2 અધ્યાય ૨ : સાઙ્ખ્યયોગ
સઞ્જય ઉવાચ ।
તં તથા કૃપયાવિષ્ટમશ્રુપૂર્ણાકુલેક્ષણમ્ ।
વિષીદન્તમિદં વાક્યમુવાચ મધુસૂદનઃ ॥ ૧॥
સંજય ઉવાચ—સંજય બોલ્યા; તમ્—તેમને (અર્જુન); તથા—તે રીતે; કૃપયા—કરુણાથી; આવિષ્ટમ્—વિહ્વળ થયેલ; અશ્રુ પૂર્ણ—અશ્રુપૂર્ણ; આકુલ—દુઃખીત; ઇક્ષણમ્—નેત્રોવાળા; વિશીદંતમ્—શોકયુક્ત; ઈદમ્—આ; વાક્યમ્—વચન; ઉવાચ—કહ્યાં; મધુસુદન—શ્રી કૃષ્ણ, મધુ દૈત્યનો વધ કરનારા.
Translation
BG 2.1: સંજયે કહ્યું: કરુણાથી વિહ્વળ થયેલા, શોકયુક્ત મનવાળા, અશ્રુપૂર્ણ નેત્રોવાળા અર્જુનને જોઈને, શ્રી કૃષ્ણ નીચે મુજબના વચનો બોલ્યા.
શ્રીભગવાનુવાચ ।
કુતસ્ત્વા કશ્મલમિદં વિષમે સમુપસ્થિતમ્ ।
અનાર્યજુષ્ટમસ્વર્ગ્યમકીર્તિકરમર્જુન ॥ ૨॥
શ્રી ભગવાન્ ઉવાચ—શ્રી ભગવાન બોલ્યા; કુત:—ક્યાંથી; ત્વા—તને; કશ્મલમ્—ભ્રાંતિ; ઈદમ્—આ; વિષમે—આ સંકટના સમયે; સમુપસ્થિતમ્—ઉત્પન્ન થઇ છે; અનાર્ય—અશિષ્ટ જન; જુષ્ટમ્—આચરેલું; અસ્વર્ગ્યમ્—ઉચ્ચતર લોકમાં ના લઇ જનારું; અકિર્તીકરમ્—અપયશનું કારણ; અર્જુન—હે અર્જુન.
Translation
BG 2.2: પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું: મારા પ્રિય અર્જુન, આ સંકટના સમયે આવી ભ્રાંતિ તારા પર કેવી રીતે હાવી થઇ ગઈ? સમ્માનીય વ્યક્તિ માટે આ જરા પણ ઉચિત નથી. તે ઉચ્ચ લોક તરફ નહિ પરંતુ અપયશ તરફ દોરી જાય છે.
ક્લૈબ્યં મા સ્મ ગમઃ પાર્થ નૈતત્ત્વય્યુપપદ્યતે ।
ક્ષુદ્રં હૃદયદૌર્બલ્યં ત્યક્ત્વોત્તિષ્ઠ પરન્તપ ॥ ૩॥
ક્લૈબ્યમ્—નપુંસકતા; મા સ્મ—નહી; ગમ:—પ્રાપ્ત થા; પાર્થ—અર્જુન, પૃથા પુત્ર; ન—કદાપિ નહી; એતત્—આ; ત્વયિ—તને; ઉપપદ્યતે—શોભે છે; ક્ષુદ્રમ્—તુચ્છ; હૃદય—હૃદય; દૌર્બલ્યમ્—દુર્બળતા; ત્યકત્વા—ત્યજીને; ઉત્તિષ્ઠ—ઊભો થા; પરમ્-તપ—શત્રુઓનું દમન કરનાર.
Translation
BG 2.3: હે પાર્થ, આ નપુંસકતા તને શોભા દેતી નથી. હે શત્રુઓનું દમન કરનાર, હૃદયની આવી ક્ષુદ્ર દુર્બળતાનો ત્યાગ કર અને ઊભો થા.
અર્જુન ઉવાચ ।
કથં ભીષ્મમહં સઙ્ખ્યે દ્રોણં ચ મધુસૂદન ।
ઇષુભિઃ પ્રતિયોત્સ્યામિ પૂજાર્હાવરિસૂદન ॥ ૪॥
અર્જુન: ઉવાચ—અર્જુને કહ્યું; કથમ્—કેવી રીતે; ભીષ્મમ્—ભીષ્મને; અહમ્—હું; સંખ્યે—યુદ્ધમાં; દ્રોણમ્—દ્રોણને; ચ—અને; મધુસુદન—શ્રી કૃષ્ણ, મધુના સંહારક; ઈષુભિ:—બાણોથી; પ્રતિયોત્સ્યામિ—પ્રહાર કરીશ; પૂજા અર્હૌ—પૂજનીય; અરિસુદન—શત્રુઓના સંહારક.
Translation
BG 2.4: અર્જુને કહ્યું: હે મધુસૂદન! હે અરિહન્તા! હું યુદ્ધમાં ભીષ્મ તથા દ્રોણાચાર્ય સમાન મારા પૂજનીય મહાપુરુષો પર બાણોથી કેવી રીતે પ્રહાર કરીશ?
ગુરૂનહત્વા હિ મહાનુભાવાન્
શ્રેયો ભોક્તું ભૈક્ષ્યમપીહ લોકે ।
હત્વાર્થકામાંસ્તુ ગુરૂનિહૈવ
ભુઞ્જીય ભોગાન્ રુધિરપ્રદિગ્ધાન્ ॥ ૫॥
ગુરુન્—ગુરુજનો; અહત્વા—ન મારવું; હિ—ખરેખર; મહાનુભાવાન્—ઉમદા વડીલો; શ્રેય:—અધિક સારું; ભોક્તુમ્—જીવન ભોગવવું; ભૈક્ષ્યમ્—ભિક્ષા માંગીને; અપિ—પણ; ઇહ લોકે—આ જગતમાં; હત્વા—હણીને; અર્થ—લાભ; કામાન્—ઈચ્છાથી; તુ—પરંતુ; ગુરુન્—ગુરુજનો; ઇહ—આ જગતમાં; એવ—નિશ્ચિત; ભુંજીય—ભોગવવું પડે છે; ભોગાન્—ભોગ વિલાસ; રુધિર—રક્ત; પ્રદિગ્ધાન્—રંજીત.
Translation
BG 2.5: આવા આદરણીય મહાપુરુષો કે જેઓ મારા ગુરુજનો છે, તેઓને હણીને જીવન માણવા કરતાં ભિક્ષા માંગીને આ જગતમાં જીવન નિર્વાહ કરવો અધિક શ્રેયસ્કર છે. જો અમે તેમનો સંહાર કરીશું, તો જે ઐશ્વર્ય તથા સુખો અમે ભોગવીશું તે રક્તરંજિત હશે.
ન ચૈતદ્વિદ્મઃ કતરન્નો ગરીયો
યદ્વા જયેમ યદિ વા નો જયેયુઃ ।
યાનેવ હત્વા ન જિજીવિષામ-
સ્તેઽવસ્થિતાઃ પ્રમુખે ધાર્તરાષ્ટ્રાઃ ॥ ૬॥
ન—નહી; ચ—અને; એતત્—આ; વિદ્મ:—અમે જાણીએ છીએ; કતરત્—જે; ન:—અમારા માટે; ગરીય:—શ્રેષ્ઠ; યત્ વા—અથવા; જયેમ્—અમે જીતી જઈએ; યદિ—જો; વા—અથવા; ન:—અમને; જયેયુ:—તેઓ જીતી લે: યાન્—જેમને; એવ—નિશ્ચિત; હત્વા—હણીને; ન—કદાપિ નહી; જિજીવિષામ:—અમે જીવવા ઈચ્છીશું; તે—તે બધાં; અવસ્થિત:—ઊભા છે; પ્રમુખે—સામે; ધાર્તરાષ્ટ્ર:—ધૃતરાષ્ટ્રના પુત્રો.
Translation
BG 2.6: અમે તો એ પણ જાણતા નથી કે આ યુદ્ધનું કયું પરિણામ અમારા માટે શ્રેયસ્કર છે—તેમને જીતવા કે તેમના દ્વારા જીતાઈ જવું. તેઓની હત્યા કરીને અમને જીવવાની ઈચ્છા પણ નહિ થાય. છતાં તેઓએ ધૃતરાષ્ટ્રના પુત્રોનો પક્ષ લીધો છે, અને હવે રણક્ષેત્રમાં અમારી સામે ઊભા છે.
કાર્પણ્યદોષોપહતસ્વભાવઃ
પૃચ્છામિ ત્વાં ધર્મસમ્મૂઢચેતાઃ ।
યચ્છ્રેયઃ સ્યાન્નિશ્ચિતં બ્રૂહિ તન્મે
શિષ્યસ્તેઽહં શાધિ માં ત્વાં પ્રપન્નમ્ ॥ ૭॥
કાર્પણ્ય દોષ—કાયરતાનો દોષ; ઉપહત—ગ્રસ્ત; સ્વભાવ—પ્રાકૃતિક ગુણ; પૃચ્છામિ—હું પૂછી રહ્યો છું; ત્વામ્—આપને; ધર્મ—કર્તવ્ય; સમ્મૂઢ—મોહગ્રસ્ત; ચેતા:—હૃદયમાં; યત્—જે; શ્રેય:—કલ્યાણકારી; સ્યાત્—હોય; નિશ્ચિતમ્—નિશ્ચિતપણે; બ્રૂહિ—કહો; તત્—તે; મે—મને; શિષ્ય:—શિષ્ય; તે—તમારો; અહમ્—હું; શાધિ—કૃપા કરી ઉપદેશ આપો; મામ્—મને; ત્વામ્—આપના; પ્રપન્નમ્—શરણાગતને.
Translation
BG 2.7: હું કિંકર્તવ્યવિમૂઢ થઈ ગયો છું તેમજ ચિંતા અને કાયરતાથી ગ્રસ્ત થઈ ગયો છું. હું આપનો શિષ્ય છું તેમજ આપને શરણાગત છું. કૃપા કરીને નિશ્ચિતપણે ઉપદેશ આપો કે મારા માટે શું શ્રેષ્ઠ છે.
ન હિ પ્રપશ્યામિ મમાપનુદ્યાદ્
યચ્છોકમુચ્છોષણમિન્દ્રિયાણામ્ ।
અવાપ્ય ભૂમાવસપત્નમૃદ્ધં
રાજ્યં સુરાણામપિ ચાધિપત્યમ્ ॥ ૮॥
ન—નહી; હિ—નિશ્ચિત; પ્રપશ્યામિ—હું જોઉં છું; મમ—મારો; અપનુદ્યાત્—દૂર કરી શકે છે; યત્—જે; શોકમ્—શોક; ઉચ્છોષણમ્—સૂકવી નાખતો; ઇન્દ્રિયાણામ્—ઇન્દ્રિયોનો; અવાપ્ય—પ્રાપ્ત કરીને; ભૂમૌ—પૃથ્વી પર; અસપત્નમ્—શત્રુરહિત; ઋદ્ધમ્—સમૃદ્ધ; રાજ્યમ્—રાજ્ય; સુરાણામ્—દેવોનું; અપિ—પણ; ચ—અને; આધિપત્યમ્—સાર્વભૌમ સત્તા.
Translation
BG 2.8: મારી ઇન્દ્રિયોને સૂકવી નાખનાર આ શોકને દૂર કરી શકે એવું કોઈ સાધન મને દેખાતું નથી. જો હું આ પૃથ્વી ઉપર સમૃદ્ધ અને શત્રુરહિત રાજ્ય જીતીને અથવા તો સ્વર્ગીય દેવતાઓ સમાન ઐશ્વર્યયુક્ત સાર્વભૌમ સત્તા પ્રાપ્ત કરી લઉં, તો પણ હું આ શોક દૂર કરવામાં અસમર્થ રહીશ.
સઞ્જય ઉવાચ ।
એવમુક્ત્વા હૃષીકેશં ગુડાકેશઃ પરન્તપ ।
ન યોત્સ્ય ઇતિ ગોવિન્દમુક્ત્વા તૂષ્ણીં બભૂવ હ ॥ ૯॥
સંજય ઉવાચ—સંજય બોલ્યા; એવમ્—આ; ઉક્તવા—કહીને; હૃષીકેશમ્—કૃષ્ણ, ઇન્દ્રિયોના સ્વામી; ગુડાકેશ:—અર્જુન, નિદ્રા પર વિજય મેળવનાર; પરંતપ:—અર્જુન, શત્રુનું દમન કરનાર; ન યોત્સ્યે—હું લડીશ નહિ; ઇતિ—એમ; ગોવિન્દમ્—કૃષ્ણ, ઇન્દ્રિયોને આનંદ આપનાર; ઉક્ત્વા—સંબોધીને; તૂષ્ણીમ્—મૌન; બભૂવ—થયો; હ—તે થયો.
Translation
BG 2.9: સંજયે કહ્યું: આ પ્રમાણે બોલ્યા પછી, શત્રુઓનું દમન કરનાર ગુડાકેશે, હૃષીકેશને સંબોધીને કહ્યું: “હે ગોવિંદ! હું લડીશ નહિ” અને મૌન થઈ ગયો.
તમુવાચ હૃષીકેશઃ પ્રહસન્નિવ ભારત ।
સેનયોરુભયોર્મધ્યે વિષીદન્તમિદં વચઃ ॥ ૧૦॥
તમ્—તેને; ઉવાચ—બોલ્યા; હૃષીકેશ:—શ્રી કૃષ્ણ, મન તથા ઇન્દ્રિયોના સ્વામી; પ્રહસન્—સ્મિત કરતાં કરતાં; ઈવ—જાણે કે; ભારત—ભરતવંશી, ધૃતરાષ્ટ્ર; સેનયો:—સૈન્યોની; ઉભયો:—બંનેની; મધ્યે—મધ્યમાં; વિષીદંતમ્—શોકમગ્ન; ઈદમ્—આ; વચ:—વચનો.
Translation
BG 2.10: હે ધૃતરાષ્ટ્ર, તે પછી બંને સૈન્યોની મધ્યે, ભગવાન શ્રી કૃષ્ણે, શોકમગ્ન અર્જુનને સ્મિતપૂર્વક આ પ્રમાણે વચનો કહ્યાં.
શ્રીભગવાનુવાચ ।
અશોચ્યાનન્વશોચસ્ત્વં પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે ।
ગતાસૂનગતાસૂંશ્ચ નાનુશોચન્તિ પણ્ડિતાઃ ॥ ૧૧॥
શ્રી ભગવાન્ ઉવાચ—પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા; અશોચ્યાન્—જે શોક કરવા યોગ્ય નથી; અન્વશોચ:—શોક કરી રહ્યો છે; ત્વમ્—તું; પ્રજ્ઞા-વાદાન્—વિધ્વત્તાપૂર્ણ વાતો; ચ—અને; ભાષસે—કહે છે; ગત અસુન્—પ્રાણ ગયેલા; અગત અસુન્—પ્રાણ નહીં ગયેલા; ચ—પણ; ન—કદી નહી; અનુશોચન્તિ—શોક કરે છે; પંડિતા:—વિદ્વાન પંડિતો.
Translation
BG 2.11: પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા: તું વિદ્વત્તાભરી વાતો કરે છે, પરંતુ જેનો શોક કરવા જેવો નથી, તેના માટે તું શોક કરી રહ્યો છે. જેઓ જ્ઞાની હોય છે, તેઓ જીવિત કે મૃત માટે શોક કરતા નથી.
ન ત્વેવાહં જાતુ નાસં ન ત્વં નેમે જનાધિપાઃ ।
ન ચૈવ ન ભવિષ્યામઃ સર્વે વયમતઃ પરમ્ ॥ ૧૨॥
ન—કદી નહીં; તુ—પરંતુ; એવ—નક્કી; અહમ્—હું; જાતુ—કોઈપણ વખતે; ન—નહીં; આસમ્—વિદ્યમાન; ન—નહીં; ત્વમ્—તું; ન—નહીં; ઇમે—આ બધાં; જન-અધિપા:—રાજાઓ; ન—કદી નહીં; ચ—પણ; એવ—નિશ્ચિત; ન ભવિષ્યામ:—ન રહીશું; સર્વે વયમ—આપણે બધા; અત:—હવે; પરમ્—પછી.
Translation
BG 2.12: એવું ક્યારેય ન હતું કે હું વિદ્યમાન ન હતો કે તું ન હતો અથવા તો આ બધાં રાજાઓ ન હતા અને એવું પણ નથી કે પછી ભવિષ્યમાં આપણે બધા નહીં હોઈએ.
દેહિનોઽસ્મિન્યથા દેહે કૌમારં યૌવનં જરા ।
તથા દેહાન્તરપ્રાપ્તિર્ધીરસ્તત્ર ન મુહ્યતિ ॥ ૧૩॥
દેહિન:—શરીર ધારણ કરનારની; અસ્મિન્—આમાં; યથા—જેમ; દેહે—શરીરમાં; કૌમારમ્—કુમારાવસ્થા; યૌવનમ્—યુવાવસ્થા; જરા—વૃદ્ધાવસ્થા; તથા—તેવી રીતે; દેહ-અંતર—શરીરના સ્થળાંતરની; પ્રાપ્તિ:—ઉપલબ્ધિ; ધીર:—ધીર પુરુષ; તત્ર—તે વિષયમાં; ન મુહ્યતિ—કદાપિ મોહમાં પડતો નથી.
Translation
BG 2.13: જેવી રીતે દેહધારી આત્મા શરીરમાં કુમારાવસ્થામાંથી યુવાવસ્થામાં અને પછી વૃદ્ધાવસ્થામાં એમ નિરંતર પસાર થતો રહે છે, તેવી જ રીતે મૃત્યુ પછી આત્મા બીજું શરીર ધારણ કરે છે. ધીર પુરુષ આવાં પરિવર્તનથી મોહિત થતો નથી.
માત્રાસ્પર્શાસ્તુ કૌન્તેય શીતોષ્ણસુખદુઃખદાઃ ।
આગમાપાયિનોઽનિત્યાસ્તાંસ્તિતિક્ષસ્વ ભારત ॥ ૧૪॥
માત્રા-સ્પર્શ:—ઇન્દ્રિયોનો ઇન્દ્રિય-વિષય સાથેનો સંપર્ક; તુ—કેવળ; કૌન્તેય—અર્જુન, કુંતીનો પુત્ર; શીત—શિયાળો; ઉષ્ણ—ઉનાળો; સુખ—સુખ; દુ:ખ—દુ:ખ; દા:—આપનારા; આગમ—આવવું; અપાયિન:—જનારા; અનિત્ય—ક્ષણિક; તાન્—તેમને; તિતિક્ષસ્વ—સહન કર; ભારત—હે ભરતવંશી.
Translation
BG 2.14: હે કુંતીપુત્ર! ઇન્દ્રિયો તથા ઇન્દ્રિયોના વિષયોનો સંપર્ક સુખ અને દુ:ખના ક્ષણભંગુર બોધને વેગ આપે છે.તેઓ અનિત્ય હોય છે અને શિયાળા તેમજ ઉનાળાની ઋતુઓની સમાન આવન-જાવન કરે છે. હે ભરતવંશી! મનુષ્યે તેમને અસ્વસ્થ થયા વિના, સહન કરતાં શીખવું જોઈએ.
યં હિ ન વ્યથયન્ત્યેતે પુરુષં પુરુષર્ષભ ।
સમદુઃખસુખં ધીરં સોઽમૃતત્વાય કલ્પતે ॥ ૧૫॥
યમ્—જેને; હિ—નિશ્ચિતરૂપે; ન—નહીં; વ્યથયન્તિ—પીડાકારી હોય છે; એતે—આ; પુરુષમ્—મનુષ્ય; પુરુષ-ઋષભ:—પુરુષશ્રેષ્ઠ, અર્જુન; સમ—સમાન; દુ:ખ—દુ:ખ; સુખમ્—સુખ; ધીરમ્—ધીરને; સ:—તે મનુષ્ય; અમૃતતત્વાય—મુક્તિ માટે; કલ્પતે—યોગ્ય છે.
Translation
BG 2.15: હે પુરુષ શ્રેષ્ઠ, અર્જુન! જે પુરુષ સુખ તથા દુ:ખમાં વિચલિત થતો નથી અને બંનેમાં એક સમાન રહે છે, તે મુક્તિ માટે સર્વથા યોગ્ય છે.
નાસતો વિદ્યતે ભાવો નાભાવો વિદ્યતે સતઃ ।
ઉભયોરપિ દૃષ્ટોઽન્તસ્ત્વનયોસ્તત્ત્વદર્શિભિઃ ॥ ૧૬॥
ન—નહીં; અસત:—અસ્થાયીનો; વિદ્યતે—છે; ભાવ:—છે; ન—નહીં; અભાવ:—રોકાવું; વિદ્યતે—છે; સત:—શાશ્વતનો; ઉભયો:—બંનેનો; અપિ—પણ; દૃષ્ટ:—જોવામાં આવ્યો; અન્ત:—નિષ્કર્ષ; તુ—ખરેખર; અનયો:—એમનો; તત્ત્વ—સત્યનો; દર્શિભિ:—દૃષ્ટાઓ દ્વારા.
Translation
BG 2.16: જે અશાશ્વત છે તે ક્યારેય ટકતું નથી અને જે શાશ્વત છે તે ક્યારેય હીન થતું નથી. દૃષ્ટાઓએ આ સત્યને બન્નેની પ્રકૃતિનાં અધ્યયનથી અવલોક્યું છે.
અવિનાશિ તુ તદ્વિદ્ધિ યેન સર્વમિદં તતમ્ ।
વિનાશમવ્યયસ્યાસ્ય ન કશ્ચિત્કર્તુમર્હતિ ॥ ૧૭॥
અવિનાશી—નાશરહિત; તુ—પરંતુ; તત્—તે; વિદ્ધિ—જાણ; યેન—જેના વડે; સર્વમ્—સમગ્ર; ઈદમ્—આ; તત્તમ્—વ્યાપ્ત; વિનાશમ્—નાશ; અવ્યયસ્ય—અવિનાશીનો; અસ્ય—આનો; ન કશ્ચિત્—કોઈ નહીં; કર્તુંમ્—કરવા માટે; અર્હતિ—સમર્થ છે.
Translation
BG 2.17: જે સમગ્ર શરીરમાં વ્યાપ્ત છે, તેને જ તું અવિનાશી જાણ. તે અવિનાશી આત્માનો નાશ કરવા કોઈ જ સમર્થ નથી.
અન્તવન્ત ઇમે દેહા નિત્યસ્યોક્તાઃ શરીરિણઃ ।
અનાશિનોઽપ્રમેયસ્ય તસ્માદ્યુધ્યસ્વ ભારત ॥ ૧૮॥
અન્ત-વન્ત:—નાશવંત; ઇમે—આ; દેહા:—ભૌતિક શરીરો; નિત્યસ્ય—સનાતન અસ્તિત્વવાળા; ઉકતા:—કહેવાય છે; શરીરિણઃ:—દેહધારી આત્માના; અનાશિન:—કદાપિ નાશ ન પામનાર; અપ્રમેયસ્ય—અમાપ; તસ્માત્—માટે; યુધ્યસ્વ—યુદ્ધ કર; ભારત—ભરતવંશી.
Translation
BG 2.18: કેવળ ભૌતિક શરીર નાશવંત છે; તેમાં વ્યાપ્ત આત્મા અવિનાશી, અપ્રમેય અને શાશ્વત છે. તેથી, હે ભરતવંશી! યુદ્ધ કર.
ય એનં વેત્તિ હન્તારં યશ્ચૈનં મન્યતે હતમ્ ।
ઉભૌ તૌ ન વિજાનીતો નાયં હન્તિ ન હન્યતે ॥ ૧૯॥
ય:—જે; એનમ્—આને; વેત્તિ—જાણે છે; હન્તારમ્—હણનારો; ય:—જે; ચ—અને; એનમ્—આને; મન્યતે—માને છે; હતમ્—હણાયેલો; ઉભૌ—બંને; તૌ—તેઓ; ન—કદી નહીં; વિજાનીત:—જાણે છે; ન—કદી નહીં; અયમ્—આ; હન્તિ—હણે છે; ન—નહીં; હન્યતે—હણાય છે.
Translation
BG 2.19: જે આત્માને હણનારો સમજે છે તથા જે એને હણાયેલો માને છે, તે બંને અજ્ઞાની છે, કારણ કે આત્મા નથી હણતો કે નથી હણાતો.
ન જાયતે મ્રિયતે વા કદાચિન્
નાયં ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ ।
અજો નિત્યઃ શાશ્વતોઽયં પુરાણો
ન હન્યતે હન્યમાને શરીરે ॥ ૨૦॥
ન જાયતે—જન્મ લેતો નથી, મ્રિયતે—મરે છે; વા—અથવા; કદાચિત્—ક્યારેય; ન—નહીં; અયમ્—આ; ભૂત્વા—થઈને; ભવિતા—થશે; વા—અથવા; ન—નહીં; ભૂય:—આગળ થનારો; અજ:—અજન્મ; નિત્ય:—સનાતન; શાશ્વત:—અવિનાશી; અયમ્—આ; પુરાણ:—સૌથી પુરાતન; ન હન્યતે—હણાતો નથી; હન્યમાને—જયારે હણાય છે ત્યારે; શરીરે—શરીર.
Translation
BG 2.20: આત્મા ક્યારેય જન્મ લેતો નથી કે મૃત્યુ પામતો નથી; ન તો એ ક્યારેક અસ્તિત્વમાન હતો કે ન તો કદાપિ વિનાશ પામ્યો હતો. આત્મા અજન્મા, શાશ્વત, અવિનાશી, અજર છે. જયારે શરીર નષ્ટ થઈ જાય છે, ત્યારે તેનો નાશ થતો નથી.
વેદાવિનાશિનં નિત્યં ય એનમજમવ્યયમ્ ।
કથં સ પુરુષઃ પાર્થ કં ઘાતયતિ હન્તિ કમ્ ॥ ૨૧॥
વેદ—જાણે છે; અવિનાશિનમ્—અવિનાશી; નિત્યમ્—સનાતન; ય:—જે; એનમ્—આ; અજમ્—અજન્મા; અવ્યયમ્—અચળ; કથમ્—કેવી રીતે; સ:—તે; પુરુષ:—મનુષ્ય; પાર્થ—પાર્થ; કમ્—કોને; ઘાતયતિ—હણાવે છે; હન્તિ—હણે છે; કમ્—કોને.
Translation
BG 2.21: હે પાર્થ! જે જાણે છે કે આત્મા અવિનાશી, શાશ્વત, અજન્મા અને અચળ છે, એ કોઈને કેવી રીતે હણી શકે અથવા તો કેવી રીતે કોઈને હણવાનું કારણ બની શકે?
વાસાંસિ જીર્ણાનિ યથા વિહાય
નવાનિ ગૃહ્ણાતિ નરોઽપરાણિ ।
તથા શરીરાણિ વિહાય જીર્ણા-
ન્યન્યાનિ સંયાતિ નવાનિ દેહી ॥ ૨૨॥
વાસાંસિ—વસ્ત્રો; જીર્ણાનિ—ઘસાયેલાં; યથા—જેવી રીતે; વિહાય-તજીને; નવાનિ-નવાં વસ્ત્રો; ગૃહણાતિ—ગ્રહણ કરે છે; નર:—મનુષ્ય; અપરાણિ—બીજાં; તથા—તેવી રીતે; શરીરાણિ—શરીરને; વિહાય—તજીને; જીર્ણાનિ—ઘસયેલાં; અન્યાનિ—બીજાં; સંયાતિ—સ્વીકારે છે; નવાનિ—નવાં; દેહી—દેહધારી આત્મા.
Translation
BG 2.22: જેવી રીતે મનુષ્ય જૂનાં વસ્ત્રો ત્યજીને નવાં વસ્ત્રો ધારણ કરે છે, તેવી રીતે મૃત્યુ સમયે આત્મા વૃદ્ધ તથા નકામું શરીર ત્યજીને નવું ભૌતિક શરીર ધારણ કરે છે.
નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ નૈનં દહતિ પાવકઃ ।
ન ચૈનં ક્લેદયન્ત્યાપો ન શોષયતિ મારુતઃ ॥ ૨૩॥
ન—નહીં; એનમ્—આ આત્માને: છિન્દન્તિ—ટુકડે ટુકડા કરી શકે છે; શસ્ત્રાણિ—શસ્ત્રો; ન—નહીં; એનમ્—આ આત્માને; દહતિ—બાળી શકે છે; પાવક:—અગ્નિ; ન—નહીં; ચ—અને; એનમ્—આ આત્માને; ક્લેદયન્તિ—ભીંજવી શકે છે; આપ:—જળ; ન—કદી નહીં; શોષયતિ—સૂકવે છે; મારુત:—પવન.
Translation
BG 2.23: આ આત્માને શસ્ત્રોથી છેદી શકાતો નથી કે અગ્નિથી બાળી શકાતો નથી. જળ તેને ભીંજવી શકતું નથી, કે પવન તેને સૂકવી શકતો નથી.
અચ્છેદ્યોઽયમદાહ્યોઽયમક્લેદ્યોઽશોષ્ય એવ ચ ।
નિત્યઃ સર્વગતઃ સ્થાણુરચલોઽયં સનાતનઃ ॥ ૨૪॥
અચ્છેદ્ય—અતૂટ; અયમ્—આ આત્મા; અદાહ્ય—બાળી ન શકાય એવો; અયમ્—આ આત્મા; અક્લેદ્ય:—ભીંજવી શકાય નહીં એવો; અશોષ્ય:—સૂકવી શકાય નહીં તેવો; એવ—નક્કી; ચ—અને; નિત્ય—ચિરસ્થાયી; સર્વગત:—સર્વવ્યાપી; સ્થાણુ:—અપરિવર્તનશીલ; અચલ:—સ્થિર; અયમ્—આ આત્મા; સનાતન:—સદા નિત્ય.
Translation
BG 2.24: આ આત્મા અખંડ અને અદાહ્ય છે, તેને ભીંજવી શકાતો નથી કે સૂકવી શકાતો નથી. તે ચિરસ્થાયી, સર્વવ્યાપક, અટલ, અચળ અને સનાતન છે.
અવ્યક્તોઽયમચિન્ત્યોઽયમવિકાર્યોઽયમુચ્યતે ।
તસ્માદેવં વિદિત્વૈનં નાનુશોચિતુમર્હસિ ॥ ૨૫॥
અવ્યક્ત:—અદૃશ્ય; અયમ્—આ આત્મા; અચિંત્ય:—અચિંત્ય; અયમ્—આ આત્મા; અવિકાર્ય:—અપરિવર્તનશીલ; અયમ્—આ આત્મા; ઉચ્યતે—કહેવાય છે; તસ્માત્—આ માટે; એવમ્—આ પ્રમાણે; વિદિત્વા—જાણીને; એનમ્—આ આત્માને; ન—નહીં; અનુશોચિતમ્—શોક કરવા; અર્હસિ—યોગ્ય છે.
Translation
BG 2.25: આ આત્માને અદૃશ્ય, અચિંત્યઅને અપરિવર્તનશીલ કહેવામાં આવ્યો છે. આ જાણ્યા પછી તારે શરીર માટે શોક કરવો ના જોઈએ.
અથ ચૈનં નિત્યજાતં નિત્યં વા મન્યસે મૃતમ્ ।
તથાપિ ત્વં મહાબાહો નૈવં શોચિતુમર્હસિ ॥ ૨૬॥
અથ—જો, છતાં પણ; ચ—અને; એનમ્—આ આત્મા; નિત્યજાતમ્—સદા જન્મ લેનારો; નિત્યમ્—હંમેશા; વા—અથવા; મન્યસે—તું એવું માનીશ; મૃતમ્—મૃત; તથા અપિ—તો પણ; ત્વમ્—તું; મહા-બાહો—બળવાન ભુજાઓવાળો; ન—નહીં; એનમ્—આ આત્મા; શોચિતુમ્—શોક કરવા; અર્હસિ—યોગ્ય છે.
Translation
BG 2.26: જો, આમ છતાં, તું એમ વિચારતો હોય કે આત્મા સદા જન્મે છે અને સદા માટે મૃત્યુ પામે છે, તો પણ તારે શોક કરવાનું કોઈ કારણ નથી.
જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુર્ધ્રુવં જન્મ મૃતસ્ય ચ ।
તસ્માદપરિહાર્યેઽર્થે ન ત્વં શોચિતુમર્હસિ ॥ ૨૭॥
જાતસ્ય—જન્મેલાનું; હિ—નક્કી; ધ્રુવ:—નિશ્ચિત; મૃત્યુ:—મૃત્યુ; ધ્રુવમ્—નિશ્ચિત છે; જન્મ—જન્મ; મૃતસ્ય—મરેલાનો; ચ—અને; તસ્માત્—માટે; અપરિહાર્યે અર્થે—જે નિવારી શકાય એમ નથી તે બાબતે; ન—નહીં; ત્વમ્—તું; શોચિતુમ્—શોક; અર્હસિ—પાત્ર છે.
Translation
BG 2.27: જેણે જન્મ લીધો છે, તેનું મરણ નિશ્ચિત છે અને જે મૃત્યુ પામે છે, તેનો પુનર્જન્મ પણ અનિવાર્ય છે. તેથી, જે અનિવાર્ય છે તે અંગે તારે શોક ન કરવો જોઈએ.
અવ્યક્તાદીનિ ભૂતાનિ વ્યક્તમધ્યાનિ ભારત ।
અવ્યક્તનિધનાન્યેવ તત્ર કા પરિદેવના ॥ ૨૮॥
અવ્યક્ત-આદીનિ—જન્મ પહેલાં અપ્રગટ; ભૂતાનિ—સર્જિત પ્રાણીઓ; વ્યક્ત—પ્રગટ; મધ્યાનિ—મધ્યમાં; ભારત—અર્જુન, ભરતવંશી; અવ્યક્ત—અપ્રગટ; નિધનાનિ—મૃત્યુ સમયે; એવ—ખરેખર; તત્ર—તેથી; કા—શા માટે; પરિદેવના—શોક.
Translation
BG 2.28: હે ભરતવંશી! બધાં જીવો જન્મ પૂર્વે અપ્રગટ હોય છે, જીવન દરમ્યાન પ્રગટ થાય છે અને મૃત્યુ સમયે પુન: અપ્રગટ થઈ જાય છે. તો શોક શા માટે?
આશ્ચર્યવત્પશ્યતિ કશ્ચિદેનમ્-
આશ્ચર્યવદ્વદતિ તથૈવ ચાન્યઃ ।
આશ્ચર્યવચ્ચૈનમન્યઃ શૃણોતિ
શ્રુત્વાપ્યેનં વેદ ન ચૈવ કશ્ચિત્ ॥ ૨૯॥
આશ્ચર્યવત્—આશ્ચર્યકારક; પશ્યતિ—જુએ છે; કશ્ચિત્—કોઈ; એનમ્—આ આત્મા; આશ્ચર્યવત્—આશ્ચર્યકારક; વદતિ—કહે છે; તથા—તે રીતે; એવ—નિશ્ચિત; ચ—અને; અન્ય:—બીજો; આશ્ચર્યવત્—આશ્ચર્યકારક; ચ—પણ; એનમ્—આ આત્મા; અન્ય:—બીજા; શ્રુણોતિ—સાંભળે છે; શ્રુત્વા—સાંભળીને; અપિ—પણ; એનમ્—આ આત્મા; વેદ—જાણે છે; ન—નહીં; ચ—અને; એવ—નિશ્ચિત; કશ્ચિત્—કોઈ.
Translation
BG 2.29: કેટલાક લોકો આત્માને આશ્ચર્ય તરીકે જુએ છે, કેટલાક તેનું આશ્ચર્ય તરીકે વર્ણન કરે છે અને કેટલાક તેના વિષે આશ્ચર્ય તરીકે સાંભળે છે, જયારે બીજા તેના વિષે સાંભળ્યા પછી પણ, તેને લેશમાત્ર સમજી શકતા નથી.
દેહી નિત્યમવધ્યોઽયં દેહે સર્વસ્ય ભારત ।
તસ્માત્સર્વાણિ ભૂતાનિ ન ત્વં શોચિતુમર્હસિ ॥ ૩૦॥
દેહી—આત્મા જે શરીરમાં રહે છે: નિત્યમ્—શાશ્વત; અવધ્ય:—વધ ન કરી શકાય એવો, અવિનાશી; અયમ્—આ આત્મા; દેહે—શરીરમાં; સર્વસ્ય—બધાના; ભારત—ભરતવંશી, અર્જુન; તસ્માત્—તેથી; સર્વાણિ—બધાં; ભૂતાનિ—જીવો; ન—નહીં; ત્વમ્—તું; શોચિતુમ્—શોક કરવા માટે; અર્હસિ—યોગ્ય છે.
Translation
BG 2.30: હે અર્જુન! શરીરમાં નિવાસ કરનારો આત્મા શાશ્વત અને અવિનાશી છે; તેથી તારે કોઈપણ જીવ માટે શોક કરવો જોઈએ નહીં.
સ્વધર્મમપિ ચાવેક્ષ્ય ન વિકમ્પિતુમર્હસિ ।
ધર્મ્યાદ્ધિ યુદ્ધાચ્છ્રેયોઽન્યત્ક્ષત્રિયસ્ય ન વિદ્યતે ॥ ૩૧॥
સ્વ-ધર્મમ્—વેદ નિર્ધારિત કર્તવ્ય; અપિ—પણ; ચ—અને; અવેક્ષ્ય—વિચારીને; ન—નહીં; વિકમ્પિતુમ્—વિચલિત થવું; અર્હસિ—જોઈએ; ધર્મ્યાત્—ધર્મને માટે; હિ—ખરેખર; યુધ્ધાત્—યુદ્ધ કરવા કરતાં; શ્રેય:—કલ્યાણ; અન્યત્—અન્ય; ક્ષત્રિયસ્ય—ક્ષત્રિયનું; ન—નહીં; વિદ્યતે—છે.
Translation
BG 2.31: તદુપરાંત, ક્ષત્રિય તરીકે તારા વિશિષ્ટ ધર્મને ધ્યાનમાં રાખીને, તારે વિચલિત થવું જોઈએ નહીં. ખરેખર તો, ક્ષત્રિય માટે ધર્મની રક્ષાના પ્રયોજન અર્થે યુદ્ધ કરવાથી વિશેષ ઉચિત ઉદ્યમ કોઈ નથી.
યદૃચ્છયા ચોપપન્નં સ્વર્ગદ્વારમપાવૃતમ્ ।
સુખિનઃ ક્ષત્રિયાઃ પાર્થ લભન્તે યુદ્ધમીદૃશમ્ ॥ ૩૨॥
યદૃચ્છવા—વણમાંગ્યુ; ચ—અને; ઉપપન્નમ્—પ્રાપ્ત થયેલ; સ્વર્ગ—સ્વર્ગલોકનું; દ્વારમ્—દ્વાર; અપાવૃતમ્—ઉઘડેલું; સુખિન:— બહુ સુખી; ક્ષત્રિય:—યોદ્ધા; પાર્થ—અર્જુન; પૃથાનો પુત્ર; લભન્તે —પ્રાપ્ત કરે છે; યુદ્ધમ્—યુદ્ધ; ઈદૃશમ્—આના જેવું.
Translation
BG 2.32: હે પાર્થ! એ યોદ્ધાઓ ધન્ય છે, જેમને ધર્મની રક્ષા માટેનાં આવા અવસરો અનાયાસે પ્રાપ્ત થાય છે, જે તેમના માટે સ્વર્ગલોકના પ્રવેશદ્વારો ઉઘાડી આપે છે.
અથ ચેત્ત્વમિમં ધર્મ્યં સંગ્રામં ન કરિષ્યસિ ।
તતઃ સ્વધર્મં કીર્તિં ચ હિત્વા પાપમવાપ્સ્યસિ ॥ ૩૩॥
અથ ચેત્—છતાં પણ,જો; ત્વમ્—તું; ઈમમ્—આ; ધર્મ્યમ્ સંગ્રામમ્—ધાર્મિક યુદ્ધ; ન—નહીં; કરિષ્યસિ—કરે; તત:—પછી; સ્વ-ધર્મમ્—વેદો અનુસાર મનુષ્યનું દાયિત્ત્વ; કીર્તિમ્—યશ; ચ—અને; હિત્વા—ગુમાવીને; પાપમ્—પાપ; અવાપ્સયસિ—પ્રાપ્ત કરીશ.
Translation
BG 2.33: આમ છતાં પણ, જો તું તારા સામાજિક કર્તવ્યનો ત્યાગ કરીને, આ ધર્મયુદ્ધ કરવાનો ઇનકાર કરીશ તો તને પાપનું ફળ અવશ્ય મળશે.
અકીર્તિં ચાપિ ભૂતાનિ
કથયિષ્યન્તિ તેઽવ્યયામ્ ।
સમ્ભાવિતસ્ય ચાકીર્તિ
ર્મરણાદતિરિચ્યતે ॥ ૩૪॥
અકીર્તિમ્—અપયશ; ચ—અને; અપિ—પણ; ભૂતાનિ—લોકો; કથયિષ્યન્તિ—કહેશે; તે—તારા; અવ્યયમ્—હંમેશને માટે; સમ્ભાવિતસ્ય—સન્માનપાત્ર વ્યક્તિ માટે; ચ—અને; અકીર્તિ:—અપયશ; મરણાત્—મૃત્યુથી પણ; અતિરિચ્યતે—વધારે હોય છે.
Translation
BG 2.34: લોકો તને કાયર અને પલાયનવાદી કહેશે. સન્માનપાત્ર વ્યક્તિ માટે, અપકીર્તિ મૃત્યુથી પણ વધારે ખરાબ છે.
ભયાદ્રણાદુપરતં મંસ્યન્તે ત્વાં મહારથાઃ ।
યેષાં ચ ત્વં બહુમતો ભૂત્વા યાસ્યસિ લાઘવમ્ ॥ ૩૫॥
ભયાત્—ભયથી; રણાત્—રણક્ષેત્રમાંથી; ઉપરતમ્—વિમુખ થયેલો; મંસ્યન્તે—માનશે; ત્વામ્—તને; મહારથા:—મહાન યોદ્ધાઓ કે જેઓ દસ હજાર સામાન્ય યોદ્ધાઓ સમાન બળ ધરાવતા હોય; યેષામ્—જેમને માટે; ચ—અને; ત્વમ્—તું; બહુમત:—અત્યંત આદરપાત્ર; ભૂત્વા—હોઈને; યાસ્યસિ—ગુમાવીશ; લાઘવમ્—તુચ્છ શ્રેણી.
Translation
BG 2.35: જે મહાન સેનાપતિઓ તારા મારે સમ્માનીય અભિપ્રાય ધરાવે છે, તેઓ માની લેશે કે ભયને કારણે તું રણક્ષેત્રમાંથી ભાગી છૂટયો છે અને એ રીતે તું એમનો તારા પ્રત્યેનો આદર ગુમાવી દઈશ.
અવાચ્યવાદાંશ્ચ બહૂન્વદિષ્યન્તિ તવાહિતાઃ ।
નિન્દન્તસ્તવ સામર્થ્યં તતો દુઃખતરં નુ કિમ્ ॥ ૩૬॥
અવાચ્ય-વાદાન્—કટુ વચનો; ચ—અને; બહુન્—ઘણાં; વદિષ્યન્તિ—કહેશે; તવ—તારા; અહિતા:—શત્રુઓ; નિન્દન્ત:—નિંદા કરતા; તવ—તારા; સામર્થ્યમ્—સામર્થ્યની; તત:—તેનાથી; દુ:ખતરમ્—વધારે દુ:ખદાયી; નુ—નિ:સંદેહ; કિમ્—શું.
Translation
BG 2.36: તારાં શત્રુઓ કટુ વચનોથી તારી અપકીર્તિ કરશે, અપમાનિત કરશે અને તારા સામર્થ્યની નિંદા કરશે. અરે, આનાથી વધારે દુ:ખદાયી બીજું શું હોઈ શકે?
હતો વા પ્રાપ્સ્યસિ સ્વર્ગં જિત્વા વા ભોક્ષ્યસે મહીમ્ ।
તસ્માદુત્તિષ્ઠ કૌન્તેય યુદ્ધાય કૃતનિશ્ચયઃ ॥ ૩૭॥
હત:—હણાઈ જવાથી; વા—અથવા; પ્રાપ્સ્યસિ—પ્રાપ્ત કરીશ; સ્વર્ગમ્—સ્વર્ગલોક; જીત્વા—જીતીને; વા—અથવા; ભોક્ષ્યસે—ભોગવીશ; મહીમ્—પૃથ્વીનું રાજ્ય; તસ્માત્—તેથી; ઉત્તિષ્ઠ—ઉભો થા; કૌન્તેય—અર્જુન, કુંતીપુત્ર; યુધ્ધાય—લડવા માટે; કૃત-નિશ્ચય—દૃઢ નિર્ધાર.
Translation
BG 2.37: જો તું યુદ્ધ કરીશ, તો કાં તો તું રણભૂમિ પર હણાઈ જઈશ અને સ્વર્ગ પ્રાપ્ત કરીશ અથવા તો તું વિજય પ્રાપ્ત કરીશ અને પૃથ્વીનું સામ્રાજ્ય ભોગવીશ. તેથી હે કુંતીપુત્ર! કૃતનિશ્ચયી થઈને ઊભો થા અને યુદ્ધ માટે તૈયાર થા.
સુખદુઃખે સમે કૃત્વા લાભાલાભૌ જયાજયૌ ।
તતો યુદ્ધાય યુજ્યસ્વ નૈવં પાપમવાપ્સ્યસિ ॥ ૩૮॥
સુખ—સુખ; દુ:ખે—દુ:ખમાં; સમે કૃત્વા—સમભાવ રાખીને; લાભ-અલાભૌ—લાભ તથા હાનિ; જય-અજયૌ—જય તથા પરાજય; તત:—તે પછી; યુદ્ધાય—યુદ્ધ માટે; યુજ્યસ્વ—વ્યસ્ત થાઓ; ન—કદી નહીં; એવમ્—એ રીતે; પાપમ્—પાપ; અવાપ્સ્યસિ—પ્રાપ્ત કરીશ.
Translation
BG 2.38: સુખ અને દુ:ખ, લાભ અને હાનિ, જય અને પરાજય, આ બધાં પ્રત્યે સમભાવ રાખીને, કર્તવ્યના પાલન ખાતર યુદ્ધ કર. આ પ્રમાણે તારાં કર્તવ્ય પાલન કરવાથી તને કદાપિ પાપ લાગશે નહીં.
એષા તેઽભિહિતા સાઙ્ખ્યે બુદ્ધિર્યોગે ત્વિમાં શ્રુણુ ।
બુદ્ધ્યા યુક્તો યયા પાર્થ કર્મબન્ધં પ્રહાસ્યસિ ॥ ૩૯॥
એષા:—અત્યાર સુધી; તે—તારે માટે; અભિહિતા—વર્ણવ્યું; સાંખ્યે—પૃથકકરણ અભ્યાસ દ્વારા; બુદ્ધિ: યોગે—બુદ્ધિયોગ દ્વારા; તુ—પરંતુ; ઈમામ્—આ; શ્રુણુ—સાંભળ; બુદ્ધ્યા—સમજ દ્વારા; યુક્ત:—યુક્ત; યયા—જેના વડે; પાર્થ—અર્જુન; પૃથાપુત્ર, કર્મ બન્ધનમ્—કર્મબંધન; પ્રહસ્યાસિ—તું મુક્ત થઇ શકીશ.
Translation
BG 2.39: અત્યાર સુધી, મેં સાંખ્ય યોગનું અર્થાત્ આત્માની પ્રકૃતિ અંગે પૃથકકરણાત્મક જ્ઞાનનું વર્ણન કર્યું છે. હે પાર્થ! હવે હું બુદ્ધિયોગ પ્રગટ કરું છે, તેને તું સાંભળ. જો તું આ જ્ઞાન સાથે કાર્ય કરીશ, તો તું કર્મોના બંધનમાંથી મુક્ત થઈ જઈશ.
નેહાભિક્રમનાશોઽસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે ।
સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત્ ॥ ૪૦॥
ન—નહીં; ઈહ—આમાં; અભિક્રમ—પ્રયત્નો; નાશ:—હાનિ; અસ્તિ—છે; પ્રત્યવાય:—વિપરીત પરિણામ, હ્રાસ; ન—નહીં; વિદ્યતે—છે; સુ-અલ્પમ્—થોડુંક;અપિ—પણ; અસ્ય—આ; ધર્મસ્ય—ધર્મનું; ત્રાયતે—મુક્ત કરે છે; મહત:—મહાન; ભયાત્—ભયમાંથી.
Translation
BG 2.40: આ ચેતન અવસ્થામાં રહીને કર્મ કરવાથી, હાનિ કે વિપરીત પરિણામ મળતાં નથી અને થોડાંક પ્રયત્નો પણ મહા ભયમાંથી બચાવી લે છે.
વ્યવસાયાત્મિકા બુદ્ધિરેકેહ કુરુનન્દન ।
બહુશાખા હ્યનન્તાશ્ચ બુદ્ધયોઽવ્યવસાયિનામ્ ॥ ૪૧॥
વ્યવસાય-આત્મિકા—દૃઢ સંકલ્પ; બુદ્ધિ:—બુદ્ધિ; એકા—એકજ; ઈહ—આ પથ પર; કુરુનંદન—કુરુના પુત્રો; બહુ-શાખા:—અનેક શાખાઓ; હિ—ખરેખર; અનન્તા:—અપાર; ચ—પણ; બુધ્ધય:—બુદ્ધિ; અવ્યવસાયિનામ્—દૃઢ સંકલ્પરહિત.
Translation
BG 2.41: હે કુરુનંદન, જે મનુષ્યો આ માર્ગનું અનુસરણ કરે છે તેઓની બુદ્ધિ દૃઢ સંકલ્પમાં સ્થિત હોય છે અને તેમનું ધ્યેય પણ એકમાત્ર જ હોય છે. જે મનુષ્યો દૃઢ સંકલ્પમાં સ્થિત નથી, તેઓની બુદ્ધિ અનેક શાખાઓમાં વિભક્ત રહે છે.
યામિમાં પુષ્પિતાં વાચં પ્રવદન્ત્યવિપશ્ચિતઃ ।
વેદવાદરતાઃ પાર્થ નાન્યદસ્તીતિ વાદિનઃ ॥ ૪૨॥
કામાત્માનઃ સ્વર્ગપરા જન્મકર્મફલપ્રદામ્ ।
ક્રિયાવિશેષબહુલાં ભોગૈશ્વર્યગતિં પ્રતિ ॥ ૪૩॥
યામ્ ઈમામ્—આ બધાં; પુષ્પિતામ્—અલંકારયુક્ત; વાચમ્—શબ્દો; પ્રવદન્તિ—બોલે છે; અવિપશ્ચિત:—સીમિત જ્ઞાન ધરાવતા મનુષ્યો; વેદ-વાદ-રતા:—વેદોના આલંકારિક શબ્દો પ્રત્યે અનુરક્ત; પાર્થ—અર્જુન, પૃથાપુત્ર; ન અન્યત્—બીજું કોઈ નહીં; અસ્તિ—છે; ઇતિ—એમ; વાદિન:—સમર્થન કરનારા; કામ-આત્માન્:—ઇન્દ્રિય સુખોની ઈચ્છાવાળા; સ્વર્ગ-પરા:—સ્વર્ગલોકની પ્રાપ્તિની લક્ષ્ય રાખનારા; જન્મ-કર્મ-ફળ—ઉત્તમ જન્મ અને ફળની ઈચ્છાથી યુક્ત કર્મ કરનારા; પ્રદામ્—પ્રદાન કરે છે; ક્રિયા-વિશેષ—આડંબરવાળા ઉત્સવો; બહુલામ્—વિવિધ; ભોગ—ઇન્દ્રિય તૃપ્તિ; ઐશ્વર્ય—ઐશ્વર્ય; ગતિમ્—પ્રગતિ; પ્રતિ—તરફ.
Translation
BG 2.42-43: અલ્પજ્ઞાની મનુષ્યો વેદોના આલંકારિક શબ્દો પ્રત્યે આકર્ષિત થાય છે, જેઓ સ્વર્ગલોક-પ્રાપ્તિ જેવી ઉન્નતિ માટે આડંબરી કર્મકાંડોનું સમર્થન કરે છે અને માને છે કે, વેદોમાં કોઈ ઉચ્ચ સિદ્ધાંતોનું વર્ણન નથી. તેઓ વેદોના કેવળ એ જ ભાગનું મહિમાગાન કરે છે, જે તેમની ઇન્દ્રિયોને સુખ આપે છ, અને ઉત્તમ જન્મ, ઐશ્વર્ય, ઇન્દ્રિયજન્ય સુખ, તેમજ સ્વર્ગલોકની પ્રાપ્તિ માટે ભપકાદાર કર્મકાંડી વિધિઓનાં અનુષ્ઠાનો કરે છે.
ભોગૈશ્વર્યપ્રસક્તાનાં તયાપહૃતચેતસામ્ ।
વ્યવસાયાત્મિકા બુદ્ધિઃ સમાધૌ ન વિધીયતે ॥ ૪૪॥
ભોગ—ભૌતિક સુખભોગ; ઐશ્વર્ય—ઐશ્વર્ય; પ્રસક્તનામ્—જેમનું મન અતિ આસક્ત છે; તયા—તેના દ્વારા; અપહૃત-ચેતસામ્—વિહવળ બુદ્ધિવાળા; વ્યવસાય-આત્મિકા—દૃઢ સંકલ્પયુક્ત; બુદ્ધિ:—બુદ્ધિ; સમાધૌ—નિયંત્રિત મન; ન—કદી નહીં; વિધીયતે—થાય છે.
Translation
BG 2.44: જેમનું મન સાંસારિક સુખો પ્રત્યે અતિ આસક્ત છે અને જેમની બુદ્ધિ આવા વિષયોથી ભ્રમિત થઈ ગઈ છે, તેઓ એ દૃઢ સંકલ્પ કરવા માટે અસમર્થ હોય છે, જે ભગવદ્-માર્ગ પર સફળ થવા માટે આવશ્યક છે.
ત્રૈગુણ્યવિષયા વેદા નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન ।
નિર્દ્વન્દ્વો નિત્યસત્ત્વસ્થો નિર્યોગક્ષેમ આત્મવાન્ ॥ ૪૫॥
ત્રૈ-ગુણ્ય—ભૌતિક પ્રકૃતિનાં ત્રણ ગુણો; વિષયા:—વિષયભોગો; વેદા:—વૈદિક ગ્રંથો; નિસ્ત્રૈ-ગુણ્ય:—ભૌતિક પ્રકૃતિના ત્રણેય ગુણોથી પર, ગુણાતીત; ભવ—થા; અર્જુન—અર્જુન; નિર્દ્વંધ:—દ્વૈતભાવથી રહિત; નિત્ય-સત્ત્વ-સ્થ:—સદા શુદ્ધ સત્યમાં સ્થિત; નિર્યોગક્ષેમ:—લાભ તથા રક્ષણના વિચારોથી રહિત; આત્માવાન્—આત્મામાં સ્થિત.
Translation
BG 2.45: વેદોમાં પ્રકૃતિના ત્રણ ગુણોનું વર્ણન થયું છે. હે અર્જુન! આ ત્રણેય ગુણોથી ઉપર ઉઠીને વિશુદ્ધ આધ્યાત્મિક ચેતનામાં સ્થિત થા. તારી જાતને દ્વૈતભાવથી મુક્ત કરી, શાશ્વત સત્યમાં સ્થિર કરી અને ભૌતિક લાભ તથા સુરક્ષાની ચિંતાથી રહિત થઈ, આત્મામાં સ્થિર થા.
યાવાનર્થ ઉદપાને સર્વતઃ સમ્પ્લુતોદકે ।
તાવાન્સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજાનતઃ ॥ ૪૬॥
યાવાન્—કંઈપણ; અર્થ:—હેતુ; ઉદપાને—પાણીના કૂવાથી; સર્વત:—સર્વથા; સમ્પ્લુત ઉદકે—મોટા જળાશયથી; તાવાન્—તે જ પ્રમાણે; સર્વેષુ—બધાં; વેદેષુ—વેદો; બ્રાહ્મણસ્ય—પરબ્રહ્મને જાણનારા; વિજાનત:—પૂર્ણ જ્ઞાની.
Translation
BG 2.46: જે જે હેતુઓ એક નાના કૂવાથી સરે છે તે બધા હેતુઓ કુદરતી રીતે, વિશાળ જળાશયોથી પરિપૂર્ણ થઈ જાય છે. બરાબર એ જ પ્રમાણે, જેણે પરમ સત્યનો સાક્ષાત્કાર કરેલો છે તેને માટે વેદોના સર્વ આશયો સિદ્ધ થઈ જાય છે.
કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન ।
મા કર્મફલહેતુર્ભૂર્મા તે સઙ્ગોઽસ્ત્વકર્મણિ ॥ ૪૭॥
કર્મણિ—નિર્ધારિત કર્મ; એવ—કેવળ; અધિકાર:—અધિકાર; તે—તારો; મા—કદી નહીં; ફલેષુ—ફળોમાં; કદાચન—ક્યારેય; મા—કદી નહીં; કર્મફલ—કર્મનું ફળ; હેતુ:—કારણ; ભૂ:—થાઓ; મા—કદી નહીં; તે—તારી; સંગ:—આસક્તિ; અસ્તુ—હોવી જોઈએ; અકર્મણિ—કર્મ ન કરવામાં.
Translation
BG 2.47: તને તારું નિયત કર્મ કરવાનો અધિકાર છે પરંતુ તને તારા કર્મોનાં ફળો પર અધિકાર નથી. તું કદાપિ પોતાની જાતને પોતાનાં કર્મોનાં ફળોનું કારણ માનીશ નહિ અને અકર્મણ્ય થવા પ્રત્યે પણ કદી આસક્ત થઈશ નહિ.
યોગસ્થઃ કુરુ કર્માણિ સઙ્ગં ત્યક્ત્વા ધનઞ્જય ।
સિદ્ધ્યસિદ્ધ્યોઃ સમો ભૂત્વા સમત્વં યોગ ઉચ્યતે ॥ ૪૮॥
યોગ-સ્થ:—યોગમાં સ્થિત; કુરુ—કર; કર્માણિ—કર્તવ્યો; સંગમ્—આસક્તિ; ત્યકત્વા—ત્યજીને; ધનંજય—હે અર્જુન; સિદ્ધિ-અસિદ્ધ્યો:—સફળતામાં કે નિષ્ફળતામાં; સમ:—સમતોલ; ભૂત્વા—થઈને; સમત્વમ્—સમતા; યોગ:—યોગ; ઉચ્યતે—કહેવાય છે.
Translation
BG 2.48: હે અર્જુન! સફળતા અને નિષ્ફળતાની સર્વ આસક્તિ ત્યજીને, તારા કર્મોના પાલનમાં સ્થિર થા. આવી સમતાને સમત્વ યોગ કહે છે.
દૂરેણ હ્યવરં કર્મ બુદ્ધિયોગાદ્ધનઞ્જય ।
બુદ્ધૌ શરણમન્વિચ્છ કૃપણાઃ ફલહેતવઃ ॥ ૪૯॥
દૂરેણ—દૂરથી જ ત્યજી દે; હિ—નક્કી; અવરમ્—નિકૃષ્ટ; કર્મ—ફળપ્રાપ્તિ અર્થે કરવામાં આવતું કાર્ય; બુદ્ધિયોગાત્—દિવ્યજ્ઞાનમાં સ્થિત બુદ્ધિ દ્વારા; ધનંજય—અર્જુન; બુદ્ધૌ—દિવ્યજ્ઞાન અને આંતરદૃષ્ટિ; શરણમ્—શરણાગતિ; અન્વિચ્છ—પ્રયત્ન કર; કૃપણ:—કંજૂસાઈથી; ફળ-હેતવ:—સકામ કર્મફળની ઈચ્છા રાખનારા.
Translation
BG 2.49: હે અર્જુન! દિવ્યજ્ઞાન અને આંતરદૃષ્ટિનું શરણ ગ્રહણ કરો; તેમજ આસક્તિ યુક્ત કર્મોનો ત્યાગ કરો, જે દિવ્યજ્ઞાનમાં સ્થિત બુદ્ધિથી કરવામાં આવેલા કર્મોથી નિશ્ચિતપણે નિકૃષ્ટ છે. તેઓ સંકીર્ણ મનોવૃત્તિ ધરાવે છે, જેઓ તેમના કર્મોના ફળોનું સુખ ભોગવવા ઈચ્છે છે.
બુદ્ધિયુક્તો જહાતીહ ઉભે સુકૃતદુષ્કૃતે ।
તસ્માદ્યોગાય યુજ્યસ્વ યોગઃ કર્મસુ કૌશલમ્ ॥ ૫૦॥
બુદ્ધિ યુકત:—બુદ્ધિથી યુક્ત; જહાતિ—થી મુક્ત થવું; ઇહ—આ જીવનમાં; ઉભે—બંને; સુકૃત-દુષ્કૃતે—સારાનરસા કર્મો; તસ્માત્—માટે; યોગાય—યોગ માટે; યુજ્યસ્વ—સંલગ્ન થવું; યોગ:—યોગ છે; કર્મસુ કૌશલમ્—બધાં કાર્યોમાં કૌશલ્ય.
Translation
BG 2.50: જેઓ વિચારપૂર્વક આસક્તિરહિત કર્મના વિજ્ઞાનનો અભ્યાસ કરે છે, તેઓ આ જ જીવનમાં સારાં ને ખરાબ બંને પ્રકારના પ્રતિભાવોથી મુક્ત થઈ જાય છે. તેથી યોગ માટે પ્રયાસ કર, જે (ઉચિત ચેતનામાં) કૌશલ્યપૂર્વક કર્મ કરવાની કળા છે.
કર્મજં બુદ્ધિયુક્તા હિ ફલં ત્યક્ત્વા મનીષિણઃ ।
જન્મબન્ધવિનિર્મુક્તાઃ પદં ગચ્છન્ત્યનામયમ્ ॥ ૫૧॥
કર્મજમ્—સકામ કર્મોને કારણે; બુદ્ધિયુક્તા:—સમબુદ્ધિ યુક્ત; હિ—નક્કી; ફલમ્—ફળ; ત્યકત્વા—ત્યજીને; મનીષિણ:—જ્ઞાની; જન્મ-બન્ધ-વિનિર્મુક્ત:—જન્મ મરણના બંધનમાંથી મુક્ત થયેલા; પદમ્—પદ ઉપર; ગચ્છન્તિ—જાય છે; અનામયમ્—ક્લેશરહિત.
Translation
BG 2.51: સમબુદ્ધિ યુક્ત જ્ઞાની પુરુષો કર્મફળ પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરે છે, જે વ્યક્તિને જન્મ-મરણના ચક્રમાં બાંધી દે છે. આ પ્રકારની ચેતનામાં સ્થિત રહીને કર્મ કરવાથી, તેઓ સર્વ દુ:ખોથી પર એવી અવસ્થા પ્રાપ્ત કરી લે છે.
યદા તે મોહકલિલં બુદ્ધિર્વ્યતિતરિષ્યતિ ।
તદા ગન્તાસિ નિર્વેદં શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ ॥ ૫૨॥
યદા—જયારે; તે—તારા; મોહ—ભ્રમ; કલિલમ્—ગાઢ જંગલ; બુદ્ધિ:—બુદ્ધિ; વ્યતિતરિષ્યતિ—પાર કરી જશે; તદા—ત્યારે; ગન્તા અસિ—તું પ્રાપ્ત કરીશ; નિર્વેદમ્—ઉદાસીન; શ્રોતવ્યસ્ય—જે હજી સાંભળવા યોગ્ય છે; શ્રુતસ્ય—સાંભળેલા; ચ—અને.
Translation
BG 2.52: જયારે તારી બુદ્ધિ મોહરૂપી ગાઢ જંગલને પાર કરી જશે, ત્યારે તું સર્વ સાંભળેલા તથા જે હજી સાંભળવા યોગ્ય છે, (આ સંસારના તેમજ પરલોકના સુખો) તે સર્વ પ્રત્યે તું ઉદાસીન થઈ જઈશ.
શ્રુતિવિપ્રતિપન્ના તે યદા સ્થાસ્યતિ નિશ્ચલા ।
સમાધાવચલા બુદ્ધિસ્તદા યોગમવાપ્સ્યસિ ॥ ૫૩॥
શ્રુતિ-વિપ્રતિપન્ના—વૈદિક જ્ઞાનના સકામ કર્મફળોથી પ્રભાવિત થયા વિના; તે—તારી; યદા—જયારે; સ્થાસ્યતિ—સ્થિર થશે; નિશ્ચલા—અચળ; સમાધૌ—દિવ્ય ચેતનામાં; અચલ—અવિચળ; બુદ્ધિ:—બુદ્ધિ; તદા—ત્યારે; યોગમ્—યોગ; અવાપ્સ્યસિ—તું પ્રાપ્ત કરીશ.
Translation
BG 2.53: જયારે તારી બુદ્ધિનું વેદોના આલંકારિક વિભાગો પ્રત્યેનું આકર્ષણ સમાપ્ત થઈ જશે અને તે દિવ્ય ચેતનામાં સ્થિત થઈ જશે, ત્યારે તું પૂર્ણ યોગની ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત કરીશ.
અર્જુન ઉવાચ ।
સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ ।
સ્થિતધીઃ કિં પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ્ ॥ ૫૪॥
અર્જુન: ઉવાચ—અર્જુને કહ્યું; સ્થિત-પ્રજ્ઞસ્ય—સ્થિર બુદ્ધિવાળી વ્યક્તિ; કા—કઈ; ભાષા—ભાષા; સમાધિસ્થસ્ય—દિવ્ય ચેતનામાં સ્થિત; કેશવ—શ્રીકૃષ્ણ, કેશી અસુરના સંહારક; સ્થિત-ધિ:—પ્રબુદ્ધ વ્યક્તિ; કિમ્—કેવી રીતે; આસિત—બેસે છે; વ્રજેત્—ચાલે છે; કિમ્—કેવી રીતે.
Translation
BG 2.54: અર્જુને કહ્યું: હે કેશવ! જેઓ સ્થિતપ્રજ્ઞ મનુષ્ય છે, તેઓની પ્રકૃતિ કેવી હોય છે? સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ કેવી રીતે વાત કરે છે? તે કેવી રીતે બેસે છે? તે કેવી રીતે ચાલે છે?
શ્રીભગવાનુવાચ ।
પ્રજહાતિ યદા કામાન્સર્વાન્પાર્થ મનોગતાન્ ।
આત્મન્યેવાત્મના તુષ્ટઃ સ્થિતપ્રજ્ઞસ્તદોચ્યતે ॥ ૫૫॥
શ્રી-ભગવાન ઉવાચ—પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા; પ્રજહાતિ—ત્યજી દે છે; યદા—જયારે; કામાન્—સ્વાર્થી વાસનાઓ; સર્વાન્—સર્વ પ્રકારની; પાર્થ—અર્જુન,પૃથાપુત્ર; મન:-ગતાન્—મનમાં ઉપજેલી; આત્મનિ—આત્માની શુદ્ધાવાસ્થામાં; એવ—કેવળ; આત્મના—વિશુદ્ધ મન વડે; તુષ્ટ:—સંતુષ્ટ; સ્થિતપ્રજ્ઞ:—સ્થિર બુદ્ધિવાળો; તદા—ત્યારે; ઉચ્યતે—કહેવાય છે.
Translation
BG 2.55: પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા: હે પાર્થ! જયારે મનુષ્ય સર્વ પ્રકારની સ્વાર્થી વાસનાઓનો તથા મનને યાતનાઓ આપનારી ઇન્દ્રિયજન્ય તૃષ્ણાઓનો પરિત્યાગ કરી દે અને આત્મ-સાક્ષાત્કારમાં સંતુષ્ટ થઈ જાય ત્યારે તે મનુષ્યને સ્થિતપ્રજ્ઞ કહી શકાય.
દુઃખેષ્વનુદ્વિગ્નમનાઃ સુખેષુ વિગતસ્પૃહઃ ।
વીતરાગભયક્રોધઃ સ્થિતધીર્મુનિરુચ્યતે ॥ ૫૬॥
દુ:ખેષુ—દુ:ખોમાં; અનુદ્વિગ્ન-મન:—મનમાં ઉદ્વેગ પામ્યા વિના; સુખેષુ—સુખોમાં; વિગત-સ્પૃહ:—સ્પૃહા રહિત થઈને; વીત—થી મુક્ત; રાગ—આસક્તિ; ભય—ભય; ક્રોધ:—ક્રોધ; સ્થિત-ધી:—પ્રબુદ્ધ મનવાળો; મુનિ:—સાધુ; ઉચ્યતે—કહેવાય છે.
Translation
BG 2.56: જે મનુષ્ય સંતાપોમાં વિચલિત થતો નથી, જે સુખો માટે લાલસા રાખતો નથી અને જે આસક્તિ, ભય તથા ક્રોધથી મુક્ત છે, તેને સ્થિર મનવાળો મુનિ કહેવાય છે.
યઃ સર્વત્રાનભિસ્નેહસ્તત્તત્પ્રાપ્ય શુભાશુભમ્ ।
નાભિનન્દતિ ન દ્વેષ્ટિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા ॥ ૫૭॥
ય:—જે; સર્વત્ર—સર્વ પરિસ્થિતિમાં; અનભિસ્નેહ:—સ્નેહ રહિત; તત્—તે; તત્—તે; પ્રાપ્ય—પ્રાપ્ત કરીને; શુભ—સારું; અશુભમ્—ખરાબ; ન—નહીં; અભિનન્દતિ—પ્રશંસા કરે છે; ન—કદી નહીં; દ્વેષ્ટિ—દ્વેષ કરે છે; તસ્ય—તેનું; પ્રજ્ઞા—જ્ઞાન; પ્રતિષ્ઠિતા—દૃઢ.
Translation
BG 2.57: જે મનુષ્ય સર્વ પરિસ્થિતિઓમાં આસક્તિરહિત રહે છે અને જે શુભતાથી હર્ષિત થતો નથી તથા આપત્તિઓથી દ્વેષયુક્ત થતો નથી, તે પૂર્ણ જ્ઞાનથી યુક્ત છે.
યદા સંહરતે ચાયં કૂર્મોઽઙ્ગાનીવ સર્વશઃ ।
ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેભ્યસ્તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા ॥ ૫૮॥
યદા—જયારે; સંહરતે—સંકેલી લે છે; ચ—અને; અયમ્—આ; કૂર્મ:—કાચબો; અંગાનિ—અંગો; ઈવ—જેમ; સર્વશ:—સર્વથા; ઇન્દ્રિયાણિ—ઇન્દ્રિયો; ઇન્દ્રિય-અર્થેભ્ય:—ઇન્દ્રિયોના વિષયોમાંથી; તસ્ય—તેની; પ્રજ્ઞા—દિવ્ય જ્ઞાન; પ્રતિષ્ઠિતા—સ્થિર.
Translation
BG 2.58: જેવી રીતે કાચબો તેનાં સર્વ અંગોને પોતાના કોચલામાં સંકેલી લે છે, તેવી રીતે જે મનુષ્ય પોતાની ઇન્દ્રિયોને વિષયભોગોમાંથી પાછી ખેંચી લે છે, તે દિવ્ય જ્ઞાનમાં સ્થિર થઈ જાય છે.
વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ ।
રસવર્જં રસોઽપ્યસ્ય પરં દૃષ્ટ્વા નિવર્તતે ॥ ૫૯॥
વિષય:—ઇન્દ્રિયભોગના વિષયો; વિનિવર્તન્તે—રોકવું; નિરાહારસ્ય—સ્વયંને દૂર રાખવાનો અભ્યાસ; દેહિન:—દેહધારી જીવ માટે; રસવર્જમ્—રસાસ્વાદનો ત્યાગ કરીને; રસ:—સ્વાદ; અપિ—જો કે; અસ્ય—તેનો; પરમ્—અત્યંત ઉત્કૃષ્ટ; દૃષ્ટ્વા—અનુભવીને; નિવર્તતે—નિવૃત્ત થાય છે.
Translation
BG 2.59: મુમુક્ષુઓ ઇન્દ્રિયોને તેના વિષયભોગોથી ભલે દૂર રાખે, પરંતુ ઇન્દ્રિયોના વિષયભોગમાં રસ તો અકબંધ રહે છે. જો કે, જેઓ પરમેશ્વરની અનુભૂતિ કરી લે છે, તેઓ માટે આ રસ સમાપ્ત થઇ જાય છે.
યતતો હ્યપિ કૌન્તેય પુરુષસ્ય વિપશ્ચિતઃ ।
ઇન્દ્રિયાણિ પ્રમાથીનિ હરન્તિ પ્રસભં મનઃ ॥ ૬૦॥
યતત:—સ્વ નિયંત્રણનો અભ્યાસ કરતાં; હિ—માટે; અપિ—તેમ છતાં; કૌન્તેય—અર્જુન, કુંતીપુત્ર; પુરુષસ્ય—મનુષ્યનો; વિપશ્ચિત:—વિવેકજ્ઞાન સભર; ઈન્દ્રિયાણિ—ઇન્દ્રિયો; પ્રમાથીનિ—ઉત્તેજિત; હરન્તિ—હરી લે છે; પ્રસભમ્—બળપૂર્વક; મન—મન.
Translation
BG 2.60: હે કુંતીપુત્ર અર્જુન! ઇન્દ્રિયો એટલી પ્રબળ અને અશાંત હોય છે કે, તે વિવેક પૂર્ણ જ્ઞાનથી સંપન્ન અને આત્મ-નિયંત્રણની સાધના કરતાં મનુષ્યના મનને પણ બળપૂર્વક હરી લે છે.
તાનિ સર્વાણિ સંયમ્ય યુક્ત આસીત મત્પરઃ ।
વશે હિ યસ્યેન્દ્રિયાણિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા ॥ ૬૧॥
તાનિ—તેમને; સર્વાંણિ—સમગ્ર; સંયમ્ય—વશમાં રાખીને; યુક્ત:—જોડાયેલા; આસીત—સ્થિત; મત્-પર:—મારા તરફ (શ્રી કૃષ્ણ); વશે—વશમાં; હિ—ખરેખર; યસ્ય—જેની; ઇન્દ્રિયાણિ—ઇન્દ્રિયો; તસ્ય—તેની; પ્રજ્ઞા—ચેતના; પ્રતિષ્ઠિતા–સ્થિર.
Translation
BG 2.61: જેમણે તેમની ઇન્દ્રિયોને વશમાં કરી લીધી છે અને મનને મારામાં તન્મય કરી દીધું છે, તેઓ પૂર્ણ જ્ઞાનમાં સ્થિત છે.
ધ્યાયતો વિષયાન્પુંસઃ સઙ્ગસ્તેષૂપજાયતે ।
સઙ્ગાત્સઞ્જાયતે કામઃ કામાત્ક્રોધોઽભિજાયતે ॥ ૬૨॥
ધ્યાયત:—વિચાર કરતાં; વિષયાન્—ઇન્દ્રિય વિષયોનો; પુંસ:—મનુષ્યની; સંગ:—આસક્તિ; તેષુ—તેને (ઇન્દ્રિય ભોગ); ઉપજાયતે—ઉત્પન થાય છે; સંગાત્—આસક્તિથી; સંજાયતે—વિકસિત થાય છે; કામ:—વાસના; કામાત્—કામમાંથી; ક્રોધ:—ક્રોધ; અભિજાયતે—પ્રગટ થાય છે.
Translation
BG 2.62: ઇન્દ્રિયવિષયોનું ચિંતન કરવાથી તેના પ્રત્યે આસક્તિ ઉત્પન્ન થાય છે. આસક્તિ કામના તરફ લઈ જાય છે અને કામનાથી ક્રોધ ઉત્પન્ન થાય છે.
ક્રોધાદ્ભવતિ સમ્મોહઃ સમ્મોહાત્સ્મૃતિવિભ્રમઃ ।
સ્મૃતિભ્રંશાદ્ બુદ્ધિનાશો બુદ્ધિનાશાત્પ્રણશ્યતિ ॥ ૬૩॥
ક્રોધાત્—ક્રોધથી; ભવતિ—થાય છે; સંમોહ:—મંદ નિર્ણયાત્મકતા; સમ્મોહાત્—મંદ નિર્ણયાત્મકતાથી; સ્મૃતિ—સ્મરણશક્તિ; વિભ્રમ:—મૂંઝવણ; સ્મૃતિ-ભ્રંશાત્—સ્મૃતિના મોહથી; બુદ્ધિ-નાશ:—બુદ્ધિનો નાશ; બુદ્ધિ-નાશાત્—બુદ્ધિના નાશથી; પ્રણશ્યતિ—મનુષ્ય પતન પામે છે.
Translation
BG 2.63: ક્રોધથી નિર્ણય લેવાની ક્ષમતા ક્ષીણ થાય છે, જેને કારણે સ્મૃતિભ્રંશ થાય છે. જયારે સ્મૃતિભ્રંશ થાય છે, ત્યારે બુદ્ધિ નષ્ટ થાય છે અને બુદ્ધિ નષ્ટ થવાથી મનુષ્યનો વિનાશ થઈ જાય છે.
રાગદ્વેષવિયુક્તૈસ્તુ વિષયાનિન્દ્રિયૈશ્ચરન્ ।
આત્મવશ્યૈર્વિધેયાત્મા પ્રસાદમધિગચ્છતિ ॥ ૬૪॥
રાગ—આસક્તિ; દ્વેષ—ઘૃણા; વિયુક્તૈ:—મુક્ત; તુ—પરંતુ; વિષયાન્—ઇન્દ્રિયના વિષયભોગ; ઇન્દ્રિયૈ:—ઇન્દ્રિયો વડે; ચરન્—ભોગવી રહેલો; આત્મ-વશ્યૈ:—પોતાના મનનું નિયમન; વિધેય-આત્મા—પોતાના મનનું નિયમન કરનાર; પ્રસાદમ્—ભગવાનની કૃપા; અધિગચ્છતિ—પામે છે.
Translation
BG 2.64: પરંતુ જે મનનું નિયમન કરે છે અને ઇન્દ્રિયના વિષયભોગનું સેવન કરતી વખતે પણ રાગ અને દ્વેષથી મુક્ત રહે છે તે ભગવાનની કૃપા પ્રાપ્ત કરે છે.
પ્રસાદે સર્વદુઃખાનાં હાનિરસ્યોપજાયતે ।
પ્રસન્નચેતસો હ્યાશુ બુદ્ધિઃ પર્યવતિષ્ઠતે ॥ ૬૫॥
પ્રસાદે—દિવ્ય કૃપા દ્વારા; સર્વ—બધાં; દુ:ખાનામ્—દુ:ખોનો; હાનિ:—નાશ; અસ્ય—તેનો; ઉપજાયતે—થાય છે; પ્રસન્ન-ચેતસ:—પ્રસન્ન મનવાળાની; હિ—ખરેખર; આશુ—તરત જ; બુદ્ધિ:—બુદ્ધિ; પર્યવતિષ્ઠતે—દૃઢપણે સ્થિર થઇ જાય છે.
Translation
BG 2.65: દિવ્ય કૃપાથી શાંતિ પ્રાપ્ત થાય છે, જેનાથી સર્વ દુ:ખોનો અંત આવી જાય છે. આવા શાંત મનવાળા મનુષ્યની બુદ્ધિ ભગવાનમાં દૃઢપણે સ્થિર થઇ જાય છે.
નાસ્તિ બુદ્ધિરયુક્તસ્ય ન ચાયુક્તસ્ય ભાવના ।
ન ચાભાવયતઃ શાન્તિરશાન્તસ્ય કુતઃ સુખમ્ ॥ ૬૬॥
ન—નહીં; અસ્તિ—છે; બુદ્ધિ:—બુદ્ધિ; અયુક્તસ્ય—જોડાયેલા નહિ; ન—નહીં; ચ—અને; અયુક્તસ્ય—ન જોડાયેલા; ભાવના—ચિંતન; ન—નહીં; ચ—અને; અભાવયત:—જે સ્થિર નથી તેને; શાંતિ:—શાંતિ; અશાન્તસ્ય—અશાંત મનુષ્યને; કુત:—ક્યાંથી; સુખમ્—સુખ.
Translation
BG 2.66: પરંતુ બિનઅનુશાસિત મનુષ્ય, જેનું મન તથા ઇન્દ્રિયો પર નિયંત્રણ નથી, તે ભગવાન પ્રત્યે ન તો દૃઢ બુદ્ધિ ધરાવે છે કે ન તો સ્થિર ચિંતન ધરાવે છે. જે મનુષ્યનું મન ભગવાનમાં જોડાયું નથી તેને ક્યાંય શાંતિ નથી; અને જેને શાંતિનો અભાવ છે, તે કેવી રીતે સુખી થઇ શકે?
ઇન્દ્રિયાણાં હિ ચરતાં યન્મનોઽનુવિધીયતે ।
તદસ્ય હરતિ પ્રજ્ઞાં વાયુર્નાવમિવામ્ભસિ ॥ ૬૭॥
ઇન્દ્રિયાણામ્—ઇન્દ્રિયોના; હિ—ખરેખર; ચરતામ્—ભ્રમણ; યત્—જેનું; મન:—મન; અનુવિધીયતે—સતત સંલગ્ન રહે છે; તત્—તે; અસ્ય—તેની; હરતિ—હરી લે છે; પ્રજ્ઞામ્—બુદ્ધિ; વાયુ:—પવન; નાવમ્—નૌકા; ઈવ—જેવી રીતે; અમ્ભસિ—પાણી ઉપર.
Translation
BG 2.67: જેવી રીતે, પ્રચંડ વાયુ પાણી પર તરતી નાવને તેના નિશ્ચિત ગમનની દિશામાંથી ઉથલાવી દે છે, તેવી રીતે, એક પણ ઇન્દ્રિય કે જેના પર મન કેન્દ્રિત થઈ જાય છે, તે મનુષ્યની બુદ્ધિ હરી લે છે.
તસ્માદ્યસ્ય મહાબાહો નિગૃહીતાનિ સર્વશઃ ।
ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેભ્યસ્તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા ॥ ૬૮॥
તસ્માત્—માટે; યસ્ય—જેની; મહા-બાહો—મહાન ભુજાઓવાળા; નિગૃહીતાનિ—સંયમિત; સર્વશ:—સર્વથા; ઇન્દ્રિયાણિ—ઇન્દ્રિયો; ઇન્દ્રિય-અર્થેભ્ય:—ઇન્દ્રિય વિષયોથી; તસ્ય—તેની; પ્રજ્ઞા—અલૌકિક જ્ઞાન; પ્રતિષ્ઠિતા—સ્થિર.
Translation
BG 2.68: તેથી હે મહાબાહુ અર્જુન! જે મનુષ્યની ઇન્દ્રિયો તેમના વિષયો પ્રત્યે સંયમિત થયેલી હોય છે, તે દૃઢપણે અલૌકિક જ્ઞાનમાં સ્થિત હોય છે.
યા નિશા સર્વભૂતાનાં તસ્યાં જાગર્તિ સંયમી ।
યસ્યાં જાગ્રતિ ભૂતાનિ સા નિશા પશ્યતો મુનેઃ ॥ ૬૯॥
યા—જે; નિશા—રાત્રિ; સર્વ—ભૂતાનામ્—સર્વ જીવોની; તસ્યામ્—તેમાં; જાગર્તિ—જાગતો રહે છે; સંયમી—આત્મસંયમી; યસ્યામ્—જેમાં; જાગ્રતિ—જાગતા હોય છે; ભૂતાનિ—જીવો; સા—તે; નિશા—રાત્રિ; પશ્યત:—જોવું; મુને:—મુનિ માટે.
Translation
BG 2.69: જેને સર્વ જીવો દિવસ માને છે, તે જ્ઞાની પુરુષો માટે અજ્ઞાનની રાત્રિ છે તથા જેને સર્વ જીવો રાત્રિ તરીકે જોવે છે, તે આત્મનિરીક્ષણ કરનારા મુનિઓ માટે દિવસ છે.
આપૂર્યમાણમચલપ્રતિષ્ઠં
સમુદ્રમાપઃ પ્રવિશન્તિ યદ્વત્ ।
તદ્વત્કામા યં પ્રવિશન્તિ સર્વે
સ શાન્તિમાપ્નોતિ ન કામકામી ॥૭૦॥
આપૂર્યમાણમ્—બધી દિશામાંથી બંધ; અચલ-પ્રતિષ્ઠમ્—અવિચલિત; સમુદ્રમ્—સમુદ્ર; આપ:—પાણી; પ્રવિશન્તિ—પ્રવેશે છે; યદ્વત્—જેવી રીતે; તદ્વત્—તેવી રીતે; કામા:—વાસનાઓ; યમ્—જેનામાં; પ્રવિશન્તિ—પ્રવેશે છે; સર્વે—બધાં; સ:—તે મનુષ્ય; શાન્તિમ્—શાંતિ; આપ્નોતિ—પ્રાપ્ત કરે છે; કામકામી—વાસનાઓની પૂર્તિ કરનાર મનુષ્ય.
Translation
BG 2.70: જેવી રીતે સમુદ્રમાં પ્રવેશતા સરિતાઓના જળના અવિરત પ્રવાહ છતાં સમુદ્ર વિચલિત થતો નથી, તેવી રીતે જે મનુષ્ય આસપાસ વાસનાઓનો નિરંતર પ્રવાહ હોવા છતાં અવિચલિત રહે છે: તેને શાંતિની પ્રાપ્તિ થાય છે, નહિ કે તે મનુષ્યને જે કામનાપૂર્તિ માટે મથ્યા કરે છે.
વિહાય કામાન્યઃ સર્વાન્પુમાંશ્ચરતિ નિઃસ્પૃહઃ ।
નિર્મમો નિરહઙ્કારઃ સ શાન્તિમધિગચ્છતિ ॥૭૧॥
વિહાય—છોડીને; કામાન્—સાંસારિક કામનાઓ; ય:—જે; સર્વાન્—સમસ્ત; પુમાન્—મનુષ્ય; ચરતિ—રહે છે; નિ:સ્પૃહ:—સ્પૃહાથી મુક્ત; નિર્મમ્—સ્વામિત્વની ભાવનાથી રહિત; નિરહંકાર:—અહંકાર રહિત; સ:—તે મનુષ્ય; શાન્તિમ્—પૂર્ણ શાંતિ; અધિગચ્છતિ—પામે છે.
Translation
BG 2.71: જે મનુષ્ય સર્વ માયિક કામનાઓનો પરિત્યાગ કરી દે છે અને લોભ, સ્વામિત્વ અને અહંકારની ભાવનાથી મુક્ત થઈને જીવે છે, તે પૂર્ણ શાંતિ પામે છે.
એષા બ્રાહ્મી સ્થિતિઃ પાર્થ નૈનાં પ્રાપ્ય વિમુહ્યતિ ।
સ્થિત્વાસ્યામન્તકાલેઽપિ બ્રહ્મનિર્વાણમૃચ્છતિ ॥૭૨॥
એષા:—આ; બ્રાહ્મી-સ્થિતિ:—ભગવદ્-પ્રાપ્ત અવસ્થા; પાર્થ—પૃથાપુત્ર, અર્જુન; ન—કદી નહીં; એનામ્—આને; પ્રાપ્ય—પામીને; વિમુહ્યતિ—મોહિત થાય છે; સ્થિત્વા—સ્થિત થઈને; અસ્યામ્—આમાં; અંત-કાલે—જીવનના અંત સમયે; અપિ—પણ; બ્રહ્મનિર્વાણમ્—માયાથી મુક્તિ; ઋચ્છતિ—પ્રાપ્ત થાય છે.
Translation
BG 2.72: હે પાર્થ! ભગવદ્-પ્રાપ્ત વ્યક્તિની આવી અવસ્થા હોય છે કે તેને પ્રાપ્ત કર્યા પશ્ચાત્ મનુષ્ય પુન: ભ્રમિત થતો નથી. મૃત્યુ સમયે પણ આ જ ચેતનામાં સ્થિત હોવાના કારણે મનુષ્ય જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે અને ભગવાનના પરમ ધામમાં પ્રવેશ પામે છે.
Comments
Post a Comment