી થાય. ૧૪.
તમો આવ્યા તે હું જાણું છું, મારી સગી નણંદના વીર;
બોલ્યા વિના નહિ ઉઘાડું, હૈડે છે મને ધીર. ૧૫.
વીણા લીધી હાથમાં ને, ગીત મધુરું ગાય;
ચેન કાંઇ પડે નહિ ને, ભણકાર બહુ થાય. ૧૬
તેવામાં એક બારણું, ખડખડવા લાગ્યું જ્યારે;
ઓખાબાઇએ તો દોટ કરી, દ્વાર ઊધાડીયું ત્યારે. ૧૭
બાણાસુરે મહેલ રચ્યો છે, તેનો સ્થંભ જ એક;
તે તણો પડછાયો તે, ઓખા નજરે દેખ. ૧૮
ઓ પેલા આવ્યા છો, તમ ઉપર જાઉં વારી;
બોલ્યા વિના તો નહિ બોલાવું, હું છું ગુણવંતી નારી. ૧૯
બાણાસુર જો જાણશે તો, લેશે બેઉના પ્રાણ;
શાને કાજે અહીં ઊભા છો, સાસુના સંતાન. ૨૦
ઓખાબાઇ તો માળિયામાં, પાડે છે બકોર;
ઇશ્વર ને પાર્વતીએ, ગગને સાંભળ્યો શોર. ૨૧
ઇશ્વર કહે છે ઉમિયાજીને, કોણ રુવે છે નાર;
ઉમિયા કહે છે મહાદેવજીને, ઓખા રુવે નિરધાર. ૨૨.
વચન આપણું મિથ્યા કરવા, બેઠી બાણકુમાર;
તામસી વિધ્યા મોકલી તે, નિદ્રાનો ભંડાર, ૨૩.
મધ્યરાત તો વહી ગઈ ને, મીંચાણાં લોચન;
સ્વપ્નાંતરમાં આવી પરણ્યો, પ્રદ્યુમનનો તન. ૨૪
કડવું-૩૧
કડવું ૩૧મું
ઓખાએ સ્વપ્નમાં દીઠેલ ભરથાર
રાગ : ધોળ
સ્વપ્નાંતરમાં દીઠી, સોરઠિયાની જાન રે,
સ્વપ્નાંતરમાં વડસસરો ભગવાન રે ૧.
સ્વપ્નાંતરમાં તે ખળકે મીંઢળ ચૂડી રે,
સ્વપ્નાંતરમાં ઓખા દેસે છે અતિ રૂડી રે. ૨.
સ્વપ્નાંતરમાં વરત્યાં છે મંગળ ચાર રે,
સ્વપ્નાંતરમાં આરોગ્યા કંસાર રે ૩.
સ્વપ્નાંતરમાં કરે છે પિયુજી શું વાત રે,
ઓખા હસી હસી તાળી લે હાથ રે. ૪.
ચિત્રલેખા ભરી રે નિદ્રામાંથી જાગી રે,
ઓખાબાઈને કોણ કરમ ગતિ લાગી રે. ૫.
ઓખાબાઇને નાટક ચેટક લાગ્યું રે,
તે તે કેમ કરીને થાય અળગું રે. ૬.
જાગ જાગ ઓખા જાગ રે;
જે જોઈએ તે માગ રે. ૭.
(રાગ:મારુ)
ઓખા ભરી રે નિંદરામાંથી જાગી, અંગોઅંગ અંગીઠી લાગી;
ફટ પાપણી શીદને જગાડી, મને ભર્યા અમૃતમાંથી કહાડી. ૧.
ફટ પાપણી એ શું કીધું, અમૃત લઈને વિખ જ દીધું;
બીડી પાનની અરધી કરડી, ખાધી મન વિના મુખ મરડી. ૨.
જુઓ મારા કરમની કરણી, વર શે મેલી ગયા મુને પરણી;
માહરા પિયુને જે મતિ આવી, માહરા નાથ ગયા રે રીસાવી. ૩.
માહરા હૈયા કેરો હાર,
આણી રે આપો આણીવાર. ૪.
કડવું-૩૨
કડવું ૩૨મું
સ્વપ્નામાંથી જાગાડી
રાગ : સોરઠ
સહિયર શત્રુ શે થઈને લાગી, મને સ્વપ્નામાંથી જગાડી રે હો;
ઉમિયાનો વર આજ સફળ થયો જે. જપતાં દહાડી રે હો. ૧.
અધવચ કૂવામાં મુજને ઊતારી રે, વચ્ચેથી વરત મેલ્યું વાઢી રે હો;
બાગબગીચામાં ફુલ ફુલ્યાં છે રે હો, છેતરી જાય છે દહાડી દહાડી રે હો. ૨.
સહિયર રે; ભૂંડી સહિયર, શત્રુ શે થઈને લાગી;
મને સ્વપ્નામાંથી જગાડી રે હો. ૩
કડવું-૩૩
કડવું ૩૩મું
રાગ : સાખી
ચંદા તું તો જીવો કરોડ વરસ, સ્વપ્ને થયો સંજોગ;
શાપ દઉં છું સૂરજ દેવતા, મુજ જાગે પડીઓ વિજોગ. ૧.
સ્વપ્નમાં મહારા પિયુજીશું, અમે કરતાં લીલા લહેર;
અમૃતરસ હું પીતી હતી, તેમાં તેં મેલ્યું ઝેર. ૨.
કંથ વિજોગણ કામની, ગઈ પંડિતની પાસ;
તમને પૂછું પંડિતો, એક દિન કીતના માસ. ૩.
ફરી ફરી પંડિત એ કહે, સાંભળ ઓખા કરજોડ;
એક પળ પિયુ વિના, લાગે વરસ કરોડ. ૪.
ઓખા પૂછે ઓ પંખીડા, તારી બે પાંખો માગીશ;
હું સજ્જનને મળી, તારી પાંખો પાછી દઈશ. ૫.
પાંખો પ્યારી પંથ વેગળો, તારો પિયુ કોણ જ દેશ;
કોણ રંગે તારો પિયુ હશે, પહેરે કોણ જ વેશ. ૬.
લેખ લખ્યા છઠ્ઠી તણા, તે મટી કેમ જાય;
કરમે લખ્યું તે ભોગવે, તેની પક્ષ કરે જદુરાય. ૭.
(રાગ:ઘરાડી)
મધ્ય નિશા સમે રે, માળીયામાં રોતી રાજકુમાર;
ક્યાં ગયો ક્યાં ગયો રે, બાઈ મારા સ્વપ્નાનો ભરથાર. ૧.
મીંઢળ મારૂં ક્યાં ગયું રે, બાઈ મારો ચુડલો હતો જે હાથ;
પીતામાં ઢળી ગયું રે, બાઈ મારે અમૃત આવ્યું જે હાથ રે. ૨.
પિયુ પરદેશિયા રે, ભૂંડા મને લીધી શે નવ સાથ;
આજ વેરણ થઈ રે, બાઈ મારા સ્વપ્ના કેરી રાત. ૩.
લાવ સખી વીખ પીઉં રે, બાઈ મારો કાઢું પાપી પ્રાણ;
હવે હું કેમ કરું રે, બાઈ મને વાગ્યાં વિરહના બાણ. ૪.
પાપી મારો જીવડો રે, ઓખાબાઈ પડતું મેલ્યું ધરણ;
રોતાં રોતાં જ્યાં ગયાં રે, ઓખાબાઈએ રોપ્યું વાડી વન. ૫.
નાથ મેલી ગયાં રે, બાઈ કોણ જનમનાં પાપ;
આજે વેરણ થઈ રે, બાઈ મારા સ્વપ્ના કેરી રાત. ૬.
જોબન મેં તો જાળવ્યું રે, જાણ્યું મારા પ્રભુને ભેટ કરીશ;
જો પ્રભુ નહિ મળે રે, હું તો મારા પ્રાણ તજીશ. ૭
કડવું-૩૪
કડવું ૩૪મું
ઓખાને ચિત્રલેખાની સલાહ
રાગ :સાખી
ઓખા રુવે ચિત્રલેખા વિનવે, ઘેલી સહિયર નવ રોય;
સ્વપ્ને દીઠું જો નીપજે, તો દુ:ખ ન પામે કોય. ૧.
જળ વલોવે માખણ નીપજે, લુખું કોઈ નવ ખાય;
મને વહાલી હતી, સખી તું તો ચિત્રલેખાય. ૨.
વેરણ થઈ વિધાત્રી, એણે આડા લખિયા આંક;
એક વાર આવે મારા હાથમાં, તો ઘસીને વાઢું નાક. ૩.
કરમ લખાવે તે લખે, ભરીને મેલ્યો આંક;
કરણીનાં ફળ ભોગવો, તેમાં વિધાત્રાનો શો વાંક ? ૪.
વિધાત્રી આપે તેને લક્ષ દિયે, ન આપે તેને છેક;
એક વાર પોકારે બારણે, તેને પુત્રી જન એક. ૫.
લાંચ લઈ લખતી હોય તો, આપત સહુથી પહેલું;
મારા પિયુ વિજોગણ જાણતી, મારું મરણ લખાવતી વહેલું રે. ૬.
કડવું-૩૫
કડવું ૩૫મું
રાગ : આશાવરી
સ્વપ્નં સાચું ન હોય, સહિયર મારી સ્વપ્નું સાચું ન હોય. ટેક૦
એક રંક હતો તે રાજ્ય પામ્યો, સ્વપ્નાંતર મોજાર રે;
હસ્તી ઝુલે તેને બારણે, રથ ઘોડા પરમ વિશાળ રે,
જાગીને જોવા જાય ત્યારે, ગંધર્વ ન મળે એક. સ્વપ્નું૦ ૧.
નિરધનીઓ તે ધન પામ્યો, સ્વપ્નાંતરમાં સાર;
તેને દેશ-વિદેશ વહાણ ચાલે; વાણોતર જે અપાર,
જાગીને જોવા લાગ્યો ત્યારે, કોને લાવે પાસ. સ્વપ્નું૦ ૨.
મૂરખ હતો તે સ્વપ્નાંતરમાં, ભણિયો વેદ પુરાણ;
જાગીને ભણવા જાય ત્યારે, મુખે ન આવડે પાષાણ. સ્વપ્નું૦ ૩.
એક વાણિયો તે સ્વપ્નાંતરમાં, વેગે પામ્યો બાળ;
જાગીને જ્યારે જોવા જાય ત્યારે, કોનું લાવે બાળ.
સ્વપ્નું સાચું ન હોય સહિયર મારી, સ્વપ્નું સાચું ન હોય. ૪.
કડવું-૩૬
કડવું ૩૬મું
ચિત્રલેખા દ્વારા ઓખાના સ્વપ્ન-ભરથારને આલેખે છે
રાગ કલ્યાણી
ચિત્ર ચાળીને, વાનો વાળીને, રંગ ભેળીને, પટ મેલીને,
લેખણ લાવીને, કરમાં સાહીને, રંગ ભરતી રે, ચિત્ર કરતી રે. (૧)
હવે સ્વર્ગના લોક લખાય રે, લખ્યા સ્વર્ગલોકના રાય રે;
સુરલોક લખ્યા ને ભુરલોક લખ્યા, જમલોક અને તપલોક લખ્યા. (૨)
સત્યલોક લખ્યા, ને વૈકુંઠ લખ્યું, ગણલોક લખ્યા, ગાંધર્વ લખ્યા;
હવે ઓખાબાઇ તમે ઓરાં આવોને, આમાં હોય તો આવીને બોલાવો રે. (૩)
ઓખા આવી કાગળમાં જોય રે, એ તો રાતે લોચન રોય રે;
બાળ્ય બાળ્ય આ તો નથી ગમતું રે, એને રણવગડામાં મેલો જઇને રમતું રે. (૪)
ચિત્ર ચાળીને, વાનો વાળીને, લેખણ લાવીને, કરમાં સાહીને,
રંગ ભેળીને, પટ મેલીને, હવે પાતાળલોક લખાય રે. (૫)
અતળ લખ્યું, વિતળ લખ્યું તેણીવાર રે,
લખ્યા પાતાળલોકના રાય રે, નાગલોક લખ્યા તેણી વાર રે (૬)
વાસુકી નાગ લખ્યા ને ત્રિશ્વક નાગ લખ્યા, પુંડરીક નાગ લખ્યા,
ને મણિધર નાગ લખ્યા, શેષનાગ લખ્યા તેણી વાર રે. (૭)
મારી ઓખાબાઇ સલુણી ઓરાં આવો ને, આમાં હોય તેને હસીને બોલાવો ને,
બળ્યું બળ્યું એનું દર્પ રે, હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા સર્પ રે. (૮)
આ તો કાળા લીલા પીળા સાપ રે,
લખનારી ચિત્રલેખા તારા બાપ રે. (૯)
ચિત્ર ચાળીને, વાનો વાળીને, દીવો બાળીને, કાજળ પાડીને,
હવે મૃત્યુલોક લખાય રે, લખ્યા મૃત્યુલોકના રાય રે. (૧૦)
અજમેર લખ્યું ને અલીઆર લખ્યું, મુલતાન લખ્યું;
મારવાડ લખ્યો ને ખોરાસન લખ્યો ને બંગાલ લખ્યો, ને એકમુખા લખ્યા ને અષ્ટમુખા લખીઆ. (૧૧)
શ્વાનમુખા લખ્યા, માંજરમુખા લખ્યા, હસ્તિમુખા લખ્યા ને ગર્ધવમુખા લખ્યા,
લખી વનસ્પતિ ભાર અઢાર રે. (૧૨)
ઓખા આવી જુઓ ભરથાર રે. બાઇ કાગળ લખ્યો તે તારો પાડ રે,
હું શું સ્વપ્નાંતરમાં પરણી આવાં ઝાડ રે. (૧૩)
બાઇ લખતાં તે લેખણ તૂટી રે; ખડિયામાંથી રૂશનાઈ ખૂટી રે,
થયા કાગળોના અંબાર રે, તને સ્વપ્નું નથી લાધ્યું સાર રે. (૧૪)
કડવું-૩૭
કડવું ૩૭મું
ઓખા પોતાનાં સ્વપ્નનૌં વર્ણન કરે છે
રાગ : સાખી
સોરઠ દેશ સોહામણો, મુજને જોયાના કોડ;
રત્નાગર ગોમતી ત્યાં રાજ કરે રણછોડ. (૧)
સોરઠ દેશ સોહામણો, ન ચડ્યો ગઢ ગિરનાર;
ન ન્હાયો ગંગા ગોમતી, તેનો એળે ગયો અવતાર. (૨)
સોરઠ દેશ સોહામણો, ઢેલ કેલ કરંત;
ગંગોદક ભરી કંચૂકી, રાય હરિચરણે ધરંત. (૩)
સોરઠ સુઘડ માનવી, રાજ નિત નિત કરે વહેવાર;
એ નગર રહે માનવી, તેને ઊભા ઊભા જુહાર રે. (૪)
(રાગ:હુલારી)
આજે રે, સ્વપ્નમાં દીઠી ગોમતીની તીર રે,
આજ સ્વપ્નામાં દીઠા હળધરજીના વીર રે;
આજ સ્વપ્નામાં દીઠા સુંદર ભરથાર રે,
તેમાં અડધાં ઊંઘ્યાં ને અડધાં જાગતાં રે. (૫)
કડવું-૩૮
કડવું ૩૮મું
ચિત્ર દ્વારા ઓખા પોતાના ભરથારને ઓળખે છે
રાગ : કલ્યાણ
ચિત્ર ચાળીને, વાનો વાળીને, રંગ ભેળીને, પટ મેલીને,
રંગ ભરતી રે, ચિત્ર કરતી રે, લેખણ લાવીને કરમાં સાહીને. (૧)
હાવે સોરઠ દેશ લખાય રે, ત્યાં નગર લખ્યું દ્વારકાય રે;
લખી જાદવપતિ રાજધાની રે, તેની શોભા સૂરજ સમાણી રે. (૨)
લખ્યો જાદવ પરિવાર રે, ઉગ્રસેન લખ્યા તેણીવાર રે,
કૃતવર્મા લખ્યા, સાત્વિક લખ્યા, ઓધવ લખ્યા, ને અક્રુર લખ્યા. (૩)
વસુદેવ લખ્યા તેણીવાર રે, ઓખા આવી જુવોને ભરથાર રે,
બાઇ તે તો એંધાણ મળિયા રે, આ ઘરડાને માથે પળીઆ રે. (૪)
તેને માથે મુગટ કુંડળ કાન રે, એવા જો લખિયા ભગવાન રે,
ઓખા આવી જુવોને ભરથાર રે. (૫)
બાઈ તેના સરખું રૂપ ને તેના ચાળા રે, મારા નાથજી ગોરા ને આ અતિ કાળા રે;
તેને વડસસરો સહુ કહેતા રે, હું પરણી ત્યારે ચોરી સાહીને રહેતા રે. (૬)
લખ્યા કૃષ્ણ તણા કુમાર રે, એક લાખ ને એંશી હજાર રે,
એથી આગળ લખ્યા તેણીવાર રે, ઓખા આવી જુવોને ભરથાર રે. (૭)
એ તો રીંછડીના બાળ રે, એના માથે મોટા વાળ રે,
એની કુળમાં મારો કંથ રે, એને ધાવણના છે દંત રે. (૮)
એ તો રૂપાળોને ઊંચો રે, એને મોઢે નથી મૂછો રે,
ત્યારે લખીઆ પદ્યુમન રે, ઓખાનું માન્યું મન રે. (૯)
જાણે હોય ન હોય રે, મુજને પરણ્યો તેનું મોય રે;
અને સગો સસરો સૌ કહેતા રે, હું પરણી ત્યારે મારી પાસે રહેતા રે. (૧૦)
(વલણ)
એમ કહીને અનિરુદ્ધ લખિયા, ક્ષણું ન લાગી વાર રે;
મુખ મરડી ઊભી રહી, બાઈ એ તો મારો ભરથાર રે. (૧૧)
કડવું-૩૯
કડવું ૩૯મું
ચિત્ર જોઈ ઓખા વિહ્વળ બને છે
રાગ : ઢાળ
ચિત્રલેખાના હાથમાંથી, પેલું લખિયું પૂતળું જેહ;
પ્રેમ આણી ઓખાબાઇએ, ઝુંટી લીધું તેહ. (૧)
કરમાં લઇને કામની, કાંઇ દે છે આલિંગન;
માળિયામાં મેલી ચાલ્યા, પ્રાણતણા જીવન. (૨)
આણિવાર હું નહિ જાવા દઉં, મેં ઝાલ્યો છેડો;
મારા પિયુજી પરવરો તો, મુજને જલદી તેડો. (૩)
ચિત્રલેખા એણીપેર બોલી, સજોડે છે જોડ;
તે તો પહોડ્યા દ્વારકામાં, આ તો ચિત્રામણના ઘોડા રે. (૪)
કડવું-૪૦
કડવું ૪૦મું
રાગ : પરજ
આપો આણી, એ વર મુને આપો હો આણી,
નીકર કાઢું મારો પ્રાણ, એ વર મુને આપો હો આણી. (ટેક૦)
મેં તો સ્વપ્ને દીઠો જે છોગાળો રે, તેની પાંપણનો છે ચાળો રે;
મારૂં મનડું હર્યું લટકાળે, તે વર મુને આપો હો આણી. (૧)
જેના દીર્ઘ બાહુ આજાન રે, મકરાકૃત કુંડળ કાન રે;
અંગ શોભે એ ભીને વાન, તે વર મુને૦ (૨)
જેનાં લક્ષણ વીસ ને બાર, મુને પરણી ગયો જે કાલ રે;
તેને વરસ થયાં દશ-બાર, તે વર મુને૦ (૩)
વરની લટકતી ચાલ રે, મને પરણી ગયો છે કાલ રે;
તેને ટપકું કીધું ગોરે ગાલ, તે વર મુને૦ (૪)
રાજે પીતાંબર પરીધાન રે, મુને કહેતો ગયો નહિ નામ રે;
ત્યારે ક્યાંથી સરે મારૂં કામ, તે વર મુને૦ (૫)
ચિત્રલેખા બોલી વાણ રે, સહિયર કેમ થઈ અજાણ રે;
બાઈ દ્વારિકા તે જાયે કોણ, તે વર મુને૦ (૬)
કોટ કાંગરે ચામુંડાય રે, છપ્પન કરોડ તે ચોકીમાંય રે;
ચક્ર ઝળહળતું ત્યાંય રે, મુને મારે હેલામાંય. તે વર મુને૦ (૭)
કડવું-૪૧
કડવું ૪૧મું
ઓખા ચિત્રલેખાને ભરથાર લાવી આપવા વિનવે છે
રાગ : મારુ
ઓખા કહે છે સુણ સાહેલી, લાવ્ય કંથને વહેલી વહેલી;
બાઈ તું છે સુખની દાતા, લાવ્ય સ્વામીને સુખ શાતા. (૧)
ચતુરાને કહે ચિત્રલેખા, બાઇ આણ્યાના ઉપાય કેવા;
દૂર પંથ દ્વારામતી, કેમ જવાય મારી વતી. (૨)
ત્યાં જૈ ન શકે રાય શક્ર, રક્ષણ કરે સુદર્શન ચક્ર;
જાવું જોજન સહસ્ત્ર અગિયાર, તારો કેમ આવે ભરથાર ? (૩)
નયણે નીરની ધારા વહે છે, કર જોડીને કન્યા કહે છે;
બાઈ તારી ગતિ છે મોટી, તને કોઈ ન કરી શકે ખોટી. (૪)
સહિયરને સહિયર વહાલી, છે મેં જમણા હાથે ઝાલી;
આપણ બેઉ જણ સંગાથી, તું પ્રાણ દાતા છે વિધાત્રી. (૫)
મા-બાપ વેરી છે મારાં, મેં તો ચરણ સેવ્યા છે તમારાં;
વિધાત્રી તું દીનદયાળ, એમ કહી પગે લાગી બાળ. (૬)
કીધો ચિત્રલેખાએ વિચાર, જાવા દ્વારકા મોઝાર;
ચિત્રલેખાએ ધારણા દીધી, પછી દેહ પક્ષિણીની કીધી. (૭)
કડવું-૪૨
ચિત્રલેખા કહે ઓખાબાઇ, મારે દ્વારકામાં જાઉં;
પ્રભુના ઘરમાં ચોરી કરવી, નથી લાડવો ખાવું. (૧)
અગિયાર સહસ્ત્ર જોજન જાવું, હરવા શ્રી જુગદીશ;
સુદર્શન જો ચક્ર મળે તો, છેદે મારું શીશ. (૨)
બાઇ તુજને તાણ તો નવ પડે રે, જેમ તેમ વહેલી થાને;
લાવ્ય મારા કંથને, તું ખોટી થાય છે શાને ? (૩)
જાતી વેળા ઓખા કહે છે, મારો છે વર રૂડો;
કર્મે મળ્યા છો કુંવારા, માટે રખે પહેરતાં ચુડો. (૪)
ચિત્રલેખાએ કહેવા માંડ્યું, મનમાં રાખો ધીર;
તુજ સ્વપ્નમાં પરણી ગયો, મારી માડી જાયો વીર. (૫)
ત્યારે ઓખા કહેવા લાગી, જોઇ રહી વાટડી;
મારો વર રૂડો જાણી, રખે ઓઢતી ઘાટડી. (૬)
હું નહિ ઓઢું ઘાટડી, તું એ શી બોલી વાત ?
તુજ સ્વપ્નમાં પરણી ગયો, મારી માડી જાયો ભ્રાત. (૭)
એવું કહીને ઉપડી તે, પવનવેગે જાય;
આકાશ મારગે સંચરી, પહોંચી ગોમતી માંય (૮)
ગોમતીમાં મરદન કર્યું ને, વિચારિયું તે ઠામ;
પ્રભુના ઘરમાં ચોરી કરવી, નહિ એકલાનું કામ. (૯)
પછી તેણે નારદ મુનિ સંભાર્યા, તતક્ષણ આવ્યા ધાઇ;
કહે રે મુજને કેમ સંભાર્યો, ચિત્રલેખાબાઇ. (૧૦)
બાણાસુરની દીકરીને, લાગ્યું છે સ્વપ્ન;
અનિરૂદ્ધ સેજે વરી ગયો, વિહવળ થયું છે મન. (૧૧)
ચોરી કરવા હું આવી, સુદર્શન આડું થાય;
તે માટે તમને સંભાર્યા, કરવા મારી સહાય. (૧૨)
નારદ કહે છે ઓ રે બાઇ, એમાં તે શું કામ;
એક તામસી વિદ્યા એવી ભણાવું, ઊંઘે બધું ગામ. (૧૩)
ચિત્રલેખા કહે સાચું કહ્યું, પણ છેતરવા જગદીશ;
પહેરેદાર સુદર્શન ચક્ર મળે તો, છેદે મારું શીશ. (૧૪)
ચક્રની ચિંતા નવ કરશો, જે માર્ગે જાશે ચોકી કરવા;
તેને મારગે હું જઇશ, બેસાડીશ વાતો કરવા. (૧૫)
પછી તામસી વિદ્યા ભણાવી, જીભે જપતી જાય;
ચોસઠ કળામાં ચામુંડા તે, ડળક ડોલું ખાય. (૧૬)
ગામ તો ઘારણ પડ્યું, ઊંઘ્યા સઘળા લોક;
ચિત્રલેખા નગરમાં પેઠી, મૂકીને મનનો શોક. (૧૭)
નારદે વિચારિયું, ચિત્રલેખા અનિરૂદ્ધને લઈ જાશે;
શિવને શામળિયો વઢશે, જોવા જેવું થાશે. (૧૮)
ચક્ર ચોકી કરતું આવ્યું, મારગમાં નિરધાર;
તે મારગે સામા મળીઆ, નારદ બ્રહ્મકુમાર. (૧૯)
નારદ કહે છે ને, દહાડી જાય છે ફરવા;
એક ઘડીવાર બેસને, મુજની સાથે વાતો કરવા. (૨૦)
તું ને હું તો ક્યાં મળીશું, તું સાચી કહેને વાત;
કોઇ દહાડો મુજને સંભારે, દ્વારિકાના નાથ. (૨૧)
ચક્કર મુખથી બોલિયું, વળી મારું તે ધનભાગ્ય;
તમારા દરશનનો તો, ક્યાંથી પામું લાભ. (૨૨)
ભોળું ચક્કર સમજ્યું નહિ, બેઠું નિરાંત લઈ;
પેલી નારી નગરમાં પેઠી, ચોરી કરવા ગઈ. (૨૩)
જોતી જ્યાં ગઈ, કૃષ્ણ તણું રે ભુવન;
ત્યાંથી આઘેરી પરવરી, જ્યાં પોઢ્યો પ્રદ્યુમન. (૨૪)
ત્યાંથી આઘેરી પરવરી, મહાવિષ્ટિ કેરો વીર;
સોડ ઘાલીને પહોઢ્યો, મહાધનુષધારી ધીર. (૨૫)
હમણાં એને જો હું જગાડું, મારામારી કરે કકડાય;
માથે હિંડોળો લઈ લીધો ને, ઉલટ અંગ ન માય. (૨૬)
જુગત અંબે ! જે જુગત અંબે ! કરંતી તે જાય;
હિંડોળો લઈ જાતાં દીઠો, નારદે ત્યાંય. (૨૭)
હિંડોળો લઇ પરવરીને, સમર્યા વૈકુંઠરાય;
પવન વેગે સંચરી, આકાશ મારગે જાય. (૨૮)
બેઘડીમાં આવી પહોંચી, શોણિતપુર મોઝાર;
તે ઠેકાણે નારદજીએ, મન કર્યો વિચાર. (૨૯)
એ જ્યારે ગઇ ત્યારે, હું એ મારે જાઉં;
તેનું કામ કર્યું હું, ખોટી શીદને થાઉં ? (૩૦)
નારદ કહે છે ચક્કરને તું, નિકળ્યું ચોકી કરવા;
આવડી વારે મૂરખ કેમ બેઠું, મુજ સાથે વાતો કરવા. (૩૧)
નારદ કહે છે ચક્કરને, ઊઠ જોને તારું ગામ;
કાલે પછી ચોરી થશે, તું ન લઇશ મારું નામ. (૩૨)
આકાશ મારગે પક્ષિણી તે, વેગે ચાલી જાય;
ઓખાબાઇ તો વાટ જુવે છે, મંદિર માળિયા માંય. (૩૩)
વા વાય ને બારી હાલે, ખડખડાટ બહુ થાય;
ચિત્રલેખા પાપણી તે, હજુ ના આવી આંય. (૩૪)
ચિત્રલેખા ચાલી આવી, મંદિરે માળિયા માંય;
ભલે આવી ભલે આવી, હું જગાડું ભરથાર રે. (૩૫)
કડવું-૪૩
કડવું ૪૩મું
ભરથારનું કહ્યું ન માનવાથી
રાગ : આશાવરી
ઊંઘ્યા પિયુને જગાડીએ, ભર નિદ્રામાંથી ઊઠાડીએ,
મન સંગાથે એવાં બીજીએ, બ્રહ્મહત્યા તો શીદ લીજીએ. (૧)
ભરથાર પહેલી ભામની, જે અન્ન રાંધીને ખાય;
વાગોળ થઈને અવતરે, ઊંધે મસ્તક ટંગાય. (૨)
ભરથાર પહેલી ભામિની, સુવે સજ્યામાંય;
આંધળી ચાકરણ અવતરે; પડે મારગમાંય. (૩)
ભરથારનું કહ્યું જે ન માને, આપમતી જે નારી,
તે તો નારી અવતરે, કાંઈ બિલાડી મંઝારી. (૪)
ભરથારનું જે કહ્યું ન માને, તરછોડે નિજ કંથ;
હડકાઇ કૂતરી અવતરે, એને માથે પડશે જંત. (૫)
ઓખા કહે છે ચિત્રલેખાને, તું તો બોલ આપ;
પિયુ પોઢ્યો હોય પારણે, કરડવા આવ્યો હોય સાપ (૬)
કડવું-૪૪
કડવું ૪૪મું
મંદિર માળિયામાં અનિરુદ્ધ જાગૃત થાય છે
રાગ :સાખી
(સાખી)
સ્ત્રી ચરિત્ર અનેરડાં, કોઈ તેનો ન લહે મર્મ,
સ્ત્રી શામને ભોળવે, પણ ખોયો પોતાનો ધરમ. (૧)
(રાગ:ઢાળ)
ઓખા કહે છે ચિત્રલેખાને, હાવે ના બોલીશ આડું;
તું કહે તો મારા પિયુને, પગ ચાંપી જગાડું. (૧)
ચિત્રલેખા કહે ઓખાબાઈ, આવડી ઉતાવળી શું થાય;
એ મોટાનો કુંવર કહાવે, કાંઈક હશે હથિયાર. (૨)
ઓશીકે જઈ જોવા લાગી તો, મોટી એક ગદાય;
ઉપાડીને અળગી કીધી, ઓખા ચાંપે પાય રે. (૩)
કડવું-૪૫
કડવું ૪૫મું
રાગ : મારુ
મહા બળિયો તે જાગિયો, તેના બલનો ના આવે પાર રે;
હરડું હાક મારી, કીધા છે હોંકાર રે.
ધમક ધમક ડાકલાં વાગે, ઠારો ઠાર રે;
આ તો ન હોય રે, મારા બાપનું ગામ રે.
દ્વારકામાં વસે સફ્હળા વૈષ્ણવજન રે;
અહો રાત્રિ બેઠા કરે છે, ત્યાં સહુ કીરતન રે.
ભજન નાદ કેરા ચકરડા, તે હોય અપાર રે;
ભૂત ભૈરવ જોગની અસુર કોઈની નાર રે.
ડાકણી છો, શાકિની છો, કોણ છો બલાય રે;
ચિત્ર લેખા કહે છે વીરા, ખમા ખમા ખમાય રે.
કડવું-૪૬
કડવું ૪૬મું
શુકદેવજી ઓખાહરણની કથા કહે છે
રાગ કોદરો
અનિરુદ્ધ તે જાગીને પેખે, ભુવનથી ઓરડા દેખે;
કોણ કારણ અમને લાવીઆ હો. (૧)
ચિત્રલેખા બોલે શિર નામી, તમને લાવી છું હું જાણી;
ઓખાને કરો પટરાણી, વર વરવાને અરથે હો, તમને લાવીઆ હો (૨)
તમે નારી ધન્ય, દીસો છો કુંવારી;
કન્યા પરણું તો થાય છે અન્યાય, કેમ પરણું ઓ અસુર નંદની હો. (૩)
કડવું-૪૭
કડવું ૪૭મું
શુકદેવજી ઓખાહરણની કથા કહે છે
રાગ કોદરો
બાણાસુરની નગરમાં, ગડગડિયા નિશાન રે;
એણે રે શબ્દે અનિરુદ્ધ જાગીઆ રે. (૧)
જાગ્યા જાદવરાય જુગતીથી દેખે રે;
પેખે રે અસુરના માળિયાં રે. (૨)
આ તો ન હોય અમારી નગરી, ન હોય અમારું ગામ રે;
ન હોય કનકની દ્વારિકા રે. (૩)
હોય અમારી વાડી રે, અમે રમતાં દહાડી દહાડી રે;
ન હોય પુષ્પ કનકનો ઢોલિઓ રે (૪)
અહીંયાં નાદ ઘણા વાગે, રણતુર ઘણેરાં ગાજે રે;
ન હોય, ન હોય, શંખ શબ્દ સોહામણા રે. (૫)
મને કોઈ રાંડ લાવી રે, મારી દ્વારિકાને છંડાવી રે;
કઈ ભામિનીએ, મુજને ભોળવ્યો રે. (૬)
આ તો ઊંચા ઊંચા માળ, લોઢે જડ્યાં કમાડ રે;
રત્નાગર સાગર શે, નથી ગાજતો રે ? (૭)
ચિત્રલેખા બોલી વળતી રે, તમે જોઈને દેજો ગાળ રે;
આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે. (૮)
ત્યારે અનિરુદ્ધ બોલ્યો વાત, મૂછે ઘાલી હાથ રે;
જાણીજોઈને, જાત ગળીમાં કેમ બોળીએ રે. (૯)
મારો વડવો જુગજીવન, પ્રદ્યુમનરાયના તન રે;
તે માટે નહિ પરણું, દૈત્ય દીકરી રે. (૧૦)
ચિત્રલેખા બોલી વાત રે, ઢાંકી રાખો તમારી જાત રે;
હમણાં વાતો કાઢીશ, વડવા તણી રે. (૧૧)
સનકાસુરને મારી રે, સોળહજાર લાવ્યા નારી રે;
તમો સમજો મનમાં રે, તારા બાપે એક નથી પરણી રે. (૧૨)
એક લગ્ન નવ વરીઆ રે, નવ પૂછ્યાં કુળ નેપળીઆં રે;
જાત ભાત કોઈની, પૂછી નહિ રે. (૧૩)
તારા બાપની જે ફોઈ, અર્જુન સંન્યાસીને ગઈ રે;
મોં કાઢીને બોલે એવું, છે નહિ રે. (૧૪)
એણે વાયો વૃંદાવનમાં વંસ, જેણે માર્યો મામો કંસ રે;
ધાવતાં માસી મારી, પુતના રે. (૧૫)
ધાવતાં મારી માસી રે, કરી રાખી કંસની દાસી રે;
કુબજાના કુળની વાત કહેતો નથી રે. (૧૬)
તારો વડવો માખણનો ચોર, ચાર્યા વૃંદાવનમાં ઢોર રે;
છાશ પીતો તે ઉછરિયો રે. (૧૭)
સત્રાજીતને કાજ રે, મણિ લેવા ગયા મહારાજ રે;
ત્યાંથી પરની લાવ્યા જાંબુવતી રીંછડી રે. (૧૮)
લાંબા નખને ટૂંકા કેશ રે, વરવો દિસે વેશ રે,
ભૂંડા મુખના છુંછા ઉપર શું મોહી રહ્યા રે. (૧૯)
કહે તો વાત વધારે કહીએ, નીકર અહીંયાંથી છાનાં રહીએ રે;
પૂછો છો તો, કન્યાનું કુળ સાંભળો રે. (૨૦)
તારો વડવો જગજીવન, એનો વડવો કૈલાસનો રાજન રે;
ઓખાની માડી તો, ઉમિયા સતિ રે, (૨૧)
હિમાચલની ભાણેજી રે, ગણપતિ તેનો વીર રે;
ઉમિયાના અર્ધાંગેથી, ઓખા ઉપજી રે. (૨૨)
તારો વડવો જગજીવન, એનો વડવો બળી રાજન;
એક સમે બળી રાયે યજ્ઞ માંડ્યો રે. (૨૩)
બળીરાય જગ્નનો અધિકારી, તારો વડવો ભીખારી રે;
સાડા ત્રણ ડગલાં માટે, કર જોડિયાં રે. (૨૪)
આઅટલી વડાઈ શાને કરો છો, એના બાપની ભૂમિમાં રહો છો રે;
કરમહીણના કપાળમાં, કોઈ ચોડે નહિ રે. (૨૪)
કહે તો વાત વધારે કહીએ, નીકર આંહીથી છાના રહીએ રે;
આવ્યા છો તો કન્યાને સુખે વરો રે. (૨૫)
કડવું-૪૮
કડવું ૪૮મું
શુકદેવજી ઓખાહરણની કથા કહે છે
રાગ કોદરો
અનિરુદ્ધ વળતો કોપીઓ, ક્યાં ગઈ મારી ગદાય;
બે જણના, મારી કરું કકડાય. (૧)
તમો જાણ્યું અહીંયાં લાવી, કર્યું ભલેરું કામ;
તમને બે જણને મારી, ઊડી જાઉં દ્વારિકા ગામ. (૨)
ઓખા ત્યારે થરથર ધ્રુજી, વેગે આવી આડ;
મારા પિયુજીને હું મનાવું, તું લાવી તે તારો પાડ રે. (૩)
કડવું-૪૯
કડવું ૪૯મું
શુકદેવજી ઓખાહરણની કથા કહે છે
રાગ કોદરો
મારા સોરઠીઆ સુજાણ, મળ્યા મને મેલશો મા;
મારા જીવનપ્રાણ, મળ્યા મને મેલશો મા. (૧)
મારા હૈયા કેરા હાર, મળ્યા મને મેલશો મા;
સાસુડીના જાયા, મળ્યા મને મેલશો મા. (૨)
સ્વપ્ને શીદ ઝાલ્યોતો હાથ, મળ્યા મને મેલશો મા;
તમને દાદાજી ની આણ, મળ્યા મને મેલશો મા.(૩)
તમે ચાલો તો કાઢું પ્રાણ, મળ્યા મને મેલશો મા;
ત્યારે અનિરુદ્ધ બોલ્યો વાણ, સાંભળ સુંદરી. (૪)
એ અબળાએ નાખ્યા બોલ, અમશું લડી;
મારા વડવાની વાત, કાઢી જે વઢી. (૫)
ત્યારે ઓખા બોલી વાત, એ છે દાસલડી;
કૌભાંડની તે તનયાય, પગની ખાસલડી. (૬)
ત્યારે અનિરુદ્ધ બોલ્યો વાણ, હવે હું તને વરું;
તમે ગાળો દીધી સાર, મારૂં વેર વાળ્યું ખરું. (૭)
ચિત્રલેખા બોલી વાણ, ગાળો દીધી સહી;
તમે બે થયાં છો એક, પરણાવું નહિ. (૮)
પરણવાની પેર, સઘળી મેં લહી;
મને મળીઆ નારદમુન્ય, વિદ્યા શીખવી. (૯)
ત્યારે ઓખા બોલી વાણ, હવે વાર શાની;
પરણાવ માળિયા માંય રાજકુંવરી નાની. (૧૦)
કડવું-૫૦
કડવું ૫૦મું
ઓખા અનિરુદ્ધને પરણે છે
રાગ : ઘોળ
માળિયામાં મિથ્યા અગ્નિ પ્રગટ કીધો રે,
માળિયામાં દેવતા સાક્ષી લીધા રે;
માળિયામાં નારદ તંબુર વાય રે,
માળિયામાં કળશ ચોરી બંધાય રે.
માળિયામાં પહેલું મંગળ વરતાય રે,
પહેલે મંગળ શાં શાં દાન અપાય રે;
ચિત્રલેખા આપે છે કરની મુદ્રિકાય રે,
દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે.
માળિયામાં બીજું મંગળ વરતાય રે,
બીજે મંગળ, શાં શાં દાન અપાય રે;
ચિત્રલેખા આપે છે સોળ શણગાર,
દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે.
માળિયામાં ત્રીજું મંગળ વરતાય રે,
ત્રીજે મંગળ, શાં શાં દાન અપાય રે;
ચિત્રલેખા આપે છે નવસર હાર રે,
દાન લે છે કૃષ્ણ તણો કુમાર રે.
માળિયામાં ચોથું મંગળ વરતાય રે,
ચોથે મંગળ, શાં શાં દાન અપાય રે;
ચિત્રલેખા આપે છે ગાયોનાં દાન રે,
દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે.
માળિયામાં સમે વરતે સાવધાન રે,
માળિયામાં આરોગ્યા કંસાર રે;
માળિયામાં ચાર ભાગ્યવંતી તેડાવો રે,
ઓખાબાઈને સૌભાગ્યવંતી કહી બોલાવો રે.
માળિયામાં ઓખા અનિરુદ્ધ પરણી ઊઠ્યાં રે,
માળિયામાં ત્યાં તો સૌનેયે મેરુ થાય રે.
કડવું-૫૧
કડવું-૫૧
બોલ્યા શુકજી પ્રેમે વચન, સાંભળ પરીક્ષિત રાજન;
મળી બેથી સૌ સહિયર નારી, બોલી વચન કૌભાંડ કુમારી. (૧)
સુખ ભોગવો શ્યામા ને સ્વામી, ચિત્રલેખા કહે શીર નામી;
બાઈ તું કરજે પિયુંના જતન, રાંક હાથે આવ્યું રતન. (૨)
વરકન્યા સુખે રહેજો, બાઈ મુજને જાવા દેજો;
અન્ન બેનું આપે છે રાય, ત્રીજું કેમ સમાય ? (૩)
તમે નરનારી ક્રીડા કીજે, હવે મુજને આજ્ઞા દિજે;
બોલી ઓખા વળતી વાણી, મારી સહિયર થઈ અજાણી. (૪)
હવે સતી ઓખા વલતી ભાખે, બાઈ કેમ જીવું તુંજ પાખે;
આપણ બે જણ દિન નીરગમશું, અન્ન વેંચીને જમીશું. (૫)
દુઃખ થાશે દઈશું થાવા, પણ નહિ દેઉં તુજને જાવા;
બેની હું તો રહીશ ભૂખી, તુજને નહિ થવા દઉં દુઃખી. (૬)
હું તો આપીશ મારો ભાગ, હમણાં નથી જવાનો લાગ;
મા-બાપ વેરી થયાં છે મારાં, મેં તો ચરણ સેવ્યાં છે તમારા. (૭)
તુજ તાતને ઘેર ન જવાય, જાણ બાણાસુરને થાય;
ચિત્રલેખા કહે સુણ વાણી, મારી સહિયર થઈ અજાણી. (૮)
પ્રધાન પુત્રી કહેવાઉં છું માત્ર, હું છું બ્રાહ્મણીનું ગાત્ર;
તુજ અર્થે લીધો અવતાર, મેળવ્યાં નારી ભરથાર. (૯)
એમ કહી કરી પ્રસન્ન, ચિત્રલેખા ગઈ બ્રહ્મસદન
ઓખાએ આંખડી ભરી, કંથે આસનાવાસના કરી. (૧૦)
સ્વામી આશા બાંધી નારી, પછી ચિત્રલેખાને વિસારી;
જે દહાડે તુજને સ્વપ્ન, તે દહાડે મુજને સ્વપ્ન. (૧૧)
જાણે પરણ્યો છું ઓખા નારી, ઉઘાડી મેલી'તી બારી;
બેને સરખી વિજોગની પીડા, નરનારી કરે છે ક્રીડા. (૧૨)
બેની ચડતી જોબન કાયા, પ્રીત બંધને બાંધી માયા;
નેહ જણાવે ઓખા નારી, રમે અનિરુદ્ધ કુંજબિહારી. (૧૩)
જે જોઈએ તે ઉપર આવે, ભક્ષ ભોજન કરે મનભાવે;
પહોંચ્યો ઓખાને અભિલાષ, પછી આવ્યો અષાઢ માસ. (૧૪)
આવ્યા વર્ષા કાળના દન, મેહ ગાજે વરસે બહુ પરજન્ય;
ચમકે આકાશે વીજળી ઘણી, બોલે કોકીલા વાણી મધુરી. (૧૫)
મહા તપસીના મન ડોલે, ત્યાં તો બપૈયા બહુ બોલે;
તેલ મર્દન કરે છે અંગે, કેસર ચંદન ચરચે રંગે. (૧૬)
આંખો અંજન આ ભ્રણ સાર, તંબોળા કેરા આહાર,
તપે નિલવટ ચાંદલો તેવો, ચંદ્ર શરદપુનમના જેવો. (૧૭)
શીશ ફૂલ સેંથે સિંદૂર, તેને મોહ્યો અનિરુદ્ધ સુર;
કાને ઝાલ ઝળકતી જોઈ, કાન કુંવર રહ્યો છે મોહી. (૧૮)
નાકે સોહિએ મોતીની વાળી, તેને રહ્યા અનિરુદ્ધ નિહાળી;
મોહ્યો મોહ્યો ભ્રકુટીને જોડે, મોહ્યો મોહ્યો મુખને મોડે. (૧૯)
મોહ્યો મોહ્યો છે ટીલડી વટે, મોહ્યો મોહ્યો કેશની લટે,
મોહ્યો મોહ્યો ઘુઘરીને ધમકે, મોહ્યો ઝાંઝરને ઝમકે. (૨૦)
દીઠું મેડીએ સુંદર કામ, તેણે વિસાર્યું દ્વારિકા ગામ;
ઘણું ભક્ષ ભોજન કરે આપ, તેણે વિસાર્યાં મા ને બાપ. (૨૧)
પામ્યો અધરામૃત પકવાન, તેને વિસાર્યું હરિનું ધ્યાન;
ઓખા સુખતણે સાગર, તેણે વિસાર્યો રત્નાગર. (૨૨)
અનિરુદ્ધને ચાલે છે ગમતી, નારી હીંડે નરને નમતી;
નારી નારી મુખે ઓચરતા, હીંડે ઓખાની પૂંઠળ ફરતા. (૨૩)
ઘેલો કીધો મરજાદા મેલી, નવ જુવે દિવસ કે રેણી;
રાત-દિન નિરગમે છે રમી, ચારે આંખે ઝરે છે અમી. (૨૪)
શુધબુધ તો વિસારી તહીં, એટલે ચોમાસું ગયું વહી. (૨૫)
(વલણ)
ચોમાસું તો વહી ગયું, આવ્યો આસો માસ રે;
કન્યા ટલી નારી થઈ, ઓખા પામી સુખ વિલાસ રે. (૨૬)
કડવું-૫૨
કડવું ૫૨મું
ઓખાના આવાસે કૌભાંડ તપાસ કરવા આવે છે
રાગ :મલાર
વર્ષાઋતુ વહી ગઈ રે, રમતાં રંગ વિલાસ;
સુખ પામ્યા ઘણું રે, એટલે આવ્યો અશ્વિન માસ. (૧)
એક સમે સહિયર આવી, શરદ પુનમની રાત;
માણેકઠારી પૂર્ણિમા રે, ઉત્તમ દીસે આસો માસ. (૨)
ચંદ્રમાને કિરણ બેઠાં, હિંડોળે નરનાર;
હસ્યવિનોદમાં રે, કરતાં વિવિધ વિલાસ. (૩)
રક્ષક રાયના રે, તેણે દીઠી રાજકુમારી;
કન્યા રૂપ ક્યાં ગયું રે, ઓખા દીસે મોટી નારી. (૪)
ચિત્રલેખા ક્યાં ગઈ રે, એકલી દીસે છે ઓખાય;
રાતી રાતી આંખલડી રે, ફુલી દીસે છે કાય. (૫)
હીંડે ઉર ઢાંકતી રે, શકે થયા છે નખપાત;
અધરમાં શ્યામતા રે, કોઈક પુરુષદંતનો ઘાત. (૬)
સેવક સંચર્યો રે, એવો દેખીને દેદાર;
મંત્રી કૌંભાંડને રે, જઈને કહ્યાં સમાચાર. (૭)
પ્રધાન પ્રવર્યો રે, જ્યાં અસુર કેરા નાથ;
રાયજી સાંભળો રે, મંત્રી કહે છે જોડી હાથ. (૮)
લોકીક વાર્તારે, કાંઈક આપણને લાંછન;
જીભ્યા છેદિએ રે, કેમ કહીએ વજ્ર વચન. (૯)
બાળકી તમ તણી રે, તે તો થઈ છે નારી રૂપ;
સુણી વાર્તા રે, આસનથી ઢળીઓ ભૂપ. (૧૦)
ધ્વજા ભાંગી પડી રે, એ તો અમથી અકસ્માત;
બાણ કોપ્યો ઘણો રે, મંત્રી સાંભળ સાચી વાત. (૧૧)
શિવે કહ્યું તે થયું રે, તારી ધ્વજા થશે પતન;
તે વારે જાણજે રે, રિપુ કોઈક થશે ઉત્પન્ન. (૧૨)
જુઓ મંત્રી તમો, પુત્રી કેરી પેર;
તેને કોઈ જાણ નહિ, તેમ તેડી લાવો ઘેર. (૧૩)
પ્રધાન પરવર્યો રે, સાથે ડાહ્યા ડાહ્યા જન;
ઓખાને માળિયે રે, હેઠે રહીને કહે છે વચન. (૧૪)
કૌંભાંડ ઓચાર્યો રે, ઓખાજી દ્યોને દર્શન;
ચિત્રલેખા ક્યાં ગઈ રે, ચાલો તેડે છે રાજન. (૧૫)
થરથર ધ્રુજતી રે, પડી પેટડીમાં ફાળ;
શું થાશે નાથજી રે, આવી લાગી મહા જંજાળ (૧૬)
રખે તમે બોલતા રે, નાથજી દેશો ના દર્શન;
મુખ ઊડી ગયું રે ઓખા, નીર ભરે લોચન. (૧૭)
બાળા બહુ વ્યાકુળી રે, કોઈ કદળી કરે વર્ણ;
કેશ ગુંથ્યા વિના રે, કંચુકી પહેરી અવળે વર્ણ. (૧૮)
બારીએ બાળકી રે, ઊભી રહીને ત્યાં આવી;
કૌંભાંડે કુંવરીને રે, ભયંકર વચને બોલાવી. (૧૯)
ચિત્રલેખા ક્યાં ગઈ રે, તું એકલડી દીસે બાળ;
કન્યારૂપ ક્યાં ગયું રે, ખીજશે બાણ ભૂપાળ. (૨૦)
શરીર સંકોચતી રે, કરતી મુખડા કેરી લાજ;
ઘરમાં કોણ છે રે, મુજને સાચું કહોને આજ. (૨૧)
ગંડસ્થળ કર ધરી રે, કોઇ પુરુષ દંતનો ઘાત;
શણગટ તાણતી રે, બોલી ઓખા ભાંગી વાત. (૨૨)
દિલ સારું નથી રે, ચિત્રલેખાએ કીધું શયન;
તેણે હું આકળી રે, દુઃખણી નીર ભર્યું લોચન. (૨૩)
મંત્રી ઓચર્યો રે, ઓખા બોલી આળ પંપાળ;
હેઠ ઊતરો રે, નહિ તો ચડીને જોઈશું માળ.(૨૪)
(વલણ)
માળ જોઈશું તમતણો, ભાગશે તમારો ભાર રે;
એવું જાણીને ઊતરો, રાય કોપ્યા છે અપાર રે. (૨૫)
કડવું-૫૩
કડવું ૫૩મું
કૌભાંડ સમક્ષ અનિરુદ્ધ પ્રગટા થાય છે
રાગ :સામગ્રી
કન્યાએ ક્રોધ જણાવીઓ, હાકોટ્યો પ્રધાન;
લંપટ બોલતા લાજે નહિ, ઘડપણે ગઈ શાન. કન્યાએ૦ (૧)
પાપી પ્રાણ લેવા ક્યાંથી આવિયો, બોલતો શુદ્ર વચન;
એ વાત સારુ કરવી જોઈશે, જીભલડી છેદન. કન્યાએ૦ (૨)
હું તો ડાહ્યો દાનવ, તને જાણતી ભારેખમ કૌભાંડ;
એવું આળ કોને ન ચડાવીએ, ભાંગી પડે રે બ્રહ્માંડ. કન્યાએ૦ (૩)
કહેવા દેને તું મારી માતને, પછી તારી વાત;
હત્યા આપું તુજને, કરું દેહનો પાત. કન્યાએ૦(૪)
કૌભાંડ લાગ્યો કંપવા, પુત્રી પરમ પવિત્ર;
પછી કાલાવાલાં માંડિયાં, ન જાણ્યું સ્ત્રીચરિત્ર. કન્યાએ૦ (૫)
બાઇ રાજાએ મને મોકલ્યો, લોકે પાડ્યો વિરોધ;
ઓખાજી પૂછવા માટે, આવડો શો ક્રોધ ? કન્યાએ૦ (૬)
એવું કહેતા સેવક મોકલ્યો, બાણાસુરની પાસ;
રાજાએ મંત્રીને કહાવિયું, જુઓ ચઢીને આવાસ. કન્યાએ૦ (૭)
કૌભાંડ કોપ કરીને ગાજીઓ, વગડાવ્યાં નિશાન;
માળિયેથી બંને ઉતારો, બાણાસુરની આણ. કન્યાએ૦(૮)
દાસને આપી આજ્ઞા, સ્થંભ કરોને છેદન;
ઓખાએ આંસુડા ઢાળિયાં, ચંપાશે સ્વામીન. કન્યાએ૦ (૯)
હોંકારો અસુરનો સાંભળી, ઊભો થયો અનિરુદ્ધ;
મેઘની પેઠે ગાજીઓ, કંપી નગરી બુધ. કન્યાએ૦ (૧૦)
મંત્રી કહે સુભટ સાંભળો, કોઇ જોદ્ધો બોલ્યો અહીં;
આપણા નાદે ઊઠ્યો, મેઘ શબ્દથી સહી. કન્યાએ૦ (૧૧)
ઓખાએ નાથને બાથમાં, ઘાલ્યો શું જાઓ છો વહી;
મરડી જાઓ જુદ્ધને, હવડાં જાઉં કહી. કન્યાએ૦ (૧૨)
આ શો ઉદ્યમ વઢવા તણો, નથી બાપુનું ધામ;
દાનવને માનવ જીતે નહિ, ન હોય ઋતુ સંગ્રામ. કન્યાએ૦ (૧૩)
નાથ કહે સુણ સુંદરી, વાત સઘળે થઈ;
હવે ચોરી શાની આપણે, બેસીએ બારીએ જઈ. કન્યાએ૦ (૧૪)
(વલણ)
જઈ બેઠાં નરનારી, બંને વાત વિપરીત કીધી રે;
છજે ભજે કામ કુંવરે, ઓખા ઉછંગે લીધી રે. (૧૫)
કડવું-૫૪
કડવું ૫૪મું
કૌભાંડ સમક્ષ અનિરુદ્ધ પ્રગટા થાય છે
રાગ :રામકલી
જોડી જોવાને જોધ મળ્યા ટોળેજી, ઓખા બેસારી અનિરૂદ્ધે ખોળેજી,
કંઠમાં બાવલડી ઘાલી બાળાજી; દેખી કૌભાંડને લાગી જ્વાળાજી. (૧).
(ઢાળ)
જ્વાળા પ્રગટી ઝાળ પ્રગટી, સુભટ દોડ્યા સબળા;
મંત્રી કહે ભાઈ સબળ શોભે, જેમ હરી ઉછંગે કમળા. (૧)
લઘુ સ્વરૂપને લક્ષણવંતો, આવી સૂતા સંગ બેઠો;
જ્યાં સ્પર્શ નહીં પંખીતણા, તે માળિયામાં કેમ પેઠો ? (૨)
નિશંક થઈને છાજે બેઠા, નિર્લજ નર ને નારી;
હાસ્ય વિનોદ કરે ઘણો, લજયાના આણે મારી. (૩)
ઓખાએ અપરાધ માંડ્યો, ધાઈ ધાઈ લે છે સોઈ;
પ્રધાન કહે એ પુરુષ મોટો, કારણ દીસે કોઈ. (૪)
અંબુજવરણી આંખલડી ને, ભ્રકૂટી રહી ખમખમી;
રામવાળી વાંકી, વળી વઢવા રહ્યો ટમટમી. (૫)
માળ ધર્યો સુભટ સર્વે, બોલે છે આનંદ;
અહો વ્યભિચારી ઉતાર હેઠો , એમ કહે કૌભાંડ. (૬)
અલ્પ આયુષ્યના ધણી, જમપુરીનો મારગ સત્ય;
અસુર સરીખા રિપુ માથે, કેમ થઈ બેઠો સ્વસ્થ ? (૭)
બાણાસૂરની દીકરી , તેને ઈન્દ્ર ન થાય આળ;
તે રાજકુંવરીની સંગે, તું ચઢીને બેઠો માળ. (૮)
સાચું કહે જેમ શીશ કહે, કોણ નાત કુળ ને ગામ;
યથાર્થ તું ભાખજે, કેમ સેવ્યું ઓખાનું ધામ (૯)
અનિરુદ્ધ વળતી બોલિયો, સાંભળો સુભટ માત્ર;
ક્ષત્રિનંદન હું ઇચ્છાએ, આવ્યો બાણનો જમાત્ર. (૧૦)
મંત્રી કહે અલ્યા બોલ્ય વિચારી, ઉતરશે અભિમાન;
જમાત્ર કોનો બાળ કોનો, કોણે દીધું કન્યાદાન ? (૧૧)
અપરાધ પૂરણ ઉતર હેઠો, તને બાણરાયની આણ;
આ દાનવ તારો પ્રાણ લેશે, મરણ આવ્યું જાણ. (૧૨)
વિચાર જાણે જીવ્યાને, જો પડ્યો વરાસે ચૂક;
સિંહ તો હાકે ઊઠે, ફણા દીસે છે જાંબુક (૧૩)
બેઉ જણાને જોઈને, પાછો ચાલ્યો કૌભાંડ,
કૌભાંડનું વાયક સાંભળી, બોલ્યો બળીરાજાનો તન. (૧૪)
સાંભળતામાં ચારલાખ યોદ્ધા, મોકલ્યા તત્કાળ;
તે ઓખાએ દીઠા આવતા, પડી પેટમાં ફાળ. (૧૫)
કડવું-૫૫
કડવું ૫૫મું
બાણાસુરનું સૈન્ય જોઈ ઓખા નિરાશ થાય છે
રાગ :પરજ
કામની એ જ્યારે કટક દીઠું , ઓખા થઈ નિરાશ,
અરે ! દેવ આ શું કીધું, મારા મનમાં હતી મોટી આશ.
વાલા કેમ વઢશો રે, મારા પાતળિયા ભરથાર. વાલા૦ (૧) ટેક.
અરે પિયુ તમે એકલા, કરમાં નથી ધનુષ ને બાણ;
એ પાપી કોપીઓ, લેશે તમારા પ્રાણ. વાલા૦ (૨)
આછી પોળી ઘીએ ઝબોળી; માંહે આંબારસ ઘોળી
તમે જમતા હું વીસરતી, ભરી કનક કટોરી. વાલા૦ (૩)
આળોટે- પાલોટે અવની પર, રૂદન કરે અપાર;
બોલાવી બોલે નહીં, નયણે વરસે આંસુની ધાર. વાલા૦ (૪)
વળી બેસે ઊઠીને, વળી થાય વદન વીકાસણ વીર;
તીવ્ર બાણ જ્યારે છૂટશે, સહેશે કેમ કોમળા શરીર. વાલા૦ (૫)
મારા માત-પિતાને જાણ થયું, ને કટકા મોકલ્યું પ્રૌઢ;
પાપી બાપે કાંઇ નવ જાણ્યું, બાણાસૂર મહામૂઢ. વાલા૦ (૬)
કડવું-૫૬
ઘેલી નારી કાલાવાલા, જે કરે તે ફોક;
અમે એવું જુદ્ધ કરીએ, તે જાણે નગરના લોક. (૧)
તું જાણે પિયુ એકલાને, હાથ નહીં હથિયાર;
તારા બાપે ચાર લાખ મોકલ્યા, તે મારે માના છે ચાર. (૨)
તું જાણે પિયુ એકલાને, કર નહિ ધનુષ ને બાણ;
એક ગદા જ્યારે ફરશે ત્યારે, લઈશ સર્વના પ્રાણ. (૩)
ચિત્રલેખા ચતુરા નારી, વિધાત્રીનો અવતાર;
ઓખાએ તે ધ્યાન ધરિયું, આવી માળિયા મોઝાર. (૪)
એવું એમ કહીને જોયું શય્યામાં, ગદા તો નવ દીઠી;
ચમકીને પૂછ્યું ચિત્રલેખાને, અંગે લાગી અંગીઠી. (૫)
ચિત્રલેખા કહે મહારાજા હું તો, ચતુરા થઈને ચૂકી;
મેં જાણ્યું મુજને મારશે, ગદા ક્યાંય મૂકી. (૬)
અનિરુદ્ધ કહે શાને વઢું, મારે હાથ નથી હથિયાર;
ચિત્રલેખાએ નારદ સંભાર્યા, માળિયા મોજાર. (૭)
નારદ કહે મુજને કેમ સંભા્ર્યો, કૌભાંડ કેરી તન;
મહારાજ જુદ્ધે ચઢે અનિરુદ્ધ, દેજો આશીર્વાદ વચન. (૮)
નારદે આશીર્વાદ દીધો, સૌભાગ્યવંતી ઓખાબાઈ;
ભાલોભલો પુત્ર પ્રદ્યુમનનો, ચિરંજીવી અનિરુદ્ધભાઈ. (૯)
ભલો તું પ્રદ્યુમનનો, વીરા ઘણો વિકરાળ;
અંતરીક્ષ ઊભો હું જોઉં છું, આણ સરવનો કાળ. (૧૦)
અલ્યા ઘણી વાર તો બેસી રહ્યો ને, વાત તણું નહિ કામ;
બૈરામાં બાકરી બાંધી, તેમ બોળ્યું બાપનું નામ (૧૧).
અનિરુદ્ધ કહે શાને વઢું, હથિયાર નથી કંઈ એક;
જોદ્ધા જા જા શોર કરે છે, ત્યાં શો કરવો વિવેક. (૧૨)
નારદ કહે ઓખાબાઈને, તું આદ્ય જગતની માત;
તારું સામર્થ્ય હોય જેટલું, તે આપ સ્વામીને હાથ. (૧૩)
ઓખાએ એક ભોંગળ લઈને, કહાડી આપી બહાર;
સ્વામીના કરમાં આપી, તેમાં હજાર મણનો ભાર. (૧૪)
વીર વિકાસી ભોંગળ લીધી, માળિયામાં ધાય,
ચાર લાખ જોદ્ધા તરવરીઆ તે, સામો જુદ્ધે જાય. (૧૫)
ગેડી ગુપ્તિ ફરસી તંબુર, છુટે ઝઝા બાણ;
માળિયાને ઢાંકી લીધું, જેમ આભલિયામાં ભાણ. (૧૬)
આવતા બાણ એકઠાં કરી કરીને, પાછા નાખે બાળ;
ઊંચેથી આવી પડે છે, આણે સર્વનો કાળ. (૧૭)
ભડાક દઈને ભોંગળ મારી, અનિરુદ્ધે જેની વાર;
તે ઝબકારા કરતી આવી, તેણે કર્યો સંહાર. (૧૮)
અનિરુદ્ધ કેરો માર ઘણો તે, જોદ્ધાએ ન ખમાય;
મારી કટક સરવે કટકા કીધું, આપે નાઠા જાય. (૧૯)
રહો શા માટે નાસો, કાં થાઓ છો રાંક ?
હું તમારા કાજ આવ્યો છું, મારો ન કાઢો વાંક (૨૦)
અંગ જે કાંઈ ન સુજે, આવ્યા રાયની પાસ;
બાણાસુર બેસી રહ્યો, ને કટક થયું સૌ નાશ. (૨૧)
જોદ્ધા સહુ નાશ થયા રે, હું ચોરી નાઠો સાર;
તમને આવ્યો સંભળવવા, ઘણું કરી પોકાર. (૨૨)
નાસ રાજા ભુંગળ આવી, પ્રાણ તારો જાય;
બાણાસુર પડ્યો ગાભરો, દૈવ આતો શું કહેવાય ? (૨૩)
બીજા રાયે છ લાખ મોકલ્યા, જઈ કરો સંગ્રામ;
મારી બાંધી લાવો કહું છું, એને તો આ ઠામ. (૨૪)
જોદ્ધા આવ્યા જોરમાં તે કરતા મારોમાર;
છ લાખ આવી ઊભા રહ્યા, તેના બળતણો નહિ પાર. (૨૫)
કોઇ એક ને બે જોજન, ઊંચા જે કહેવાય;
કોને માથે શીંગડા, લોચન ઉદર સમાય. (૨૬)
ખડગ, ખાંડા તુંબર ફરસી, ગોળા હાથે નાળ;
તોપ, કવચ, રણભાલા, બરછી, મુગદળ ને ભીંડીમાળ. (૨૭)
સાંગ , ગેડી, ગુપ્તિ, ગદા ને ઝળકતી તલવાર;
બાણાસુરના યોદ્ધા તે, કરતા મારોમાર. (૨૮)
કાંઇક કચરઘાણ થાય ને કાંઇકના કડકાય,
કુંભસ્થળ ફાટી ગયા ને , પડ્યા તે પૃથ્વી માંય. (૨૯)
અનિરુદ્ધે પછી વિચાર્યું, ગદા પડી છે ધર્ણ;
જોદ્ધા આવ્યા જોરમાં તે, કેમ પામશે મરણ ? (૩૦)
પછી પડતું મૂક્યું પૃથ્વી ઉપર, ગદા લીધી હાથ;
કાળચક્રની પેઠે સેજે, સૌ સંહાર્યા સાથ. (૩૧)
કોઇ જોદ્ધાને ઝીકી નાખ્યાં, ઝાલ્યા વળતી કેશ;
કોઇને અડબોથ મૂકીને, કોઇને પગની ઠેસ. (૩૨)
કોઇકના મોઢા ભાંગી નાખ્યા, હાથની લપડાકે;
કોઇને મારી ભુકો કીધો, ભોંગળને ભડાકે. (૩૩)
એમ હુલ્લડ કરીયું ને ત્રાસ પાડીઓ, બુમરાણ બહુ થાય;
છ લાખ ચકચૂર કરીને, ગયો માળિયા માંય. (૩૪)
નાઠા જોદ્ધા વેગે ગયા, જ્યાં છે બાણાસુર રાય;
નાસ રાજા ભોંગળ આવી, પ્રાણ તારો જાય. (૩૫)
ન હોય કાંઈ નાનો કુંવર, દીસે છે કોઈ બળિયો;
ઘણીવારનો જુદ્ધ કરે છે, કોઈનો ન જાય કળિયો. (૩૬)
કૌભાંડને તેડાવી પૂછ્યું, હવે શું કરવું કાજ;
આટલે છોકરે નીચું જોવડાવ્યું, ધિકધિક મારું રાજ. (૩૭)
મતવાલો મહાલે માળમાં, જઈ જોદ્ધાએ સભામાં સંભળાયું;
કૌભાંડને ચડિયો કાળ, મતવાલો મહાલે મળામાં. (૧)
જુગ જીત્યું પણ કાંઈ નવ દીઠું, સ્વર્ગ મૃત્યુ પાતાળમાં;
કહો કૌભાંડ હવે શું, મારો ભાગ્યો ભારે ભૂપાળમાં. મતવાલો૦ (૨)
સહુ સૈન્યનું સામર્થ ભાગ્યું, બહુ બળદીઠું છે બાળમાં રે;
દસ લાખનો દાટ વાળ્યો, હજી છે વઢવાની ચાલમાં. મતવાલો૦ (૩)
કહો પ્રધાન હવે શી વલે થશે, બાળ પડ્યો જંજાળમાં રે;
રાતમાં જઈને રોકી રાખો, નાસે પ્રાત:કાળમાં રે. મતવાલો૦ (૪)
વિખિયા રે વળગ્યો તે નહિ થાય અળગો, જેમ માખી મધજાળમાં રે;
બાળકને બકરી શાને ધારો, જણાય સિંહની ફાળમાં. મતવાલો૦ (૫)
બાળકને જે બાંધી લાવે, તેને વધાવું રતન ભરી થાળથી રે;
સિંહપણું વેરાઇ ગયું ને, થયો સંગ્રામ શિયાળમાં રે, મતવાલો૦ (૬)
કડવું-૫૭
કૌભાંડ કહે તું સાંભળ રાજા, કહું એક સાચો મર્મ;
એ ભોંગળે દસ લાખ માર્યા, તેણે ન રહ્યો તારો ધર્મ. (૧)
અચરજ એક લાગે છે મુજને, પડી અસંગે વાત;
એક ભોંગળે દસ લાખ માર્યા, કીધો મહા ઉત્પાત. (૨)
પૂરવે મેં તેને પ્રિછવ્યો, અહંકારે થયો તું અંધ;
અહંકારે લંકા ગઇ, રણે રેંસાયો દસસ્કંધ. (૩)
અહંકાર ચંદ્રમાએ કર્યો, તેને રોહીણીશું સંજોગ;
છવ્વીસ નારી પરહરી, માટે ભોગવે ક્ષય યોગ. (૪)
એવા અહંકાર હું અનેક કહું, સાંભળને ભૂપાળ;
વાંક કોઇનો કહાડીએ નહિ, પણ ફુટ્યું તારૂં કપાળ.(૫)
અહંકાર તુજ બાપે કર્યો, જેણે જીત્યા દસ દિગપાળ;
વામન રૂપ વિઠ્ઠલે ધરીને, બળી ચાંપ્યો પાતાળ. (૬)
અહંકાર કોઇનો છાજ્યો નહિ, ગર્વ કોઇનો રહ્યો નહિ;
તમે વિચારો મનમાંય. (૭)
પહેલી ધજા ભાંગી પડી, વરસ્યો રુધિરનો વરસાદ;
નક્ષત્ર તૂટી પડ્યું ને, થવા માંડ્યો ઉત્પાત. (૮)
હવે તત્પર થઈને સેના સંભાલો, નહિ નાઠાનું કામ;
દસ દિશા તું જીતીને આવ્યો, છોકરે બોળ્યું તારું નામ. (૯)
રાય પહેલો મેં તુને પ્રિછવ્યો, પ્રતાપ તારો પ્રત્યક્ષ;
આ સમે એ વિલોકતામાં, ઉદય પામ્યો અસ્ત. (૧૦)
સ્વર્ગ મૃત્યુ પાતાળમાં, કહેવાયો તું એક;
તરણાવત તુજને કર્યો, એ છોકરે વાળ્યો છેક. (૧૧)
વચન એવું સાંભળીને, રાયની ગઈ છે શુધને સાન;
સ્થૂળ અંગ દેખી રાજાનું, પછી બોલીઓ પ્રધાન. (૧૨)
કૌભાંડ કહે તું સાંભળ રાજા, પરાક્રમ મારું પ્રચંડ;
શશક ઉપર સિંહ અખંડ છે, તેમ પૃથ્વી કરું શતખંડ. (૧૩)
કહો તો એને બાંધી લાવું, એમાં તે કેટલું કામ;
શોણિતપુરના સુભટ કેરા, અનદ ટાળું સામ. (૧૪)
રળિયાત થયો વચન સાંભળી, આપ્યા સહુ શણગાર;
તું મારો વડો બાંધવ, આ તારા સર્વ ભંડાર. (૧૫)
જાઓ વીર તમે વેગે જઇને, કરી આવો શુભ કામ;
વધામણી વહેલી મોકલજો, પેલા શત્રુને ફેડી ઠામ. (૧૬)
વચન શીશ ચઢાવી ઊઠ્યો, તેણે કીધો સૌ શણગાર;
સૈન્યા સઘળી સજ કરી, તેની શોભાનો નહિ પાર. (૧૭)
મહા મોટો ગજ ગિરિવર સરખો, મદગળીત કહેવાય;
હીરા માણેક રત્નજડિત અંબાડી, તેની જ્યોતે રવિ ઢંકાય. (૧૮)
સૂર્યવંશી ને સોમવંશી, પાખે રિયા કેકાણ;
મોરડે મોતી જડિત્ર તેને, હીરાજડિત પલાણ.(૧૯)
અનેક અશ્વ દોંડિયા,આગળ ગણતાં ન આવે પાર;
અનેક પાલખી રથ ઊંટ ને; તેને સુભટ થયા અસ્વાર. (૨૦)
સિંહલદ્વીપના હસ્તી મોટા, તેને જડ્યાં માણેક અપાર;
મેઘાડંબર છત્ર ધરીને, મંત્રી થયો અસ્વાર. (૨૧)
નગારાની ધોંસ વાગે, શરણાઇઓનાં સૂર;
સૈન્યા સઘળી પરવરી, જાણે સાગર આવ્યું પુર. (૨૨)
નાળ, ગોળા, કવચ, ભાથા, કરતા મારા માર;
માળિયા આગળ ઊભો એટલે, ઓખા કરે વિચાર. (૨૩)
સ્વામી તમારા મનમાં આવે તો, કહું વિનંતિ આજ;
ચિત્રલેખા દ્વારિકા લઇ જાય તો, સીધે સઘળું કાજ. (૨૪)
વચન સુણીને જ્વાળા લાગી, ચઢી અનિરૂદ્ધને રીસ;
ચરણ કેરી આંગળીથી, જ્વાળા લાગી શિશ. (૨૫)
યુદ્ધવિષે સનમુખ ન રહુંતો, લાજે મારો વંશ;
બાણાસુરને એણી પેરે મારૂં, જેમ કૃષ્ણે માર્યો કંસ. (૨૬)
એવા માંહે જોદ્ધા આવ્યા, દેવા લાગ્યા ગાળ;
ક્રોધ ચડ્યો બહુ કામકુંવરને, કીધી ઇચ્છા દેવા ફાળ. (૨૭)
{વલણ)
ફાળ દઉં અંત લઉં, હોકારો તવ કીધો રે;
ઓખાએ અનિરુદ્ધને, માળિયામાં ઊંચકી દંડવત કીધો રે. (૨૮)
કડવું-૫૮
કડવું ૫૮મું
ઓખા-અનિરુદ્ધ વાર્તાલાપ - અસુરો સાથે અનિરુદ્ધનું યુદ્ધ
રાગ : ભુપાળ
ઓખા કહે કંથને એમ ન કીજે રે, બળીયાશું વઢતાં બીજે.
એ ઘણા ને તમો એક, તાતે મોકલ્યા જોધ્ધા અનેક.
દૈત્યને અનેક વાહન તમો પાળા, એ કઠણ તમો સુંવાળા.
એને ટોપ કવચ બખ્તર, તમારે અંગે પીતાંબર.
દૈત્યને સાંગ બહુ ભાલા, પ્રભુ તમો છો ઠાલામાલા.
આ તો મસ્તાના બહુ બળિયા, તમો સુકોમળ પાતળિયા.
પહેલું મસ્તક મારું છેદો, સ્વામી પછી અસુરને ભેદો.
તમારે દેહને દેખીને હું તો મોહું, નેત્રે જુદ્ધ કરતાં કેમ જોવું;
મુવા દૈત્ય કેરા હોકારા, પ્રભુ પ્રાણ કંપે છે મારા.
ઇચ્છા અંતરમાં પેઠી, દૈત્યે માળિયું લીધું વીંટી.
ઘણું ક્રોધી વિરોધી છે બાણ, હાકે ઈંદ્રની જાયે સાન.
જનસ્થંભે તાતની હાકે, બાણે સૈન્ય ચઢાવ્યું ચોકે.
જેને નામે તે મેરુ હાલે, ચક્રધારી સરખાનું નવ ચાલે.
ક્ષત્રી સાથ રેહે છે બીતો, તમે કોઈ પેર એને જીતો ?
મંત્રી રહ્યો છે દંત જ કરડી, શેં ધાઓ છો મૂછ મરડી.
કંથ કહે ન કરું સંગ્રામ, નાસી પેઠાનો કીયો ઠામ ?
હવે જીતવા છુટવું નહિ, સૈન્ય મારીએ સામા થઈ.
નથી ઉગરવાનો ઉપાય, ત્યારે ભય પામે શું થાય ?
નાઠે લાંછન લાગે કુળમાં, જેમ શશીને લાંછન મુખમાં.
મહુવર વાજે મણીધર ડોલે, ન ડોલેતો અળશીઆ તોલે.
ધન ગાજે કેસરી દે ફાળ, ના ઉછળે તો જાણવો શિયાળ.
ક્ષત્રી શોઢે દેખીને દળ, ન શોઢે તો વ્યંઢળ.
હાંકે વાઘ ન માંડે કાન, તો જાણવો નિશ્ચે શ્વાન.
ઘરમાં જોદ્ધા રહે કો પેસી, તો ચરણ વિનાનો રહે બેસી.
એમ કહીને ઓખા આગળ કીધી, ગાજ્યોને ભોંગળ લીધી.
અસુર સૈન્યમાં જૈને આડીઓ, છજેથી કંપિની પેઠે પડીઓ.
જેમ ચંદ્ર પેસે વાદળમાં, તેમ અનિરુદ્ધને લીધો વીંટી દળમાં.
અસુર કહે એ માનવી કશું, બહુ સિંહમં બગલું પશુ.
જો મુગટા મંત્રીને ચરણે ધરે, તો તું મૃત્યુ થકી ઉગરે.
તેના આવા વાક્ય સાંભળી, અનિરુદ્ધ ધાયો હોંકારો કરી.
નાંખે દૈત્ય ખાંડાને મુદગલ, તેમ વીષ્ણુ નાખે ભોંગલ.
વીસ સહસ્ત્ર અસુર સૌ તૂટ્યા, એકી વારે બહુ છૂટ્યા.
આયુદ્ધ ધારા રહી છે વરસી, છુટે પરિઘ આયુદ્ધ ને ફરસી.
થાય દાનવ ટોળે ટોળાં, વરસે બીંડી માળને ગોળા.
ગાજે દુંદુભીના ગડગડાટ, થાય ખાંડા તણા ખડખડાટ.
હાંકે હસ્તેને વાંકે ચુચવાટ, રથ ચક્ર વાજે ગડગડાટ.
હોય હયના ઘણાં હણહણાટ, દેખી દોહલા નાથના ઘાટ.
થાય ઓખાનો ઉચાટ, દેખે દોહલો નાથનો ઘાટ.
દાનવનો વાળ્યો દાટ, અનિરુદ્ધે મુકવી વાટ.
કોઈ ઝીંક્યા જાલી કેશે, કોઈ ઉડાડ્યા પગની ઠેશે.
કોઇને હણ્યા ભોંગલને ભડાકે, કોઈના મંભાંગ્યા લપડાકે.
કોને ભાલા વાગ્યા ભચોભચ, કોના નાક વાઢ્યાં ટચ.
કોઈ અધકચરા કોઇ પૂરા, મારી સૈન્ય કર્યું ચકચૂરા.
તે રણમાં ભયાનક ભાસે, બળ દેખી ઓખા ઉલ્લાસે.
મેં તો આવડું નહોતું જાણ્યું, ચિત્રલેખાએ રત્ન જ આણ્યું.
થય પરસેવો અનિરુદ્ધને ડિલે, પોતાનાં વસ્ત્રમાં ઓખા ઝીલે.
ભડ ગાઅજ્યું ને પડ્યું ભંગાણ, નાઠો કૌભાંડ લઇને પ્રાણ.
થઇ બાણાસુરને જાણ, એક પુરુષે વાળ્યો ઘાણ.
અસુરને ચઢીઓ બહુ કોપ, સજ્યા કવચ આયુધને ટોપ.
વાગી હાકને ચઢીયો બાણ, તે તો થઇ ઓખાને જાણ.
(વલણ)
જાણ થઇ જે તાત ચઢીઓ, કોણ જીતશે સહસ્ત્ર હાથ રે;
ઓખા આંખ ભરતી રુદન કરતી, પછી સાદ કરતી નાથ રે.
કડવું-૫૯
કડવું ૫૯મું
ઓખા-અનિરુદ્ધ વાર્તાલાપ - અસુરો સાથે અનિરુદ્ધનું યુદ્ધ
રાગ :સામગ્રી
મારા સ્વામી હો ચતુર સુજાણ, બાણદળ આવ્યું રે, જાદવજી;
દિસે સૈન્ય ચારે પાસ, હવે શું થાશે રે. જાદવજી.
એવા બળીયા સાથે બાથ, નાથ કેમ ભીડો રે, જાદવજી;
સામો દૈત્ય છે કુપાત્ર, માટે ડરીને હીંડો રે. જાદવજી.
એ દળ આવ્યું બલવંત, દિશે રીસે રાતા રે, જાદવજી;
એકલડા અસુરને મુખે, રખે તમે જાતા રે, જાદવજી.
ઓ ગજ આવે બલવંત, દંત કેમ સહેશો રે, જાદવજી;
અસુર અરણ્ય ધાય, તણાયા જાશો રે. જાદવજી.
એવું જાણીને ઓસરીએ, ન કરો ક્રોધ રે, જાદવજી;
એકલડાનો આશરો શાનો, માનો પ્રતિબોધ રે. જાદવજી.
ધીરા થાઓ ને, ધાઓ વઢો ફાંસુ રે, જાદવજી;
મારી ફરકે છે જમણી આંખ, વરસે છે આંસુ રે. જાદવજી.
મને લાગે છે ઝાંખો, ભોંગલ હેઠી નાખો રે, જાદવજી;
હું તમને સમજાવું આ વાર, વચન મારૂં રાખો રે. જાદવજી.
તમો મુજ દેહલડીના હંસ, મૂકોને જુધ્ધ રે, જાદવજી;
પાછા વળો લાગું પાય, માનો મારી બુધ્ધ રે. જાદવજી.
ઘેલી દિસે છે તરૂણી, તારી આ શી ટેવ રે, રાણીજી;
અમે બાણ થકી ઓસરશું, તો કરશું સેવ રે, રાણીજી.
આવ્યો બાણાસુર ભુપાળ, તેને હું મારું રે, રાણીજી;
એના છેદું હાથ હજાર, દળ સંહારું રે. રાણીજી.
અનિરુધ્ધ રણ થકી ઓસરે, તો લાજે શ્રીગોપાલ રે, રાણીજી;
હવે અંત આપણો આવ્યો, હવે નાઠે આવે આળ રે, રાણીજી.
(વલણ)
નાઠે આવે આળ, નવ કીજીએ ઉપવાદ રે;
કહે પ્રેમાનંદ ઓખાબાઇએ, અનિરુધ્ધને કર્યો સાદ રે.
કડવું-૬૦
કડવું ૬૦મું
ઓખા અનિરુદ્ધને યુદ્ધ ન કરવા વિનવે છે
રાગ : વેરાડી
ઓખા કરતી કંથને સાદ રે, હો હઠીલા રાણા;
એ શા સારું ઉન્માદ, હો હઠીલા રાણા. ૧.
હું તો લાગું તમારે પાય, હો હઠીલા રાણા;
આવી બેસો માળિયા માંય, હો હઠીલા રાણા. ૨.
હું તો બાણને કરું પ્રણામ, હો હઠીલા રાણા;
છે કાલાવાલાનું કામ, હો હઠીલા રાણા. ૩.
એ તો બળીયા સાથે બાથ, હો હઠીલા રાણા;
એ તો જોઇને ભરીએ નાથ, હો હઠીલા રાણા. ૪.
એ તો તરવું છે સાગર નીર, હો હઠીલા રાણા;
બળે પામીએ ન સામે તીર , હો હઠીલા રાણા. ૫.
મને થાય છે માઠા શુકન, હો હઠીલા રાણા;
મારું ફરકે છે જમણું લોચન, હો હઠીલા રાણા. ૬.
મારો મોતીનો તૂટ્યો હાર, હો હઠીલા રાણા;
ડાબે નેત્રે વહે જળ ધાર, હો હઠીલા રાણા. ૭.
દિસે ગગને ઝાંખો ભાણ, હો હઠીલા રાણા;
દિસે નગરી તો ઉજડ રાન, હો હઠીલા રાણા. ૮.
રુવે વાયસ ગાય ને શ્વાન, હો હઠીલા રાણા;
એવા શુકન માઠા થાય, હો હઠીલા રાણા. ૯.
હું ધ્રુજતી દેખું ધરણ, હો હઠીલા રાણા;
એ તો સાગરે શોણિત વરણ, હો હઠીલા રાણા. ૧૦.
આવ્યા અગણિત અસવાર, હો હઠીલા રાણા;
માહેમાંહે થાય છે હાહાકાર, હો હઠીલા રાણા. ૧૧.
ઓ દુંદુભી વાગ્યો ઘાય, હો હઠીલા રાણા;
એ તો સૈન્ય તમ પર ધાય, હો હઠીલા રાણા . ૧૨.
ઓ આવ્યું દળ વાદળ, હો હઠીલા રાણા;
ઓ ઝળકે ભાલાના ફળ, હો હઠીલા રાણા. ૧૩.
પાખર બખ્તર ધરી ટોપી, હો હઠીલા રાણા;
દૈત્ય ભરાયા આવે કોપી, હો હઠીલા રાણા. ૧૫.
એ તો શુરવીર મહાકાળ, હો હઠીલા રાણા;
હવે થાશે કોણ હાલ ? હો હઠીલા રાણા. ૧૬.
નાથ જુઓ વિચારી મન, હો હઠીલા રાણા ;
જુધ્ધ રહેવા દો રાજન, હો હઠીલા રાણા. ૧૭.
જો લોપો મારી વાણ, હો હઠીલા રાણા;
તમને માતા પિતાની આણ, હો હઠીલા રાણા ૧૮.
આવ્યો બાણ તે પ્રલયકાળ, હો હઠીલા રાણા;
મેઘાડંબર છત્ર વિશાળ, હો હઠીલા રાણા. ૧૯.
(વલણ)
મેઘાડંબર છત્ર બિરાજે, ઊલટી નગરી બુધ રે;
અગણિત અસ્વાર આવિયા, તેણે વીંટી લીધો અનિરુધ્ધ રે. ૨૦.
કડવું-૬૧
આવી સેન્યા અસુરની, અનિરુધ્ધ લીધો ઘેરી;
કામકુંવરને મધ્યે લાવી, વીંટી વળ્યો ચોફેરી.
અમર કહે શું નીપજશે, ઇચ્છા પરમેશ્વરી;
રિપુના દૈત્યના જુથ માંહે, અનિરુધ્ધ લઘુ કેસરી.
બાણરાયને શું કરૂં, જો ભોંગળ ધરી ફોગટ;
વેરી વાયસ કોટી મળ્યા, હવે કેમ જીવશે પોપટ.
બાણાસુરે સુભટ વાર્યા, નવ કરશો કો ઘાત;
વીંટો ચો દિશ સહુ મળીને, હું પૂછું એને વાત.
માળિયેથી ઓખાબાઇએ, રુદન મૂક્યું છોડી;
પિતા પાસે જોધ્ધા સરવે, હાથ રહ્યા છે જોડી.
બલવંત દિસે અતિ ઘણું, સૈન્ય બિહામણી;
પવનવેગા પાખરીઆ તે, રહ્યા રે હણહણી.
આ દળ વાદળ કેમ સહેશો, ઓ સ્વામી સુકોમલ;
અરે દૈવ હવે શું થાશે, પ્રગટ કામનાં ફલ.
દેવના દીધેલ દૈત્ય મૂવા, તેને દયા નહિ લવલેશ;
કાચી વયમાં નાથજીને, નથી આવ્યા મૂછ ને કેશ.
ચાર દિવસનું ચાંદરણું તે, ચડી ગયું છે લેશ વહી;
આ જોધ્ધા પિયુને મારશે, દૌવડા જીવું નહિ.
અર્ભક તમારો એકલો, તેને વીંટી વળ્યા અસુર;
એવું જાણીને સહાય કરજો, ઓ શામળિયા સુર.
કષ્ટ નિવારણ કૃષ્ણજી, હું થઇ તમારી વહુ;
જો આંચ તમ આવશે પુત્રને, લજવાશે જાદવ સહુ.
પ્રજાના પ્રતિપાળ છો, તમે પનોતા મોરારી;
સંભાળ સર્વની લીજીએ, નવ મૂકીએ વિસારી.
અમને તો પણ આશા તમારી, અમે તમારાં છોરું;
લાજ લાગશે વૃધ્ધને, કોઇ કહેશે કાળું ગોરું.
પક્ષી પલાણે પ્રભુજી, પુત્રની કરવા પક્ષ;
ભગવાનને ભજતી ભામિની, ભરથાર છે રિપુ મધ્ય.
મુખ વક્ર નેત્ર બીહામણાં, મુખ મૂછો મોટી;
તેવા અસુર આવી મળ્યા, એક શંખ ને સપ્ત કોટી.
દળ વાદળ સેના ઊલટી, મધ્યે આણ્યો અનિરુધ્ધ;
વીર વીંટ્યો વેરીએ, જેમ મક્ષિકાએ મધ.
ધનુષ્ય ચઢાવ્યાં પાંચસે, બહુ ચઢાવ્યાં બાણ;
ગાયે ગુણીજન ગુણ બહુ, ગડગડે નિશાન.
અનંગ અર્ભક એમ વીંટીયો, તેમ શોભે છે ઇન્દુ લઘુ;
જેમ ઉલટે, ધણીને લલાટે, શ્વેતબિંદુ લઘુ.
કુંજરની સૂંઢ સરખા, શોભે છે બે ભૂજ;
સરાશન સરખી ભ્રકુટી, નેત્ર બે અંબુજ.
તૃણ માત્ર જે વઢતો નથી, બાણનો જે બાહુ,
અનિરુધ્ધ અસુર એવા શોભે, જેમ ચંદ્રમાને રાહુ.
આવી જોયું વક્ર દ્રષ્ટે, મૂછો મોટી ચક્ષ;
વપુ શોભાવે ભુજ ભાલાને, કેશ રૂપનું છે વૃક્ષ.
આ સમે કોવાડાને, અથવા ભોંગળની ધાર;
અરે ટાળું રિપુ સંસારનો, ઉતારૂં એનો ભાર.
શિવબાણનું બળ છે, માહે સર્પનો સાથ;
કે પેટાળમાં પૂરવજ વસે છે, પીંડ લેવા કાઢે છે હાથ.
કાષ્ટના કે લાખના, એણે ઘડીને ચોડ્યા કર;
અથવા પંખી કોઇ દિસે છે, એણે વંખેર્યો છે પર.
ત્યારે હસવું આવ્યું બાણને, એ શું બોલે છે બાળ;
કૌભાંડ કહે સાંભળો, એ તમને દે છે ગાળ.
બાણાસુર અંતર બળ્યો ને, ચૌદ લોકમાં બળવાન;
શું કરું જો લાંછન લાગે, નીકર વિધિએ દઉં કન્યાદાન.
સુભટ નિકટ રાય આવ્યો, બોલ્યો બહુ ગરવે;
નફટ લંફટ નથી લાજતો, વિંટ્યો હણવા સરવે.
કુળલજામણો કોણ છે, તસ્કરની પેઠે નિરલજ;
અપરાધ આગળથી કેમ ઉગરે, જેમ સિંહ આગળથી અજ.
અમથો આવી ચઢ્યો, કાંઇ કારણ સરખું ભાસે;
સાચું કહે જેમ શીશ રહે તુજ, બાળક રહે વિશ્વાસે;
કોણ કુળમાં અવતર્યો, કોણ માત તાતનું નામ;
અનિરુધ્ધ કહે વિવાહ કર્યો, હવે પૂછ્યાનું શું કામ ?
પિતૃ પિતામહ પ્રસિધ્ધ છે, દ્વારિકા છે ગામ;
છોડી છત્રપતિને વર્યો, હવે ચતુર મન વિચાર.
વૈષ્ણવ કુળમાં અવતર્યો, મારું નામ તે અનિરુધ્ધ;
જો છોડશો તો નક્કી બાંધી, નાખીશ સાગર મધ્ય.
બાણાસુર સામું જોઇને, કૌભાંડ વળતું ભાખે;
ચોરી કરી કન્યા વર્યો તે, કોણ વૈષ્ણવ પાખે ?
પુત્ર જાણી કૃષ્ણનો, પછી બાણ ધસે છે કર;
નિશ્ચે કન્યા વરી, મારું દૈવ બેઠું ઘર.
રીસે ડોકું ધુણાવીને, ધનુષ્ય કરમાં લીધું;
બાણાસુરે યુધ્ધ કરવાને, દળમાં દુંદુભી દીધું.
કડવું-૬૨
કડવું ૬૨મું
બાણાસુરે બાણ વડે અનિરુદ્ધને બાંધ્યો
રાગ :ગેડી
આવ્યો કુંવર રથે ભાથા ભરી, આવ્યો બાણાસુર વેગે કરી;
જોધ્ધાને નવ માયે શૂર, ચઢી આવ્યું એમ સાગરપૂર. ૧.
વાજે પંચ શબ્દ રણતુર, મારી જોધ્ધા કર્યા ચકચુર;
બાણાસુરનાં છૂટે બાણ, છાઇ લીધો આભલીઆમાં ભાણ. ૨.
થયું કટક દળ ભેળાભેળ; જેમ કાપે કોવાડે કેળ;
આવ્યા એટલા ધરણી ઢળ્યા, તેમાં કોઇ પાછા નવ વળ્યા. ૩.
આવી ગદા તે વાગી શીશ, નાઠો હસ્તી પાડી ચીસ;
બાણાસુર પર ભોંગળ પડી, ભાગ્યો રથ કડકડી. ૪.
રાયની ગઇ છે સુધ ને શાન, ભાંગ્યું કુંડળ છેદ્યા કાન,
પાછો લઇ ચાલ્યો પ્રધાન, ઘેર જાતામાં આવી સાન. ૫
પછી બોલે છે રાજન, સાંભળો મારા પ્રધાન;
રાય હમણાં ભોંગળ આવશે, જાણું છું જે જીવડો જશે. ૬.
પ્રધાન કહો ક્યાં થયા અજાણ, ક્યાં ગયું મહાદેવનું બાણ;
મેલે તો થાય કલ્યાણ, આ ફરીએ બંધાશે પ્રાણ. ૭.
તે લઇ બાણાસુર પાછો ફર્યો, તે ઉપર માળિયે સંચર્યો;
અનિરુધ્ધે વિચારી વાત, હવે હું જોડું હાથ. ૮.
શિવનું વ્રત તે સાચું કરું, વચન એનું મસ્તક ધરું;
અનિરુધ્ધે બે જોડ્યા હાથ, બાણાસુરે મેલ્યું બાણ. ૯.
આફરીએ બંધાઇ પડ્યો, ઉપરથી પરવત ગડગડ્યો;
લાતું ગડદા પાટું પડે, તે દેખી ઓખા રડે. ૧૦.
ત્યાંથી મનમાં વિચાર કર્યો, અનિરુધ્ધને લઇને સંચર્યો,
મારતા કુંવરને લઇ જાય, ઓખા રુએ માળિયા માંય. ૧૧.
કડવું-૬૩
કડવું ૬૩મું
ઓખાનો વિલાપ
રાગ :રામકલી
મધુરે ને સાદે રે હો, ઓખા રુવે માળિયે રે હો; બાઇ મારા પિયુને લઇ જાય,
સખી મારા વતી નવ ખમાય, હમણાં કહેશે રે હો, પિયુજીને મારિયા રે. ૧.
બાઇ મારાં પેલાં તે ભવનાં પાપ, બાઇ મારો આવડો સો સંતાપ;
શે નથી મરતો પાપી બાપ, માથેથી આભ તૂટો રે, હો પડજો સગા બાપને રે. ૨.
હાં રે મારા કંથની કોમળ કાય, એવા તે માર કેમ ખમાય;
આ પેલા દુષ્ટને ના મળે દયાય, રંડાપણ આવ્યું રે, હો બાળપણા વેશમાં રે. ૩.
કડવું-૬૪
કડવું ૬૪મું
અનિરુદ્ધને કારાગ્રહમાં રાખ્યો
રાગ :ચાલ
ચિત્રલેખા કહે બાઇ શેની રડે છે, તારા કંથની નહિ થાય હાણ;
જઇને હું સમજાવું છું રે, તારા પતિના નહિ લે પ્રાણ. ૧.
ચિત્રલેખા આવી ઉભી રહી, જ્યાં પોતાનો તાત;
સાંભળો પિતા વિનંતિ, કહેશો સમજાવી અહીં વાત. ૨.
એ છે મોટાનો છોકરો તે, તમે જોઇને છેદજો શીશ;
માથા પર શત્રુ થાશે, હળદર ને જુગદીશ. ૩.
એને વડવે બળી પાતાળે ચાંપ્યો, એવા જે એનાં કામ,
વગર વિચારે મારશો તો, ખોશો ઘર ને ગામ. ૪.
પ્રધાને જઇ કહ્યું, જ્યાં બાણાસુર ભૂપાળ;
રાજા રખે એને મારતા, એ છે મોટાનો બાળ. ૫.
પરણી કન્યા કોઇ પરણે નહિ, માથે રહેશે આળ;
લોકમાં કહેશે જમાઇ માર્યો, એવી દેશે ગાળ. ૬.
માટે ઘાલો કારાગ્રહમાં, હાથે ન કીજીએ ઘાત;
એકલે દસ લાખ માર્યા, તે મોટી કીધી વાત. ૭.
પછી વજ્ર કોટડીમાં, બેસાડ્યો એ તન;
સરપે એને વીંટીઓ કર્યો રે, કર્યો ફરતો અગન. ૮.
તે પૂંઠે જળની ખાઇઓ ખોદી, મેલ્યા બહુ રખવાળ;
સરપ કેરા ઝેરથી, પરજળવા લાગ્યો બાળ. ૯.
અનિરુધ્ધને બંધન કરીને, વિંટ્યા બહુ સરપ;
કામકુંવરને બાંધીઓ, ગાજીઓ તે નૃપ. ૧૦.
(વલણ)
નૃપ ગાજ્યો મેઘની પેર, ઉતરાવી ઓખાય રે;
અનિરુધ્ધને બંધન કરી, બાણાસુર મંદિરમાં લઇ જાય રે. ૧૧.
કડવું-૬૫
કડવું ૬૫મું
અનિરુદ્ધને કારાગ્રહમાં રાખ્યો
રાગ :સામગ્રી
બાણે બંન્નેને બાંધિયાં, નૌતમ નર ને નાર;
અનિરુધ્ધ રાખ્યો મુખ આગળે, ગુપ્ત રાખી કુમાર. બાણે બંનેને બાંધિયાં૦ ૧.
ચૌટામાં ચોર જણાવિયો, ઢાંક્યો વ્યભિચાર;
ઓખા છાની મંદિરે મોકલી, રાખ્યો કુળનો તે ભાર. બાણે૦ ૨.
લક્ષણવંતો હીંડે લહેકાતો, બહેહકાતો આવાસ;
દૈત્યનું બળ તે પુંઠે પળે, ઘેરી હીંડે છે દાસ. બાણે૦ ૩.
એક પેચ છૂટ્યો પાઘડી તણો, તે આવ્યો પાગ પ્રમાણ;
ચોરે તે મોર જ મારીઓ, તેનાં લોક કરે વખાણ. બાણે૦ ૪.
ઓખા ફરીને જો વર પરણશે, તો ભૂલશે ભવ ભરથાર;
તે સ્વામીથી શું સુખ પામશે, લીધું અમૃત સાર. બાણે૦ પ
કો કહે એમ દૈવત દીસે ખરૂં, રૂપવંતો રસાળું;
કટાક્ષમાં કામની મોહી પડે, એવી માયા મોહજાળ. બાણે૦ ૬.
તેની ભૂલવણી ભ્રકુટી તણી, ભૂલી પડી તે નાર;
કુંવારી કન્યાને કામણ કરે, સંતાડો સર્વ કુમાર. બાણે૦ ૭.
સખી પ્રત્યે ઓચરી, દેખી અંગ ઉમેદ;
બાંધ્યો જૂવે છે આપણા ભણી, એને છે એવી ટેવ. બાણે૦ ૮.
ચાર માસ આશા પહોંચી, ઘણો લાગ્યો સ્નેહ વિવાદ;
માળિયે સુખ પામ્યો ઘણું, પછી લોક અપવાદ. બાણે૦ ૯.
(વલણ)
લાગ્યો લોકાપવાદ પણ, પામ્યો દેવકન્યાય રે;
પછી બાણાસુરે અનિરુધ્ધને, રાખ્યો ઓખાના ઘરમાંય રે. ૧૦.
કડવું-૬૬
કડવું ૬૬મું
ઓખા-અનિરુદ્ધ વચ્ચે વાર્તાલાપ
રાગ : ધવળ-ધનાશ્રી
શુકદેવ કહે છે પરીક્ષિતને, તમે સાંભળો કહું એક વાતજી;
કૃષ્ણકુંવરને બાંધી રાખ્યો, ઓખાના ઘરમાંયજી (૧)
નાનાં વિધનાં બંધન કીધાં, કાઢી ન શકે શ્વાસજી;
એક એકના મુખ દેખી, દામણાં દેખી થાય છે ઉદાસજી (૨)
બાણમતી બાણાસુરની રાણી, જળ ભરે છે ચક્ષુજી;
પુત્રી જમાઈને ભૂખ્યા જાણી, છાનું મોકલેં ભક્ષજી (૩)
કષ્ટ દેખી નાથનું ઓખા, નયણે ભરે છે નીરજી;
અનિરુદ્ધ આપબળે કરીને, ઓખાને દે છે ધીરજી. (૪)
આદરું તો અસુર કુળને, ત્રેવડું તૃણમાત્રજી;
શોભા રાખવા શ્વસુરની તો, હું બંધાયો છું ગાત્રજી. (૫)
આગમાં ઊઠું તો શીઘ્ર છુટું, દળું દાનવ જુથજી;
શું કરું જો શ્વસુર પક્ષમાં, રાખવું છે સુખજી. (૬)
આકાશ અવનિ એક થાશે, એવા નિપજશે અંધજી;
અગ્નિ કેરી જ્વાળા ધુમ્રથી, અસુર થાશે અંધજી (૭)
સદાય થાશે શામળીઓ સબળો, સઘળા છુટશે બંધજી;
કૃષ્ણ આવી બાણાસુરનાં, છેદશે સઘળાં સ્કંધજી (૮)
મારા સમ જો સુંદરી તમો, ઝાંખો કરો મુખચંદ્રજી;
બંધનથી દુ:ખ દે છે ઘણું, તારી આંખનાં અશ્રુ બુંદજી (૯)
એમ આસનાવાસના કરીને, રાખ્યું ઓખાનું મનજી;
ત્યાર પછી શું થયું, તમે સાંભળો રાજનજી (૧૦)
પછી ભવાનીનું સ્મરણ કરીને, બાળક લાગ્યો પાયજી,
ભગવતી ભવતારણી, આવી કરજે સહાયજી (૧૧)
અનિરુદ્ધનું માતાજીનું સ્મરણ કરે છે - નારદજી અનિરુદ્ધને આશ્વાસન આપે છે
રાગ : ચાલ
મા તું બ્રહ્માણી, તું ઇન્દ્રાણી, તું કૃષ્ણા;
સ્થાવર જંગમ તું સચરાચર, મૃગ ઉપર જેમ તૃષ્ણા. (૧)
દૈત્યને પાતાળ ચાંપ્યા, રક્તબીજ રણ રોળ્યા;
નિશુંભ મહિષાસુર માર્યો, ચંડમુંડ ઢંઢોળ્યો. (૨)
ધુમ્રલોચનને હાથે હણિયો, મધુકૈટભ તે માર્યા;
અનેક રૂપ ધર્યાં તે અંબા, સુરિનર પાર ઊતાર્યા. (૩)
ઓ હિંગળાજ હિંગોળી માતા, કોંઇલાપુર તે કાળી;
આદિ ઇશ્વરી તું છે અંબા, શંખલપુર બહુચર બાળી (૪)
નગરકોટની તું સીધવાઇ, બગલામુખી લાગું પાય;
રાણી ઊંટવાળી માત, બીરાજતી દક્ષિણ માંય (૫)
અન્નપુરણા ભૈરવી ત્રિપુરા, રેણુકા છત્રસંગી;
રાજેશ્વરી ચામુંડા માતા, દુ:ખહરણી માતંગી. (૬)
એવી રીતે સ્મરણ કીધું, તતક્ષણ ભવાની આવી;
અનિરુધ્ધને માયે કહ્યું, તેં બાળક કેમ બોલાવી ? (૭)
અનિરુધ્ધ કહે સાંભળો માતા, મારું દુ:ખ કહ્યું નવ જાય;
સરપ કેરા ઝેરથી, મારી ઘણી બળે છે કાય. (૮)
ભવાનીએ પ્રસન્ન થઈને, ઝેર કર્યું સરવે નાશ;
પછી અંતરધ્યાન થયા માત, બાળકની પહોંચી આશ. (૯)
એવામાં ત્યાં નારદ આવ્યા, બ્રહ્માના કુમાર;
જુએ તો કારાગ્રહમાં અનિરુધ્ધ, વરસે છે જળાધાર. (૧૦)
નારદ કહે અનિરુધ્ધને, મારું સંકટ કાપો;
રૂડી વહુ તમે પરણ્યા માટે, મુજને દક્ષિણા આપો. (૧૧)
તમને દક્ષિણાની પડી ને, જાય છે મારા પ્રાણ;
શરીર ધ્રુજે અતી ઘણું ને, બોલી ન શકે વાણ (૧૨)
શીદ બીહે પરાક્રમી તું, બોલ્ય મુજ સંગાથ;
બાણાસુરની વર્યો પુત્રી તે, થઈ પૃથ્વીમાં પ્રખ્યાત (૧૩)
દિપાવ્યો વંશ વાસુદેવનો, બંધાએ લાંછન શુંય;
કાલે માધવને મોકલું, દ્વારકામાં જાઉં છું હુંય. (૧૪)
ઉંડળમાં તેં આભ ઘાલ્યું, અંતર માં શે ન ફુલે?
ઘોડે ચડે તે પડે પૃથ્વી પરે, ભણે તે નર ભૂલે (૧૫)
વલણ-અંતર શે ન ફુલ્યો જોધ્ધા, મુકાવશે ભગવાન રે,
અનિરુધ્ધની આજ્ઞા લઈ, ઋષિ થયા અંતરધ્યાન રે (૧૬)
કડવું-૬૭
કડવું ૬૭મું
અનિરુદ્ધ શામળિયાને સમરે છે
રાગ : બિહાગડો
દયા ન આવે દૈત્યપતિને, મહાબળિયા દુરમત્યજી,
બાકરી બાંધી દ્વીજવર સાથે, વેર વધાર્યું સત્યજી. દયા ન આવે૦ (૧)
પાતળિયા પંકજ મુખ પિયુને, નાગપાશના બંધજી,
બાંધી લીધો બળે કરીને, કોમળ રૂપે કંથજી. દયા૦ (૨)
ધાજોરે રણધીર શ્રીધર, આપદા પામે નાથજી,
પુત્ર તમારા ઉપર પ્રહાર જ કરે છે, દૈત્યનો સાથજી. દયા૦ (૩)
ભારે દળ કૌભાંડે મેલ્યું, વકાર્યો બળિયો વીરજી,
તો એ રણથી નવ ઓસરીઓ, સાગરનું જેમ નીરજી. દયા૦ (૪)
ભેદ કરીને બાંધી લીધો, નાગપાશના બંધજી,
શ્વાસ ન માયે બહુ અકળાએ, અંગો અંગે ત્રાસજી. દયા૦ (૫)
તાપ સમાય નહિ સ્વામીનો, હું કરું દેહનો પાતજી,
વાર લાગે લક્ષ્મીવર તમને, તો થશે મહા ઉત્પાતજી. દયા૦ (૬)
કોમળ મુખ શ્રમથી સુકાયું, કન્યા કરે આક્રંદજી,
અનિરુધ્ધ સમરે શામળિયાને, કમળાવર ગોવિંદજી. દયા૦ (૭)
ત્રાહે ત્રાહે રે ત્રિકમજી, સુતની કરજો સહાયજી,
વિપદ વેળા વારે ચડીને, કરો ભક્તની રક્ષાયજી. દયા૦ (૮)
ગજ ગ્રાહથી મુક્ત પમાડયો, કીધી હરિશ્ચંદ્ર રક્ષાયજી,
દાનવ કુળ નિકંદન કીધાં, પ્રહલાદજીની સહાયજી. દયા૦ (૯)
આજ આંખેથી આંસુડાં ચાલે, જાશે મારા પ્રાણજી,
સુખ શરીર શાતા નહિ અંગે, લાગ્યો દવ નિરવાણજી. દયા૦ (૧૦)
મનસા વાચાએ વર વર્યો, અવર તે મિથ્યા જાણજી,
રૂપ અને ગુણવંતો સ્વામી, સત્ય કહું છું વાણજી. દયા૦ (૧૧)
તાત કઠોર દયા નહિ હૃદિયે, કોમળ મારો કંથજી,
પ્રહાર કરીને બાંધી લીધા, શ્રીહરિ વેગળે પંથજી દયા૦ (૧૨)
કોણ સહોદર આવે અવસર, શોધ કરવાને જાયજી;
ભ્રાતને જાણ નહિ, ને કોણ ઊઠીને ધાયજી. દયા૦ (૧૩)
પિતા પિયુજીને વેરી રે દેખે, પરભવે બહુ પેરજી,
નાગના ફુંફાડા હળાહળ, ફેરવી નાખે લ્હેરજી. દયા૦ (૧૪)
હળાહળે અંગ અગ્નિ રે ઊઠ્યો, કંઠે પડ્યો શોષજી;
પૂર્વ તણાં કર્મ આવી નડિયાં, કોને દિજે દોષજી. દયા૦ (૧૫)
તાત મારી કાયા રે પાડું, વિખ ખાઉં આ વારજી;
સ્નેહ ન જાણે રે કોઇ મનનો, સહુ પીડે ભરથારજી. દયા૦ (૧૬)
તાત તણે મન કાંઇ નહિ, મુને સબળો લાગે સ્નેહજી;
છોરું પોતાનાં જાણી કીજે, દયાળ ન દીજે છેહજી. દયા૦ (૧૭)
બાણાસુસ મહા-પુરુષ જ્ઞાતા, જેથી ચૂક ન થાયજી;
બાળક ઉપર હાથ શો કરવો, કાદપિ હોય અન્યાયજી. દયા૦ (૧૮)
વહાલાં થઈને વેર જ વાળો, શું નથી આવતી લાજજી;
નીચ પદારથ નથી કુળ નીચું, કૃષ્ણકુમાર મહારાજજી. દયા૦ (૧૯)
નીચું નાક ન હોય એથી, નિરર્થક શો સંગ્રામજી;
મોટા સાથે વિરોધ ન કરીએ, નહિ નિર્બળ હળધર શામજી. દયા૦ (૨૦)
સકળ પૃથ્વી ચાકે ચઢાવી, અસુરનો ફેડ્યો ઠામજી;
વૈર વધારી વિઠ્ઠલ સાથે, ક્યાં કરશો સંગ્રામજી ? દયા૦ (૨૧)
જુદ્ધ સમે આકાશે રહીને, જુવે છે નારદ દેવજી;
ભય મા આણીશ અમે જાશું દ્વારામતી, જુદ્ધ કરશું તતખેવજી. દયા૦ (૨૨)
નિર્ભય જાણી વીણાધર ગયા, પરવરીઆ આકાશજી;
પહોંચી દ્વારકાં ઊતરી હેઠા, ભેટ્યા શ્રી અવિનાશજી. દયા૦ (૨૩)
(વલણ)
ભેટ્યા શ્રીઅવિનાશને, કુશળ વાર્તા પૂછી વળી;
કહે નારદ અનિરુદ્ધને, રાખ્યો કારાગ્રહમાં દૈત્યે મળી રે. (૨૪)
કડવું-૬૮
કડવું ૬૮મું
નારદજી દ્વારિકામાં - નારદ - શ્રી કૃષ્ણ વચ્ચે વાર્તાલાપ
રાગ : ધનાશ્રી
શુકદેવ કહે છે પરીક્ષિતને, બાંધ્યો તે જાદવ જોધજી;
હવે દ્વારિકાની કહું કથા, જાદવજી કરે શોધાશોધજી. ૧
હિંડોળા સહિત કુંવર હરિયો, છોડી ગયું કોઇ દોરીજી;
હાહાકાર થયો પુર મધ્યે, અનિરુદ્ધની થઈ ચોરીજી. ૨
રતિ અતિ આક્રંદ કરે છે, મળ્યું તે વનિતાનું વૃંદજી;
રુકમણિ, રોહિણી, દેવકી, સરવે કરે આક્રંદજી. ૩
જાદવ કહે છે માધવને, શું બેઠા છો સ્વામીજી;
વિચાર કરી વિલંબ ન કીજે, કુળને આવી ખામીજી. ૪
વસુદેવ કહે શામળાને, શું બેઠા છો ભૂપ;
વિચારો ક્યાં જળમાં બુડ્યો, ક્યાં ગયો કુંવર અનુપજી. ૫
ઉગ્રસેન કહે અચરજ મોટું; કોણે હર્યો હિંડોળોજી;
દેવ દૈત્ય રાક્ષસનું કારણ, તે ખપ કરીને ખોળોજી. ૬
જાદવને જદુનાથ કહે છે, ભાઇ શાને કરો છો શ્રમજી;
ગોત્રદેવીનું ગમતું થાશે, કુંવર હરાયાનું કર્મજી. ૭
અગિયાર વરસ ગોકુળ સેવ્યું, મામાજીને ત્રાસેજી;
પ્રધ્યુમને શંખ હરી ગયો, આવ્યો સોળમે વરસેજી. ૮
તેમ અનિરુદ્ધ આવશે, સાચવશે કુળદેવજી;
કૃષ્ણે કુટુંબને રોતું રાખ્યું, આશા દીધી એવજી. ૯
પાંચ માસ વહીં ગયા ને, જાદવ છે મહાદુ:ખજી;
શોણિતપુરથી કૃષ્ણસભામાં, આવ્યા નારદઋષિજી. ૧૦
હરિ સાથે જાદવ થયા ઊભા, પાન મુનિને દીધુંજી;
આનંદે આસન આપ્યું છે, ભાવે પૂજન કીધુંજી. ૧૧
નારદની પૂજા કરીને, હરિએ કર્યા પ્રણામજી,
કહો મુનિવર ક્યાંથી પધાર્યા, અમ સરખું કાંઇ કામજી ? ૧૨
કરજોડી નારદ કહે છે, સાંભળો જુગજીવન;
પુત્ર તમારા સર્વેનું મારે, કરવું છે દરશનજી ૧૩
મારા જોતાં પુત્ર સરવેને, સાથેથી તેડાવોજી;
એક લાખને એકસઠ હજાર, એ સૌ આગળ આવેજી ૧૪
સર્વે પુત્ર સામું જોઇને, પૂછે છે નારદ મુનિજી;
આટલામાં નથી દીસતો, પ્રધુમનનો તનજી ૧૫
ભગવાન કહે છે નારદજીને, કાંઇ તમે જાણો છો ભાળજી;
ઘરમાંથી જતો રહ્યો છે, પધ્યુમનનો બાળજી ૧૬
નારદ કહે છે હું શું જાણું, તમો રહો છો સાગર બેટજી;
જેણે ઝાઝા દીકરા, તેને દૈવની વેઠજી. ૧૭
ત્યારે ભગવાન કહે છે નારદને, પુત્ર વિના કેમ રહેવાશેજી;
ત્યારે નારદ કહે છે પ્રશ્નમાં, આવશે એવું કહેવાશેજી ૧૮
પછી આસન વાળી દીધી તાળી, નાક ઝાલ્યું મનજી;
વેઢા ગણીને નારદ કહે છે, સાંભળો જુગજીવનજી ૧૯
તમારા પુત્રનું એક નારીએ, કર્યુ છે હરણજી:
ત્યારે હરિ કહે દ્વારિકામાં આવે, તે તો પામે મરણજી ૨૦
નારદ કહે છે તમે સુણો શામળા, સંભળાવું એક વાતજી;
મારી એવી પ્રતિજ્ઞા છે, જૂઠું ન બોલું જાતજી ૨૧.
શોણિતપુર એક નગ્ર છે, બાણાસુરનું રાજજી;
પ્રસંગે હું ત્યાં ગયો 'તો, મારે કોઇ એક કાજજી. ૨૨.
રાજા બાણની પુત્રી ઓખા, તેને હવું સ્વપ્નજી;
અનિરૂદ્ધ સેજે વરી ગયો, તેનું વિહ્વળ થયું છે મનજી. ૨૩.
ચિત્રલેખા ચંચળ નારી, વિધાત્રીનો અવતારજી;
તે આવી દ્વારકામાં પછી મન કર્યો વિચારજી. ૨૪
કઠણ કામ કરવું છે મારે, નહિ એકલાનું કામજી;
મારું તેણે ધ્યાન ધરિયું, હું આવ્યો તેણે ઠામજી ૨૫
મેં તો તામસી વિધ્યા ભણાવી, તે ઊંઘ્યું બધું ગામજી;
અનિરૂદ્ધને લઈ તે ગઈ ને, ઓખાનું થયું કામજી ૨૬.
કોઇ પેરે તે લઈ જાયે, એમ બોલ્યા શ્રી જુગા:જીવનજી,
ચક્ર મારું ઊઘે નહિ ને, છેદી નાંખે શીષજી. ૨૭.
ચક્રનો વાંક નથી ને એ, નિસરીયું'તું ફરવાજી;
અમ સરખા સાધુ મળ્યા તેણે, બેસાડ્યું વાતો કરવાજી. ૨૮
ભગવાન કહે છે શાબાશ નારદિયા, એવા તારા કામજી;
માથા ઉપર ઊભા રહીને, ભલું મરાવ્યું ધામજી ૨૯.
નારદ કહે છે કૃષ્ણને, મેં નથી કર્યો અન્યાયજી;
જોયા પછી તમે જાણજો, ઘણી ફૂટડી છે કન્યાયજી ૩૦.
ભલી રે કન્યા ભલી રે વહુ, તમે ભલો કર્યો વિચારજી;
હવડાં મારા પુત્રના ત્યાં, શા છે સમાચારજી ૩૧.
મહારાજ જણે ભોગવી છે, બાણાસુરની બાળ જી,
દસલાખ દૈત્યોનો એકી વારે, પુત્રે આણ્યો કાળજી ૩૨.
શિવનો વર સાચો કરીને, ગયો અસુરને હાથજી;
હમણાં તમારા પુત્રની, ઘણી દુ:ખની છે વાતજી ૩૩.
ઊંધે મસ્તક બાંધીઓ, તળે લગાડી અગનજી;
લીલા વાંસનો માર પડે છે, ભાગ્ય હશે તો જીવશે તનજી. ૩૪
વાત સાંભળી વધામણીની, વગડાવ્યાં નિશાનજી;
શામળા તત્પર થાઓ હવે, જીતવો છે બાણજી. ૩૫
તે માટે તમને કહું, વિઠ્ઠલજી વહેલા ધાઓજી;
જો પુત્રનો ખપ કરો તો, શોણિતપુરમાં જાઓજી ૩૬.
કડવું-૬૯
કડવું ૬૯મું
શ્રીકૃષ્ણ અનિરુદ્ધની સહાયે શોણિતપુર જાય છે
રાગ :સારંગ
કમળા તો કલ્પાંત કરે છે, હૈડે તે ઊઠી જવાળા જો;
મારો કુંવર કારાગ્રહમાં બાંધીઓ રે, મારાને પાઘડી બાંધતાં ન આવડે રે;
મારો અનિરુધ્ધ નાનેરું બાળ જો. મારો કુંવર૦ ટેક. ૧.
રૂક્ષ્મણીએ કૃષ્ણ તેડાવિયા રે, તમો સાંભળો દીનાનાથ જો;
મારો બાળક અસુર ઘેર બાંધિયો રે, તે તો કહી નારદજીએ વાત જો. મારો૦ ૨.
અનિરૂદ્ધ બોલી નથી જાણ તો રે, તે તો શું જાણે જુધ્ધ કેરી વાત જો;
હિંડતાં ચાલતાં અખડાઇ પડે રે, અનિરુધ્ધ નાનેરું બાળ જો. મારો૦ ૩.
મારાને નિશાળે ભણવા નથી મોકલ્યો રે, નથી સહ્યો અધ્યારુનો માર જો;
પ્રભુએ અમને પુરુષ ન સરજાવ્યા રે, તો સૌ પહેલાં વઢવા જાત જો. મારો૦ ૪.
ત્યારે શ્રીકૃષ્ણે ગરુડ તેડાવિયો રે, તે તો આવિઓ તત્કાળ જો;
ભગવાન કહે છે ગરુડને રે, તમો કેટલો સહેશો ભાર જો. મારો૦ ૫.
તમો છપ્પન કોટી જાદવ જેટલા રે, તે તો સરવે થાઓ અસવાર જો;
તમે સાંભળો કૃષ્ણ કોડામણા રે, મારા અંગતણા રખવાળ જો. મારો૦ ૬.
મુજ ઉપર ચડે બધી દ્વારિકા રે, તોયે મુજને ન આવે આંચ જો;
છયાશી જોજન મારી પંખના રે, ત્રણ જોજનની મારી ચાંચ જો, મારો૦ ૭.
પછી ગરુડે ચઢીને ગોવિંદ પરવર્યા રે, ત્યારે ગડગડીઆં નિશાન જો;
પંખના વાગી જ્યારે ગરુડની રે; ત્યારે નાસી ગયા સર્વે સરપ જો. મારો...
મારા કુંવરને છોડાવવાને રે; આવી પહોંચ્યા સારંગપાણિ જો;
શ્રીકૃષ્ણ વાડીમાં ઉતર્યા રે; તેનાં કોણ કરે રે વખાણ જો. ૯.
(વલણ)
કૃષ્ણ વાડીમાં ઊતર્યા, માગ્યું રાયનું વન રે,
ગરુડને આપી આજ્ઞા, મૂકાવી લાવો તન રે. ૧૦.
કડવું-૭૦
કડવું ૭૦મું
ગરુડ અનિરુદ્ધને શ્રી કૃષ્ણ પાસે લઈ આવે છે
રાગ :ઢાળ
ગરુડ ત્યાંથી પરવર્યો, એક નદી આવી અશેષ;
તેમાં તેણે ચાંચ બોળી, પાણી પીધું વિશેષ. ૧.
ત્યાંથી આઘેરો પરવર્યો, જ્યાં ધગધગતા અંગાર;
પાણી પેલું પીધું હતું તે, વાપર્યું તે ઠાર. ૨.
ત્યાંથી આઘેરો પરવર્યો, જ્યાં ભૂત ને પરેત;
પાંખો મારી પાડિયાં, કીધાં સરવે અચેત. ૩.
ત્યાંથી આઘેરો ચાલીઓ, કુંવરને કોટે નાગ;
નાનાને આખા ગળ્યા, મોટાના કર્યા બે ભાગ. ૪.
ભલું થજો ભગવાન તમારૂં, પૂરણ પામ્યો આહાર;
કુંવરને મુકાવી લાવ્યો, જ્યાં છે જુગત આધાર. ૫.
ઓધવ ને અક્રુર બે હસીઆ, ભલા કૃષ્ણના તન;
તમે રે આવ્યા પરણવાને, અમને ન લાવ્યા સંગ. ૬.
કડવું-૭૧
કડવું ૭૧મું
શ્રી કૃષ્ણ અનિરુદ્ધને સલાહ આપે છે
રાગ :ઢાળ
આણી વાતે કુંવર મારા, શરમાણા નવ થઈએ;
મારી વાતો તુજને કહું, રાખ તારે હૈયે. ૧.
એક કુબજા પેલી રાંટી ટુંડી, કંસરાયની દાસ;
મારા મનમાં તે ગમી, બેસાડી રાખી આવાસ. ૨.
નરકાસુરને મારીને, સોળ હજાર લાવ્યો તરૂણી;
તારા સમ જો એમાં મુજને, એકે નથી પરણી. ૩.
તારી માને જઈને લાવ્યો, બાંધવને બંધાવી;
જાંબુવંતી રીંછડી, તેને માનીતી કહી બોલાવી. ૪.
તું મારો દીકરો, ધન્ય તારી માનું પેટ;
બીજા સર્વે દીકરા તે, દેવ કેરી વેઠ. ૫.
આપણા કુળમાં ચાલ્યું આવ્યું, શરમાણા નવ થઈએ;
રૂડી નારી દેખીએ તો, હરણ કરી જઈએ. ૬.
ઓધવ ને અક્રુર બે હસિયા, ખડખડ કાઢ્યા દાંત;
રૂડી શિખામણ છોકરાને, દ્યો છો જાદવનાથ. ૭.
આવી શિખામણ અમારાં છોકરાંને, જો દેશો તમે શ્યામ;
તો તો મૂકવું પડશે, જરૂર દ્વારકા ગામ રે. ૮.
કડવું-૭૨
કડવું ૭૨મું
શ્રી કૃષ્ણ - બાણાસુર વચ્ચે વાર્તાલાપ
રાગ : જેજેવંતી
કૃષ્ણે જાદવ મોકલ્યો, તે શોણિતપુરમાં જાય;
જઈને કહેજો બાણાસુરને, પરણાવો કન્યાય. શ્રીકૃષ્ણે૦ ૧.
હોંશ હોય તો જુદ્ધે આવો, તેમાં નથી અમારે નાય;
જાદવ ત્યાં સંચર્યો, આવ્યો અસુર સભાની માંય. શ્રીકૃષ્ણે૦ ૨.
સાંભળને રાજા વિનતી, આવ્યા છે વૈકુંઠનાથ;
દીકરી પરણાવી ચરણે લાગો, નહિ તો જુધ્ધ કરો અમ શાથ. શ્રીકૃષ્ણે૦ ૩.
બાણાસુરને મહાદુઃખ લાગ્યું, નેત્રે વરસે અગન;
નીચ જાદવને જોઈએ મારી, કુળવંતી એ તન. શ્રીકૃષ્ણે૦ ૪.
ચાલ-એ ભરવાડો એ પિંઢારો, ગોકુળમાં ચારી ગાય;
માર્યા વિના મૂકું નહિ, જે થનાર હોય તે થાય. શ્રીકૃષ્ણે૦ ૫.
સેના લઈને રાજા ચાલ્યો, જોધ્ધાનો નહિ પાર;
હસ્તી ઘોડા ને સુખપાલો, બાંધ્યા બહુ હથિયાર. શ્રીકૃષ્ણે૦ ૬.
ખડક ખાંડા ને તંબુર ઝેર, ગોળા હાથ ને નાળ;
ત્રિશુળ સાંગ ને મુગદર ફરસી, તોમર ને ભીંડીમાળ. શ્રીકૃષ્ણે૦ ૭.
લાલ લોહમય ઝળકે ઝેરી, હાથ ધરી તલવાર;
જોદ્ધા જોર કરતા આવ્યા, ને કરતા મારોમાર. શ્રીકૃષ્ણે૦ ૮.
કો જોજન કો બે જોજન ઊંચા, કોને સમ ખાવા નહિ શીષ;
વિકરાળ દંત દેખાડીને, વળી પાડે ચીસ. શ્રીકૃષ્ણે૦ ૯.
બુમરાણ કરતા આવી પડીઆ, જાદવની સેના માંહ્ય;
ગિરધારીને ઘેરી લીધા, પડે બાણાસુરના ઘાય. શ્રીકૃષ્ણે૦ ૧૦.
પરિઘ ત્રિશુળ ને પડે કોવાડા, મુગદર ને વળી ફરસી;
સંગ્રામ સહુ સેના કરે, આયુધ્ધધારા રહી વરસી. શ્રીકૃષ્ણે૦ ૧૧.
જગદીશે જાદવ હલકાર્યા, કર ધનુષ્ય બાણ ને તીર;
તૂટે કુંભસ્થળ ફુટે દંતશુળ, ચાલે નીર રુધિર. શ્રીકૃષ્ણે૦ ૧૨.
બહુ ભડ ત્યાં પડવા લાગ્યા, ભુંગળને ભડાકે;
વાંકડી તરવારો મારે, ખડગને ઝડાકે. શ્રીકૃષ્ણે૦ ૧૩.
તૂટે પાખર ને પડે બખ્તર, કીધો કચ્ચરઘાણ;
સર્વે જોધ્ધાઓને મારી કરીને, પાછા વળ્યા ભગવાન. શ્રીકૃષ્ણે૦ ૧૪.
(વલણ)
પૂરણ પુરૂષોત્તમ પાછા વળ્યા, કરી અસુરનો નાશ રે;
સૈન્યમાં આવી કરીને, શંખનો નાદ રે. ૧૫.
કડવું-૭૩
કડવું ૭૩મું
બાણાસુરે કૃષ્ણને યુદ્ધ માટે સાદ દીધો
રાગ : મારુ
શંખ શબ્દ તે વિકરાળ, રિપુ દૈત્યને વિદારનાર;
કૃષ્ણ આવ્યાં તે જાણ જ થયું, બાણ પરાક્રમ તે ક્યાં ગયું. ૧
અનિરુદ્ધ કહે સુણ સુંદરી, શંખ જણાયો આવ્યા હરિ;
છૂટ્યા બંધ તે આજ થકી, ઓ ગાજે હળધર સાત્યકી. ૨
બોલે પ્રદ્યુમન મોટે સ્વરે, બાણ હાથ છેદાય ખરે;
ગોવિંદની ગત્ય ન જાએ કળી, જાદવસેના આવી મળી. ૩
જાદવ સૈન્યએ ચાંપ્યો દેશ, મંત્રી કહે ઊઠો નરેશ;
અનુચર આવ્યો તે લાવ્યો વાત, કહે દશ દિશે ઉત્પાત. ૪
મંત્રીને કરી નેત્રની સંજ્ઞા, જઈ સેનાને આપો આજ્ઞા;
દુંદુભી નાનાવિધ ગડગડે, આયુધ્ધ ધરીયે યુધ્ધે ચઢે. ૫
ત્યાં રૂપયા કહાડ્યા લખી, સેને સજી ટોપ જીવ રાખી;
ધરી ત્રિશુળ ને બખ્તર માળ, ડચકારે ઘોડા દે ફાળ. ૬
મોરડે મણિ ફુમતા લટકે, પોતાના પડછાયા દેખી ભડકે;
વાંદરા વાદે ઘુંટે નાચતાં, ઘોડાને પાણી પંથા. ૭
કાબર ને કલંકી, કુમેદ લીલા ને પચરંગી;
હાંસી સો હય હણીઆ જેહ, કાળા પછી કાબરો તેહ. ૮
પીળા પાખર પોપટ શ્વેત, વાયુ વેગે માંકળીઆ કેત;
રચપાળા અસવાર અનંત, દીર્ઘ દિસે અને કરડે દંત. ૯
પુરની પોળે સેના નવ માય, હણો જાદવ કહેતા જાય;
ટોળાં ઉપર ટોળાં આવે, પગને પ્રહારે ધરતી ધ્રુજાવે. ૧૦
રીસે અંતરમાં ઘરહડે, રખે રાય બાણાસુર ચઢે;
ઝટકાર કરે બાણાસુર મલ્લ, પૃથ્વી થઈ જ્યારે ઉથલ. ૧૧
ગર્જના કીધી મુખથી ભૂપાળ, ખળભળ્યા સાત પાતાળ;
બ્રહ્મ લોક સુધી પહોંચ્યો નાદ, બાણે કૃષ્ણને કીધો સાદ. ૧૨
ગરુડ આસન આવ્યો ખેપ કરી, નહિ જવા દઉં કુશળ ફરી;
ઉન્મત જાદવ ઉછાંછળા, સકળ સંસારે બહુ આકળાં. ૧૩
કુંવારી કન્યા કપટે વર્યો, બોલાવે સાપ થાય પાધરો;
કુડુ કરમ કીધું કુંવરે, વળી તું વઢવા આવ્યો ઉપરે. ૧૪
ત્યારે હસીને બોલ્યા ભગવાન, અમો લેઇ આવ્યા છીએ જાન;
જો વિધાતાએ કીધો સંબંધ, વરકન્યાના છોડો બંધ. ૧૫
ત્યારે બાણાસુર બોલ્યો તત્કાળ, સંબંધ શાનો એ ગોવાળ;
એવી આપીશ પહેરામણી, સૌને મોકલીશ જમપુરી ભણી. ૧૬
બાણાસુર જ્યારે બોલ્યો વ્યંગ, ત્યારે કૃષ્ણે લીધું સારંગ;
કડાઝુડ બે કટક થયાં, ઉઘાડા આયુદ્ધ કરમાં ગ્રહ્યાં. ૧૭
ખાંડાં ફરસી ને તરવાર, કો કહાડે માથેથી ભાર;
ત્રિશુળ તોમર ગદા ત્રિશુળ, ગર્જ્યો હાયે ધરી મુસળ. ૧૮
છપ્પન કોડ જાદવ ગડગડે, દાનવ ઉપર તૂટી પડે;
દાનવ બહુ પળાય, બાણાસુર દેખી અકળાય. ૧૯
કડવું-૭૪
કડવું ૭૪મું
બાણાસુર શ્રીકૃષ્ણને કડવા વેણ કહે છે
રાગ : ઝુલણા છંદ
અલ્યા જા પરો જા નંદના છોકરા, વઢવાને અહીં તું શીદ આવ્યો,
અલ્યા નીચ ગોવાળીયા જાત કહાવ્યો, તું તો મારી સાથે નહિ જાય ફાવ્યો. ૧.
અલ્યા ગોકુળેમાંહી તું ગાવડી ચારતો, પરનારી કેરાં તું ચીર હરતો,
હાથમાં લાકડી, ખાંધે હતી કામળી, મધુવન વિષે તું તે ફરતો. અલ્યા૦ ૨.
સાંગ શ્રી સૂર્ય તણી, તેજ ત્રિશુળ તણું, મારા હાથમાં તેહ ચમકે,
મારે ક્રોધે કરી ડોલે છે દેવતા, બધી ધરણી ધ્રુજે, શેષ સળકે. અલ્યા૦ ૩.
કડવું-૭૫
કડવું ૭૫મું
શ્રીકૃષ્ણને બાણાસુરના બધા હાથ છેદે છે
રાગ : ઢાળ
એવી વાણી સાંભળતાં, કોપ્યા દીનદયાળ;
બાણાસુરના હાથ છેદ્યા, સ્વામી શ્રી ગોપાળ. ૧.
કોપ કરી કરશસ્ત્ર મેલ્યું, વળતું તેણી વાર;
બે હાથ રહ્યા છે બાણાસુરને, તેનો કહું વિસ્તાર. ૨.
રુધિર વહે છે બાણાસુરને, મન થયો નિરાશ;
મહાદેવજીએ હાથ આપ્યા, માટે ગયો કૈલાશ. ૩.
નારદ ચાલી આવિયા, જ્યાં બાણાસુરની માંય;
તારા કુંવરના હાથ વાઢિયા, કહો શી વલે થાય ? ૪.
કડવું-૭૬
કડવું ૭૬મું
બાણાસુરની પત્નીનું વર્ણન
રાગ : ગુર્જરી
શુકદેવ કહે તે વાત, વેવાણ આવિયાં રે,
જેની જોવા સરખી જાત, વેવાણ આવિયાં રે. ૧.
માથે કેશ વાંસની જાળ, વેવાણ૦
જેનું નેત્ર સરોવર પાળ, વેવાણ૦ ૨.
જેના સુપડા જેવા કાન, વેવાણ૦
જેનું મસ્તક ગિરિ સમાન, વેવાણ૦ ૩.
એની આંખ અંધારો કુપ, વેવાણ૦
જેનું મુખ દીસે છે કદરૂપ, વેવાણ૦ ૪.
હળદાંડી જેવા દંત, વેવાણ૦
દીઠે જાએ ન એનો અંત, વેવાણ૦ ૫.
એનાં સ્નત ડુંગર શાં ડોઝાં, વેવાણ૦
કાને ઘાલ્યા છે હાથીના હોજાં, વેવાણ૦ ૬.
કોટે ખજુરાના તનમનીઆં, વેવાણ૦
કાને ઊંટના ઓગનીયા, વેવાણ૦ ૭.
પગે રીંછ કલ્લાં વિકરાળ, વેવાણ૦
કહેડે પાડાની ઘુઘરમાળ, વેવાણ૦ ૮.
વાંકડા સરપ એને હાથે, વેવાણ૦
બળતી સઘડી મુકી માથે, વેવાણ૦ ૯.
જેની પીઠ ડુંગરશાં ડોઝાં, વેવાણ૦
એના મસ્તકમાં ફરે રોઝાં, વેવાણ૦ ૧૦.
મુખ બોલે વચન વિકરાળ, વેવાણ૦
દેખી પડે જાદવને ફાળ, વેવાણ૦ ૧૧.
કોટડા આવ્યા જ્યાં મોરાર, વેવાણ૦
કુંવરે સાસુ ખોળી સાર, વેવાણ૦ ૧૨.
કડવું-૭૭
કડવું ૭૭મું
બાણાસુરની પત્નીનું શ્રી કૃષ્ણને કરગરી
રાગ : ગુર્જરી
કોટરા કહે છે કરગરી, એના બાપને ચાંપ્યો પાતાળ;
જાણશે તો ઘણું થાય, એ છે તમારો બાળ. (૧)
કરુણાસાગર કૃપાનિધિ, ક્ષમા કરો આ વાંક;
દીન જાણી દયા કરો, એ છે મારો રાંક. (૨)
ચક્ર ચતુરભુજે પાછું તેડ્યું, કરુણા કરી જગન્નાથ;
નવસેં છન્નુ કર છેદી નાંખ્યાં, રાખિયા ચાર હાથ. (૩)
રુધિરભર્યો આંસુ ગાળતો, આવિયો શિવની પાસ;
એમ કહીને પાયે લાગ્યો, સાંભળો ગતિ કૈલાસ. (૪)
એક મારી વિનંતી, તમે સાંભળો જુગદીશ;
સાંભળી કોપે ભરાયા, પોતે ઉમિયાઈશ. (૫)
(વલણ)
મનમાં રીસ ચઢી ઘણી, તમે સાંભળો રાજકુમાર રે;
સદાશિવ યુદ્ધે ચઢ્યા, તેણે ધ્રુજી ધરા અપાર રે. (૬)
કડવું-૭૮
કડવું ૭૮મું
શ્રી કૃષ્ણ - શિવનો સંવાદ અને યુદ્ધ
રાગ :સાગર
એ ભરવાડો એ પીંઢારો, ગોકુળમાં ચારી ગાય;
મારા આપ્યા હાથને, તે છેદીને ક્યાં જાય ? (૧)
બડબડતા ગણેશ ચાલ્યા, ઉંદરડે અસવાર;
મોર ઉપર સ્વામી કારતિક, ચાલ્યા શંકરના કુમાર. (૨)
સિંહ ઉપર વીરભદ્ર ચાલ્યા, વૃષભ ઉપર શિવરાય;
સેના બહુ ભેળી કરી, કહું તેહ તણો મહિમાય. (૩)
ડાકણ શાકણ ભૂત પ્રેત, પિશાચ વંતર માત્ર;
દડુક ચાલે ભૂતડાં, જેનાં હાલ્લાં સરખાં ગાત્ર. (૪)
હરિ જઈ કૃતવર્માને કહે છે, મહાદેવને સમજાવો;
આ શું ઉપરાણું કરી, જોગીડો વઢવા આવ્યો. (૫)
શંકર મુખેથી બોલ્યા; આવી લાગી ઝાળ;
સન્મુખ આવી ઊભા રહી, માંહે ભાંડે ગાળ. (૬)
હે કાળા અરજુનના સાળા, ભર્યા ઉચાળા જેહ;
મધ્યરાતે મથુરાથી નાઠો, ગયો વિસરી તેહ. (૭)
મારી માસી પુતના ને, દહીંના લીધાં દાણ;
મોસાળનું છેદન કરીને, થઈ બેઠો રાજન. (૮)
તું આહિરડામાં અવતર્યો, નથી વાત મારી અજાણી;
ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને, બોલ્યા સારંગપાણી. (૯)
મડે મસાણે ફરતો હિંડે, રાખ ચોળે અંગ;
આક ભાંગ ધંતુરો ચાવે, નફટ તારા ઢંગ. (૧૦)
ડાકણ શાકણ ભૂત પ્રેત, નીચે સપરો જોડો;
બળદ ઉપર ભાર કર્યો, તારા ઘરમાં ન મળે ઘોડો. (૧૧)
રાત દહાડો બાવો થઈ ફરતો, તારા ઘરમાં રોતી નારી;
ત્યારે કૃષ્ણ પ્રત્યે કોપ કરીને, બોલ્યા છે ત્રિપુરારિ. (૧૨)
અલ્યા છોકરીઓમાં છાશ પીતો, મરદ મટી થયો મેરી;
જગતમાં એવું કહેવાયું, જે કાનુડે કાંચળી પહેરી. (૧૩)
પરનારી શું ક્રીડા કરતો, કહેવાયો વ્યભિચારી;
ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને, બોલ્યા દેવમોરારી. (૧૪)
ભગવાને કહે હું વ્યભિચારી, મુને બધા વિશ્વે જોયો;
તું એવો સાધુ હતો, ત્યારે ભીલડીશું કેમ મોહ્યો? (૧૫)
વચન એવું સાંભળીને, કોપીઆ શિવરાય;
કડાક દઈને ત્રિશુળ માર્યું, થનાર હોય તે થાય. (૧૬)
ત્યારે શ્રીકૃષ્ણે મૂક્યું સુદર્શન, આવ્યા ચપટ ધાય;
માંહે માંહે યુદ્ધ કરે છે, બળ કહ્યું નવ જાય. (૧૭)
ગણપતિ ને કુંવર પ્રદ્યુમન; વઢતા બંને કુમાર;
વસુમાન ને બટુક ભૈરવ, કરતા મારામાર. (૧૮)
વીરભદ્ર ને બળરામ સામા; યુદ્ધ કરે માંહેમાંહે;
શિવ ને શામળિયો વઢે; ત્યાં જોવા સરખું થાયે. (૧૯)
કાળભૈરવ કપાળભૈરવ, તૈક્ષણભૈરવ સાર;
સંહારભૈરવ ક્રોધભૈરવ, દંભભૈરવનો સાથ. (૨૦)
ઉગ્રસેન વીરસેન, બે જોદ્ધા કહેવાય;
આપ આપના ભીરુ લઈ નેં, યુદ્ધ કરે રણમાંય (૨૧)
ભૂત પ્રેત પિશાચ વંતર, ડાકણ વળગે ચૂસે;
અવળા પગે જેને ચુડેલ કહીએ, રુધિર સહુનું ચૂસે. (૨૨)
કૃષ્ણ કેરા મારના ભાલા, વાગે ભચોભચ;
તરવારોની ધારોએ, કોનાં નાક વાઢ્યાં ટચ. (૨૩)
કોઈને અધમુવા કીધા, હાથ તણી લપડાકે;
કોઈને માર્યા પાટુ પાની, ભોંગળને ભડાકે. (૨૪)
જાદવ કેરા મારથી, બહુ ઝોળીએ ઘાલ્યા જાય;
કોને રણમાં રોળીએ, તેની થરથર ધ્રુજે કાય. (૨૫)
પરીઘ ત્રિશુળ તંબુર ફરશી, નાળ છૂટે સરસરાટ;
ગડગડતા ગોળા પડે, થાય બહુ ખડખડાટ. (૨૬)
અસ્થિ ચર્મ ને માંસની બે, પાળ બંધન થઈ;
સાગર શું સંગમ મળ્યો, એમ રક્ત જ કેરી સરિતા વહી. (૨૭)
પાંડુરોગને હૈયે હોળી, ભગંદર કેરી જાત;
હરસ નારું ને પાઠું કરીએ, કરણ તુલ્ય સનેપાત. (૨૮)
રોગતણો માર બહુ દેખી, જાદવ નાસી જાય;
રોગના વરસાદથી કોઈથી; ઊભું નવ રહેવાય. (૨૯)
રોગના વરસાદથી, ચઢી હરિને રીસ;
તાવની ટોળી બાંધીને, છેદવા માંડ્યા શીશ. (૩૦)
તાવ વાણી બોલીઆ, રહેવાને આપો ઠામ;
તમે મુજને પેદા કરીને, ક્યાં મારો ભગવાન ? (૩૧)
પાપી તમે મૃત્યુલોકના, માનવીના લ્યો પ્રાણ;
તાવ કહે આ કથા સાંભળે, હરિહર કેરું જ્ઞાન. (૩૨)
મહારાજ ત્યાં અમે નહિ જઈએ, સાંભળો અશરણશરણ;
ચૈતર માસમાં સાંભળે, જે કોઈ ઓખાહરણ. (૩૩)
તેનાં સ્વપ્નાંતરમાં જાશો, તો છેદી નાખીશ શીશ;
તાવની વાણી સાંભળીને, બોલ્યા શ્રી જગદીશ. (૩૪)
ઓખાહરણ સાંભળે, મન ભાવ કરીને જેહ;
તેને પીડે મારી નાખું, એમાં નહિ સંદેહ. (૩૫)
તાવ કહે એકવાર સાંભળે, તે વરસમાં ન જાવું;
બે વાર સાંભળે તેને, દીઠેથી નાસી જાઉં. (૩૬)
ત્રણવાર જે સાંભળે, તમારું જે જ્ઞાન;
તેને જન્મારે નવ પીડું, તમે સાંભળો ભગવાન. (૩૭)
ઓખાહરણ જે સાંભળે, તેનું ન લઈએ નામ;
કોલ દઈને સંચર્યો, ગયો કૈલાસ ધામ. (૩૮)
શુકદેવ કહે પરીક્ષિતને, તમે સાંભળો કહું રાય;
વળતી ભાથા ભીડીઆ, કૈલાસ કેરે રાય. (૩૯)
શસ્ત્ર એવાં કહાડીઆં, તેનો કોઈ ન પામે પાર;
ઇશને જગદીશ વઢતાં, કોઈ ન પામે હાર. (૪૦)
વજ્રાસ્ત્ર ત્યાં મેલિયું, પોતે શ્રી ત્રિપુરાર;
ત્યારે મોહાસ્ત્ર મેલિયું, સામા રહી દેવ મુરાર. (૪૧)
નાગાસ્ત્ર ત્યાં મેલિયું, સામા રહી ઉમિયાઇશ;
ગરુડાશસ્ત્ર ત્યાં મેલિયું, પોતે શ્રી જગદીશ. (૪૨)
પર્વતાસ્ત્ર ત્યાં મેલિયું, સામા રહી શિવરાય;
ત્યારે વાવાસ્ત્ર ત્યાં મેલિયું, તેનું જોર કહ્યું નવ જાય. (૪૩)
સુદર્શન ત્યાં કહાડિયું, ક્રોધ કરી જગદીશ;
ત્યારે ત્રિશુલને લઈ, રહ્યા પોતે ઉમિયાઇશ. (૪૪)
એકે લીધો પોઠિયો ને, એકે લીધો ગરુડ;
ત્રિશુળને સુદર્શન વળગ્યાં, તે આવ્યાં કડાઝુડ. (૪૫)
તેમાંથી અગ્નિ વરસે, તે બ્રહ્માંડ પ્રલય થાય,
શેષનાગ સળકવા લાગ્યા, ભાર ન ખમે ધરાય. (૪૬)
બ્રહ્માણી કહે છે બ્રહ્માજીને, તમે સાંભળો મારા નાથ,
શિવ ને શામિળિયો વઢે, નારદે કીધો ઉત્પાત. (૪૭)
રાડ જઈને ચૂકવો, તેમાંથી થાય કલ્યાણ;
હંસે ચઢીને બ્રહ્માજી આવ્યા, વિચારીને જ્ઞાન. (૪૮)
કડવું-૭૯
કડવું ૭૯મું
બ્રહ્માએ કરાવેલ શ્રીકૃષ્ણ-શિવનું સમાધાન
રાગ : ધનાશ્રી
આ બેમાં કોને નિદુ તે, સાંભળો શિવ રણછોડજી;
વિરોધને વેગળો મૂકીને, પૂરો ભગતના કોડજી. (૧)
શંકર કહે છે કૃષ્ણને, તમે ક્યારે આવ્યા ભગવાનજી;
હરિહર બે કોટે વળગ્યા, દીધું ઝાઝું માનજી. (૨)
શિવે કૃષ્ણને તાળી મારી, બોલ્યાનો વિવેકજી;
વઢનારા કોઈ હશે પણ, આપણ એકના એકજી. (૩)
કૃષ્ણે ચક્રને પાછું લીધું, શિવે લીધું ત્રિશુળજી;
બ્રહ્માએ આવી સમાધાન કીધું, થયું પૃથ્વીમાં શુભજી. (૪)
શિવે લઈને પાસે તેડ્યો, શોણિતપુરનો નાથજી;
અલ્યા તુજને ભુજ આપ્યા, માટે વઢવા આવ્યો મુજ સાથજી. (૫)
વળી હોંશ હોય તો યુદ્ધ કરો, શામળિયાની સાથજી;
મદમત્સર અહંકારથી તેં, ખોયા હજાર હાથજી. (૬)
બાણાસુર કહે હવે હું વઢું તો, છેદે મારું શીશજી;
બાણાસુર ચરણે લાગ્યો, સાંભળો ઉમીયાઇશજી. (૭)
(વલણ)
મેં ખોયા હાથ હજાર ને, હવે શિર છેદાવું રે;
જેમ તેમ કરીને જાન તેડાવો, પછી કન્યા પરણાવું રે. (૮)
કડવું-૮૦
કડવું ૮૦મું
દ્વારિકાથી શ્રી કૃષ્ણના પરિવારને શોણિતપુર તેડાવ્યો
રાગ : સોહિણી
હરિ હર બ્રહ્મા ત્રણે મળ્યા, દુઃખ ભાગીઆ રે;
ત્યારે દાનવનું શું જોર, મળ્યા મન માનીઆ રે. (૧)
હર બ્રહ્મા વિષ્ણુ ત્રણ એક રે, દુઃખ ભાગીઆ રે;
તેમાં શી વઢવાઢ, મળ્યા૦ (૨)
શિવે બાણ કૃષ્ણને નમાવીઓ, દુઃખ૦
શરીરે કૃષ્ણે ફેરવ્યો હાથ, મળ્યા૦ (૩)
કાપ્યા હાથની પીડા મટી, દુઃખ૦
જ્યારે પ્રસન્ન થયા જદુનાથ, મળ્યા૦ (૪)
હવે ગરુડને દ્વારિકા મોકલો. દુઃખ૦
તેડાવો સઘળો પરિવાર, મળ્યા૦ (૫)
સોળ સહસ્ત્ર એકસો આઠ પટરાણીઓ, દુઃખ૦
તેડવા જાદવની નાર, મળ્યા૦ (૬)
તેડો છપ્પન કોટિને, દુઃખ૦
તમે તેડો સહુ પરિવાર, મળ્યા૦ (૭)
તે ગરુડ ઉપર સહુએ ચઢીઆ, દુઃખ૦
ત્યારે ગરુડની પાંખ ભરાય, મળ્યા૦ (૮)
તેડી શોણિતપુરમાં આવીઆ, દુઃખ૦
આવી જાદવની સર્વે નાર, મળ્યા૦ (૯)
જાનીવાસ આપ્યા મન માનતા. દુઃખ૦
તેમાં ઉતર્યા છપ્પન કરોડ, મળ્યા મન માનીઆ રે. (૧૦)
કડવું-૮૧
કડવું ૮૧મું
અનિરુદ્ધને સ્નાન ને પીઠી ચોળાય છે
રાગ : ધોળ
પારવતીને પિયરનાં નોતરડાં રે,
બેસવા તો રૂડા લાવજો પાથરણાં રે;
તેડાવોને ઉદિયાચળ અસ્તાચળ રે,
તેડાવોને વિંધ્યાચળ પીનાચળ રે;
વરરાયને નાવણ વેળા થાય રે,
વરરાયને પીઠી ત્યાં ચોળાય રે.
કડવું-૮૨
કડવું ૮૨મું
ઓખાબાઈને લઈ સંચરો
રાગ : ગુર્જરી
કૃષ્ણ કેરી તરુણી, નિદ્રા નવ પોઢશો રે,
અનિરુદ્ધને તે લઈ સંચરો, રુક્ષ્મણી જાગવું રે.
બળીભદ્ર કેરી તરુણી, નિદ્રા નવ પોઢશો રે,
અનિરુદ્ધને તે લઈ સંચરો, રેવંતી જાગવું રે.
વાસુદેવ કેરી તરુણી, નિદ્રા નવ પોઢશો રે,
અનિરુદ્ધને તે લઈ સંચરો, રુક્ષ્મણી જાગવું રે.
મહાદેવ કેરી તરુણી, નિદ્રા નવ પોઢશો રે,
ઓખાબાઈને તે લઈ સંચરો, શુધબુધ જાગવું રે.
ગણપતિ કેરી તરુણી, નિદ્રા નવ પોઢશો રે,
ઓખાબાઈને તે લઈ સંચરો, શુધબુધ જાગવું રે.
બાણાસુર કેરી તરુણી, નિદ્રા નવ પોઢશો રે,
ઓખાબાઈને તે લઈ સંચરો, બાણમતી જાગવું રે.
કૌભાંડ કેરી તરુણી, નિદ્રા નવ પોઢશો રે;
ઓખાબાઈને તે લઈ સંચરો, રૂપવતી જાગવું રે.
કડવું-૮૩
કડવું ૮૩મું
અનિરુદ્ધને લગ્ન માટે તૈયાર કર્યો
રાગ : ધોળ
હલહલ હાથણી શણગારી રે,
ઉપર ફરતી સોનાની અંબાડી રે.
તેના પર બેસે વરજીની માડી રે,
સોનેરી કોર કસુંબલ સાડી રે.
માથે મોડ ભમરીયાળો ઝળકે રે,
ઉષ્ણોદકે વરને કરાવ્યું સ્નાન રે.
નાનાંવિધનાં વસ્ત્ર પહેરાવ્યાં પરિધાન રે,
-(અહીં ખૂટતી કડી હોઈ શકે)
કનક મેખલા પોંચીઓ બાજુબંધ રે,
અનુપમ ઉપન્યો આનંદ રે.
મુગટ મણીધર ધર્યો અનિરુધ્ધ શીશ રે,
ઝળકે ઝળકે ઉદય જ જેવો દીસે રે.
કસ્તુરીનું તિલક કર્યું છે લાલ રે,
વળતી તેને ટપકું કર્યું છે ગોરે ગાલ રે.
હળધરનો જશ બોલે બધા જન રે,
જાદવ સહીત શોભે છે જુગજીવન રે.
સાત પાંચ સોપારી શ્રીફળ અપાય રે,
વરજીને તો ઘોડીની વેળા થાય રે.
કડવું-૮૪
કડવું ૮૪મું
અનિરુદ્ધને લગ્ન કરવા ઘોડેસવાર થઈને જાય છે
રાગ : દેશી ઘોડલીનો
અનિહાંરે અનિરુદ્ધની ઘોડલી. ટેક૦
અંત્રિક્ષથી ઘોડી ઉતરી રે, પૂજીએ કુમકુમ ફૂલ;
ચંચળ ચરણે ચાલતી રે, એનું કોઈ ન કરી શકે મૂલ. અનિરુદ્ધજીની ઘોડલી૦ ૧.
મોરડો મોતી જડ્યા રે, હિરા જડિત પલાણ;
રત્ન જડિત જેનાં પેગડાં રે, તેના વેદો કરે છે વખાણ. અનિરુદ્ધ૦ ૨.
અંગ જેનું અવનવું, ઝળકે તે ઝાકમઝાળ;
ઝબુકે જેમ વીજળી રે, તેને કંઠે છે ઘુઘરમાળ. અનિરુદ્ધ૦ ૩.
દેવ દાનવ માનવી રે, જોઈ હરખ્યા તે સુંદર શ્યામ,
થનક થનક ચાલતી રે, એનું પંચકલ્યાણી છે નામ. અનિરુદ્ધ૦ ૪.
રૂપવંતી ઘોડી ઉપર, અનિરુદ્ધ થયા અસવાર;
પાનનાં આપ્યા બીડલારે, શ્રીફળ ફોફળ સાર. અનિરુદ્ધ૦ ૫.
હીંડે હળવે હાથીઓ રે, ઉલટ અંગ ન માય,
સુરીનર મુનિજન જાએ વારણે રે, આગળ ઈંદ્ર રહ્યા છડીદાર. અનિરુદ્ધ૦ ૬.
સનકાદિક શિર છત્ર ધરે, નારદ વીણા વાય;
ચંદ્ર સૂરજ બેઉ પેંગડે રે, આગળ વેદ ભણે બ્રહ્માય. અનિરુદ્ધ૦ ૭.
વાજા છત્રીસ વાગતાં રે, નગર અને પરદેશ;
લોક સર્વ જો મળ્યું, શોણિતપુર દેશ. અનિરુદ્ધ૦ ૮.
રાયે નગર સોવરાવિયુ રે, સોવરાવી છે વાટ,
ધજાપતાકા ઝળહળે રે, જશ બોલે બંધીજન ભાટ. અનિરુદ્ધ૦ ૯.
દેવ સરવે તે આવીઆ રે, જશ બોલે બંધીજન,
જાચક ત્યાં બહુ જાચનારે, જેને હરિ ટાળે નિરધન. અનિરુદ્ધ૦ ૧૦.
રામણ દીવો કર રુક્ષ્મણી રે, લુણ ઉતારે બેની ધીર;
ગાન કરે છે અપ્સરા રે, ત્યાં તો જોવા ઇચ્છે જદુવીર. અનિરુદ્ધ૦ ૧૧.
એવી શોભાએ વર આવીઓ રે, તોરણે ખોટી થાય;
વરરાયને સાળો છાંટે છાંટણાં રે, મળી માનુની મંગલ ગાય. અનિરુદ્ધ૦ ૧૨.
ધુસળ મુસળ રવઈઓ રે, સરીઓ સંપુટ ત્રાક;
ઈંડી પીંડી ઉતારતાં રે, વરને તિલક તાણ્યું નાક. અનિરુદ્ધ૦ ૧૩.
નાચે અપ્સરાય ઈંદ્રની રે, નારદ તંબુર વાય,
મધુરી વીણા વાજતી રે, એવો આનંદ ઓચ્છવ થાય. અનિરુદ્ધ૦ ૧૪.
પુંખવા આવી પ્રેમદા રે, માથે મેલી મોડ;
રામણ દીવો ઝળહળે રે, રુક્ષ્મણીએ ઘાલ્યો મોડ. અનિરુદ્ધ૦ ૧૫.
ગળે ઘાટ ઘાલી તાણ્યા રે, આવ્યા માંહ્યરા માંહ્ય;
આડા સંપુટ દેવરાવીઆ, ત્યાં વરત્યો જેજેકાર. અનિરુદ્ધ૦ ૧૬.
ઘોડી ગાય ને સાંભળે તેને ગંગા કેરું સ્નાન;
વાંઝીઓ પામે પુત્રને રે, નિરધનીઓ પામે ધન. અનિરુદ્ધ૦ ૧૭.
કડવું-૮૫
કડવું ૮૫મું
વડીલોની હાજરીમાં ઓખા-અનિરુદ્ધનાં થતાં લગ્ન
બાણાસુર પખાળે ચરણ, શોભા ઘણેરી રે;
ત્યાં તો બાણમતી ગાય મંગળ ગીત, શોભા ઘણેરી રે. ૧.
ત્યાં તો પહેલું મંગળ વરતાય, શોભા ઘણેરી રે;
પહેલે મંગળ સોનાના દાન અપાય. શોભા૦ ૨.
દાન લેશે કૃષ્ણનો સંતાન, શોભા૦
ત્યાં તો બીજું મંગળ વરતાય, શોભા૦ ૩.
બીજે મંગળ ઘેનુનાં દાન અપાય, શોભા૦
ત્યાં તો ત્રીજું મંગળ વરતાય, શોભા૦ ૪.
ત્રીજે મંગળ હસ્તીનાં દાન અપાય. શોભા૦
દાન લે છે કૃષ્ણ તણો સંતાન, શોભા૦ ૫.
ત્યાં તો ચોથું મંગળ વરતાય, શોભા૦
ચોથે મંગળ કન્યા દાન અપાય, શોભા૦ ૬.
ત્યાં તો વરત્યાં છે મંગળ ચાર, શોભા૦
આપે ગરથ સહિત ભંડાર, શોભા૦ ૭.
લાવે બાણમતી કંસાર, શોભા૦
ત્યાં પીરસે છે ચાર વાર, શોભા૦ ૮.
ત્યાં તો આરોગે નરનાર, શોભા૦
ત્યાં તો દૂધડે સ્નાન કરાય. શોભા૦ ૯.
સૌભાગ્યવતી બોલાવે, શોભા૦
ઓખા સૌભાગ્યવંતી કહેવરાવે, શોભા૦ ૧૦.
ઓખા અનિરુદ્ધ પરણીને ઊઠ્યા, શોભા૦
ત્યાં તો જાનૈયે મેરુ ત્રુઠયા, શોભા ઘણેરી રે. ૧૧.
કડવું-૮૬
કડવું ૮૬મું
વિવિધ ભોજનનું શબ્દ ચિત્ર
બાણાસુર ગોરવ નોતરે, સૌ કો સાથશું રે;
સાથે જમણની રીત, હળધર ભ્રાતશું રે,
શ્રીકૃષ્ણ કરે પ્રણામ, હળધર ભ્રાતશું રે.
તમો ગૌરવ વેળા પધારજો, સૌ કો આવશે રે.
સાથે માણસની શી રીત, ગમે તેને લાવજો રે,
વેવાણ ઘરમાં ગઈ; જ્યાં વરની માવડી રે,
તેના કુમકુમ રોળ્યા પાય, જઈ પાયે પડી રે,
અનિરુધ્ધની માવડી, બોલ્યાં રીત અમારડી રે,
તમારી પરઠણ જેહ, મનાવું ગોરડી રે,
બાણમતી બોલિયાં રીત અમારડી રે;
ગોરડી મનાવીને ચાલીયાં, મનશું માલતાં રે;
હાલ હાલ કરો રસોઈ, રાંધણ ચાલતાં રે,
રસોઈ બહુ પ્રકારની, ગણતાં નવ લહુ રે,
કાં વસ્તુ અનેક, ગણતાં સહુ સહુ રે,
જાદવ કેરી જોડ, સહુકો સાથ શું રે;
આવ્યા શ્રી કૃષ્ણ મહારાજ, છપ્પન ક્રોડશું રે,
વેવાઈની વાત, કાંઇક સાંભળી રે;
ભોજન કરવા ઠામ, જુગતિઓ ભલી રે,
આજ્ઞા આપી રાય, સહુકો બેઠા થયાં રે;
એ તો સ્નાન કરી મંદિરમાં ગયા રે,
સ્મરણ કીધું નાથનું, બેઠા બેસણે રે;
નવજોબનવંતી નાર, નીકળી પીરસણે રે,
ચમકતા તકીયા ઘણા; ઝારી ને લોટડા રે,
માહે બેસણે બહુ વિવેક, દીસે ફુટડા રે,
બાવન ગજની થાળી, સોનાના વાડકા રે;
પીરસનારી પ્રમાણ, જમનારા લાડકા રે,
ખાંડ પકવાનના મેવા, બહુ ઘણા રે,
પુરણ ને દૂધપાક, સાકરીયા ચણા રે,
ગોઢા ગળિયાં તડબૂચા, આંબા સાખશું રે;
પિસ્તા ને અખરોટ, દાડમ દ્રાખશું રે;
તલ સાંકળી મોળા દહીંથરા, સેવ છુટી કળી રે;
ખોબલડે પીરસે ખાંડ, મરકી બેવડી રે,
ખાજા જલેબી દીસતી, દળીયાં મસમસે રે,
ઘેબર ને મોતીચૂર, જમતા સહુ હસે રે,
મગદળ ને મેસુર, પેંડા લાવીઆ રે;
પકવાન બીજા અને લાકડશી ભાવીઆ રે,
બાટબંધ ટોપરાં, માંહે ખાંડ ભેળી રે;
ગવરીનાં તાવ્યાં ઘી, એવો ગળીયો રે,
સારો કર્યો કંસાર, પોળી પાતળી રે;
સાકરની મીઠાશ, આવી કચોળે ભરી રે,
જમવા બેઠી નાર, જાદવની બાપડી રે;
જમતાં કહો ભલા રે, લવિંગ સોપારી એલચી રે,
પાન સમારીઆ રે, બીડલે બાસઠ પાન,
સહુને આપિઆં રે.
સાજન હતું શ્રીકૃષ્ણનું, તે સરવે જમ્યું રે;
પ્રેમાનંદના નાથ, ત્યાં વહાણું થયું રે.
કડવું-૮૭
કડવું ૮૭મું
શ્રી કૃષ્ણ પરિવારને પહેરામણી થઈ
રાગ : પહેરામણીનો
આપ્યું મૂક્યું સર્વે પહોંચ્યું, કન્યાને વળાવો. મારા નવલા વેવાઈઓ.
રથ ઘોડા ને પામરીઓ, સૌ જાદવને બંધાવો. મારા૦
જરકશી જામા, તમે કૃષ્ણને પહેરાવો. મારા૦
પંચ વસ્ત્ર ને શણગાર, તમે જમાત્રને આપો. મારા૦
દક્ષિણના ચીર, રાણી રુક્ષ્મણીને આપો. મારા૦
સાળુ ને ઘરચોળા, સતી સત્યભામાને આપો. મારા૦
પાટણનાં પટોળાં, રાણી જાંબુવતીને આપો. મારા૦
(વલણ)
પહેરામણી પૂરણ થઈ, હૈંડે હરખ ન માય રે;
કન્યા તેડી કોડે કરી, હવે કૃષ્ણ દ્વારિકામાં જાય રે.
કડવું-૮૮
કડવું ૮૮મું
ઓખા ચિત્રલેખાને આભાર વ્યક્ત કરે છે
રાગ : વરાડી
ઓખા ચાલી ચાલણહાર, સૈયરો વળાયા સંચરી;
ઓખા ઊભી રહે મળતી જા, માને વહાલી દીકરી.
કોઈ લાવે એકાવળ હાર, કોઈ લાવે સોનાનાં સાંકળાં;
કોઈ લાવે સોળ શણગાર, ઓખાબાઇને પહેરવા.
ઓખાજી વળતાં બોલિયાં, કહે બાઈ રે.
ચિત્રલેખા આવ ઓરી આવાર રે,
આ લે સોનાનાં સાંકળાં, બોલ્યાં બાઈ રે.
તારા ગુણ ઓશીંગણ થાઉં, બોલ્યાં બાઈ રે.
એટલે પહોંચ્યા મનના કોડ, મારી બાઈ રે.
કડવું-૮૯
કડવું ૮૯મું
ઓખા સાસરિયે જવા નીકળે છે
રાગ : ધોળની દેશી
ઓખાબાઈ તો સાસરીએ હવે જાય રે,
માનુની તો મળીને મંગળ ગાય રે.
રથ અગ્રે પૈડે શ્રીફળ તે સિંચાય રે,
ઓખાબાઈને લાડુ કચોળુ અપાય રે.
ઓખાબાઈના ગીત ગવાય રે,
ઓખાબાઈને શિખામણ દે છે માય રે.
કડવું-૯૦
કડવું ૯૦મું
સાસરીયે જતાં ઓખાને માતા શિખામણ આપે છે
રાગ : બીભાસ
સાસરિયાના સાથમાં, તું ડાહી થાજે દીકરી,
હું તુજને શિખામણ દઉં, તે રખે જાતી વીસરી.
સાસરિયાના સાથમાં, હળવે હળવે ચાલીએ;
સાસરિયાના સાથમાં ખોળે ખાવું ના ઘાલીએ.
સાસરિયાના સાથમાં, કંથ સારુ માલીએ;
સાસરિયાના સાથમાં, સૈડકો આઘો તાણીએ.
સાસરિયાના સાથમાં, કૂવે વાત ન કીજીએ;
સાસરિયાના સાથમાં, પરપુરુષ સાથે વાત કરતાં બીહીજીએ.
સાસરિયાના સાથમાં, ઢુંકી પાણી નવ લીજીએ,
સાસરિયાના સાથમાં, પરપુરુષથી હસી તાળી નવ લીજીએ રે.
પિયુજીને પરમેશ્વર જાણી, પગ ધોઈ પીજીએ.
કડવું-૯૧
કડવું ૯૧મું
જન જતી વખતે ફટાણ અગવાય છે
રાગ : ફટાણાની ચાલ
આવ્યો આવ્યો દ્વારિકાનો ચોર, લાખેણી લાડી લઈ વળ્યો રે;
જેણે વગડે ચાર્યા ઢોર, લાખેણી૦
હાર્યો હાર્યો બાણાસુરરાય, કૃષ્ણરાય જીતિયા રે;
વેગે આવ્યા દ્વારિકાની માંય, કેશવરાય જીતિયા રે.
રાણી રુક્ષ્મણીએ વધાવીને લીધા, ત્રિકમરાય જીતિયા રે;
તે તો પુરાણે પ્રસિદ્ધ, ઢીંગલમલ જીતિયા રે.
તે તો ગોત્રજ આગળ જાય, કલ્યાણરાય જીતિયા રે;
બંનેના હાથ કંકણ મીંઢળ છોડાય, કલ્યાણરાય જીતિયા રે.
કડવું-૯૨
કડવું ૯૨મું
મીંઢળ છોડવા સમયે ઓખા-અનિરુદ્ધ વચ્ચે શાબ્દિક યુદ્ધ
રાગ : ધોળ-મંગળ
તારા બાપનો બાપ તેડાવ, છોગાળા દોરડો નવ છૂટે;
તારો કૃષ્ણ વડવો તેડાવ, છબીલા દોરડો નવ છૂટે.
તારી રૂક્ષ્મણી માત તેડાવ, છબીલા૦
તારો પ્રધુમન તાત તેડાવ, છબીલા૦
તારી રતુમતી માત તેડાવ, છબીલા૦
બ્રહ્માએ વાળી ગાંઠ, છબીલા૦
તારો બળભદ્ર કાકો તેડાવ, છબીલા૦
તારી રેવંતી કાકી તેડાવ, છબીલા૦
તેની રુદ્રે બાંધી ગાંઠ, છબીલા૦
દોરડો ઓખા છોડવા જાય, છબીલી દોરડો નવ છૂટે રે.
બેઠી ગાંઠ તે કેમ છૂટી જાય હો લાડી.
તારો બાણાસુર તાત તેડાવ, હો લાડી.
તારી બાણમતી માત તેડાવ, હો લાડી.
તારો શંકર તાત તેડાવ, હો લાડી દોરડો નવ છૂટે.
તારી પારવતી માત તેડાવ હો લાડી.
તારો ગણપતિ ભ્રાત તેડાવ, હો લાડી દોરડો નવ છૂટે.
તારી શુધ બુધ ભોજાઈ તેડાવ, હો લાડી દોરડો નવ છૂટે.
તારી ચિત્રલેખા ચોર તેડાવ, હો લાડી દોરડો નવ છૂટે.
ઓખા છોડે દોરડો ને જાદવ જુવતી ગાય, છબીલા૦
દોરડો કેમ છુટે, બેઠી ગાંઠ તે કેમ છુટી જાય, છબીલી દોરડો કેમ છુટે.
કડવું-૯૩
કડવું ૯૩મું
કથા સમાપ્તિ વેળા જય જય શ્રી રણછોડ બોલો
રાગ : ધનાશ્રી
રીતભાત પરિપૂરણ કરી, ઊઠ્યા કૃષ્ણ તનજી;
નવું રે મંદિર વસાવીને ત્યાં, આપ્યું રે ભુવનજી.
એકવાર શ્રીકૃષ્ણે ઓખાને, ખોળા માંહે બેસારીજી;
માંગવું હોય તે માંગી લેજે, તું છે વહુઅર અમારીજી.
મારા-બાપને એક દીકરો, તમો આપો રે ભગવાનજી;
ભગવાને આપ્યો દીકરો, તેનું ગયાસુર નામજી.
બાણાસુરનો ગયાસુર વંશ ધારણ હારજી;
કહી કથા ને સંદેહ ભાંગ્યો; પરીક્ષિત લાગ્યો પાયજી.
શુકજી અમને પાવન કીધા, સંભળાવ્યો મહિમાયજી;
આરાધું ઈષ્ટ ગુરૂદેવને, ગણપતિને લાગું પાયજી.
શ્રોતા-વક્તા સમજતાં, કહે કવિ કરજોડજી;
ભાવ ધરી સહુ બોલજો, જય જય શ્રી રણછોડજી.
ઈતિશ્રી ભાગવત મહાપુરાણે દશમસ્કંધે શ્રીશુકદેવ પરીક્ષિત સંવાદે પ્રેમાનંદ કૃત ઓખાહરણ સંપૂર્ણ..
Comments
Post a Comment