1.અર્જુન વિષાદ યોગ : યુદ્ધના પરિણામો અંગે શોકની અભિવ્યક્તિ

 1. 

ધૃતરાષ્ટ્ર ઉવાચ ।
ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવઃ ।
મામકાઃ પાણ્ડવાશ્ચૈવ કિમકુર્વત સઞ્જય ॥ ૧॥

ધૃતરાષ્ટ્ર ઉવાચ—ધૃતરાષ્ટ્ર બોલ્યા, ધર્મક્ષેત્રે—ધર્મભૂમિ, કુરુક્ષેત્રે—કુરુક્ષેત્રે, સમવેતા:—એકત્ર થયેલા, યુયુત્સવ:—યુદ્ધ કરવાની ઈચ્છાથી, મામકા:—મારા પુત્રો, પાણ્ડવા:—પાંડુના પુત્રો, ચ—અને, એવ—નક્કી, કિમ્—શું, અકુર્વત્—તેમણે કર્યું, સઞ્જય—સંજય. 


અનુવાદ

BG 1.1: ધૃતરાષ્ટ્ર બોલ્યા: હે સંજય, કુરુક્ષેત્રની પવિત્ર ભૂમિ પર યુદ્ધ કરવાની ઈચ્છાથી એકત્ર થયેલા મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું? 


2. 

સઞ્જય ઉવાચ ।
દૃષ્ટ્વા તુ પાણ્ડવાનીકં વ્યૂઢં દુર્યોધનસ્તદા ।
આચાર્યમુપસઙ્ગમ્ય રાજા વચનમબ્રવીત્ ॥ ૨॥

સઞ્જય ઉવાચ—સંજય બોલ્યા, દૃષ્ટવા—જોઇને, તુ—પરંતુ, પાણ્ડવ અનીકમ્—પાંડવોના સૈન્યને, વ્યૂઢમ્—વ્યૂહરચનામાં ગોઠવાયેલા, દુર્યોધન—દુર્યોધન, તદા—ત્યારે, આચાર્યમ્—શિક્ષક, ઉપસંગમ્ય—પાસે જઈને, રાજા—રાજા, વચનામ્—શબ્દ, અબ્રવીત્—કહ્યા.

Translation

BG 1.2: સંજય બોલ્યા: પાંડુપુત્રોની સેનાને વ્યૂહરચનામાં ગોઠવાયેલી જોઈને, રાજા દુર્યોધન પોતાના ગુરુ પાસે ગયો અને આ પ્રમાણે વચનો કહ્યાં.

3.

પશ્યૈતાં પાણ્ડુપુત્રાણામાચાર્ય મહતીં ચમૂમ્ ।
વ્યૂઢાં દ્રુપદપુત્રેણ તવ શિષ્યેણ ધીમતા ॥ ૩॥

પશ્ય—જુઓ, એતમ્—આ, પાણ્ડુપુત્રાણામ્—પાણ્ડુ પુત્રો, આચાર્ય—આદરણીય આચાર્ય, મહતીમ્—વિશાળ; ચમૂમ્—સેનાને, વ્યૂઢામ્—સુવ્યવસ્થિત વ્યુહરચના, દ્રુપદ પુત્રેણ—દ્રુપદનો પુત્ર, ધૃષ્ટધ્યુમ્ન, તવ—તમારા, શિષ્યેણ—શિષ્ય દ્વારા, ધીમતા—બુદ્ધિમાન.

Translation

BG 1.3: દુર્યોધન બોલ્યો: આદરણીય આચાર્ય! પાંડુ પુત્રોની વિશાળ સેનાનું અવલોકન કરો, જેની વ્યૂહરચના આપના પ્રશિક્ષિત બુદ્ધિમાન શિષ્ય દ્રુપદના પુત્રે નિપુણતાપૂર્વક યુદ્ધ કરવા માટે ગોઠવી છે. 

4/5/6. 

અત્ર શૂરા મહેષ્વાસા ભીમાર્જુનસમા યુધિ ।
યુયુધાનો વિરાટશ્ચ દ્રુપદશ્ચ મહારથઃ ॥ ૪॥
ધૃષ્ટકેતુશ્ચેકિતાનઃ કાશિરાજશ્ચ વીર્યવાન્ ।
પુરુજિત્કુન્તિભોજશ્ચ શૈબ્યશ્ચ નરપુઙ્ગવઃ ॥ ૫॥
યુધામન્યુશ્ચ વિક્રાન્ત ઉત્તમૌજાશ્ચ વીર્યવાન્ ।
સૌભદ્રો દ્રૌપદેયાશ્ચ સર્વ એવ મહારથાઃ ॥ ૬॥

અત્ર—અહીં, શૂરા:—શક્તિશાળી યોદ્ધા, મહા-ઈષુ-આસા:—મહાન ધનુર્ધર, ભીમ-અર્જુન-સમા:—ભીમ અને અર્જુન સમાન, યુધિ—યુદ્ધકળામાં, યુયુધાન:—યુયુધાન, વિરાટ:—વિરાટ, ચ—અને, દ્રુપદ:—દ્રુપદ, ચ—વળી, મહારથ:—મહાન યોદ્ધા,જે એકલા દસ હજાર સામાન્ય યોદ્ધા સમાન બળ ધરાવતા હોય, ધૃષ્ટકેતુ:—ધૃષ્ટકેતુ, ચેકિતાન:—ચેકિતાન, કાશીરાજ:—કાશીરાજ, ચ—અને, વીર્યવાન—પરાક્રમી, પુરુજિત—પુરુજિત, કુંતીભોજ:—કુંતીભોજ, ચ—તથા, શૈબ્ય:—શૈવ્ય, ચ—તથા, નર-પુંગવ:—ઉત્તમ પુરુષ, યુધામન્યુ:—યુધામન્યુ, ચ—અને, વિક્રાંત:—પરાક્રમી, ઉત્તમૌજા:—ઉત્તમૌજા, ચ—અને, વીર્ય-વાન—મહાશક્તિશાળી, સૌભદ્ર:—સુભદ્રાનો પુત્ર, દ્રૌપદેયા:—દ્રૌપદીના પુત્રો, ચ—અને, સર્વે—સર્વ, એવ—નિશ્ચિતરૂપે, મહા-રથ:—મહાન યોદ્ધા, જે એકલા દસ હજાર સામાન્ય યોદ્ધાઓ સમાન બળ ધરાવતા હોય.

Translation

BG 1.4-6: પાંડવોની આ સેનામાં ભીમ અને અર્જુન સમાન બળશાળી યુદ્ધ કરવાવાળા મહારથી યુયુધાન, વિરાટ અને દ્રુપદ જેવા અનેક શૂરવીર ધનુર્ધારીઓ છે. તેમની સાથે ધૃષ્ટકેતુ, ચેકિતાન, કાશીના પરાક્રમી રાજા, પુરુજિત, કુંતીભોજ અને શૈવ્ય બધા મહાન સેનાનાયક છે. તેમની સેનામાં પરાક્રમી યુધામન્યુ, શૂરવીર ઉત્તમૌજા, સુભદ્રા અને દ્રૌપદીના પુત્રો પણ છે, જે સર્વ નિશ્ચિતરૂપે મહાશક્તિશાળી યોદ્ધાઓ છે. 

7. 

અસ્માકં તુ વિશિષ્ટા યે તાન્નિબોધ દ્વિજોત્તમ ।
નાયકા મમ સૈન્યસ્ય સંજ્ઞાર્થં તાન્બ્રવીમિ તે ॥ ૭॥

અસ્માકમ્—આપણા, તુ—પરંતુ, વિશિષ્ટ:—વિશેષ શક્તિશાળી, યે—જેઓ, તાન્—તેમને, નિબોધ—જાણકારી આપવી, દ્વિજ-ઉત્તમ—બ્રાહ્મણશ્રેષ્ઠ, નાયકા::-—સેનાનાયકો, મમ્—આપણી, સૈન્યસ્ય—સૈન્યના, સંજ્ઞા-અર્થમ્—સૂચના માટે, તાન્—તેમને, બ્રવીમિ—વિગતવાર કહી રહ્યો છું, તે—તમને.

Translation

BG 1.7: હે દ્વિજશ્રેષ્ઠ, આપણી સેનાના નાયકો વિષે પણ સાંભળો, જેઓ આપણી સેનાનું સંચાલન કરવા માટે વિશેષ નિપુણ છે. તેમના વિષે હવે હું તમને વિગતવાર કહું છું. 

8. 

ભવાન્ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ સમિતિઞ્જયઃ ।
અશ્વત્થામા વિકર્ણશ્ચ સૌમદત્તિસ્તથૈવ ચ ॥ ૮॥

ભવાન્—આપ, ભીષ્મ:—ભીષ્મ, ચ—અને, કર્ણ:—કર્ણ, ચ—અને, કૃપ:—કૃપાચાર્ય, ચ—અને, સમિતિઞ્જયઃ—સંગ્રામમાં સદા વિજયી, અશ્વત્થામા—અશ્વત્થામા, વિકર્ણ:—વિકર્ણ, ચ—અને, સૌમદત્તિ:—સોમદત્તનો પુત્ર, તથા—એમ, એવ—નક્કી, ચ—પણ.

Translation

BG 1.8: આ સેનામાં આપ, ભીષ્મ, કર્ણ, કૃપાચાર્ય, અશ્વત્થામા, વિકર્ણ તથા સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા જેવા મહાપુરુષો છે, કે જેઓ યુદ્ધમાં હંમેશા વિજયી રહ્યા છે. 

9. 

અન્યે ચ બહવઃ શૂરા મદર્થે ત્યક્તજીવિતાઃ ।
નાનાશસ્ત્રપ્રહરણાઃ સર્વે યુદ્ધવિશારદાઃ ॥ ૯॥

અન્ય—અન્ય, ચ—પણ, બહવ:—અનેક, શૂરા:—મહાયોદ્ધાઓ, મત્-અર્થે—મારા માટે, ત્યકત-જીવિતા:—પ્રાણ ત્યજવા તત્પર, નાના-શસ્ત્ર—પ્રહરણ:-વિવિધ પ્રકારના શસ્ત્રોથી સુસજ્જિત, સર્વે—સર્વ, યુદ્ધ-વિશારદ:—યુદ્ધવિદ્યામાં પારંગત.

Translation

BG 1.9: આપણી સેનામાં અન્ય અનેક મહાયોદ્ધાઓ પણ છે, જેઓ મારા માટે જીવન ત્યજવા તત્પર છે. તેઓ યુદ્ધવિદ્યામાં પારંગત છે અને વિભિન્ન પ્રકારના શસ્ત્રોથી સુસજ્જ છે. 

10. 

અપર્યાપ્તં તદસ્માકં બલં ભીષ્માભિરક્ષિતમ્ ।
પર્યાપ્તં ત્વિદમેતેષાં બલં ભીમાભિરક્ષિતમ્ ॥ ૧૦॥

અપર્યાપ્તમ્—અમર્યાદિત, તત્—તે, અસ્માકમ્—આપણું, બલમ્—બળ, ભીષ્મ—ભીષ્મ પિતામહ દ્વારા, અભિરક્ષિતમ્—પૂર્ણપણે સુરક્ષિત,પર્યાપ્તમ્—માર્યાદિત, તુ—પરંતુ, ઈદમ્—આ, એતેષામ્—તેમનું, બલમ્—બળ, ભીમ—ભીમ, અભિરક્ષિતમ્—સારી રીતે સુરક્ષિત.

Translation

BG 1.10: આપણું સૈન્યબળ અસીમિત છે અને આપણે સૌ પિતામહ ભીષ્મના નેતૃત્વમાં પૂર્ણપણે સુરક્ષિત છીએ, જયારે પાંડવોનું સૈન્યબળ ભીમના નેતૃત્વમાં સાવધાનીપૂર્વક સુરક્ષિત હોવા છતાં તે સીમિત છે. 


11. 

અયનેષુ ચ સર્વેષુ યથાભાગમવસ્થિતાઃ ।
ભીષ્મમેવાભિરક્ષન્તુ ભવન્તઃ સર્વ એવ હિ ॥ ૧૧॥

અયનેષુ—વ્યૂહાત્મક સ્થાનોમાં, ચ—પણ, સર્વેષુ—સર્વત્ર, યથા-ભાગમ્—પોતપોતાનાં નિશ્ચિત સ્થાનો પર, અવસ્થિતા:—અવસ્થિત, ભીષ્મમ્—પિતામહ ભીષ્મને, એવ—કેવળ, અભિરક્ષન્તુ—સુરક્ષા કરવી, ભવન્ત:—આપ, સર્વે—સર્વ, એવ હિ—નિશ્ચિતપણે.

Translation

BG 1.11: આથી હું સર્વ યોદ્ધાગણોને આગ્રહ કરું છું કે, આપ સૌ પોતપોતાના મોરચાનાં સ્થાનો પર નિશ્ચિત રૂપે સ્થિત રહીને પણ પિતામહ ભીષ્મને પૂરેપૂરી સહાયતા કરો.  

12. 

તસ્ય સઞ્જનયન્હર્ષં કુરુવૃદ્ધઃ પિતામહઃ ।
સિંહનાદં વિનદ્યોચ્ચૈઃ શઙ્ખં દધ્મૌ પ્રતાપવાન્ ॥ ૧૨॥

તસ્ય—તેનો, સઞ્જનયન્—હેતુ, હર્ષમ્—હર્ષ, કુરુ-વૃદ્ધ:—કુરુવંશના વયોવૃધ્ધ (ભીષ્મ), પિતામહ—પિતામહ, સિંહનાદમ્—સિંહ જેવી ગર્જના, વિનદ્ય—ગર્જના, ઉચ્ચૈ:—ઊંચા સ્વરે, શઙ્ખં—શંખ, દધ્મૌ—ફૂંક્યો, પ્રતાપવાન્—પ્રતાપી.

Translation

BG 1.12: તત્પશ્ચાત્ કુરુવંશના મહાપ્રતાપી વયોવૃધ્ધ વડીલ ભીષ્મ પિતામહે, સિંહની ગર્જના સમાન ઘોષ કરનારો પોતાનો શંખ ફૂંકીને ઉચ્ચ સ્વરે શંખનાદ કર્યો, જેનાથી દુર્યોધન બહુ હર્ષ પામ્યો.

13. 

તતઃ શઙ્ખાશ્ચ ભેર્યશ્ચ પણવાનકગોમુખાઃ ।
સહસૈવાભ્યહન્યન્ત સ શબ્દસ્તુમુલોઽભવત્ ॥ ૧૩॥

તત:—ત્યાર પછી, શંખા:—શંખ, ચ—પણ, ભેર્ય:—વાદ્યયંત્ર, ચ—અને, પણવ-આનક—ઢોલ તથા મૃદંગ, ગો-મુખ:—શ્રુંગ, સહસા—અચાનક, એવ—નક્કી, અભ્યહન્યન્ત—એક સાથે જ વગાડવામાં આવ્યા, સ:—તે, શબ્દ:—ધ્વનિ, તુમુલ:—ઘોંઘાટપૂર્ણ, અભવત્—થયો.

Translation

BG 1.13: તત્પશ્ચાત્  શંખ, નગારાં, શ્રુંગ, તથા રણશિંગા સહસા એકસાથે વાગવા લાગ્યાં, જેનો સંયુક્ત વાદ્યઘોષ અત્યંત ઘોંઘાટભર્યો હતો.

14. 

તતઃ શ્વેતૈર્હયૈર્યુક્તે મહતિ સ્યન્દને સ્થિતૌ ।
માધવઃ પાણ્ડવશ્ચૈવ દિવ્યૌ શઙ્ખૌ પ્રદધ્મતુઃ ॥ ૧૪॥

તત:—ત્યાર પછી, શ્વેતૈ:—શ્વેત, હયૈ:—અશ્વોથી, યુક્તે—જોડાયેલા, મહતિ—ભવ્ય, સ્યન્દને—રથમાં, સ્થિતૌ—સ્થિત, માધવ:—શ્રી કૃષ્ણ (ભાગ્યદેવી, લક્ષ્મીના પતિ), પાણ્ડવ:—(પાણ્ડુપુત્ર) અર્જુન, ચ—અને, એવ—નક્કી, દિવ્યૌ—દિવ્ય, શઙ્ખૌ—શંખ, પ્રદધ્મતુ:—ફૂંક્યા.

Translation

BG 1.14: તત્પશ્ચાત્ પાંડવોની સેના મધ્યે શ્વેત અશ્વો જોડેલા ભવ્ય રથ પર બિરાજમાન શ્રી કૃષ્ણ અને અર્જુને પોતપોતાના દિવ્ય શંખ ફૂંક્યા. 

15. 

પાઞ્ચજન્યં હૃષીકેશો દેવદત્તં ધનઞ્જયઃ ।
પૌણ્ડ્રં દધ્મૌ મહાશઙ્ખં ભીમકર્મા વૃકોદરઃ ॥ ૧૫॥

પાઞ્ચજન્યમ્—પંચજન્યમ નામનો શંખ, હૃષીક-ઈશ:—શ્રીકૃષ્ણ, જેઓ મન અને ઇન્દ્રિયોના સ્વામી છે, દેવદત્તમ્—દેવદત્ત નામનો શંખ, ધનમ-જય:—ધન જીતી લાવનાર, અર્જુન, પૌણ્ડ્રમ્—પૌણ્ડ્ર નામનો શંખ, દધ્મૌ—ફૂંક્યો, મહા-શઙ્ખમ્—પ્રચંડ શંખ, ભીમ-કર્મા—અતિ માનુષી કર્મ કરનાર, વૃક-ઉદર:—ખાઉધરો.

Translation

BG 1.15: ભગવાન હૃષીકેશે પાંચજન્ય નામનો શંખ ફૂંક્યો, અર્જુને દેવદત્ત શંખ ફૂંક્યો અને અતિ માનુષી કાર્યો કરનાર અતિ ભોજી ભીમે તેનો પૌણ્ડ્ર નામનો પ્રચંડ શંખ ફૂંક્યો. 

16/17/18. 

અનન્તવિજયં રાજા કુન્તીપુત્રો યુધિષ્ઠિરઃ ।
નકુલઃ સહદેવશ્ચ સુઘોષમણિપુષ્પકૌ ॥ ૧૬॥
કાશ્યશ્ચ પરમેષ્વાસઃ શિખણ્ડી ચ મહારથઃ ।
ધૃષ્ટદ્યુમ્નો વિરાટશ્ચ સાત્યકિશ્ચાપરાજિતઃ ॥ ૧૭॥
દ્રુપદો દ્રૌપદેયાશ્ચ સર્વશઃ પૃથિવીપતે ।
સૌભદ્રશ્ચ મહાબાહુઃ શઙ્ખાન્દધ્મુઃ પૃથક્ પૃથક્ ॥ ૧૮॥

અનન્ત-વિજયમ્—અનંતવિજય નામનો શંખ, રાજા—રાજા, કુંતી-પુત્ર:—કુંતીપુત્ર, યુધિષ્ઠિર:—યુધિષ્ઠિર, નકુલ:—નકુલ, સહદેવ:—સહદેવ, ચ—અને, સુઘોષ-મણીપુષ્પકૌ:—સુઘોષ અને મણીપુષ્પ નામના શંખ, કાશ્ય:—કાશીના રાજા, ચ:—અને, પરમ-ઈષુ-આસ:—મહાન ધનુર્ધર, શિખંડી—શિખંડી, ચ—પણ, મહારથ:— દસ હજાર સાધારણ સૈનિકો સમાન બળ ધરાવનાર, ધૃષ્ટદ્યુમ્ન:—ધૃષ્ટદ્યુમ્ન, વિરાટ:—વિરાટ, ચ—અને, સાત્યકિ:—સાત્યકિ, ચ—પણ, અપરાજિત:—જેનો ક્યારેય પરાજય ના થયો હોય, દ્રુપદ:—દ્રુપદ, દ્રૌપદેય:—દ્રૌપદીના પુત્રો, ચ:—અને, સર્વશ:—બધાં, પૃથ્વીપતે—પૃથ્વીનો રાજા, સૌભદ્ર:—સુભદ્રાનો પુત્ર, ચ:—પણ, મહા-બાહુ:— બળવાન ભુજાઓવાળા, શંખાન્—શંખો, દધ્મુ:—ફૂંક્યા, પૃથક્-પૃથક્—જુદા જુદા.

Translation

BG 1.16-18: હે રાજા, યુધિષ્ઠિરે પોતાનો અનંતવિજય નામનો શંખ ફૂંક્યો; જયારે નકુલ અને સહદેવે સુઘોષ અને મણિપુષ્પક નામના શંખ ફૂંક્યા. મહાન ધનુર્ધર કાશીરાજ, મહાન યોદ્ધા શિખંડી, ધૃષ્ટદ્યુમ્ન, વિરાટ, અપરાજિત સાત્યકિ, દ્રુપદ, દ્રૌપદીના પુત્રો, તથા અન્ય જેમકે મહાબાહુ સુભદ્રાનો પુત્ર અભિમન્યુ વગેરે સૌએ પોતપોતાના શંખો ફૂંક્યા.

19. 

સ ઘોષો ધાર્તરાષ્ટ્રાણાં હૃદયાનિ વ્યદારયત્ ।
નભશ્ચ પૃથિવીં ચૈવ તુમુલોઽભ્યનુનાદયન્ ॥ ૧૯॥

સ:—તે, ઘોષ:—ધ્વનિ, ધાર્તરાષ્ટ્રાણામ્—ધૃતરાષ્ટ્રના પુત્રો, હૃદયાનિ—હૃદયો, વ્યદારયત્—વિદીર્ણ કર્યા, નભ:—આકાશ, ચ—અને, પૃથ્વીમ્—પૃથ્વીને, ચ—અને, એવ—નિ:સંદેહ, તુમુલ—ગગનભેદી, અભ્યનુનાદયન—ગર્જના કરીને.

Translation

BG 1.19: હે ધૃતરાષ્ટ્ર, આકાશ તેમજ પૃથ્વી પર પ્રતિધ્વનિત થતા શંખોના આ વિભિન્ન ગગનભેદી નાદોથી તમારા પુત્રોનાં હૃદય વિદીર્ણ થઈ ગયા. 

20. 

અથ વ્યવસ્થિતાન્દૃષ્ટ્વા ધાર્તરાષ્ટ્રાન્ કપિધ્વજઃ ।
પ્રવૃત્તે શસ્ત્રસમ્પાતે ધનુરુદ્યમ્ય પાણ્ડવઃ ॥ ૨૦॥
હૃષીકેશં તદા વાક્યમિદમાહ મહીપતે ।

અથ—ત્યાર પછી, વ્યવસ્થિતાન્—સ્થિત, દૃષ્ટવા—જોઈને, ધાર્તરાષ્ટ્રાન્—ધૃતરાષ્ટ્રના પુત્રો, કપિધ્વજ:—જેના ધ્વજ પર હનુમાનજીનું ચિહ્ન છે તે, પ્રવૃત્તે—કટિબદ્ધ, શસ્ત્ર-સંપાતે—શસ્ત્ર વાપરવા માટે, ધનુ:—ધનુષ્ય, ઉદ્યમ્ય—લઈને, પાણ્ડવ:—પાંડુ પુત્ર, અર્જુન, હૃષીકેશમ્—ભગવાન કૃષ્ણને, તદા—ત્યારે, વાક્યમ્—વચન, ઈદમ્—આ, આહ—કહ્યાં, મહીપતે—રાજા.

Translation

BG 1.20: તે સમયે, હનુમાનના ચિહ્નથી અંકિત ધ્વજવાળા રથમાં આરૂઢ થયેલા પાંડુપુત્ર અર્જુને પોતાનું ધનુષ્ય ઉઠાવ્યું અને બાણ છોડવા તૈયાર થયો. હે રાજન! આપના પુત્રોને પોતાની વિરુદ્ધ વ્યૂહરચનામાં ગોઠવાયેલા જોઈને અર્જુને શ્રી કૃષ્ણને નીચે પ્રમાણેના વચનો કહ્યાં. 

21/22 .

અર્જુન ઉવાચ ।
સેનયોરુભયોર્મધ્યે રથં સ્થાપય મેઽચ્યુત ॥ ૨૧॥
યાવદેતાન્નિરીક્ષેઽહં યોદ્ધુકામાનવસ્થિતાન્ ।
કૈર્મયા સહ યોદ્ધવ્યમસ્મિન્ રણસમુદ્યમે ॥ ૨૨॥

અર્જુન: ઉવાચ—અર્જુને કહ્યું, સેનયો:—સેનાઓની, ઉભયો:—બંને, મધ્યે—વચ્ચે, રથમ્—રથ, સ્થાપય—ઊભો રાખો, મે—મારા, અચ્યુત—શ્રીકૃષ્ણ, ચ્યુત ના થનાર, યાવત્—જ્યાં સુધી, એતાન્—આ બધાને, નિરીક્ષે—જોવું, અહમ્—હું, યોદ્ધુ-કામાન્—યુદ્ધ માટે, અવસ્થિતાન્—વ્યૂહરચનામાં એકત્ર થયેલા, કૈ:—કોની સાથે, મયા—મારા વડે, સહ—સાથે, યોદ્ધવ્યમ્—યુદ્ધ કરવાનું, અસ્મિન્—આમાં, રણ-સમુદ્યમે—સંઘર્ષનાં પ્રયાસમાં.

Translation

BG 1.21-22: અર્જુને કહ્યું, હે અચ્યુત! કૃપા કરીને મારો રથ બંને સેનાઓની મધ્યે ઊભો રાખો, જેથી હું અહીં યુદ્ધ માટે ઉપસ્થિત યોદ્ધાઓ કે જેમની સાથે આ મહા શસ્ત્રસંગ્રામમાં મારે યુદ્ધ કરવાનું છે, તેમને જોઈ શકું. 

23. 

યોત્સ્યમાનાનવેક્ષેઽહં ય એતેઽત્ર સમાગતાઃ ।
ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધેર્યુદ્ધે પ્રિયચિકીર્ષવઃ ॥ ૨૩॥

યોત્સ્યમાનાન્—યુદ્ધ કરવા આવેલા યોદ્ધાઓને, અવેક્ષે અહમ્—હું જોવા ઈચ્છું છું, યે—જેઓ, એતે—તેઓ, અત્ર—અહીં, સમાગતા:—એકત્ર થયેલા, ધાર્તરાષ્ટ્રસ્ય—ધૃતરાષ્ટ્રના પુત્રો માટે, દુર્બુદ્ધે:—દુષ્ટ બુદ્ધિ ધરાવનાર, યુદ્ધે—યુદ્ધમાં, પ્રિય-ચિકીર્ષવ:—પ્રસન્ન કરવાની ઈચ્છા ધરાવતા.

Translation

BG 1.23: હું અહીં એ લોકોને જોવાની ઈચ્છા ધરાવું છું કે, જેઓ ધૃતરાષ્ટ્રના દુષ્ટ બુદ્ધિ ધરાવતા પુત્રને પ્રસન્ન કરવાની ઈચ્છાથી યુદ્ધ કરવા આવ્યા છે. 

સઞ્જય ઉવાચ ।
એવમુક્તો હૃષીકેશો ગુડાકેશેન ભારત ।
સેનયોરુભયોર્મધ્યે સ્થાપયિત્વા રથોત્તમમ્ ॥ ૨૪॥

સઞ્જય ઉવાચ—સંજય બોલ્યા, એવમ્—એ રીતે, ઉક્ત:—સંબોધાયેલા, હૃષીકેશ:—શ્રી કૃષ્ણ, ઈન્દ્રિયોના સ્વામી, ગુડાકેશેન્—અર્જુન, નિંદ્રા પર વિજય પ્રાપ્ત કરવાવાળો, ભારત—ભરતના વંશજ, સેનયો:—સેનાઓની, ઉભયો:—બંને, મધ્યે—વચ્ચે, સ્થાપયિત્વા—સ્થિત કર્યો, રથ-ઉત્તમમ્—ઉત્તમ રથ.

Translation

BG 1.24: સંજય બોલ્યા—હે ભરતવંશી ધૃતરાષ્ટ્ર, નિંદ્રા પર વિજય પ્રાપ્ત કરવાવાળા અર્જુન દ્વારા આ પ્રકારના સંબોધન થયા પશ્ચાત્, શ્રી કૃષ્ણે તે ભવ્ય રથને બંને સૈન્યો મધ્યે લઈ જઈને ઊભો રાખી દીધો.  

ભીષ્મદ્રોણપ્રમુખતઃ સર્વેષાં ચ મહીક્ષિતામ્ ।
ઉવાચ પાર્થ પશ્યૈતાન્સમવેતાન્કુરૂનિતિ ॥ ૨૫॥

ભીષ્મ—પિતામહ ભીષ્મ, દ્રોણ—દ્રોણાચાર્ય, પ્રમુખત:—ની ઉપસ્થિતિમાં, સર્વેષામ્—સૌની, ચ—અને, મહી-ક્ષિતમ્—અન્ય રાજાઓ, પાર્થ—અર્જુન,પૃથાનો પુત્ર, પશ્ય—જો, એતાન્—આ બધાને, સંવેતાન—એકત્રિત થયેલા, કુરુન્—કુરુના વંશજ, ઇતિ—આ પ્રકારે.

Translation

BG 1.25: ભીષ્મ, દ્રોણ તથા અન્ય સર્વ રાજાઓની ઉપસ્થિતિમાં શ્રીકૃષ્ણે કહ્યું, હે પાર્થ, અહીં એકત્રિત થયેલા આ બધા કુરુઓને જો.  

26. 

તત્રાપશ્યત્સ્થિતાન્પાર્થઃ પિતૄનથ પિતામહાન્ ।
આચાર્યાન્માતુલાન્ભ્રાતૃન્પુત્રાન્પૌત્રાન્સખીંસ્તથા ॥ ૨૬॥
શ્વશુરાન્સુહૃદશ્ચૈવ સેનયોરુભયોરપિ ।

તત્ર—ત્યાં, અપશ્યત્—જોયા, સ્થિતાન્—ઊભા રહેલા, પાર્થ:—અર્જુન, પિતૃન્—પિતૃઓને, અથ—તત્પશ્ચાત, પિતામહાન્—દાદાઓને, આચાર્યાન્—આચાર્યોને, માતુલાન્—મામાઓને, ભ્રાતૃન્—ભાઈઓને, પુત્રાન્—પુત્રોને, પૌત્રાન્—પૌત્રોને, સખીન્—મિત્રોને, તથા—તથા, શ્વાસુરાન્—સસરાઓને, સુહ્રદ:—શુભેચ્છકોને, ચ—અને, એવ—નિશ્ચિત, સેનયો:—સેનાઓની, ઉભયો:—બંને સેનાઓમાં, અપિ—સહીત.

Translation

BG 1.26: બંને પક્ષોની સેનાઓની મધ્યમાં ઊભેલા અર્જુને પોતાના કાકાઓ, દાદાઓ, આચાર્યો, મામાઓ, ભાઈઓ, પિત્રાઈ ભાઈઓ, પુત્રો, ભત્રીજાઓ, પ્રપૌત્રો, મિત્રો, સસરાઓ તેમજ શુભેચ્છકોને જોયા.

27. 

તાન્સમીક્ષ્ય સ કૌન્તેયઃ સર્વાન્બન્ધૂનવસ્થિતાન્ ॥ ૨૭॥
કૃપયા પરયાવિષ્ટો વિષીદન્નિદમબ્રવીત્ ।

તાન્—આ બધા, સમીક્ષ્ય—જોઇને, સ:—તે, કૌન્તેય—કુંતીપુત્ર, સર્વાન્—સર્વ, બંધુન્—સંબંધીઓ, અવસ્થિતાન્—સ્થિત, કૃપયા—કરુણાથી, પરયા—અત્યંત, આવિષ્ટ:—અભિભૂત થયેલો, વિષીદન્—ઊંડો શોક, ઈદમ્—આ, અબ્રવીત્—બોલ્યો.

Translation

BG 1.27: પોતાના સર્વ સગાંસંબંધીઓને ત્યાં ઉપસ્થિત જોઈને કુંતીપુત્ર અર્જુન, કરુણાથી અભિભૂત થઈ ગયો અને ગહન વિષાદ સાથે તે આ વચનો બોલ્યો.  

અર્જુન ઉવાચ ।
દૃષ્ટ્વેમં સ્વજનં કૃષ્ણ યુયુત્સું સમુપસ્થિતમ્ ॥ ૨૮॥
સીદન્તિ મમ ગાત્રાણિ મુખં ચ પરિશુષ્યતિ ।

અર્જુન: ઉવાચ—અર્જુન બોલ્યો, દૃષ્ટવા—જોઇને, ઈમામ્—બધાં, સ્વજનમ્—સ્વજનોને, કૃષ્ણ—કૃષ્ણ, યુયુત્સુમ્—યુદ્ધ કરવાની ઈચ્છાવાળા, સમુપસ્થિતમ્—ઉપસ્થિત, સિદન્તિ—ધ્રુજી રહ્યા છે, મમ્—મારાં, ગાત્રાણિ-શરીરના અંગો, મુખમ્—મુખ, ચ—અને, પરિશુષ્યતિ—સુકાઈ રહ્યું છે.

Translation

BG 1.28: અર્જુને કહ્યું: હે કૃષ્ણ! યુદ્ધ માટે તથા એકબીજાનો વધ કરવાના આશયથી અહીં  ઉપસ્થિત થયેલા મારાં સ્વજનોને જોઈને મારા અંગો ધ્રૂજી રહ્યાં છે અને મોઢું સુકાઈ રહ્યું છે.

વેપથુશ્ચ શરીરે મે રોમહર્ષશ્ચ જાયતે ॥ ૨૯॥
ગાણ્ડીવં સ્રંસતે હસ્તાત્ત્વક્ચૈવ પરિદહ્યતે ।
ન ચ શક્નોમ્યવસ્થાતું ભ્રમતીવ ચ મે મનઃ ॥ ૩૦॥
નિમિત્તાનિ ચ પશ્યામિ વિપરીતાનિ કેશવ ।
ન ચ શ્રેયોઽનુપશ્યામિ હત્વા સ્વજનમાહવે ॥ ૩૧॥

વેપથુ:—કંપન; ચ—અને; શરીરે—શરીરમાં; મે—મારાં; રોમ હર્ષ:—શરીરના રુંવાડા ઊભા થઇ જવા; ચ—પણ; જયતે—ઉત્પન્ન થાય છે; ગાંડીવમ્—અર્જુનનું ધનુષ્ય, ગાંડીવ; સ્ત્રંસતે—સરી પડે છે; હસ્તાત્—હાથમાંથી; ત્વક્—ત્વચા; ચ—અને; એવ—નિશ્ચિત; પરિદહ્યતે—બળી રહી છે; ન—નહીં; ચ—અને; શક્નોમિ—હું સમર્થ છું; અવસ્થાતુમ્—સ્થિર રહેવા માટે; ભ્રમતિ ઈવ—ઝૂલતો હોઉં એમ; ચ—વળી; મે—મારું; મન:—મન; નિમિત્તાનિ—સંકેતો; ચ—અને; પશ્યામિ—હું જોઉં છું; વિપરીતાનિ—દુર્ભાગ્ય; કેશવ—શ્રી કૃષ્ણ, કેશી નામના દૈત્યના સંહારક; ન—નહીં; ચ—પણ; શ્રેય:—કલ્યાણ; અનુપશ્યામિ—હું અગાઉથી જોઉં છું; હત્વા—હણીને; સ્વજનમ્—સંબંધીજનો; અહવે—યુદ્ધમાં.

Translation

BG 1.29-31: મારું સમગ્ર શરીર કંપે છે; મારાં રૂંવાડાં ઊભા થઇ ગયાં છે. મારું ધનુષ્ય, ગાંડીવ, મારાં હાથોમાંથી સરકી રહ્યું છે, અને મારી આખી ત્વચા બળી રહી છે. મારું મન અનિશ્ચિતતા અને મૂંઝવણોનાં વંટોળમાં અટવાઈ ગયું છે; હું મારી જાતને અધિક સ્થિર રાખવા સમર્થ  નથી. હે કૃષ્ણ! કેશી દૈત્યના સંહારક, હું કેવળ અમંગળના સંકેતો જોઉં છું. મારાં જ સંબંધીઓની હત્યા કરીને મને દૂર સુધી કોઈ શુભતાના દર્શન થતાં નથી.

ન કાઙ્ક્ષે વિજયં કૃષ્ણ ન ચ રાજ્યં સુખાનિ ચ ।
કિં નો રાજ્યેન ગોવિન્દ કિં ભોગૈર્જીવિતેન વા ॥ ૩૨॥
યેષામર્થે કાઙ્ક્ષિતં નો રાજ્યં ભોગાઃ સુખાનિ ચ ।
ત ઇમેઽવસ્થિતા યુદ્ધે પ્રાણાંસ્ત્યક્ત્વા ધનાનિ ચ ॥ ૩૩॥

ન—નહીં; કાઙ્ક્ષે—આકાંક્ષા કરું છું; વિજયમ્—વિજય; કૃષ્ણ—શ્રી કૃષ્ણ; ન—નહીં; ચ—વળી; રાજ્યમ્—રાજ્ય; સુખાનિ—સુખ; ચ—પણ, કિમ્—શું, ન:—અમને; રાજ્યેન્—રાજ્ય દ્વારા; ગોવિંદ—કૃષ્ણ, એ જે ઇન્દ્રિયોને સુખ પ્રદાન કરે છે, એ જેને ગાયો અતિ પ્રિય છે; કિમ્—શું;  ભોગૈ:—ભોગોથી; જીવિતેન્—જીવન; વા—અથવા; યેષામ્—જેના; અર્થે—માટે; કાંક્ષિતમ્—ઈચ્છવામાં આવ્યું છે; ન:—અમારા વડે, રાજ્યમ્—રાજ્ય; ભોગા:—ભોગો; સુખાનિ—સુખો; ચ—પણ; તે—તેઓ; ઈમે—આ; અવસ્થિતા:—સ્થિત; યુદ્ધે—યુદ્ધ માટે; પ્રાણા:—જીવન; ત્યક્તવા—ત્યજીને; ધનાનિ—ધન; ચ—પણ.

Translation

BG 1.32-33: હે શ્રી કૃષ્ણ! હું આ રીતે ઉપાર્જિત વિજય, રાજ્ય કે સુખની પણ ઈચ્છા રાખતો નથી. એવા રાજ્ય, સુખો કે જીવનનો શું લાભ કે જેના માટે આ બધું આપણે ઝંખીએ છીએ, તેઓ સર્વ આપણી સમક્ષ યુદ્ધ માટે ગોઠવાયેલા છે. 

આચાર્યાઃ પિતરઃ પુત્રાસ્તથૈવ ચ પિતામહાઃ ।
માતુલાઃ શ્વશુરાઃ પૌત્રાઃ શ્યાલાઃ સમ્બન્ધિનસ્તથા ॥ ૩૪॥
એતાન્ન હન્તુમિચ્છામિ ઘ્નતોઽપિ મધુસૂદન ।
અપિ ત્રૈલોક્યરાજ્યસ્ય હેતોઃ કિં નુ મહીકૃતે ॥ ૩૫॥

આચાર્યા:—ગુરુજનો; પિતર:—પિતૃઓ; પુત્રા:—પુત્રો; તથા—તથા; એવ—નિશ્ચિત; ચ—પણ; પિતામહા:—પિતામહ; માતુલા:—મામાઓ; શ્વસુરા:—શ્વસુરો; પૌત્રા:—પ્રપૌત્રો; શ્યાલા:—સાળાઓ; સમ્બન્ધિન:—સંબંધીઓ; તથા—તથા; એતાન્—આ; ન—કદાપિ નહીં; હન્તુમ્—હણવા; ઇચ્છામિ—ઈચ્છું છું; ઘ્નત:—માર્યો જાઉં; અપિ—છતાં; ત્રૈ-લોક્ય-રાજ્યસ્ય—ત્રણેય લોકોના રાજ્યના; હેતો:—માટે; કિમ્ નુ—ના વિષે શું કહેવું; મહી-કૃતે—પૃથ્વી માટે.

Translation

BG 1.34-35: ગુરુજનો, પિતૃઓ, પુત્રો, પિતામહો, મામાઓ, પૌત્રો, સસરા, પૌત્રો, સાળાઓ, અને અન્ય સગાંસંબંધીઓ તેમના પ્રાણ અને ધન ત્યજવા તત્પર થઈને અહીં ઉપસ્થિત છે. હે મધુસૂદન! મારા પર તેઓ આક્રમણ પણ કરે તો પણ હું તેમને હણવા નથી ઈચ્છતો. ધૃતરાષ્ટ્રના પુત્રોનો સંહાર કરીને, પૃથ્વીનું તો શું, પણ ત્રણેય લોકોનું રાજ્ય મેળવીને પણ અમને શું પ્રસન્નતા થશે? 

નિહત્ય ધાર્તરાષ્ટ્રાન્નઃ કા પ્રીતિઃ સ્યાજ્જનાર્દન ।
પાપમેવાશ્રયેદસ્માન્હત્વૈતાનાતતાયિનઃ ॥ ૩૬॥
તસ્માન્નાર્હા વયં હન્તું ધાર્તરાષ્ટ્રાન્સ્વબાન્ધવાન્ ।
સ્વજનં હિ કથં હત્વા સુખિનઃ સ્યામ માધવ ॥ ૩૭॥

નિહત્ય—હણીને; ધાર્તરાષ્ટ્રાન્—ધૃતરાષ્ટ્રના પુત્રો; ન:—અમારું; કા—કઈ; પ્રીતિ:—પ્રીતિ; સ્યાત્—થશે; જનાર્દન—શ્રી કૃષ્ણ, જીવમાત્રના પાલનહાર; પાપમ્—પાપ; એવ—નિશ્ચિત; આશ્રયેત્—લાગશે; અસ્માન્—અમને; હત્વા—હણીને; એતામ્—આ બધા; આતતાયિન:—આતતાયીયોને; તસ્માત્—તેથી; ન—કદી નહીં; અર્હાં:—યોગ્ય; વયમ્—અમે; હન્તુમ્—હણવા; ધાર્તરાષ્ટ્ર્રાન્—ધૃતરાષ્ટ્રનાં પુત્રો; સ્વ-બાંધવાન્—મિત્રો સાથે; સ્વ-જનમ્—સ્વજનો; હિ—નિશ્ચિત; કથમ્—કેવી રીતે; હત્વા—હણીને; સુખિન:—સુખી; સ્યામ્—અમે થઈશું; માધવ—શ્રી કૃષ્ણ, યોગમાયાના પતિ.

Translation

BG 1.36-37: હે જીવમાત્રના પાલનહાર! ધૃતરાષ્ટ્રના પુત્રોને હણીને અમને કઈ પ્રસન્નતા પ્રાપ્ત થશે? યદ્યપિ તેઓ અત્યાચારી છે, છતાં પણ જો અમે તેમની હત્યા કરીશું તો અમને નિશ્ચિત પાપ લાગશે. તેથી, અમારા પિતરાઈ ભાઈઓ, ધૃતરાષ્ટ્રના પુત્રો અને તેમના મિત્રોનો સંહાર કરવો તે અમારા માટે ઉચિત નથી. હે માધવ (શ્રી કૃષ્ણ)! અમારા પોતાના જ સગાં સંબંધીઓનો સંહાર કરીને અમે સુખી થવાની આશા પણ કેમ રાખી શકીએ? 

યદ્યપ્યેતે ન પશ્યન્તિ લોભોપહતચેતસઃ ।
કુલક્ષયકૃતં દોષં મિત્રદ્રોહે ચ પાતકમ્ ॥ ૩૮॥
કથં ન જ્ઞેયમસ્માભિઃ પાપાદસ્માન્નિવર્તિતુમ્ ।
કુલક્ષયકૃતં દોષં પ્રપશ્યદ્ભિર્જનાર્દન ॥ ૩૯॥

યદિ-અપિ—તેમ છતાં; એતે—તેઓ; ન—નહીં; પશ્યન્તિ—જુએ છે; લોભ—લોભ; ઉપહત—વશ થયેલાં; ચેતસ:—વિચારો; કુલ-ક્ષય-કૃતમ્—કુળનો નાશ કરવાથી; દોષમ્—દોષ; મિત્ર-દ્રોહે—મિત્રો સાથે દ્રોહ કરવાથી; ચ—અને; પાતકમ્—પાપ; કથમ્—કેમ; ન—નહીં; જ્ઞેયમ્—જાણવું જોઈએ; અસ્માભિ:—અમે; પાપાત્—પાપોમાંથી; અસ્માત્—આ; નિવર્તિતુમ્—અટકાવવા માટે; કુળ-ક્ષય—કુળનો નાશ; કૃતમ્—કરવાથી;  દોષમ્—અપરાધ; પ્રપશ્યદ્ભી:—જોઈ શકે તેવા; જનાર્દન—શ્રી કૃષ્ણ, જીવમાત્રના પાલનહાર.

Translation

BG 1.38-39: તેઓની વિચારધારા લોભથી વશીભૂત થયેલી છે તથા તેઓને પોતાના સગાં સંબંધીઓનો વિનાશ કરવામાં કે પ્રતિશોધને કારણે મિત્રો સાથે વિશ્વાસઘાત કરવામાં કંઈ અનુચિત લાગતું નથી. છતાં પણ હે જનાર્દન! જયારે અમને તો સ્વજનોની હત્યા કરવામાં સ્પષ્ટ રીતે અપરાધ દેખાઈ રહ્યો છે, તો અમે શા માટે આ પાપથી વિમુખ ના થઈએ? 

કુલક્ષયે પ્રણશ્યન્તિ કુલધર્માઃ સનાતનાઃ ।
ધર્મે નષ્ટે કુલં કૃત્સ્નમધર્મોઽભિભવત્યુત ॥ ૪૦॥

કુલ-ક્ષયે—કુળના વિનાશમાં; પ્રણશ્યન્તિ—વિનષ્ટ થઈ જાય છે; કુળ-ધર્મા:—કુળની પરંપરાઓ; સનાતના:—શાશ્વત; ધર્મે—ધર્મ; નષ્ટે—નષ્ટ થાય ત્યારે; કુળમ્—કુળને; કૃત્સનમ્—સંપૂર્ણ; અધર્મ:—અધર્મ; અભિભવતિ—બદલે છે; ઉતુ—વાસ્તવમાં.

Translation

BG 1.40: જયારે કુળનો નાશ થાય છે ત્યારે તેની પ્રાચીન કુળ-પરંપરાઓ પણ નષ્ટ થઈ જાય છે અને શેષ પરિવાર અધર્મમાં પ્રવૃત્ત થવા લાગે છે. 

અધર્માભિભવાત્કૃષ્ણ પ્રદુષ્યન્તિ કુલસ્ત્રિયઃ ।
સ્ત્રીષુ દુષ્ટાસુ વાર્ષ્ણેય જાયતે વર્ણસઙ્કરઃ ॥ ૪૧॥

અધર્મ—અધર્મ; અભિભવાત્—પ્રાધાન્ય હોવાથી; કૃષ્ણ—શ્રી કૃષ્ણ; પ્રદુષ્યન્તિ—વ્યભિચારીણી થઈ જાય છે; કુળ-સ્ત્રીય:—કુળની સ્ત્રીઓ; સ્ત્રીષુ—સ્ત્રીઓનું; દુષ્ટાસુ—વ્યભિચારી થઈ જાય છે; વાર્ષેણય—હે વૃશની વંશી; જાયતે—ઉત્પન્ન થાય છે; વર્ણ-સંકર:—અવાંછિત સંતતિ.

Translation

BG 1.41: અધર્મની પ્રબળતા સાથે, હે કૃષ્ણ! કુળની સ્ત્રીઓ વ્યભિચારીણી થઈ જાય છે અને પતિત સ્ત્રીઓ દુષિત થવાથી હે વૃષ્ણીવંશી! અવાંછિત સંતતિઓ ઉત્પન્ન થાય છે. 

સઙ્કરો નરકાયૈવ કુલઘ્નાનાં કુલસ્ય ચ ।
પતન્તિ પિતરો હ્યેષાં લુપ્તપિણ્ડોદકક્રિયાઃ ॥ ૪૨॥

સંકર:—વર્ણસંકર,અવાંછિત સંતાનો; નરકાય—નારકીય જીવન માટે; એવ—નિશ્ચિત; કુળઘ્નાનામ્—કુળનો વિનાશ કરનારા માટે; કુલસ્ય—કુળ માટે; ચ—પણ; પતન્તિ—પતન થાય છે; પિતર:—પિતૃઓ; હિ—ખરેખર; એષામ્—;એમનાં; લુપ્ત—લુપ્ત થયેલ; પિંડોદક ક્રિયા:—પિંડદાનની ક્રિયા.

Translation

BG 1.42: આવાં વર્ણસંકર સંતાનોની વૃદ્ધિ, કુળ તથા કુળનો વિનાશ કરનાર બંને માટે નિ:સંદેહ નારકીય જીવનમાં પરિણમે છે. પિંડદાન અને તર્પણની ક્રિયાઓ લુપ્ત થવાથી આવાં પતિત કુળોનાં વંચિત પૂર્વજો અધ:પતન પામે છે. 

દોષૈરેતૈઃ કુલઘ્નાનાં વર્ણસઙ્કરકારકૈઃ ।
ઉત્સાદ્યન્તે જાતિધર્માઃ કુલધર્માશ્ચ શાશ્વતાઃ ॥ ૪૩॥

દોષૈ:—આવાં દોષો વડે; એતૈ:—આ સર્વ; કુળઘ્નાનામ્—કુળનો વિનાશ કરનારા માટે; વર્ણસંકર—અવાંછિત સંતતિ; કારકૈ:—કારણોથી; ઉત્સાદ્યંતે—વિનષ્ટ થઈ જાય છે; જાતિ-ધર્મ:—સામુદાયિક તથા પારિવારિક કલ્યાણ પ્રવૃત્તિઓ; કુળ-ધર્મ:—કુળધર્મ; ચ—અને; શાશ્વતા:—સનાતન.

Translation

BG 1.43: જેઓ કુળ પરંપરાઓનો નાશ કરે છે અને એ રીતે અવાંછિત સંતતિની વૃદ્ધિ કરે છે, તેઓનાં દુષ્કર્મોથી સર્વ પ્રકારનાં સામુદાયિક તથા પારિવારિક કલ્યાણની પ્રવૃત્તિઓનો વિનાશ થઈ જાય છે. 

ઉત્સન્નકુલધર્માણાં મનુષ્યાણાં જનાર્દન ।
નરકેઽનિયતંs વાસો ભવતીત્યનુશુશ્રુમ ॥ ૪૪॥

ઉત્સન્ન:—વિનષ્ટ; કુળ-ધર્માણામ્—કુળ પરંપરાવાળા; મનુષ્યાણામ્—આવા મનુષ્યોનો; જનાર્દન—હે કૃષ્ણ, જીવમાત્રના પાલનહાર; નરકે—નરકમાં; અનિયતમ્—અનિશ્ચિત; વાસ:—નિવાસ; ભવતિ—થાય છે; ઇતિ—એમ; અનુશુશ્રુમ્—વિદ્વાનો પાસે મેં સાંભળ્યું છે.

Translation

BG 1.44: હે જનાર્દન (શ્રી કૃષ્ણ)! મેં વિદ્વાનો પાસેથી સાંભળ્યું છે કે, જે લોકો કુળધર્મનો નાશ કરે છે, તેઓ અનિશ્ચિતકાળ સુધી નરકમાં નિવાસ કરે છે. 

અહો બત મહત્પાપં કર્તું વ્યવસિતા વયમ્ ।
યદ્રાજ્યસુખલોભેન હન્તું સ્વજનમુદ્યતાઃ ॥ ૪૫॥
યદિ મામપ્રતીકારમશસ્ત્રં શસ્ત્રપાણયઃ ।
ધાર્તરાષ્ટ્રા રણે હન્યુસ્તન્મે ક્ષેમતરં ભવેત્ ॥ ૪૬॥

અહો—અરે; બત—તે કેવું; મહત્--મહાન; પાપમ્—પાપ કર્મ; કર્તુંમ્—કરવા માટે; વ્યવસિતા:—નિશ્ચય કર્યો છે; વયમ્—અમે; યત્—કારણકે; રાજ્ય-સુખ-લોભેન—રાજ્યસુખના લોભથી; હન્તુમ્—હણીને; સ્વજનમ્—પોતાના સંબંધીજનોને; ઉદ્યતા:—તત્પર થયેલા; યદિ—જો; મામ્—મને; અપ્રતીકારમ્—પ્રતિકાર ન કરવાથી; અશસ્ત્રમ્—શસ્ત્રથી સજ્જ થયા વિના; શસ્ત્ર-પાણય:—શસ્ત્રધારી; ધાર્તરાષ્ટ્રા:—ધૃતરાષ્ટ્રના પુત્રો; રણે—યુદ્ધભૂમિમાં; હન્યુ:—હણે; તત્—તે; મે—મારા; ક્ષેમતરમ્—શ્રેયસ્કર; ભવેત્—થશે.

Translation

BG 1.45-46: અરે, આ તે કેવું આશ્ચર્ય છે કે અમે આવું મોટું પાપકર્મ કરવા તત્પર થયા છીએ. રાજસુખ ભોગવવાના લોભથી વશ થઈને અમે અમારા સ્વજનોને હણવા તૈયાર થયા છીએ. જો શસ્ત્ર ધારણ કરેલા ધૃતરાષ્ટ્રના પુત્રો, નિ:શસ્ત્ર તથા રણભૂમિમાં પ્રતિકાર ન કરનારા એવા મને હણે, તો તે મારા માટે શ્રેયસ્કર રહેશે. 

સઞ્જય ઉવાચ ।
એવમુક્ત્વાર્જુનઃ સઙ્ખ્યે રથોપસ્થ ઉપાવિશત્ ।
વિસૃજ્ય સશરં ચાપં શોકસંવિગ્નમાનસઃ ॥ ૪૭॥

સઞ્જય ઉવાચ—સંજય બોલ્યા; એવમ્ ઉક્ત્વા—એમ કહીને; અર્જુન:—અર્જુન; સઙ્ખ્યે—રણક્ષેત્રમાં; રથ ઉપસ્થે—રથના આસન પર; ઉપવિશત્—બેસી ગયો; વિસૃજ્ય—બાજુએ મૂકીને; સ-શરમ્—બાણો સાથે; ચાપમ્—ધનુષ્ય; શોક—શોકથી; સંવિગ્ન—સંતપ્ત; માનસ:—મનવાળો.

Translation

BG 1.47: સંજય બોલ્યા: આ પ્રમાણે કહીને અર્જુને પોતાના બાણ અને ધનુષ્ય બાજુ પર મૂકી દીધાં અને રથના આસન પર ફસડાઈ પડયો, તેનું મન વ્યથા અને શોકથી સંતપ્ત થઇ ગયું. 

સમાપ્ત


Comments

Popular posts from this blog

ગાયત્રી શતક પાઠ અને ગાયત્રી ચાલીસા

ભક્તિ ચેનલ ઓલ નામ

Anand No Garbo With Gujarati Lyrics - આનંદ નો ગરબો