૧૮ અષ્ટાદશોધ્યાય: મોક્ષસંન્યાસયોગ

 અર્જુન ઉવાચ ।

સન્ન્યાસસ્ય મહાબાહો તત્ત્વમિચ્છામિ વેદિતુમ્ ।
ત્યાગસ્ય ચ હૃષીકેશ પૃથક્કેશિનિષૂદન ॥ ૧॥

અર્જુન: ઉવાચ—અર્જુને કહ્યું; સંન્યાસસ્ય—કર્મોના ત્યાગના; મહા-બાહો—બળવાન ભુજાઓવાળા; તત્ત્વમ્—સત્ય; ઇચ્છામિ—ઈચ્છું છું; વેદિતુમ્—સમજવું; ત્યાગસ્ય—કર્મોના ફળોને ભોગવવાની ઈચ્છાનો ત્યાગ; ચ—અને; હૃષિકેશ—કૃષ્ણ, ઇન્દ્રિયોના સ્વામી; પૃથક્—વિશિષ્ટ રીતે; કેશિ-નિષૂદન—કૃષ્ણ; કેશી અસુરના સંહારક.

Translation

BG 18.1: અર્જુને કહ્યું; હે મહા-ભુજાઓવાળા શ્રીકૃષ્ણ, હું સંન્યાસ (કર્મોનો ત્યાગ) અને ત્યાગ (કર્મોના ફળોની ઈચ્છાનો ત્યાગ) આ બંનેની પ્રકૃતિ અંગે જાણવા ઈચ્છું છું. હે હૃષીકેશ, હે કેશી-નિષૂદન, હું આ બંને વચ્ચેની પૃથકતા અંગે પણ જાણવા ઈચ્છું છું. 

શ્રીભગવાનુવાચ ।
કામ્યાનાં કર્મણાં ન્યાસં સન્ન્યાસં કવયો વિદુઃ ।
સર્વકર્મફલત્યાગં પ્રાહુસ્ત્યાગં વિચક્ષણાઃ ॥ ૨॥

શ્રી ભગવાન્ ઉવાચ—પૂર્ણ દિવ્ય પુરુષોત્તમ ભગવાન બોલ્યા; કામ્યાનામ્—કામનાયુક્ત; કર્મણામ્—કર્મોનો; ન્યાસમ્—ત્યાગ; સંન્યાસમ્—કર્મોનો ત્યાગ; કવય:—વિદ્વાનો; વિદુ:—જાણે છે; સર્વ—સર્વ; કર્મ-ફલ—કર્મોના ફળ; ત્યાગમ્—કર્મોના ફળો  ભોગવવાની ઈચ્છાનો ત્યાગ; પ્રાહુ:—ઘોષિત; ત્યાગમ્—કર્મોના ફળો  ભોગવવાની ઈચ્છાનો ત્યાગ; વિચક્ષણ:—બુદ્ધિમાન.

Translation

BG 18.2: પરમ દિવ્ય ભગવાન બોલ્યા: કામનાઓથી અભિપ્રેરિત કર્મોનો ત્યાગ કરવો, તેને બુદ્ધિમાન લોકો સંન્યાસ સમજે છે. સર્વ કર્મોના ફળોનો ત્યાગ કરવો, તેને વિદ્વાનો ત્યાગ તરીકે ઘોષિત કરે છે. 

ત્યાજ્યં દોષવદિત્યેકે કર્મ પ્રાહુર્મનીષિણઃ ।
યજ્ઞદાનતપઃકર્મ ન ત્યાજ્યમિતિ ચાપરે ॥ ૩॥

ત્યાજ્યમ્—ત્યાગ કરવો જોઈએ; દોષ-વત્—દોષ-સમાન; ઈતિ—આમ; એકે—અમુક; કર્મ—કર્મો; પ્રાહુ:—ઘોષિત; મનીષિણ:—વિદ્વાનો; યજ્ઞ—યજ્ઞ; દાન—દાન; તપ:—તપ; કર્મ—કર્મ; ન—કદાપિ નહીં; ત્યાજ્યમ્—ત્યાગ કરવો જોઈએ; ઈતિ—આમ; ચ—અને; અપરે—અન્ય.

Translation

BG 18.3: કેટલાક વિદ્વાનો જણાવે છે કે સર્વ કર્મોને દોષપૂર્ણ ગણીને તેમનો ત્યાગ કરવો જોઈએ, જયારે અન્ય વિદ્વાનો માને છે કે યજ્ઞ, દાન અને તપ જેવા કર્મોનો કદાપિ ત્યાગ કરવો જોઈએ નહીં. 

નિશ્ચયં શૃણુ મે તત્ર ત્યાગે ભરતસત્તમ ।
ત્યાગો હિ પુરુષવ્યાઘ્ર ત્રિવિધઃ સમ્પ્રકીર્તિતઃ ॥ ૪॥

નિશ્ચયમ્—નિષ્કર્ષ; શ્રુણુ—સાંભળ; મે—મારો; તત્ર—ત્યાં; ત્યાગે—કર્મોના ફળોને ભોગવવાની ઈચ્છાનો ત્યાગ કરવા અંગે; ભરત-સત્-તમ્—ભરતશ્રેષ્ઠ;  ત્યાગ:—કર્મોના ફળો ભોગવવાની ઈચ્છાનો ત્યાગ; હિ—વાસ્તવમાં; પુરુષ-વ્યાઘ્ર:—પુરુષોમાં સિંહ; ત્રિ-વિધ:—ત્રણ પ્રકારનો; સંપ્રકીર્તિત:—જાહેર કરવામાં આવ્યો છે.

Translation

BG 18.4: હવે ત્યાગના વિષયમાં મારો નિષ્કર્ષ સાંભળ. હે મનુષ્યોમાં વ્યાઘ્ર, ત્યાગના ત્રણ પ્રકારો જણાવવામાં આવ્યા છે. 

યજ્ઞદાનતપઃકર્મ ન ત્યાજ્યં કાર્યમેવ તત્ ।
યજ્ઞો દાનં તપશ્ચૈવ પાવનાનિ મનીષિણામ્ ॥ ૫॥

યજ્ઞ—યજ્ઞ; દાન—દાન; તપ:—તપ; કર્મ—કર્મ; ન—કદાપિ નહીં; ત્યાજ્યમ્—ત્યજવા યોગ્ય; કાર્યમ્ એવ—અવશ્ય કરવા જોઈએ; તત્—તે; યજ્ઞ:—યજ્ઞ; દાનમ્—દાન; તપ:—તપ; ચ—અને; એવ—વાસ્તવમાં; પાવનાનિ—શુદ્ધ કરનારા; મનીષિણામ્—વિદ્વાનો માટે.

Translation

BG 18.5: યજ્ઞ, દાન અને તપને આધારિત કાર્યોનો કદાપિ પરિત્યાગ કરવો જોઈએ નહીં; તેમનું અવશ્ય પાલન થવું જોઈએ. વાસ્તવમાં, યજ્ઞ, દાન અને તપના કાર્યો મહાત્માઓને પણ શુદ્ધ કરનારા છે. 

એતાન્યપિ તુ કર્માણિ સઙ્ગં ત્યક્ત્વા ફલાનિ ચ ।
કર્તવ્યાનીતિ મે પાર્થ નિશ્ચિતં મતમુત્તમમ્ ॥ ૬॥

એતાનિ—આ; અપિ તુ—નિશ્ચિતપણે; કર્માણિ—કર્મો; સંગમ્—આસક્તિ; ત્યકત્વા—ત્યજીને; ફલાનિ—ફળો; ચ—અને; કર્તવ્યાનિ—કર્તવ્ય સમજીને કરવા જોઈએ; ઈતિ—એ રીતે; મે—મારો; પાર્થ—અર્જુન, પૃથા પુત્ર; નિશ્ચિતમ્—નિશ્ચિત; મતમ્—મત; ઉત્તમમ્—શ્રેષ્ઠ.

Translation

BG 18.6: આ કર્તવ્યોનું પાલન આસક્તિ તથા ફળની અપેક્ષા રાખ્યા વિના કરવું જોઈએ. હે અર્જુન, આ મારો નિશ્ચિત તથા ઉત્તમ મત છે. 

નિયતસ્ય તુ સન્ન્યાસઃ કર્મણો નોપપદ્યતે ।
મોહાત્તસ્ય પરિત્યાગસ્તામસઃ પરિકીર્તિતઃ ॥ ૭॥

નિયતસ્ય—નિર્ધારિત; તુ—પરંતુ; સંન્યાસ:—ત્યાગ; કર્મણ:—કર્મો; ન—કદાપિ નહીં; ઉપપદ્યતે—પાલન કરવું જોઈએ; મોહાત્—મોહથી; તસ્ય—તેનો; પરિત્યાગ:—ત્યાગ; તામસ:—તામસિક; પરિકીર્તિત:—ઘોષિત કરવામાં આવે છે.

Translation

BG 18.7: નિયત કર્તવ્યોને કદાપિ ત્યજવા જોઈએ નહીં. આવા ભ્રમિત સંન્યાસને તામસી ગણવામાં આવે છે. 

દુઃખમિત્યેવ યત્કર્મ કાયક્લેશભયાત્ત્યજેત્ ।
સ કૃત્વા રાજસં ત્યાગં નૈવ ત્યાગફલં લભેત્ ॥ ૮॥

દુ:ખમ્—પીડાદાયક; ઈતિ—એમ; એવ—ખરેખર; યત્—જે; કર્મ—કર્તવ્યો; કાય—શારીરિક; કલેશ—કષ્ટ; ભયાત્—ભયથી; ત્યજેત—ત્યજી દે છે; સ:—તેઓ; કૃત્વા—કરીને; રાજસમ્—રજોગુણ; ત્યાગમ્—કર્મફળો ભોગવવાની કામનાનો ત્યાગ; ન—કદાપિ નહીં; એવ—નિશ્ચિતપણે; ત્યાગ—કર્મફળો ભોગવવાની કામનાનો ત્યાગ; ફલમ્—પરિણામ; લભેત્—પ્રાપ્ત.

Translation

BG 18.8: નિયત કર્તવ્યોનો ત્યાગ કરી દેવો કારણ કે તે દુઃખદાયક અને શરીર માટે કષ્ટદાયક છે, તેને રાજસિક ત્યાગ કહેવામાં આવે છે. આવો ત્યાગ કદાપિ ઉન્નતિ માટે લાભદાયક નીવડતો નથી. 

કાર્યમિત્યેવ યત્કર્મ નિયતં ક્રિયતેઽર્જુન ।
સઙ્ગં ત્યક્ત્વા ફલં ચૈવ સ ત્યાગઃ સાત્ત્વિકો મતઃ ॥ ૯॥

કાર્યમ્—કર્તવ્ય સ્વરૂપે; ઈતિ—એમ; એવ—ખરેખર; યત્—જે; કર્મ નિયતમ્—નિયત કર્મ; ક્રિયતે—કરાય છે; અર્જુન—અર્જુન; સંગમ્—આસક્તિ; ત્યકત્વા—ત્યજીને; ફલમ્—ફળ; ચ—અને; એવ—નિશ્ચિતપણે; સ:—એવા; ત્યાગ:—કર્મ-ફળો ભોગવવાની કામનાનો ત્યાગ; સાત્ત્વિક:—સત્ત્વગુણ; મત:—માનવામાં આવે છે.

Translation

BG 18.9: જયારે કર્તવ્યને ઉત્તરદાયિત્ત્વના પ્રતિભાવ સ્વરૂપે કરવામાં આવે છે અને વ્યક્તિ કોઈપણ પ્રકારના ફળ પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરે છે, ત્યારે તે ત્યાગને સાત્ત્વિક માનવામાં આવે છે. 

ન દ્વેષ્ટ્યકુશલં કર્મ કુશલે નાનુષજ્જતે ।
ત્યાગી સત્ત્વસમાવિષ્ટો મેધાવી છિન્નસંશયઃ ॥ ૧૦॥

ન—કદી નહીં; દ્વેષ્ટિ—દ્વેષ; અકુશલમ્—પ્રતિકૂળ; કર્મ—કાર્ય; કુશલે—અનુકૂળ; ન—નહીં; અનુષજ્જતે—આસક્ત થાય છે; ત્યાગી—કર્મ-ફળોને ભોગવવાની ઈચ્છાનો ત્યાગ કરનાર; સત્ત્વ—સત્ત્વગુણ; સમાવિષ્ટ:—સંપન્ન; મેધાવી—બુદ્ધિમાન; છિન્ન-સંશય:—જેમને કોઈ જ સંશય નથી.

Translation

BG 18.10: જે લોકો ન તો પ્રતિકૂળ કાર્યની ઉપેક્ષા કરે છે કે ન તો અનુકૂળ કાર્ય પ્રત્યે આસક્ત થાય છે, એવા મનુષ્યો વાસ્તવિક ત્યાગી છે. તેઓ સાત્ત્વિકતાના ગુણોથી સંપન્ન છે તથા (કાર્યની પ્રકૃતિ અંગે) સંશયરહિત છે.  

ન હિ દેહભૃતા શક્યં ત્યક્તું કર્માણ્યશેષતઃ ।
યસ્તુ કર્મફલત્યાગી સ ત્યાગીત્યભિધીયતે ॥ ૧૧॥

ન—નહીં; હિ—વાસ્તવમાં; દેહભૃતા—દેહધારી જીવો માટે; શક્યમ્—સંભવ; ત્યક્તુમ્—ત્યજવું; કર્માણિ—પ્રવૃત્તિઓ; અશેષત:—પૂર્ણપણે; ય:—જે; તુ—પરંતુ; કર્મ-ફલ—કર્મફળ; ત્યાગી—જે કર્મોના ફળોને ભોગવવાની સર્વ કામનાઓનો ત્યાગ કરે છે; સ:—તેઓ; ત્યાગી—જે કર્મોના ફળોને ભોગવવાની સર્વ કામનાઓનો ત્યાગ કરે છે; ઈતિ—એમ; અભિધીયતે—કહેવાય છે.

Translation

BG 18.11: દેહધારી જીવો માટે પૂર્ણપણે પ્રવૃત્તિઓનો પરિત્યાગ કરવો અસંભવ છે. પરંતુ જેઓ તેમના કર્મોના ફળોનો પરિત્યાગ કરે છે, તેઓ વાસ્તવિક ત્યાગી કહેવાય છે. 

અનિષ્ટમિષ્ટં મિશ્રં ચ ત્રિવિધં કર્મણઃ ફલમ્ ।
ભવત્યત્યાગિનાં પ્રેત્ય ન તુ સન્ન્યાસિનાં ક્વચિત્ ॥ ૧૨॥

અનિષ્ટમ્—અપ્રિય; ઈષ્ટમ્—પ્રિય; મિશ્રમ્—મિશ્ર; ચ—અને; ત્રિ-વિધમ્—ત્રણ પ્રકારનું; કર્મણ: ફલમ્—કર્મોના ફળો; ભવતિ—ઉપજે છે; અત્યાગિનામ્—જેઓ વ્યક્તિગત ફળ પ્રત્યે આસક્ત છે; પ્રેત્ય—મૃત્યુ પશ્ચાત્; ન—નહીં; તુ—પરંતુ; સંન્યાસિનામ્—કર્મોના ત્યાગી માટે; કવચિત્—કદાપિ.

Translation

BG 18.12: જે લોકો વ્યક્તિગત ફળ પ્રત્યે આસક્ત હોય છે, તેમને મૃત્યુ પશ્ચાત્ પણ કર્મોના ત્રણ પ્રકારનાં—ઇષ્ટ, અનિષ્ટ તથા મિશ્ર—ફળો પ્રાપ્ત થાય છે. પરંતુ જે લોકો તેમનાં કર્મોના ફળોનો ત્યાગ કરી દે છે, તેમને અહીં કે મૃત્યુ પશ્ચાત્ પણ આવા કોઈ પણ ફળો ભોગવવાં પડતા નથી. 

પઞ્ચૈતાનિ મહાબાહો કારણાનિ નિબોધ મે ।
સાઙ્ખ્યે કૃતાન્તે પ્રોક્તાનિ સિદ્ધયે સર્વકર્મણામ્ ॥ ૧૩॥

પંચ—પાંચ; એતાનિ—આ; મહા-બાહો—બળવાન ભુજાઓવાળા; કારણાનિ—કારણો; નિબોધ—સાંભળ; મે—મારા દ્વારા; સાંખ્યે—સાંખ્યના; કૃત-અન્તે—કર્મના પ્રતિક્રિયાઓની અટક; પ્રોક્તાનિ—કહેલું; સિદ્ધયે—સિદ્ધિ માટે; સર્વ—સર્વ; કર્માણામ્—કર્મોના.

Translation

BG 18.13: હે અર્જુન, હવે સર્વ કર્મોની સિદ્ધિ માટે સાંખ્ય સિદ્ધાંતમાં ઉલ્લેખિત પાંચ તત્ત્વો અંગેનું મારી પાસે શ્રવણ કર, જે કર્મોના પ્રતિભાવો કેવી રીતે રોકવા તે અંગે સ્પષ્ટતા કરે છે. 

અધિષ્ઠાનં તથા કર્તા કરણં ચ પૃથગ્વિધમ્ ।
વિવિધાશ્ચ પૃથક્ચેષ્ટા દૈવં ચૈવાત્ર પઞ્ચમમ્ ॥ ૧૪॥

અવિષ્ઠાનમ્—શરીર; તથા—પણ; કર્તા—કરનાર (આત્મા); કરણમ્—ઇન્દ્રિયો; ચ—અને; પૃથક્-વિધમ્—વિવિધ પ્રકારનાં; વિવિધા:—અનેક; ચ—અને; પૃથક્—વિભિન્ન; ચેષ્ટા:—પ્રયાસ; દૈવમ્—દિવ્ય પરમાત્મા; ચ એવ અત્ર—અને આ નિશ્ચિત (કારણો); પંચમમ્—પાંચમું.

Translation

BG 18.14: શરીર, કર્તા, વિવિધ ઇન્દ્રિયો, અનેક પ્રકારનાં પ્રયાસો તથા દિવ્ય પરમાત્મા—કર્મના આ પાંચ તત્ત્વો છે. 

શરીરવાઙ્મનોભિર્યત્કર્મ પ્રારભતે નરઃ ।
ન્યાય્યં વા વિપરીતં વા પઞ્ચૈતે તસ્ય હેતવઃ ॥ ૧૫॥
તત્રૈવં સતિ કર્તારમાત્માનં કેવલં તુ યઃ ।
પશ્યત્યકૃતબુદ્ધિત્વાન્ન સ પશ્યતિ દુર્મતિઃ ॥ ૧૬॥

શરીર-વાક્-મનોભિ:—શરીર, વાણી અથવા મનથી; યત્—જે; કર્મ—કર્મ; પ્રારભતે—કરે છે; નર:—મનુષ્ય; ન્યાય્યમ્—ઉચિત; વા—અથવા; વિપરીતમ્—અનુચિત; વા—અથવા; પંચ—પાંચ; એતે—આ; તસ્ય—તેમનાં; હેતવ:—તત્ત્વો; તત્ર—ત્યાં; એવમ્ સતિ—એમ છતાં; કર્તારમ્—કર્તા; આત્માનમ્—આત્મા; કેવલમ્—માત્ર; તુ—પરંતુ; ય:—જે; પશ્યતિ—જોવે છે; અકૃત-બુદ્ધિત્વાત્—અશુદ્ધ બુદ્ધિથી; ન—નહીં; સ:—તેઓ; પશ્યતિ—જુએ છે; દુર્મતિ:—મૂર્ખ.

Translation

BG 18.15-16: શરીર, વાણી અથવા મન દ્વારા કરવામાં આવતાં ઉચિત કે અનુચિત કોઇપણ કર્મોમાં આ પાંચ તત્ત્વો ભાગ ભજવે છે. જેઓ આ જ્ઞાન ધરાવતા નથી, તેઓ આત્માને એકમાત્ર કર્તા માને છે. તેમની અશુદ્ધ બુદ્ધિને કારણે તેઓ વિષયને તેના મૂળ સ્વરૂપે જોઈ શકતા નથી. 

શરીરવાઙ્મનોભિર્યત્કર્મ પ્રારભતે નરઃ ।
ન્યાય્યં વા વિપરીતં વા પઞ્ચૈતે તસ્ય હેતવઃ ॥ ૧૫॥
તત્રૈવં સતિ કર્તારમાત્માનં કેવલં તુ યઃ ।
પશ્યત્યકૃતબુદ્ધિત્વાન્ન સ પશ્યતિ દુર્મતિઃ ॥ ૧૬॥

શરીર-વાક્-મનોભિ:—શરીર, વાણી અથવા મનથી; યત્—જે; કર્મ—કર્મ; પ્રારભતે—કરે છે; નર:—મનુષ્ય; ન્યાય્યમ્—ઉચિત; વા—અથવા; વિપરીતમ્—અનુચિત; વા—અથવા; પંચ—પાંચ; એતે—આ; તસ્ય—તેમનાં; હેતવ:—તત્ત્વો; તત્ર—ત્યાં; એવમ્ સતિ—એમ છતાં; કર્તારમ્—કર્તા; આત્માનમ્—આત્મા; કેવલમ્—માત્ર; તુ—પરંતુ; ય:—જે; પશ્યતિ—જોવે છે; અકૃત-બુદ્ધિત્વાત્—અશુદ્ધ બુદ્ધિથી; ન—નહીં; સ:—તેઓ; પશ્યતિ—જુએ છે; દુર્મતિ:—મૂર્ખ.

Translation

BG 18.15-16: શરીર, વાણી અથવા મન દ્વારા કરવામાં આવતાં ઉચિત કે અનુચિત કોઇપણ કર્મોમાં આ પાંચ તત્ત્વો ભાગ ભજવે છે. જેઓ આ જ્ઞાન ધરાવતા નથી, તેઓ આત્માને એકમાત્ર કર્તા માને છે. તેમની અશુદ્ધ બુદ્ધિને કારણે તેઓ વિષયને તેના મૂળ સ્વરૂપે જોઈ શકતા નથી. 

યસ્ય નાહઙ્કૃતો ભાવો બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે ।
હત્વાઽપિ સ ઇમાઁલ્લોકાન્ન હન્તિ ન નિબધ્યતે ॥ ૧૭॥

યસ્ય—જેને; ન-અહંકૃત:—કર્તાભાવના અહંકારથી મુક્ત; ભાવ:—સ્વભાવ; બુદ્ધિ:—બુદ્ધિ; યસ્ય—જેને; નલિપ્યતે—આસકત થતી નથી; હત્વા—હણીને; અપિ—પણ;સ:—તેઓ; ઈમાન્—આ; લોકાન્—જીવો; ન—ન તો; નિબધ્યતે—બદ્ધ થાય છે.

Translation

BG 18.17: જે લોકો કર્તા હોવાના અહંકારથી મુક્ત છે તથા જેની બુદ્ધિ આસક્ત થતી નથી, તેઓ જીવોને હણવા છતાં પણ ન તો હણે છે કે ન તો તેઓ કર્મોથી બદ્ધ થાય છે. 

જ્ઞાનં જ્ઞેયં પરિજ્ઞાતા ત્રિવિધા કર્મચોદના ।
કરણં કર્મ કર્તેતિ ત્રિવિધઃ કર્મસઙ્ગ્રહઃ ॥ ૧૮॥

જ્ઞાનમ્—જ્ઞાન; જ્ઞેયમ્—જ્ઞાનનું લક્ષ્ય; પરિજ્ઞાતા—જાણનાર; ત્રિ-વિધા—ત્રણ તત્ત્વો; કર્મ-ચોદના—કર્મ પ્રેરિત કરતા તત્ત્વો; કરણમ્—કર્મના સાધનો; કર્મ—કર્મ; કર્તા—કર્તા; ઈતિ—આમ; ત્રિ-વિધ:—ત્રણ પ્રકારનાં; કર્મ-સંગ્રહ:—કર્મના તત્ત્વો.

Translation

BG 18.18: જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા—આ  ત્રણ પરિબળો છે, જે કર્મને પ્રેરિત કરે છે. કર્મનું સાધન, સ્વયં કર્મ અને કર્તા—આ કર્મનાં ત્રણ ઘટકો છે. 

જ્ઞાનં કર્મ ચ કર્તા ચ ત્રિધૈવ ગુણભેદતઃ ।
પ્રોચ્યતે ગુણસઙ્ખ્યાને યથાવચ્છૃણુ તાન્યપિ ॥ ૧૯॥

જ્ઞાનમ્—જ્ઞાન; કર્મ—કર્મ; ચ—અને; કર્તા—કરનાર; ચ—અને; ત્રિધા—ત્રણ પ્રકારના; એવ—નિશ્ચિત; ગુણ-ભેદત:—માયિક પ્રકૃતિના ત્રણ ગુણો અનુસાર ભિન્ન; પ્રોચ્યતે—ઘોષણા કરે છે; ગુણ-સંખ્યાને—સાંખ્ય તત્ત્વદર્શન, જે માયિક પ્રકૃતિના ગુણોનું વર્ણન કરે છે; યથા-વત્—જેમ છે તેમ; શ્રુણુ—સાંભળ; તાનિ—તેમને; અપિ—પણ.

Translation

BG 18.19: સાંખ્યદર્શનમાં જ્ઞાન, કર્મ અને કર્તાને તેમનાં ત્રણ માયિક ગુણોને અનુસાર ત્રણ પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. ધ્યાનથી સંભાળ, હું આ અંગેનો ભેદ સ્પષ્ટ કરીશ. 

સર્વભૂતેષુ યેનૈકં ભાવમવ્યયમીક્ષતે ।
અવિભક્તં વિભક્તેષુ તજ્જ્ઞાનં વિદ્ધિ સાત્ત્વિકમ્ ॥ ૨૦॥

સર્વ-ભૂતેષુ—સર્વ જીવોમાં; યેન—જેના દ્વારા; એકમ્—એક; ભાવમ્—સ્વભાવ; અવ્યયમ્—અવિનાશી; ઇક્ષતે—જુએ છે; અવિભક્તમ્—અવિભાજિત; વિભક્તેષુ—વિભિન્નતામાં; તત્—તે;જ્ઞાનમ્—જ્ઞાન; વિદ્ધિ—જાણ; સાત્ત્વિકમ્—સત્ત્વગુણ.

Translation

BG 18.20: જેના દ્વારા વ્યક્તિ સર્વ વિભિન્ન જીવોમાં એક અવિભાજીત અવિનાશી વાસ્તવિકતાને જોવે છે, તે જ્ઞાનને સાત્ત્વિક જાણવું. 

પૃથક્ત્વેન તુ યજ્જ્ઞાનં નાનાભાવાન્પૃથગ્વિધાન્ ।
વેત્તિ સર્વેષુ ભૂતેષુ તજ્જ્ઞાનં વિદ્ધિ રાજસમ્ ॥ ૨૧॥

પૃથક્ત્વેન—પૃથકતાના કારણે; તુ—પરંતુ; યત્—જે; જ્ઞાનમ્—જ્ઞાન; નાના-ભાવાન્—અનેક પ્રકારની અવસ્થાઓ; પૃથક્-વિધાન્—વિભિન્ન; વેત્તિ—માને છે; સર્વેષુ—બધા;ભૂતેષુ—જીવ તત્ત્વો; તત્—તે; જ્ઞાનમ્—જ્ઞાન; વિદ્ધિ—જાણ; રાજસમ્—રાજસિક.

Translation

BG 18.21: જે જ્ઞાનને કારણે વ્યક્તિ અનેક જીવોને વિવિધ શરીરોમાં વૈયક્તિક અને પૃથક્ જોવે છે, એ જ્ઞાનને રાજસિક માનવું. 

યત્તુ કૃત્સ્નવદેકસ્મિન્કાર્યે સક્તમહૈતુકમ્ ।
અતત્ત્વાર્થવદલ્પં ચ તત્તામસમુદાહૃતમ્ ॥ ૨૨॥

યત્—જે;તુ—પરંતુ; કૃષ્ણ-વત્—જાણે તે પૂર્ણને સમાવિષ્ટ કરતું હોય; એકસ્મિન્—એકલું; કાર્યે—કાર્ય; સક્તમ્—મગ્ન; અહૈતુકમ્—કારણ વિના; અતત્ત્વ-અર્થ-વત્—સત્ય પર આધારિત નથી; અલ્પમ્—ટુકડો; ચ—અને; તત્—તે; તામસમ્—તમોગુણ; ઉદાહ્રતમ્—કહેવાય છે.

Translation

BG 18.22: તે જ્ઞાનને તમોગુણી કહેવામાં આવે છે, જેમાં વ્યક્તિ એક અલ્પ અંશની વિભાવનામાં લિપ્ત રહે છે, જાણે કે તેમાં પૂર્ણ સમાવિષ્ટ હોય અને જે ન તો ઉચિત કારણથી યુક્ત હોય છે કે ન તો સત્ય પર આધારિત હોય છે. 

નિયતં સઙ્ગરહિતમરાગદ્વેષતઃ કૃતમ્ ।
અફલપ્રેપ્સુના કર્મ યત્તત્સાત્ત્વિકમુચ્યતે ॥ ૨૩॥

નિયતમ્—શાસ્ત્રો અનુસાર; સંગ-રહિતમ્—આસક્તિ-રહિત; અરાગ-દ્વેષત:—રાગ-દ્વેષ રહિત; કૃતમ્—કરેલું; અફલ-પ્રેપ્સુના—ફળની કામના-રહિત; કર્મ—કર્મ; યત્—જે; તત્—તે; સાત્ત્વિકમ્—સત્ત્વગુણમાં; ઉચ્યતે—કહેવાય છે.

Translation

BG 18.23: જે કર્મ શાસ્ત્રોક્ત અનુસાર છે, જે રાગદ્વેષ રહિત છે તથા જે ફળની કામના રાખ્યા વિના કરવામાં આવે છે, તેને સાત્ત્વિક કહેવાય છે. 

યત્તુ કામેપ્સુના કર્મ સાહઙ્કારેણ વા પુનઃ ।
ક્રિયતે બહુલાયાસં તદ્રાજસમુદાહૃતમ્ ॥ ૨૪॥

યત્—જે; તુ—પરંતુ; કામ-ઈપ્સુના—સ્વાર્થી કામનાથી પ્રેરિત; કર્મ—કર્મ; સ-અહંકારેણ—અહંકાર સાથે; વા—અથવા; પુન:—ફરીથી; ક્રિયતે—કરાય છે; બહુલ-આયાસમ્—અનેક પ્રયાસોથી; તત્—તે; રાજસમ્—રાજસિક પ્રકૃતિમાં; ઉદાહ્રતમ્—કહેવાય છે.

Translation

BG 18.24: જે કર્મ સ્વાર્થયુકત કામનાથી પ્રેરિત છે, અહંકાર સાથે કરવામાં આવે છે અને તણાવથી પૂર્ણ છે, તેને રજોગુણી કહેવામાં આવે છે. 

અનુબન્ધં ક્ષયં હિંસામનપેક્ષ્ય ચ પૌરુષમ્ ।
મોહાદારભ્યતે કર્મ યત્તત્તામસમુચ્યતે ॥ ૨૫॥

અનુબન્ધમ્—પરિણામો; ક્ષયમ્—નુકસાન; હિંસામ્—ઈજા; અનપેક્ષ્ય—ઉપેક્ષા કરીને; ચ—અને; પૌરૂષમ્—પોતાનું સામર્થ્ય; મોહાત્—મોહવશ; આરભ્યતે—શરૂ કરાય છે; કર્મ—કર્મ; યત્—જે; તત્—તે; તામસમ્—તમોગુણી; ઉચ્યતે—કહેવાય છે.

Translation

BG 18.25: જે કર્મ મોહવશ, પોતાના સામર્થ્યનો વિચાર કર્યા વિના, પરિણામોનો અને નુકસાનનો અનાદર કરીને તથા અન્યની હિંસા કે ઈજા કરીને આરંભ કરવામાં આવે છે, તેને તામસી કહેવામાં આવે છે. 

મુક્તસઙ્ગોઽનહંવાદી ધૃત્યુત્સાહસમન્વિતઃ ।
સિદ્ધ્યસિદ્ધ્યોર્નિર્વિકારઃ કર્તા સાત્ત્વિક ઉચ્યતે ॥ ૨૬॥

મુક્ત-સંગ:—સંસારી આસક્તિથી મુક્ત; અનહંવાદી—અહમ્ થી મુક્ત; ધૃતિ—દૃઢ સંકલ્પ; ઉત્સાહ—ઉત્સાહ; સમન્વિત:—થી સંપન્ન; સિદ્ધિ-અસિદ્ધ્યો:—સફળતા અને નિષ્ફળતામાં; નિર્વિકાર:—અસ્પર્શ્ય; કર્તા—કરનાર; સાત્ત્વિક:—સત્ત્વગુણમાં; ઉચ્યતે—કહેવાય છે.

Translation

BG 18.26: તેને સાત્ત્વિક કર્તા કહેવામાં આવે છે, જયારે તે અથવા તો તેણી અહંકાર અને આસક્તિથી મુક્ત હોય, ઉત્સાહ અને નિર્ધારથી સંપન્ન હોય, તથા સફળતા અને નિષ્ફળતામાં અવિચલિત રહે છે. 

રાગી કર્મફલપ્રેપ્સુર્લુબ્ધો હિંસાત્મકોઽશુચિઃ ।
હર્ષશોકાન્વિતઃ કર્તા રાજસઃ પરિકીર્તિતઃ ॥ ૨૭॥

રાગી—લાલચુ; કર્મ-ફલ—કર્મનું ફળ; પ્રેપ્સુ:—લાલચુ; લુબ્ધ:—લોભી; હિંસા-આત્મક:—હિંસાખોર સ્વભાવથી યુક્ત; અશુચિ:—અશુદ્ધ; હર્ષ-શોક-અન્વિત:—હર્ષ અને શોકથી વિચલિત; કર્તા—કરનાર; રાજસ:—રજોગુણી; પરિકીર્તિત:—કહેવાય છે.

Translation

BG 18.27: તેને રજોગુણી કર્તા કહેવામાં આવે છે, જયારે તે કે તેણી કર્મના ફળની તૃષ્ણા સેવે છે, લોભી, હિંસાત્મક, અપવિત્ર હોય છે અને હર્ષ તથા શોકથી વિચલિત થાય છે.

અયુક્તઃ પ્રાકૃતઃ સ્તબ્ધઃ શઠો નૈષ્કૃતિકોઽલસઃ ।
વિષાદી દીર્ઘસૂત્રી ચ કર્તા તામસ ઉચ્યતે ॥ ૨૮॥

અયુક્ત:—બિનઅનુશાસિત; પ્રાકૃત:—અશિષ્ટ; સ્તબ્ધ:—જક્કી; શઠ:—લુચ્ચું; નૈષ્કૃતિક:—અપ્રમાણિક અથવા અધમ; અલસ:—આળસુ; વિષાદી—દુ:ખી અને ખિન્ન; દીર્ઘ-સૂત્રી—શિથિલ; ચ—અને; કર્તા—કરનાર; તામસ:—તમોગુણ; ઉચ્યતે—કહેવાય છે.

Translation

BG 18.28: જે બિનઅનુશાસિત, અભદ્ર, જીદ્દી, કપટી, આળસુ, ખિન્ન અને કામ કરવામાં શિથિલ હોય છે, તેને તમોગુણી કર્તા કહેવાય છે.  

બુદ્ધેર્ભેદં ધૃતેશ્ચૈવ ગુણતસ્ત્રિવિધં શૃણુ ।
પ્રોચ્યમાનમશેષેણ પૃથક્ત્વેન ધનઞ્જય ॥ ૨૯॥

બુદ્ધે:—બુદ્ધિનો; ભેદમ્—તફાવત; ધૃતે:—નિર્ધાર; ચ—અને; એવ-નિશ્ચિત; ગુણત: ત્રિ-વિધમ્—માયિક પ્રકૃતિના ત્રણ ગુણો અનુસાર; શ્રુણુ—સાંભળ; પ્રોચ્યમાનમ્—વર્ણિત; અશેષેણ—વિસ્તૃત રીતે; પૃથકત્વેન—ભિન્ન રીતે; ધનંજય—ધનનો વિજેતા, અર્જુન.

Translation

BG 18.29: હે અર્જુન, હવે તને માયિક પ્રકૃતિના ત્રણ ગુણો અનુસાર વિભિન્ન પ્રકારની બુદ્ધિ અને સંકલ્પના તફાવત વિષે હું વિસ્તૃત રીતે વર્ણન કરીશ. 

પ્રવૃત્તિં ચ નિવૃત્તિં ચ કાર્યાકાર્યે ભયાભયે ।
બન્ધં મોક્ષં ચ યા વેત્તિ બુદ્ધિઃ સા પાર્થ સાત્ત્વિકી ॥ ૩૦॥

પ્રવૃત્તિમ્—ક્રિયાઓ; ચ—અને; નિવૃત્તિમ્—કાર્યોનો ત્યાગ; ચ—અને; કાર્ય—ઉચિત કર્મ; અકાર્યે—અનુચિત કર્મ; ભય—ડર; અભયે—ભયરહિત; બન્ધમ્—બંધન; મોક્ષમ્—જે મુક્ત કરે છે; ચ—અને; યા—જે; વેત્તિ—જાણે છે; બુદ્ધિ:—બુદ્ધિ; સ—તે; પાર્થ—પૃથાપુત્ર,અર્જુન; સાત્ત્વિકી—સત્ત્વગુણી.

Translation

BG 18.30: હે પાર્થ, જે કયું કર્મ ઉચિત છે અને કયું કર્મ અનુચિત છે, કર્તવ્ય શું છે અને અકર્તવ્ય શું છે, શાનાથી ભયભીત થવાનું છે અને શાનાથી ભયભીત થવાનું નથી, શું બંધનકર્તા છે અને શું મુક્તિકર્તા છે, તે જાણે છે; તેવી બુદ્ધિને સત્ત્વગુણી બુદ્ધિ કહેવામાં આવે છે. 

યયા ધર્મમધર્મં ચ કાર્યં ચાકાર્યમેવ ચ ।
અયથાવત્પ્રજાનાતિ બુદ્ધિઃ સા પાર્થ રાજસી ॥ ૩૧॥

યયા—જેના દ્વારા; ધર્મમ્—ધર્મ; અધર્મમ્—અધર્મ; ચ—અને; કાર્યમ્—ઉચિત આચરણ; ચ—અને; અકાર્યમ્—અનુચિત આચરણ; એવ—નિશ્ચિત રીતે; ચ—અને; અયથા-વત્—મૂંઝાયેલો; પ્રજાનાતિ—તફાવત; બુદ્ધિ:—બુદ્ધિ; સા—તે; પાર્થ—પૃથાપુત્ર, અર્જુન; રાજસિ—રજોગુણી.

Translation

BG 18.31: જે બુદ્ધિ ધર્મ અને અધર્મ વચ્ચે ગૂંચવાયેલી હોય છે અને ઉચિત તથા અનુચિત વચ્ચે ભેદ કરી શકતી નથી, તેન રાજસી બુદ્ધિ હોય છે. 

અધર્મં ધર્મમિતિ યા મન્યતે તમસાવૃતા ।
સર્વાર્થાન્વિપરીતાંશ્ચ બુદ્ધિઃ સા પાર્થ તામસી ॥ ૩૨॥

અધર્મમ્—અધર્મ; ધર્મમ્—ધર્મ; ઈતિ—આ પ્રમાણે; યા—જે; મન્યતે—માને છે; તમસ-આવૃત્તા—તમસથી આવૃત્ત; સર્વ-અર્થાન્—સર્વ પદાર્થો; વિપરીતાન્—વિરુદ્ધ; ચ—અને; બુદ્ધિ:—બુદ્ધિ; સા—તે; પાર્થ—પૃથાપુત્ર,અર્જુન; તામસી—તમોગુણી.

Translation

BG 18.32: જે બુદ્ધિ અંધકારથી આચ્છાદિત હોય છે, તે અધર્મને ધર્મ માની લે છે અને સત્યને અસત્ય રૂપે જોવે છે, તે તામસી બુદ્ધિ છે. 

ધૃત્યા યયા ધારયતે મનઃપ્રાણેન્દ્રિયક્રિયાઃ ।
યોગેનાવ્યભિચારિણ્યા ધૃતિઃ સા પાર્થ સાત્ત્વિકી ॥ ૩૩॥

ધૃત્યા—નિર્ધાર દ્વારા; યયા—જે; ધારયતે—ધારણ કરાય છે; મન:—મનને; પ્રાણ—પ્રાણ; ઈન્દ્રિય—ઈન્દ્રિયો; ક્રિયા:—ક્રિયાઓ; યોગેન—યોગ દ્વારા; અવ્યભિચારિણ્ય—અડગ રીતે; ધૃતિ:—નિર્ધાર; સા—તે; પાર્થ—પૃથાપુત્ર, અર્જુન; સાત્ત્વિકી—સત્ત્વગુણી.

Translation

BG 18.33: જે દૃઢ સંકલ્પ યોગ દ્વારા વિકસિત થાય છે અને જે મન, પ્રાણવાયુ તથા ઈન્દ્રિયોની પ્રવૃત્તિઓને નિયંત્રિત કરે છે, તે ધૃતિને સત્ત્વગુણી કહેવામાં આવે છે.

યયા તુ ધર્મકામાર્થાન્ધૃત્યા ધારયતેઽર્જુન ।
પ્રસઙ્ગેન ફલાકાઙ્ક્ષી ધૃતિઃ સા પાર્થ રાજસી ॥ ૩૪॥

યયા—જેના દ્વારા; તુ—પરંતુ; ધર્મ-કામ-અર્થાન્—કર્તવ્ય,સુખ અને સંપત્તિ; ધૃત્યા—અડગ ઈચ્છાશક્તિ દ્વારા; ધારયતે—ધારણ કરે છે; અર્જુન—અર્જુન; પ્રસંગેન—આસક્તિના કારણે; ફલ-આકાંક્ષી—ફળની કામના; ધૃતિ:—નિશ્ચય; સા—તે; પાર્થ—અર્જુન,પૃથાપુત્ર; રાજસી—રજોગુણી.

Translation

BG 18.34: જે અડગ નિશ્ચય દ્વારા વ્યક્તિ ધર્મ, અર્થ અને કામને આસક્તિ તથા ફળની કામના સાથે ધારણ કરે છે, એવો સંકલ્પ રજોગુણી છે. 

યયા સ્વપ્નં ભયં શોકં વિષાદં મદમેવ ચ ।
ન વિમુઞ્ચતિ દુર્મેધા ધૃતિઃ સા પાર્થ તામસી ॥ ૩૫॥

યયા—જેના દ્વારા; સ્વપ્નમ્—સ્વપ્ન; ભયમ્—ભય; શોકમ્—શોક; વિષાદમ્—વિષાદ; મદમ્—ઘમંડ; એવ—ખરેખર; ચ—અને; ન—નહીં; વિમુન્ચતિ—ત્યજે છે; દુર્મેધા—બુદ્ધિહીન; ધૃતિ:—સંકલ્પ; સા—તે; પાર્થ—અર્જુન,પૃથાપુત્ર; તામસી—તમોગુણી.

Translation

BG 18.35: હે પાર્થ! તે દુર્બુદ્ધિ પૂર્ણ સંકલ્પ કે જેમાં વ્યક્તિ સ્વપ્ન, ભય, શોક, વિષાદ અને ઘમંડનો ત્યાગ કરતો નથી, તે તમોગુણી ધૃતિ છે. 

સુખં ત્વિદાનીં ત્રિવિધં શૃણુ મે ભરતર્ષભ ।
અભ્યાસાદ્રમતે યત્ર દુઃખાન્તં ચ નિગચ્છતિ ॥ ૩૬॥

સુખમ્—સુખ; તુ—પરંતુ; ઈદાનીમ્—હવે; ત્રિ-વિધમ્—ત્રણ પ્રકારના; શ્રુણુ—સાંભળ; મે—મારી પાસેથી; ભારત-ઋષભ—ભરતશ્રેષ્ઠ, અર્જુન; અભ્યાસાત્—અભ્યાસથી; રમતે—ભોગવે છે; યત્ર—જેમાં; દુઃખ-અન્તમ્—સર્વ દુ:ખોનો અંત; ચ—અને; નિગચ્છતિ—પહોંચે છે.

Translation

BG 18.36: હે અર્જુન, હવે મારી પાસેથી ત્રણ પ્રકારના સુખો અંગે સાંભળ, જેમાં દેહધારી આત્મા ભોગ કરે છે તથા સર્વ દુઃખોના અંત સુધી પણ પહોંચી શકે છે. 

યત્તદગ્રે વિષમિવ પરિણામેઽમૃતોપમમ્ ।
તત્સુખં સાત્ત્વિકં પ્રોક્તમાત્મબુદ્ધિપ્રસાદજમ્ ॥ ૩૭॥

યત્—જે; તત્—તે; અગ્રે—આરંભમાં; વિષમ્ ઈવ—વિષ સમાન; પરિણામે—અંતમાં; અમૃત-ઉપમમ્—અમૃત સમાન; તત્—તે; સુખમ્—સુખ; સાત્ત્વિકમ્—સત્ત્વગુણી; પ્રોક્તમ્—કહેવાયું છે; આત્મ-બુદ્ધિ—આત્મજ્ઞાનમાં સ્થિત; પ્રસાદ-જમ્—વિશુદ્ધ બુદ્ધિથી ઉત્પન્ન.

Translation

BG 18.37: જે પ્રથમ વિષ સમાન લાગે છે પરંતુ અંતે અમૃત સમાન લાગે છે, તેને સાત્ત્વિક સુખ કહેવામાં આવે છે. તે વિશુદ્ધ બુદ્ધિ દ્વારા ઉત્પન્ન થાય છે, જે આત્મજ્ઞાનમાં સ્થિત હોય છે. 

વિષયેન્દ્રિયસંયોગાદ્યત્તદગ્રેઽમૃતોપમમ્ ।
પરિણામે વિષમિવ તત્સુખં રાજસં સ્મૃતમ્ ॥ ૩૮॥

વિષય—ઇન્દ્રિયવિષયો સાથે; ઇન્દ્રિય—ઇન્દ્રિયો; સંયોગાત્—સંયોગથી; યત્—જે; તત્—તે;  અગ્રે—આરંભમાં; અમૃત-ઉપમમ્—અમૃત સમાન; પરિણામે—અંતે; વિષમ્ ઈવ—વિષ સમાન; તત્—તે; સુખમ્—સુખ; રાજસમ્—રજોગુણી; સ્મૃતમ્—કહેવાય છે.

Translation

BG 18.38: એ સુખ રાજસી ગણાય છે, જે ઇન્દ્રિયો દ્વારા તેના વિષયો સાથેના સંસર્ગથી ઉત્પન્ન થાય છે. આવું સુખ આરંભમાં અમૃત સમાન હોય છે પરંતુ અંતે વિષ સમાન હોય છે. 

યદગ્રે ચાનુબન્ધે ચ સુખં મોહનમાત્મનઃ ।
નિદ્રાલસ્યપ્રમાદોત્થં તત્તામસમુદાહૃતમ્ ॥ ૩૯॥

યત્—જે; અગ્રે—આરંભથી; ચ—અને; અનુબન્ધે—અંતે; ચ—અને; સુખમ્—સુખ; મોહનમ્—મોહમય; આત્મન:—પોતાને; નિદ્રા—નિદ્રા; આલસ્ય—આળસ; પ્રમાદ—પ્રમાદ; ઉત્થમ્—ઉતપન્ન; તત્—તે; તામસમ્—તમોગુણી; ઉદાહ્રતમ્—કહેવાયું છે.

Translation

BG 18.39: જે સુખ આરંભથી અંત સુધી આત્માની પ્રકૃતિને આચ્છાદિત કરે છે અને જે નિદ્રા, આળસ, અને પ્રમાદમાંથી ઉત્પન્ન થાય છે તેને તમોગુણી કહેવામાં આવે છે. 

ન તદસ્તિ પૃથિવ્યાં વા દિવિ દેવેષુ વા પુનઃ ।
સત્ત્વં પ્રકૃતિજૈર્મુક્તં યદેભિઃ સ્યાત્ત્રિભિર્ગુણૈઃ ॥ ૪૦॥

ન—નહીં; તત્—તે; અસ્તિ—છે; પૃથિવ્યામ્—પૃથ્વી પર; વા—અથવા; દિવિ—ઉચ્ચતર સ્વર્ગીય લોક; દેવેષુ—દેવોમાં; વા—અથવા; પુન:—ફરીથી; સત્ત્વમ્—અસ્તિત્ત્વ; પ્રકૃતિ-જૈ:—માયિક પ્રકૃતિથી ઉત્પન્ન; મુક્તમ્—મુક્ત; યત્—તે; એભિ:—તેમના પ્રભાવથી; સ્યાત્—છે;  ત્રિભિ:-—ત્રણ; ગુણૈ:—માયિક પ્રકૃતિના ગુણો.

Translation

BG 18.40: સમગ્ર માયિક ક્ષેત્રમાં આ પૃથ્વી પર કે ઉચ્ચતર સ્વર્ગીય લોકમાં કોઈપણ એવો જીવ નથી, જે માયિક પ્રકૃતિના આ ત્રણ ગુણોના પ્રભાવથી મુક્ત હોય. 

બ્રાહ્મણક્ષત્રિયવિશાં શૂદ્રાણાં ચ પરન્તપ ।
કર્માણિ પ્રવિભક્તાનિ સ્વભાવપ્રભવૈર્ગુણૈઃ ॥ ૪૧॥

બ્રાહ્મણ—પૂજારી વર્ગ; ક્ષત્રિય—યોદ્ધા અને વહીવટી વર્ગ; વિશામ્—વેપારી અને ખેડૂત વર્ગ; શૂદ્રાણામ્—કામદાર વર્ગ; ચ—અને; પરન્તપ—અર્જુન, શત્રુઓને વશમાં કરનાર; કર્માણિ—કર્તવ્યો; પ્રવિભક્તાનિ—વિભાજીત થયેલાં; સ્વભાવ-પ્રભવૈ:-ગુણૈ: —વ્યક્તિના સ્વભાવ તથા ગુણોને આધારિત કાર્યો.

Translation

BG 18.41: હે પરંતપ, બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો, અને શૂદ્રોનાં કર્તવ્યોનું વિભાજન તેમનાં સ્વભાવ તથા ગુણોને આધારે કરવામાં આવ્યું છે (જન્મને આધારે નહીં). 

શમો દમસ્તપઃ શૌચં ક્ષાન્તિરાર્જવમેવ ચ ।
જ્ઞાનં વિજ્ઞાનમાસ્તિક્યં બ્રહ્મકર્મ સ્વભાવજમ્ ॥ ૪૨॥

શમ:—શાંતિ; દમ:—સંયમ; તપ:—તપ; શૌચમ્—પવિત્રતા; ક્ષાન્તિ:—ધીરજ; આર્જવમ્—સત્યનિષ્ઠા; એવ—નિશ્ચિતપણે; ચ—અને; જ્ઞાનમ્—જ્ઞાન; વિજ્ઞાનમ્—વિદ્વત્તા; આસ્તિકયમ્—ભાવિની માન્યતા; બ્રહ્મ—પૂજારી વર્ગ; કર્મ—કર્મ; સ્વભાવ-જમ્—પોતાના અંતર્ગત સ્વભાવથી જન્મેલ.

Translation

BG 18.42: શાંતિપ્રિયતા, આત્મસંયમ, તપશ્ચર્યા, પવિત્રતા, ધૈર્ય, સત્યનિષ્ઠા, જ્ઞાન, વિદ્વત્તા તથા ભવિષ્યમાં વિશ્વાસ—આ બ્રાહ્મણોના કાર્યો માટેના આંતરિક ગુણો છે. 

શૌર્યં તેજો ધૃતિર્દાક્ષ્યં યુદ્ધે ચાપ્યપલાયનમ્ ।
દાનમીશ્વરભાવશ્ચ ક્ષાત્રં કર્મ સ્વભાવજમ્ ॥ ૪૩॥

શૌર્યમ્—શૌર્ય; તેજ:—શક્તિ; ધૃતિ:—મનોબળ; દાક્ષ્યમ્ યુદ્ધે—શસ્ત્રોમાં પારંગતતા; ચ—અને; અપિ—પણ; અપલાયનમ્—પીછેહઠ ન કરવી; દાનમ્—હૃદયની વિશાળતા; ઈશ્વર—નેતૃત્ત્વ; ભાવ:—સ્વભાવ; ચ—અને; ક્ષાત્રમ્—યોદ્ધા અને વહીવટીઓનો વર્ગ; કર્મ—કર્મ; સ્વભાવ-જમ્—પોતાના આંતરિક ગુણો સાથે જન્મેલા.

Translation

BG 18.43: શૌર્ય, શક્તિ, મનોબળ, શાસ્ત્રોમાં પારંગતતા, યુદ્ધક્ષેત્રમાંથી કદાપિ પીછેહઠ ન કરવાનો સંકલ્પ, દાનમાં હૃદયની વિશાળતા, નેતૃત્ત્વનું સામર્થ્ય આ ક્ષત્રિયોના કર્મ માટેના સ્વાભાવિક ગુણો છે. 

કૃષિગૌરક્ષ્યવાણિજ્યં વૈશ્યકર્મ સ્વભાવજમ્ ।
પરિચર્યાત્મકં કર્મ શૂદ્રસ્યાપિ સ્વભાવજમ્ ॥ ૪૪॥

કૃષિ—ખેતી; ગૌ-રક્ષ્ય—ગૌરક્ષા; વાણિજ્યમ્—વ્યાપાર; વૈશ્ય—વ્યાપારી તથા ખેડૂત વર્ગ: કર્મ—કર્મ; સ્વભાવ-જમ્—વ્યક્તિના અંતર્ગત સ્વભાવથી ઉત્પન્ન થયેલા; પરિચર્યા—કાર્યો દ્વારા સેવા; આત્મકમ્—સ્વાભાવિક; કર્મ—કર્તવ્ય; શૂદ્રસ્ય—કામદાર વર્ગનું; અપિ—અને; સ્વભાવ-જમ્—વ્યક્તિના અંતર્ગત સ્વભાવથી ઉત્પન્ન થયેલા.

Translation

BG 18.44: કૃષિ, ગૌ-રક્ષા અને વાણિજ્ય વૈશ્ય ગુણો ધરાવતા લોકોના સ્વાભાવિક કાર્યો છે. કાર્યો દ્વારા સેવા કરવી એ શૂદ્ર ગુણો ધરાવતા લોકો માટે સ્વાભાવિક કર્તવ્ય છે.  

સ્વે સ્વે કર્મણ્યભિરતઃ સંસિદ્ધિં લભતે નરઃ ।
સ્વકર્મનિરતઃ સિદ્ધિં યથા વિન્દતિ તચ્છૃણુ ॥ ૪૫॥

સ્વે સ્વે—પોતપોતાના; કર્મણિ—કર્મ; અભિરત:—પરિપૂર્ણ; સંસિદ્ધમ્—સિદ્ધિ; લભતે—પ્રાપ્ત કરે છે; નર:—મનુષ્ય; સ્વ-કર્મ—વ્યક્તિના નિર્ધારિત કર્તવ્યો; નિરત:—પરોવાયેલો; સિદ્ધિમ્—સિદ્ધિ; યથા—જેવી રીતે; વિન્દતિ—પામે છે; તત્—તે; શ્રુણુ—સાંભળ.

Translation

BG 18.45: તેમના જન્મજાત ગુણોથી મનુષ્ય પોતાના કર્તવ્યોની પરિપૂર્તિ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. હવે મારી પાસેથી સાંભળ કે વ્યક્તિ કેવી રીતે પોતાના નિયત કર્તવ્યોનું પાલન કરીને સિદ્ધ બની શકે છે. 

યતઃ પ્રવૃત્તિર્ભૂતાનાં યેન સર્વમિદં તતમ્ ।
સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિં વિન્દતિ માનવઃ ॥ ૪૬॥

યત:—જેનાથી; પ્રવૃત્તિ:—ઉદ્ભવ; ભૂતાનામ્—સર્વ જીવોનો; યેન—જેના દ્વારા; સર્વમ્—સર્વ; ઈદમ્—આ; તતમ્—વ્યાપ્ત છે; સ્વ-કર્મણા—વ્યક્તિના પ્રાકૃતિક કર્મ દ્વારા; તમ્—તેને; અભ્યર્ચ્ય—પૂજા કરીને; સિદ્ધિમ્—સિદ્ધિ; વિન્દતિ—પ્રાપ્ત કરે છે; માનવ:—મનુષ્ય.

Translation

BG 18.46: વ્યક્તિના પોતાની પ્રાકૃતિક વૃત્તિનું પાલન કરીને મનુષ્ય એ સ્રષ્ટાની આરાધના કરે છે, જે સર્વ જીવોનું ઉદ્ભવ સ્થાન છે અને જેના દ્વારા સમગ્ર બ્રહ્માંડ વ્યાપ્ત છે. આવા કર્તવ્યનું પાલન કરીને મનુષ્ય સરળતાથી સિદ્ધિ પ્રાપ્ત કરે છે. 



શ્રેયાન્સ્વધર્મો વિગુણઃ પરધર્માત્સ્વનુષ્ઠિતાત્ ।
સ્વભાવનિયતં કર્મ કુર્વન્નાપ્નોતિ કિલ્બિષમ્ ॥ ૪૭॥

શ્રેયાન્—અધિક શ્રેષ્ઠ; સ્વ-ધર્મ:—વ્યક્તિના પોતાના નિયત વર્ણાશ્રમ ધર્મ; વિગુણ:—અપૂર્ણ રીતે કરેલું; પર-ધર્માત્—અન્યના ધર્મ કરતાં; સુ-અનુષ્ઠિતાત્—પૂર્ણ રીતે કરેલ; સ્વભાવ-નિત્યમ્—વ્યક્તિની જન્મજાત પ્રકૃતિ અનુસાર; કર્મ—કર્તવ્ય; કુર્વન—કરવાથી; ન આપ્નોતિ—થતું નથી; કિલ્બિષમ્—પાપ.

Translation

BG 18.47: અન્ય કોઈના ધર્મને શ્રેષ્ઠ રીતે કરવા કરતાં ક્ષતિયુક્ત રીતે પણ પોતાના સ્વ ધર્મનું પાલન કરવું અધિક શ્રેષ્ઠ છે. પોતાના સ્વાભાવિક કર્તવ્યોનું પાલન કરવાથી મનુષ્ય પાપથી પ્રભાવિત થતો નથી. 

સહજં કર્મ કૌન્તેય સદોષમપિ ન ત્યજેત્ ।
સર્વારમ્ભા હિ દોષેણ ધૂમેનાગ્નિરિવાવૃતાઃ ॥ ૪૮॥

સહજમ્—વ્યક્તિની પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલું; કર્મ—કર્તવ્ય; કૌન્તેય—અર્જુન, કુંતીપુત્ર; સ-દોષમ્—દોષયુક્ત; અપિ—છતાં પણ; ન ત્યજેત્—વ્યક્તિએ ત્યજવું જોઈએ નહીં; સર્વ-આરમ્ભા:—સર્વ પ્રયાસો; હિ—ખરેખર; દોષેણ—દોષથી; ધુમેન—ધુમાડાથી; અગ્નિ:—અગ્નિ; ઈવ—જેમ; આવૃતા:—આચ્છાદિત.

Translation

BG 18.48: હે કુંતીપુત્ર, વ્યક્તિએ તેના પ્રકૃતિજન્ય કર્તવ્યોનો ત્યાગ કરવો જોઈએ નહીં, ભલે પછી તેમાં દોષ જોવા મળે. ખરેખર, જેમ અગ્નિ ધુમાડાથી આચ્છાદિત હોય છે તેમ સર્વ પ્રયાસો કોઈ અનિષ્ટ દ્વારા આચ્છાદિત હોય છે.  


અસક્તબુદ્ધિઃ સર્વત્ર જિતાત્મા વિગતસ્પૃહઃ ।
નૈષ્કર્મ્યસિદ્ધિં પરમાં સન્ન્યાસેનાધિગચ્છતિ ॥ ૪૯॥

અસક્ત બુદ્ધિ:—જેમની બુદ્ધિ આસક્તિ રહિત છે; સર્વત્ર—સર્વત્ર; જિત-આત્મા—જે તેના મનનો સ્વામી છે; વિગત-સ્પૃહ:—કામનાઓથી રહિત; નૈષ્કર્મ્ય-સિદ્ધમ્—કર્મરહિતતાની અવસ્થા; પરમામ્—પરમ; સંન્યાસેન—ત્યાગની સાધના દ્વારા; અધિગચ્છતિ—પ્રાપ્ત કરે છે.

Translation

BG 18.49: જેમની બુદ્ધિ સર્વત્ર આસક્તિ રહિત છે, જેમણે મન પર વિજય પ્રાપ્ત કર્યો છે તથા જે ત્યાગની સાધના દ્વારા કામનાઓથી મુક્ત છે, તે કર્મથી મુક્તિની પરમ સિદ્ધિ પ્રાપ્ત કરે છે.

સિદ્ધિં પ્રાપ્તો યથા બ્રહ્મ તથાપ્નોતિ નિબોધ મે ।
સમાસેનૈવ કૌન્તેય નિષ્ઠા જ્ઞાનસ્ય યા પરા ॥ ૫૦॥

સિદ્ધિમ્—સિદ્ધિ; પ્રાપ્ત:—પ્રાપ્ત; યથા—જેવી રીતે; બ્રહ્મ—બ્રહ્મ; તથા—તેવી રીતે; આપ્નોતિ—પ્રાપ્ત કરે છે; નિબોધ—સાંભળ; મે—મારી પાસેથી; સમાસેન—સંક્ષેપમાં; એવ—ખરેખર; કૌન્તેય—અર્જુન, કુંતીપુત્ર; નિષ્ઠા—દૃઢપણે સ્થિર; જ્ઞાનસ્ય—જ્ઞાનનું; યા—જે; પરા—ગુણાતીત.

Translation

BG 18.50: હે અર્જુન, મારી પાસેથી સંક્ષેપમાં સાંભળ. હું તને સમજાવીશ કે જેણે સિદ્ધિ (કર્મની સમાપ્તિમાં) પ્રાપ્ત કરી છે, તે દિવ્ય જ્ઞાનમાં દૃઢપણે સ્થિર રહીને કેવી રીતે બ્રહ્મને પણ પ્રાપ્ત કરી શકે છે. 

બુદ્ધ્યા વિશુદ્ધયા યુક્તો ધૃત્યાત્માનં નિયમ્ય ચ ।
શબ્દાદીન્વિષયાંસ્ત્યક્ત્વા રાગદ્વેષૌ વ્યુદસ્ય ચ ॥ ૫૧॥
વિવિક્તસેવી લઘ્વાશી યતવાક્કાયમાનસઃ ।
ધ્યાનયોગપરો નિત્યં વૈરાગ્યં સમુપાશ્રિતઃ ॥ ૫૨॥
અહઙ્કારં બલં દર્પં કામં ક્રોધં પરિગ્રહમ્ ।
વિમુચ્ય નિર્મમઃ શાન્તો બ્રહ્મભૂયાય કલ્પતે ॥ ૫૩॥

બુદ્ધ્યા—બુદ્ધિ; વિશુદ્ધયા—વિશુદ્ધ; યુક્ત:—થી સંપન્ન; ધૃત્યા—નિર્ધારથી; આત્માનમ્—બુદ્ધિ: નિયમ્ય—સંયમિત; ચ—અને; શબ્દ-આદીન્ વિષયાન્—ધ્વનિ તથા ઈન્દ્રિયોના અન્ય વિષયો; ત્યકત્વા—ત્યજીને; રાગ-દ્વેષૌ—આસક્તિ અને ઘૃણા; વ્યુદસ્ય—બાજુ પર રાખીને; ચ—અને; વિવિક્ત-સેવી—એકાંત ભોગવતો; લઘુ-આશી—અલ્પ આહર લેનારો; યત્—વશમાં કરીને; વાક્—વાણી; કાય—શરીર; માનસ:—મન; ધ્યાન-યોગ-પર:—સમાધિમાં તલ્લીન; નિત્યમ્—સદૈવ; વૈરાગ્યમ્—વૈરાગ્યનો; સમુપાશ્રિત:—આશ્રય લઈને; અહંકારમ્—અભિમાન; બલમ્—હિંસા; દર્પમ્—ઘમંડ; કામમ્—ઈચ્છા; ક્રોધમ્—ક્રોધ; પરિગ્રહમ્—સ્વાર્થ; વિમુચ્ય—થી મુક્ત થઈને; નિર્મમ:—સંપત્તિના સ્વામિત્વના ભાવથી રહિત; શાન્ત:—શાંત; બ્રહ્મ-ભૂયાય—બ્રહ્મન સાથે જોડાણ; કલ્પતે—યોગ્ય છે.

Translation

BG 18.51-53: તે વ્યક્તિ બ્રહ્મની પ્રાપ્તિ માટે પાત્ર છે, જે વ્યક્તિ ધ્વનિ તથા અન્ય ઈન્દ્રિયવિષયોનો ત્યાગ કરીને, રાગ તથા દ્વેષથી મુક્ત થઈને શુદ્ધ બુદ્ધિ ધરાવે છે તથા ઈન્દ્રિયોને દૃઢતાપૂર્વક સંયમમાં રાખે છે. આવી વ્યક્તિ એકાંતમાં પ્રસન્ન રહે છે, અલ્પ આહાર કરે છે, શરીર, મન તથા વાણીને નિયંત્રિત કરે છે, સદૈવ ધ્યાનમાં લીન રહે છે અને વૈરાગ્યની સાધના કરે છે. અહંકાર, હિંસા, ઘમંડ, કામના, સંપત્તિનું સ્વામીત્ત્વ તથા સ્વાર્થથી મુક્ત હોય છે. આવી શાંતિમાં સ્થિત વ્યક્તિ બ્રહ્મ (પૂર્ણ સત્યની બ્રહ્મ સ્વરૂપે અનુભૂતિ) સાથેના જોડાણ માટે પાત્ર હોય છે. 

બ્રહ્મભૂતઃ પ્રસન્નાત્મા ન શોચતિ ન કાઙ્ક્ષતિ ।
સમઃ સર્વેષુ ભૂતેષુ મદ્ભક્તિં લભતે પરામ્ ॥ ૫૪॥

બ્રહ્મ-ભૂત:—બ્રહ્મમાં સ્થિત; પ્રસન્ન-આત્મા—માનસિક રીતે શાંત; ન—નહીં; શોચતિ—શોક કરે છે; ન—નહીં; કાંક્ષતિ—કામના કરે છે; સમ:—સમાન ભાવવાળો; સર્વેષુ—સર્વ પ્રત્યે; ભૂતેષુ—જીવો; મત્-ભક્તમ્—મારી ભક્તિ; લભતે—પ્રાપ્ત કરે છે; પરામ્—પરમ.

Translation

BG 18.54: જે દિવ્ય બ્રહ્મમાં સ્થિત હોય છે તે માનસિક રીતે શાંત બને છે; તે શોક કરતો નથી કે કામના રાખતો નથી. સર્વ જીવો પ્રત્યે સમાન ભાવ ધરાવતો હોય એવો યોગી મારી પરમ ભક્તિ પ્રાપ્ત કરે છે.

ભક્ત્યા મામભિજાનાતિ યાવાન્યશ્ચાસ્મિ તત્ત્વતઃ ।
તતો માં તત્ત્વતો જ્ઞાત્વા વિશતે તદનન્તરમ્ ॥ ૫૫॥

ભક્ત્યા—પ્રેમાભક્તિ દ્વારા; મામ્—મને; અભિજાનાતિ—વ્યક્તિ જાણી શકે છે; યાવાન્—જેટલો; ય: ચ અસ્મિ—જેવો હું છું; તત્ત્વત:—સત્યરૂપે; તત:—પશ્ચાત્; મામ્—મને; તત્ત્વત:—સત્યરૂપે; જ્ઞાત્વા—જાણીને; વિશતે—પ્રવેશે છે; તત્-અનન્તરમ્—ત્યાર પછી.

Translation

BG 18.55: કેવળ મારી પ્રેમા ભક્તિ દ્વારા જ વ્યક્તિ મને સત્યરૂપે જાણી શકે છે. પશ્ચાત્, મને જાણીને મારો ભક્ત મારી પૂર્ણ ચેતનામાં પ્રવેશ કરે છે. 

સર્વકર્માણ્યપિ સદા કુર્વાણો મદ્વ્યપાશ્રયઃ ।
મત્પ્રસાદાદવાપ્નોતિ શાશ્વતં પદમવ્યયમ્ ॥ ૫૬॥

સર્વ—સર્વ; કર્માણિ—કર્મો; અપિ—જો કે; સદા—હંમેશા; કુર્વાણ:—કરતો; મત્-વ્યપાશ્રય:—મારા પૂર્ણ આશ્રયમાં; મત્-પ્રસાદાત્—મારી કૃપાથી; અવાપ્નોતિ—પ્રાપ્ત કરે છે; શાશ્વતમ્—સનાતન; પદમ્—ધામ; અવ્યયમ્—અવિનાશી.

Translation

BG 18.56: મારા ભક્તો સર્વ પ્રકારના કર્તવ્યોનું પાલન કરતાં હોવા છતાં મારાં સંપૂર્ણ આશ્રયમાં રહે છે. મારી કૃપા દ્વારા તેઓ શાશ્વત અને અવિનાશી ધામને પ્રાપ્ત કરે છે. 

ચેતસા સર્વકર્માણિ મયિ સન્ન્યસ્ય મત્પરઃ ।
બુદ્ધિયોગમુપાશ્રિત્ય મચ્ચિત્તઃ સતતં ભવ ॥ ૫૭॥

ચેતસા—ચેતના દ્વારા; સર્વ-કર્માણિ—સર્વ ક્રિયાઓ; મયિ—મારામાં; સંન્યસ્ય—સમર્પતિ; મત્-પર:—મને પરમ લક્ષ્ય રાખીને; બુદ્ધિ-યોગમ્—બુદ્ધિને ભગવાન સાથે જોડીને; ઉપાશ્રિત્ય—શરણ લઈને; મત્-ચિત્ત:—મારામાં ચેતનાને એકરસ કરીને; સતતમ્—સદૈવ; ભવ—થા.

Translation

BG 18.57: મને પરમ લક્ષ્ય બનાવીને, તારી સર્વ પ્રવૃત્તિઓ મને સમર્પિત કર. બુદ્ધિયોગનો આશ્રય લઈને તારી ચેતનાને સદૈવ મારામાં લીન રાખ. 

મચ્ચિત્તઃ સર્વદુર્ગાણિ મત્પ્રસાદાત્તરિષ્યસિ ।
અથ ચેત્ત્વમહઙ્કારાન્ન શ્રોષ્યસિ વિનઙ્ક્ષ્યસિ ॥ ૫૮॥

મત્-ચિત્ત:—સદૈવ મારા સ્મરણ દ્વારા; સર્વ—સર્વ; દુર્ગાણિ—વિઘ્નો; મત્-પ્રસાદાત્—મારી કૃપા દ્વારા; તરિષ્યસિ—તું પાર કરીશ; અથ—પરંતુ; ચેત્—જો; ત્વમ્—તું; અહંકારાત્—અહંકારને કારણે; ન શ્રોષ્યસિ—સાંભળીશ નહીં; વિનંક્ષ્યસિ—નષ્ટ થઈ જઈશ.

Translation

BG 18.58: જો તું સદૈવ મારું સ્મરણ કરીશ, તો તું સર્વ વિઘ્નો અને વિપત્તિઓને પાર કરી જઈશ. પરંતુ જો તું અહંકારને કારણે મારો ઉપદેશ સાંભળીશ નહીં, તો તું નષ્ટ થઈ જઈશ. 

યદહઙ્કારમાશ્રિત્ય ન યોત્સ્ય ઇતિ મન્યસે ।
મિથ્યૈષ વ્યવસાયસ્તે પ્રકૃતિસ્ત્વાં નિયોક્ષ્યતિ ॥ ૫૯॥

યત્—જો; અહંકારમ્—અહંકારથી પ્રેરિત; આશ્રિત્ય—શરણ લઈને; ન યોત્સ્યે—તું લડીશ નહીં; ઈતિ—એમ; મન્યસે—તું માનતો હોય; મિથ્યા એષ:—આ બધું ખોટું છે; વ્યવસાય:—નિશ્ચય; તે—તારો; પ્રકૃતિ:—માયિક સ્વભાવ; ત્વામ્—તને; નિયોક્ષ્યતિ—વ્યસ્ત થશે.

Translation

BG 18.59: જો અહંકારથી પ્રેરિત થઈને તું એમ માનતો હોય કે “હું લડીશ નહીં”, તો તારો નિશ્ચય વ્યર્થ જશે. તારી પોતાની સ્વાભાવિક (ક્ષત્રિય) પ્રકૃતિ તને યુદ્ધ કરવા માટે વિવશ કરશે. 

સ્વભાવજેન કૌન્તેય નિબદ્ધઃ સ્વેન કર્મણા ।
કર્તું નેચ્છસિ યન્મોહાત્કરિષ્યસ્યવશોઽપિ તત્ ॥ ૬૦॥

સ્વભાવ-જેન—વ્યક્તિના પોતાના સ્વભાવ જન્ય; કૌન્તેય—અર્જુન, કુંતીપુત્ર; નિબદ્ધ:—બદ્ધ; સ્વેન—તારા પોતાના દ્વારા; કર્મણા—કર્મો; કર્તુમ્—કરવા માટે; ન—નહીં; ઈચ્છસિ—તું ઈચ્છ; યત્—જે; મોહાત્—મોહવશ; કરિષ્યસિ—તું કરીશ; અવશ:—અનિચ્છાએ; અપિ—છતાં પણ; તત્—તે.

Translation

BG 18.60: હે અર્જુન, મોહવશ જે કર્મ તું કરવા ઈચ્છતો નથી, તારા પોતાની માયિક પ્રકૃતિમાંથી જન્મેલી, તારી પોતાની રુચિથી તે કરવા તું વિવશ બનીશ. 

ઈશ્વરઃ સર્વભૂતાનાં હૃદ્દેશેઽર્જુન તિષ્ઠતિ ।
ભ્રામયન્સર્વભૂતાનિ યન્ત્રારૂઢાનિ માયયા ॥ ૬૧॥

ઈશ્વર:—પરમેશ્વર; સર્વ-ભૂતાનામ્—સર્વ જીવોમાં; હૃત-દેશે—હૃદયમાં; અર્જુન—અર્જુન; તિષ્ઠતિ—વસે  છે; ભ્રામયન્—ભ્રમણ કરાવતાં; સર્વ-ભૂતાનિ—સર્વ જીવો; યન્ત્ર આરુઢાનિ—યંત્ર પર આરૂઢ; માયયા—માયિક શક્તિથી બનેલા.

Translation

BG 18.61: હે અર્જુન, પરમેશ્વર સર્વ જીવોના હૃદયમાં નિવાસ કરે છે. તેમનાં કર્મ અનુસાર તે આત્માઓના ભ્રમણને નિર્દેશિત કરે છે કે જે માયિક શક્તિથી બનેલાં યંત્ર પર આરૂઢ હોય છે. 

તમેવ શરણં ગચ્છ સર્વભાવેન ભારત ।
તત્પ્રસાદાત્પરાં શાન્તિં સ્થાનં પ્રાપ્સ્યસિ શાશ્વતમ્ ॥ ૬૨॥

તમ્—તેમની; એવ—કેવળ; શરણમ્ ગચ્છ—શરણમાં જા; સર્વ-ભાવેન—સર્વભાવથી; ભારત—અર્જુન,ભરતપુત્ર; તત્-પ્રસાદાત્—તેમની કૃપાથી; પરામ્—પરમ; શાન્તિમ્—શાંતિ; સ્થાનમ્—ધામ; પ્રાપ્સ્યસિ—તું પ્રાપ્ત કરીશ; શાશ્વતમ્—સનાતન.

Translation

BG 18.62: હે ભારત, સર્વથા સંપૂર્ણ ભાવ સાથે તું અનન્ય રીતે તેમના શરણમાં જા. તેમની કૃપાથી, તું પરમ શાંતિ અને શાશ્વત ધામ પ્રાપ્ત કરીશ. 

ઇતિ તે જ્ઞાનમાખ્યાતં ગુહ્યાદ્ગુહ્યતરં મયા ।
વિમૃશ્યૈતદશેષેણ યથેચ્છસિ તથા કુરુ ॥ ૬૩॥

ઈતિ—એમ; તે—તને; જ્ઞાનમ્—જ્ઞાન; આખ્યાતમ્—વર્ણવ્યું; ગુહ્યાત્—ગુહ્ય જ્ઞાન; ગુહ્ય-તરમ્—અધિક ગુહ્ય જ્ઞાન; મયા—મારા વડે; વિમૃશ્ય—મનન કરીને; એતત્—આ; અશેષેણ—સંપૂર્ણ; યથા—જેમ; ઈચ્છસિ—ઈચ્છે; તથા—તેમ; કરું—કર.

Translation

BG 18.63: આ પ્રમાણે, મેં તને આ જ્ઞાન સમજાવ્યું છે. જે અન્ય સર્વ રહસ્યોની તુલનામાં ગુહ્યતમ છે. તેના અંગે ગહન રીતે મનન કર અને પશ્ચાત્ તારી જે ઈચ્છા હોય તે કર. 

સર્વગુહ્યતમં ભૂયઃ શૃણુ મે પરમં વચઃ ।
ઇષ્ટોઽસિ મે દૃઢમિતિ તતો વક્ષ્યામિ તે હિતમ્ ॥ ૬૪॥

સર્વ-ગુહ્ય-તમમ્—સર્વાધિક ગુહ્ય; ભૂય:—પુન:; શ્રુણુ—સાંભળ; મે—મારી પાસેથી; પરમમ્—પરમ; વચ:—આદેશ; ઈષ્ટ: અસિ—તું પ્રિય છે; મે—મને; દૃઢમ્—અતિ; ઇતિ—એમ; તત:—કારણ કે વક્ષ્યામિ—હું બોલી રહ્યો છું; તે—તારા; હિતમ્—હિત.

Translation

BG 18.64: પુન: મારા પરમ ઉપદેશનું શ્રવણ કર, જે સર્વ જ્ઞાનોમાં ગુહ્યતમ છે. હું તારા હિતાર્થે તેનું પ્રાગટ્ય કરું છું, કારણ કે તું મને અતિ પ્રિય છે. 

મન્મના ભવ મદ્ભક્તો મદ્યાજી માં નમસ્કુરુ ।
મામેવૈષ્યસિ સત્યં તે પ્રતિજાને પ્રિયોઽસિ મે ॥ ૬૫॥

મત્-મના:—મારું ચિંતન કરતાં; ભવ—થા; મત્-ભક્ત:—મારો ભક્ત; મત્-યાજી—મારી આરાધના કર; મામ્—મને; નમસ્કુરુ—પ્રણામ કર; મામ્—મને; એવ—નિશ્ચિતપણે; એષ્યસિ—તું આવીશ; સત્યમ્—સાચી રીતે; તે—તને; પ્રતિજાને—હું વચન આપું છું; પ્રિય:—વહાલો; અસિ—તું છે; મે—મને.

Translation

BG 18.65: સદૈવ મારું ચિંતન કર, મારો ભક્ત થા, મારી આરાધના કર અને મને નમસ્કાર કર. આ પ્રમાણે કરીને, તું નિશ્ચિતપણે મારી પાસે આવીશ. આ મારી તારા પ્રત્યે પ્રતિજ્ઞા છે, કારણ કે તું મને અતિ પ્રિય છે. 

સર્વધર્માન્પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ ।
અહં ત્વા સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ ॥ ૬૬॥

સર્વ-ધર્માન્—સર્વ પ્રકારનાં ધર્મો; પરિત્યજ્ય—ત્યજીને; મામ્—મારાં; એકમ્—એકમાત્ર; શરણમ્—શરણે; વ્રજ—લે; અહમ્—હું; ત્વામ્—તને; સર્વ—બધાં; પાપેભ્ય:—પાપયુક્ત પ્રતિઘાતો; મોક્ષયિષ્યામિ—મુક્ત કરીશ; મા—નહીં; શુચ:—ભય.

Translation

BG 18.66: સર્વ પ્રકારનાં ધર્મોનો ત્યાગ કર અને કેવળ મારા શરણમાં આવી જા. હું તને સર્વ પાપયુક્ત કર્મફળોમાંથી મુક્ત કરીશ; ભયભીત થઈશ નહીં. 

ઇદં તે નાતપસ્કાય નાભક્તાય કદાચન ।
ન ચાશુશ્રૂષવે વાચ્યં ન ચ માં યોઽભ્યસૂયતિ ॥ ૬૭॥

ઈદમ્—આ; તે—તારા દ્વારા; અતપસ્કાય—જે લોકો તપસ્વી નથી; ન—કદાપિ નહીં; અભક્તાય—જે લોકો ભક્ત નથી; કદાચન—કયારેય; ન—કદાપિ નહીં; ચ—પણ; અશુશ્રુષ્વે—જે લોકો (આધ્યાત્મિક વિષયોના) શ્રવણથી વિમુખ છે; વાચ્યમ્—કહેવું જોઈએ; ન—કદાપિ નહીં; ચ—પણ; મામ્—મારા પ્રત્યે; ય:—જે; અભ્યસૂયતિ—જે ઈર્ષ્યા કરે છે.

Translation

BG 18.67: આ ઉપદેશ જે તપસ્વી નથી અથવા જે ભક્ત નથી તેને કદાપિ કહેવો જોઈએ નહીં. જે લોકો (આધ્યાત્મિક વિષયોના) શ્રવણથી વિમુખ હોય અને વિશેષ કરીને જે લોકો મારી ઈર્ષ્યા કરે છે, તેમને કદાપિ કહેવો જોઈએ નહીં. 


ય ઇદં પરમં ગુહ્યં મદ્ભક્તેષ્વભિધાસ્યતિ ।
ભક્તિં મયિ પરાં કૃત્વા મામેવૈષ્યત્યસંશયઃ ॥ ૬૮॥

ય:—જે; ઈદમ્—આ; પરમમ્—પરમ; ગુહ્યમ્—ગુહ્ય જ્ઞાન; મત્-ભક્તેષુ—મારા ભક્તોમાં; અભિધાસ્યતિ—શીખવાડે છે; ભક્તિમ્—પ્રેમનું મહાન કર્મ; મયિ—મારા પ્રતિ; પરામ્—દિવ્ય; કૃત્વા—કરીને; મામ્—મને; એવ—નિશ્ચિતપણે; એષ્યતિ—આવે છે; અસંશય:—સંશય રહિત.

Translation

BG 18.68: જે લોકો મારા ભક્તોને આ પરમ ગુહ્ય જ્ઞાનનું શિક્ષણ આપે છે, તેઓ પ્રેમનું મહાન કાર્ય કરે છે. તેઓ મારી પાસે આવશે, તેમાં કોઈ સંશય નથી. 

ન ચ તસ્માન્મનુષ્યેષુ કશ્ચિન્મે પ્રિયકૃત્તમઃ ।
ભવિતા ન ચ મે તસ્માદન્યઃ પ્રિયતરો ભુવિ ॥ ૬૯॥

ન—નહીં; ચ—અને; તસ્માત્—તેનાં કરતાં; મનુષ્યેષુ—મનુષ્યોમાં; કશ્ચિત્—કોઈપણ; મે—મને; પ્રિય-કૃત્-તમ:—અધિક પ્રિય; ભવિતા—થશે; ન—કદાપિ નહીં; ચ—અને; મે—મને; તસ્માત્—તેના કરતાં; અન્ય:—અન્ય; પ્રિય-તર:—અધિક પ્રિય; ભુવિ—આ પૃથ્વી પર.

Translation

BG 18.69: તેમનાથી અધિક પ્રેમપૂર્વક સેવા અન્ય કોઈ મનુષ્ય કરતા નથી અને મને આ પૃથ્વી પર તેમનાથી અધિક પ્રિય કોઈ નથી. 

અધ્યેષ્યતે ચ ય ઇમં ધર્મ્યં સંવાદમાવયોઃ ।
જ્ઞાનયજ્ઞેન તેનાહમિષ્ટઃ સ્યામિતિ મે મતિઃ ॥ ૭૦॥

અધ્યેષ્યતે—અભ્યાસ; ચ—અને; ય:—જે; ઈમમ્—આ; ધર્મ્યમ્—પવિત્ર; સંવાદમ્—સંવાદ; આવયો:—આપણા બંનેનો; જ્ઞાન—જ્ઞાનરૂપી; યજ્ઞેન-તેન—જ્ઞાનરૂપી યજ્ઞ દ્વારા; અહમ્—હું; ઇષ્ટ:—પૂજાયેલો; સ્યામ્—હોઈશ; ઈતિ—આવો; મે—મારો; મતિ:—અભિપ્રાય.

Translation

BG 18.70: અને હું ઘોષણા કરું છું કે જે લોકો આપણા આ પવિત્ર સંવાદનું અધ્યયન કરશે, તે (તેમની બુદ્ધિ દ્વારા) જ્ઞાનરૂપી યજ્ઞ દ્વારા મારી આરાધના કરશે; એવો મારો અભિપ્રાય  છે. 

શ્રદ્ધાવાનનસૂયશ્ચ શૃણુયાદપિ યો નરઃ ।
સોઽપિ મુક્તઃ શુભાઁલ્લોકાન્પ્રાપ્નુયાત્પુણ્યકર્મણામ્ ॥ ૭૧॥

શ્રદ્ધા-વાન્—શ્રદ્ધાળુ; અનસૂય:—ઈર્ષ્યારહિત; ચ—અને; શ્રુણુયાત્—સાંભળ; અપિ—નિશ્ચિત; ય:—જે; નર:—મનુષ્ય; સ:—તે મનુષ્ય; અપિ—પણ; મુક્ત:—મુકત; શુભાન્—શુભ; લોકાન્—લોકો(ધામો); પ્રાપ્નુયાત્—પ્રાપ્ત કરે છે; પુણ્ય-કર્મણામ્—પુણ્યાત્માઓના.

Translation

BG 18.71: જેઓ શ્રદ્ધાપૂર્વક તથા ઈર્ષ્યારહિત થઈને કેવળ આ જ્ઞાનનું શ્રવણ માત્ર કરે છે, તેઓ સર્વ પાપોથી મુક્ત થઈ જશે અને શુભ લોક પ્રાપ્ત કરશે, જ્યાં પુણ્યાત્માઓ નિવાસ કરે છે. 

કચ્ચિદેતચ્છ્રુતં પાર્થ ત્વયૈકાગ્રેણ ચેતસા ।
કચ્ચિદજ્ઞાનસમ્મોહઃ પ્રનષ્ટસ્તે ધનઞ્જય ॥ ૭૨॥

કશ્ચિત્—કે; એતત્—આ, શ્રુતમ્—સાંભળેલું; પાર્થ—અર્જુન, પૃથાપુત્ર; ત્વયા—તારા દ્વારા; એક-અગ્રેણ ચેતસા—એકાગ્ર ચિત્તથી; કશ્ચિત્—કે; અજ્ઞાન—અજ્ઞાન; સમ્મોહ:—ભ્રમ; પ્રનષ્ટ:—નષ્ટ થઈ ગયો; તે—તારો; ધનંજય—અર્જુન, ધન પર વિજય પ્રાપ્ત કરનાર.

Translation

BG 18.72: હે અર્જુન, તે મને એકાગ્ર ચિત્તે સાંભળ્યો છે? શું તારાં અજ્ઞાન અને મોહ નષ્ટ થઈ ગયાં છે? 

અર્જુન ઉવાચ ।
નષ્ટો મોહઃ સ્મૃતિર્લબ્ધા ત્વત્પ્રસાદાન્મયાચ્યુત ।
સ્થિતોઽસ્મિ ગતસન્દેહઃ કરિષ્યે વચનં તવ ॥ ૭૩॥

અર્જુન: ઉવાચ—અર્જુને કહ્યું; નષ્ટ:—દૂર થયો; મોહ:—મોહ; સ્મૃતિ:—સ્મૃતિ; લબ્ધા—પુન: પ્રાપ્ત થઈ; ત્વત્-પ્રસાદાત્—આપની કૃપા દ્વારા; મયા—મારા દ્વારા; અચ્યુત—અચ્યુત, શ્રીકૃષ્ણ; સ્થિત:—સ્થિત; અસ્મિ—હું છું; ગત-સન્દેહ:—સંદેહથી મુક્ત; કરિષ્યે—કરીશ; વચનમ્—આજ્ઞાઓ; તવ—તમારી.

Translation

BG 18.73: અર્જુને કહ્યું: હે અચ્યુત, આપની કૃપા દ્વારા મારો મોહ દૂર થયો છે અને હું જ્ઞાનમાં સ્થિત થયો છું. હું હવે સંશયથી મુક્ત છું અને હું આપની આજ્ઞા અનુસાર કર્મ કરીશ. 

સઞ્જય ઉવાચ ।
ઇત્યહં વાસુદેવસ્ય પાર્થસ્ય ચ મહાત્મનઃ ।
સંવાદમિમમશ્રૌષમદ્ભુતં રોમહર્ષણમ્ ॥ ૭૪॥

સંજય: ઉવાચ—સંજયે કહ્યું; ઈતિ—આ; અહમ્—હું; વાસુદેવસ્ય—વાસુદેવનો; પાર્થસ્ય—અર્જુન; ચ—અને; મહા-આત્માન:—ઉમદા હૃદય ધરાવતો આત્મા; સંવાદમ્—વાર્તાલાપ; ઈમમ્—આ; અશ્રૌષમ્—સાંભળ્યું છે; અદ્ભુતમ્—અદ્ભુત; રોમ-હર્ષણમ્—રોમને પુલકિત કરનારું.

Translation

BG 18.74: સંજયે કહ્યું: આ પ્રમાણે, મેં વાસુદેવ પુત્ર શ્રીકૃષ્ણ અને ઉમદા હૃદય ધરાવતા પૃથાપુત્ર અર્જુન વચ્ચેનો આ અદ્ભુત સંવાદ સાંભળ્યો. આ સંદેશ એટલો રોમાંચક છે કે મારાં રુંવાડા ઉભા થઇ ગયા છે.

વ્યાસપ્રસાદાચ્છ્રુતવાનેતદ્ગુહ્યમહં પરમ્ ।
યોગં યોગેશ્વરાત્કૃષ્ણાત્સાક્ષાત્કથયતઃ સ્વયમ્ ॥ ૭૫॥

વ્યાસ-પ્રસાદત્—વેદ-વ્યાસની કૃપા દ્વારા; શ્રુતવાન્—સાંભળ્યો છે; એતત્—આ; ગુહ્યમ્—ગુહ્ય; અહમ્—હું; પરમ્—પરમ; યોગમ્—યોગ; યોગ-ઈશ્વરાત્—યોગના સ્વામીથી; કૃષ્ણાત્—શ્રીકૃષ્ણથી; સાક્ષાત્—પ્રત્યક્ષ; કથયત:—કહી રહેલા; સ્વયમ્—પોતે.

Translation

BG 18.75: વેદ વ્યાસની કૃપા દ્વારા, સ્વયં યોગેશ્વર શ્રીકૃષ્ણ પાસેથી મેં આ પરમ અને ગુહ્યતમ યોગ સાંભળ્યો છે. 

રાજન્સંસ્મૃત્ય સંસ્મૃત્ય સંવાદમિમમદ્ભુતમ્ ।
કેશવાર્જુનયોઃ પુણ્યં હૃષ્યામિ ચ મુહુર્મુહુઃ ॥ ૭૬॥

રાજન્—રાજા; સંસ્મૃત્ય સંસ્મૃત્ય—પુન: પુન: સ્મરણ કરીને; સંવાદમ્—સંવાદ; ઈમમ્—આ; અદ્ભુતમ્—અદ્ભુત; કેશવ-અર્જુનયો:—શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચે; પુણ્યમ્—પુણ્ય; હૃષ્યામિ—હું હર્ષિત થાઉં છું; ચ—અને; મુહુ: મુહુ:—વારંવાર.

Translation

BG 18.76: હે રાજા, શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચેના આ અદ્ભુત તથા વિસ્મયકારી સંવાદનું હું જેમ જેમ વારંવાર સ્મરણ કરું છું, તેમ તેમ હું પુન: પુન: હર્ષવિભોર થઈ જાઉં છું. 

તચ્ચ સંસ્મૃત્ય સંસ્મૃત્ય રૂપમત્યદ્ભુતં હરેઃ ।
વિસ્મયો મે મહાન્ રાજન્હૃષ્યામિ ચ પુનઃ પુનઃ ॥ ૭૭॥

તત્—તે; ચ—અને; સંસ્મૃત્ય—વારંવાર સ્મરણ કરીને; રૂપમ્—વિશ્વરૂપ; અતિ—અતિ; અદ્ભુતમ્—અદ્ભુત; હરે:—શ્રીકૃષ્ણનું; વિસ્મય:—આશ્ચર્ય; મે—મારું; મહાન્—મહા; રાજન્—રાજા; હ્રષ્યામિ—હું આનંદથી રોમાંચિત થાઉં છું; ચ—અને; પુન: પુન:—વારંવાર.

Translation

BG 18.77: અને શ્રીકૃષ્ણના તે અત્યંત વિસ્મયકારક અને અદ્ભુત વિશ્વરૂપનું સ્મરણ કરીને હું અધિક અને અધિક આશ્ચર્યચક્તિ થાઉં છું અને હું પુન: પુન: આનંદથી રોમાંચિત થાઉં છું. 

યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ ।
તત્ર શ્રીર્વિજયો ભૂતિર્ધ્રુવા નીતિર્મતિર્મમ ॥ ૭૮॥

યત્ર—જ્યાં; યોગ-ઈશ્વર:—શ્રીકૃષ્ણ, યોગના ઈશ્વર; કૃષ્ણ:—શ્રીકૃષ્ણ; યત્ર—જ્યાં; પાર્થ:—અર્જુન,પૃથાપુત્ર; ધનુ:ધર:—મહાન બાણાવળી; તત્ર—ત્યાં; શ્રી:—ઐશ્વર્ય; વિજય:—વિજય; ભૂતિ—સમૃદ્ધિ; ધ્રુવા—અનંત; નીતિ:—ધાર્મિકતા; મતિ: મમ—મારો મત.

Translation

BG 18.78: જ્યાં યોગેશ્વર શ્રીકૃષ્ણ છે અને જ્યાં મહાન ધનુર્ધર અર્જુન છે, ત્યાં નિશ્ચિતપણે અનંત ઐશ્વર્ય, વિજય, સમૃદ્ધિ અને ધર્મ રહેશે. આ મારો નિશ્ચિત મત છે. 




Comments

Popular posts from this blog

ગાયત્રી શતક પાઠ અને ગાયત્રી ચાલીસા

ભક્તિ ચેનલ ઓલ નામ

Anand No Garbo With Gujarati Lyrics - આનંદ નો ગરબો